સરકારી સ્કૂલો, હોસ્પિટલો અને જાહેર વાહન વ્યવહારનું તંત્ર રેઢિયાળ હોય છે તે લોકોએ સ્વીકારી લીધું છે, પણ તેનાં ખાનગીકરણમાં લોકોનું હિત પ્રાથમિકતા ન હોય ત્યારે મધ્યમવર્ગ સૌથી વધુ હેરાન થાય છે.
ખાનગીકરણ કઇ સેવાઓનું કરવું તેનાં કરતાં કેટલી હદે કરવું એ પ્રશ્નનો ઉત્તર હોવો આવશ્યક છે.
એર ઇન્ડિયાનું ખાનગીકરણ ભારત સરકાર માટે પ્રાથમિકતા બની ચૂક્યું છે. રેવન્યુના મામલે સતત ખોટનાં વાદળોમાં ગોટે ચઢેલા એર ઇન્ડિયામાં ૨૦૧૨માં સરકારે ભંડોળ પૂર્યું હતું પણ હવે એનું તળિયું પણ દેખાવા માંડ્યું છે, હવે એર ઇન્ડિયાના ખાનગીકરણમાં વિલંબ કરાશે તો ફરી વાર ભંડોળનું ઇંધણ પૂરવું પડે એવી સ્થિતિ ખડી થઇ શકે છે જે સરકારને પોસાય એમ નથી. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે કંપનીનું વેચાણ સફળતાપૂર્વક થાય એ માટે સરકારે ધીરજ રાખવી રહી. અત્યારે જ્યારે રૂપિયાનું મૂલ્ય ઓછું છે ત્યારે આ વેચાણ અર્થતંત્ર માટે પણ બહુ ફાયદાકારક સાબિત નહીં થાય. છેલ્લા કેટલાક સમયથી ખાનગીકરણની ચર્ચાઓ વિવિધ ક્ષેત્રે ચાલી છે, તેમાં ય ખાસ કરીને ભારતીય રેલવેનો વહીવટ ખાનગી ઑપરેટર્સને આપવાની વાત થઇ છે ત્યારથી ખાનગીકરણનાં જોખમોની ચર્ચા પણ વહેતી થઇ છે. જાણીતા પત્રકાર વિનોદ દુઆએ પણ પોતાના એક વીડિયોમાં એવાં પ્રશ્નો કર્યા છે કે રેલવેને ખાનગી ઑપરેટર્સનાં હાથમાં આપવાની વાત થાય ત્યારે વિચાર આવે કે ટિકીટ, સ્ટેશનની જાળવણી, સિગ્નલ્સ કે પછી ડબ્બા અને એન્જિન જ્યાં બનશે ત્યાં બધે જ ખાનગી ભાગીદાર હશે કે કેમ? આમ તો આઇ.આર.સી.ટી.સી. જે એક કંપની છે અને સરકારી રેલવે તંત્રના ભાગ રૂપે જ કામ કરે છે તે ખાનગી વહીવટકર્તા જ છે. હવે ખાનગીકરણનો ઢોળ રેલવેના પાટે કેટલો ચઢાવાશે એ તો સરકાર જાણે. નીતિ આયોગ અને ભારતીય રેલવેએ કરેલી ચર્ચા અનુસાર ૧૦૦ રૂટ્સ પર ચાલતી ૧૫૦ ટ્રેઇન્સ ખાનગી ઑપરેટર્સને સોંપવાની વિચારણા થઇ રહી છે. ખાનગી વહીવટ હોય તો ટેક્નોલોજી, સવલતો, સર્વીસીઝ બધું બહેતર હશે તેવી વાત થઇ રહી છે. જો કે તેજસ એક્સપ્રેસમાં ગણતરીનાં દિવસો પહેલાં પીરસાયેલા બગડેલા ખોરાકને આ બાબત કદાચ લાગુ નહીં પડતી હોય! ખાનગીકરણ દેખાવમાં ભલે ગમે એટલું આકર્ષક હોય અંતે તે મધ્યમવર્ગની પીઠનો ભાર વધારનારું જ સાબિત થાય છે. અમેરિકા, બ્રિટન, આર્જેન્ટીના, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં રેલવેનું ખાનગીકરણ કર્યા પછી લોકોની માંગ, આંદોલનો, અકસ્માતો વગેરેને પગલે ફરી રેલવેનો વહીવટ સરકારે પોતાના હાથમાં લેવો પડ્