
જગદીશ પટેલ
બ્રિટનમાં એક ગુજરાતણ માલિકો સામે જંગે ચડે તે વાત જ નવાઈની ! પરદેશમાં પહેલી પેઢીના ગુજરાતીઓ મોટા ભાગે વેપાર કરે, કારણ રંગભેદ અને ભાષા, સંસ્કૃતિને કારણે નોકરીઓમાં પત્તો પડે નહીં. નોકરીઓ કરનારા આપણા લોકોની સામાન્ય માનસિકતા સંગઠન કરી સંઘર્ષ દ્વારા પોતાના હિત અને અધિકારનું રક્ષણ કરવાની નહીં, પણ માલિકોને વફાદાર રહી, નીચી મૂંડીએ વૈતરું કર્યે રાખવાની હોય છે તેવી સામાન્ય છાપ છે. એ સંજોગોમાં છેક ૧૯૭૬માં જયાબહેને જે સંઘર્ષ કર્યો હતો, તેની વાતો ભારતમાં મારા સુધી પહોંચતી હતી અને એ સમાચાર જાણી હું બહુ પોરસાતો. ૧૯૯૨માં મારે બ્રિટન જવાનું થયું, ત્યારે ત્યાં અનેક મજૂર કાર્યકરોને મળ્યો. મેં જયાબહેનને મળવા અને તેમનું ઠામઠેકાણું મેળવવા પ્રયાસ કર્યા પણ કોઈ માહિતી મળી નહીં. તેથી તેમની મુલાકાત લીધા વિના જ પરત ફરવાનું થયું. આજે આટલાં વર્ષે ‘ઇંડિયન એક્સપ્રેસ’માં તેમના વિશેનો આ લેખ જોઈ આનંદ થયો. લેખનો મુક્ત અનુવાદ પ્રસ્તુત છે જ.
— જગદીશ પટેલ
•
જયાબહેન દેસાઈનું નામ ભારતીય મહિલાના ઇતિહાસમાં અથવા મહિલા દિવસ જેવા દિવસોના સંદર્ભમાં ભાગ્યે જ સાંભળવા મળે છે. પણ આ સામાન્ય દેખાતી, સાડી પહેરેલી મહિલાએ એક વાર લંડનની શેરીઓમાં ખળભળાટ મચાવ્યો હતો. બ્રિટનમાં વસેલા સ્થળાંતરિત નાગરિકોના જીવનમાં આ એક મહત્ત્વનો વળાંક હતો. ૧૯૭૬ના બ્રિટન માટે આકરા કહેવાય તેવા ઉનાળામાં, તે સમયે ૪૩ વર્ષીય જયાબહેને ઉત્તર લંડનની ‘ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરી’માંથી મજૂરોની હડતાલનું નેતૃત્વ કર્યું હતું. કામદારોનો આ વિરોધ કહો, ધરણાં કહો કે હડતાલ કહો, આગામી બે વર્ષ સુધી ચાલ્યો હતો, તેણે બ્રિટનમાં રાષ્ટ્રવ્યાપી મીડિયાને વર્ષો સુધી આકર્ષિત કર્યું હતું અને બ્રિટનના તત્કાલીન ટ્રેડ યુનિયનોનું સંપૂર્ણ હૃદયપૂર્વક સમર્થન મેળવનાર કોમનવેલ્થ દેશોમાંથી સ્થળાંતરિત કામદારોની પ્રથમ હડતાલ તરીકે ઇતિહાસનાં પુસ્તકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
જયાબહેન ૧૯૬૦ના દાયકાના અંતમાં અને ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં નવા સ્વતંત્ર થયેલા પૂર્વ આફ્રિકન દેશોની આફ્રિકીકરણ નીતિઓને કારણે બ્રિટન આવી જનારા દક્ષિણ એશિયાઈ દેશોના નાગરિકોના સમુદાયનો ભાગ હતાં. ૧૯૩૩માં ગુજરાતના ધર્મજ ખાતે જન્મેલાં જયાબહેને ૨૨ વર્ષની ઉંમરે ફેક્ટરી માલિક સૂર્યકાંત દેસાઈ સાથે લગ્ન કર્યાં અને તેમના પ્રથમ બાળકના જન્મ પછી આ દંપતી તાન્ઝાનિયા રહેવા ગયું.
સુંદરી અનીથા અને રૂથ પીયર્સને, પોતાના ૨૦૧૮માં પ્રકાશિત પુસ્તક ‘સ્ટ્રાઈકીંગ વિમેન’ માટે ગ્રુનવિક હડતાલનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના આ પુસ્તકમાં જણાવ્યું કે જયાબહેન અને તેમના મોટાભાગના સાથી હડતાલિયા કામદારો, ‘શહેરી, અંગ્રેજી ભણેલા અને મધ્યમ-વર્ગીય પૃષ્ઠભૂમિ’માંથી આવ્યાં હતાં.
તેઓ અત્યાર સુધી જે જીવન જીવતા હતાં તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં તેમને હવે કામ કરવાનું આવ્યું હતું. એશિયન દેશોમાંથી આવેલા નાગરિકોને અહીં ઓછા પગારની નોકરીઓ અને નીચા સામાજિક મોભાની નોકરીઓ સ્વીકારવી પડતી હતી. હેલન લુઈસ નામના પત્રકારે લખેલા પુસ્તક ‘ડીફીકલ્ટ વિમેન’(૨૦૨૦)માં જણાવ્યા મુજબ જયાબહેનની મધ્યમ વર્ગીય સામાજિક પૃષ્ઠભૂમિ અને પોતાની કિશોરવયમાં ભારતીય સ્વતંત્રતા આંદોલનના અનુભવને કારણે બ્રિટનના સ્થાનિક કામદારો અને એશિયન દેશોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો વચ્ચે કામને સ્થળે રોજિંદા જીવનમાં કરવામાં આવતા ભેદભાવને જયાબહેન પારખી શક્યાં.
જે ગ્રુનવિક કંપનીમાં જયાબહેન કામ કરતાં હતાં ત્યાં પહેલાં ગોરા-કાળા બધા કામદારોને કામ આપવામાં આવતું હતું પણ ધીમે ધીમે ત્યાં એશિયન દેશોમાંથી આવેલાં સ્થળાંતરિત મહિલા કામદારોની જ ભરતી કરવામાં આવતી, જેમને બહુ ઓછા પગારે (અઠવાડિક અને કલાક દીઠ) રાખવામાં આવતાં. ૧૯૭૬માં ગ્રુનવિકમાં ૫૦૦ કામદાર પૈકી મોટાભાગની એશિયન મહિલાઓ હતી, ખાસ કરીને મેઇલ ઓર્ડર ખાતા જેવા જ્યાં ભારે શારીરિક મજૂરી કરવાની હોય તેવા વિભાગોમાં તેમને કામ આપવામાં આવતું. હડતાલ પહેલાંના થોડા દિવસોનો રેકોર્ડ જોતાં જાણવા મળે છે કે આ બહેનો સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવતો. તેમને રેસ્ટરૂમ જવું હોય તો પણ પરવાનગી માગવી પડે, ફરજિયાત ઓવરટાઈમ કરાવવો, વગેરે.
અનીથા અને પીયર્સને પોતાના પુસ્તકમાં હડતાલના દિવસનું વર્ણન કર્યું છે. શુક્રવારનો દિવસ હતો, ૧૯૭૬ના ઓગસ્ટ મહિનાની ૨૦મી તારીખ. સપ્તાહના અંત પહેલાં પ્રોસેસ કરેલા ફોટોગ્રાફ્સ મોકલવા માટે પેઢી પર વધારાનું દબાણ હતું. દિવસના અંત સુધીમાં આઉટગોઈંગ મેઇલનાં ૧૩ ખોખાં છૂટાં પાડવાનું કામ પતાવી દેવા માટે કહેવામાં આવ્યું. એક વિદ્યાર્થી કામદારને લાગ્યું કે આ તો વધુ પડતું અને ગેરવાજબી કામ છે ત્યારે તેણે તેનો વિરોધ કર્યો. તેથી વાતાવરણ ગરમાયું. જ્યારે તેને બરતરફ કરવામાં આવ્યો ત્યારે અન્ય ત્રણ પુરુષ કામદારો પણ તેની સાથે તેના સમર્થનમાં બહાર નીકળી ગયા. જ્યારે જયાબહેને ઘરે જવાની તૈયારી કરવા માંડી, ત્યારે તે ઓવરટાઈમ કરશે કે કેમ તે અંગે મેનેજર સાથે ઝગડી પડ્યાં. ગુસ્સામાં ને ગુસ્સામાં તેમણે મેનેજરને કહ્યું, “સારું, તમે અહીં જે ચલાવો છો તે ફેક્ટરી નથી, તે પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા પ્રકારનાં પ્રાણીઓ છે. કેટલાંક એવાં છે જે તમે કહો તેમ નાચે છે; પણ કેટલાક એવા સિંહો છે જે તમારું માથું વાઢી શકે છે. અમે એવા સિંહો છીએ, મેનેજર સાહેબ.”
તકરાર પછી તરત જ, દેસાઈ અને તેમના પુત્ર સુનિલને, જે સ્ટાફનો ભાગ હતો, એક મેનેજરે ધીરે રહીને બહાર મોકલી આપ્યા. પરંતુ મેનેજર સાથે જયાબહેનને થયેલી જીભાજોડીની વાત ગ્રુનવિકના કામદારોમાં ફેલાઈ ગઈ. અને કામદારો એ શબ્દોનો ઉપયોગ વિરોધ દર્શાવવા કરવા લાગ્યા. પછીના થોડા દિવસોમાં, વિરોધ કરી રહેલા કામદારો ફેક્ટરીના દરવાજાની આસપાસ એકઠા થયા, અને પ્લેકાર્ડ લઈ ધરણાં કરવા લાગ્યા. પ્લેકાર્ડમાં લખેલું હતું, “ગ્રુનવિક એ પ્રાણી સંગ્રહાલય છે.” ગ્રુનવિકના ૫૦૦ કર્મચારીઓમાંથી ૧૩૭ કામદારો જયાબહેન સાથે જોડાતાં હડતાલને ઘણું બળ મળ્યું.
જો કે સમસ્યા એ હતી કે વિરોધ કરનારા કામદારોને ટ્રેડ-યુનિયનનો કોઈ અનુભવ નહોતો. તે સમયે યુનાઇટેડ કિંગ્ડમમાં મોટાં ટ્રેડ યુનિયનોમાં ગોરા પુરુષોનું વર્ચસ્વ હતું જેઓ પરંપરાગત ઉત્પાદન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા હતા. વિરોધ કરનારાઓએ નોકરીઓ ગુમાવી અને તેઓને કોઈ પણ પ્રકારની નાણાંકીય સુરક્ષા ન હતી. દેસાઈના પુત્ર સુનિલે સૌપ્રથમ મજૂર પક્ષના આગેવાન જેક ડ્રોમીનો સંપર્ક કર્યો, જેઓ તે સમયે બ્રેન્ટ ટ્રેડ્સ કાઉન્સિલના સેક્રેટરી હતા. તેમણે તેમને એપેક્સ યુનિયન સાથે સંપર્ક કરાવી આપ્યો. એપેક્સના સમર્થનને કારણે હડતાલિયા કામદારોને હડતાલનો પગાર અને કાનૂની સલાહ બંને મળ્યાં.
જેમ જેમ હડતાલ કરનારાઓને વ્યાપક મજૂર ચળવળમાંથી ટેકો મળવા માંડ્યો, તેઓએ તેમના પ્રતિનિધિમંડળને દેશભરનાં કાર્યસ્થળો પર ટેકો મેળવવા મોકલવાનું શરૂ કર્યું. લેવિસે લખ્યું છે, “સાડી પહેરેલી મહિલાઓ સ્ટીલ મિલો અને એન્જિનિયરિંગ ફેક્ટરીઓ અને કાર પ્લાન્ટ્સ અને ડોકયાર્ડ્સ પર પહોંચી.”
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની એક મુલાકાતમાં, સુંદરી અનીથાએ જણાવ્યું હતું કે, “આ હડતાલ અંગે તે સમયનાં પ્રતિભાશાળી માધ્યમોની રજૂઆતમાં આશ્ચર્યનું તત્ત્વ દેખાય છે. તે સમયે બ્રિટનમાં દક્ષિણ એશિયાની મહિલાઓની સામાન્ય છાપ નિષ્ક્રિય, દબાયેલી અને ઘરકામમાં સીમિત હોવાની હતી. કામદારો તરીકે પોતાના અધિકારો માટે સંઘર્ષ કરનાર કામદારોની છાપ તેમની ન હતી.”
વિરોધ તેના બીજા વર્ષમાં પ્રવેશ્યો ત્યાં સુધીમાં, તેને ૨૦,૦૦૦થી વધુ લોકોનું સમર્થન હતું. તેઓ ફેક્ટરીના દરવાજાની આસપાસ એકઠા થઈને બિન-હડતાળિયા કામદારોને પરિસરમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કરતા હતા. અનિથાએ સમજાવ્યું કે, “માધ્યમોમાં હડતાળિયા કામદારો અને તેમના સમર્થકોને તોફાનીઓ અને વિક્ષેપ પાડનારાઓ તરીકે ચીતરવામાં આવતા હતા.” યુનાઇટેડ કિંગ્ડમમાં ૧૯૩૦ના દાયકાથી જોયા ન હોય તેવા સ્તર પર પોલીસે કડક હાથે કામ લીધું અને હડતાલ કરનારાઓની ધરપકડ કરવામાં આવી.
જુલાઈ ૧૯૭૮ સુધીમાં સરકાર તેમના પર ચડી બેઠી અને વિરોધ કહેતાં હડતાલ પડી ભાંગી. મજૂર પક્ષ સત્તામાં હતો અને વડા પ્રધાન જેમ્સ કેલાહનને માટે આ હડતાલ ક્ષોભજનક હતી. તેમણે વિવાદનો ઉકેલ લાવવા ન્યાયાધીશ, લોર્ડ જસ્ટિસ સ્કેરમેનની નિમણૂક કરી. હડતાળિયા મજૂરો અને મેનેજેમેન્ટની જુબાનીઓ પછી, સ્કેરમેને ભલામણ કરી કે યુનિયનને માન્યતા આપવી જોઈએ. પરંતુ ગ્રુનવિકના માલિક, નવી દિલ્હીના એંગ્લો-ઇન્ડિયન જ્યોર્જ વોર્ડે આ ભલામણનો એમ કહીને વિરોધ કર્યો કે એ પોતે પણ સ્થળાંતરિત નાગરિક છે. મજૂર પક્ષની સરકારના દબાણ હેઠળ એપેક્સ યુનિયને હડતાલને આપેલું સમર્થન પાછું ખેંચ્યું. એટલું જ નહીં, હાઉસ ઓફ લોર્ડસ(આપણી રાજ્યસભા)એ યુનિયનને માન્યતા ન આપવાના માલિકના અધિકારને માન્ય રખ્યો.
હડતાલ ભલે નિષ્ફળ નિવડી, સ્થળાંતરિત મહિલા કામદારોના સંઘર્ષને કામદારો, અને સામાન્ય માણસોના વ્યાપક સમાજ દ્વારા જે ટેકો મળ્યો તે માટે તેને આજે પણ યાદ કરાય છે.
તે પછી જયાબહેને બીજે નોકરી કરી અને પછી હેરોની કૉલેજમાં શિક્ષક થયાં. ૨૦૧૦માં ૮૦ વર્ષની વયે તેમનું અવસાન થયું.
(આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘ઇંડિયન એક્સપ્રેસ’ના ૦૯/૩/૨૫ના અંકમાં પ્રગટ થયેલ અદ્રિજા રોય ચૌધરીના લેખને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 મે 2025; પૃ. 15-16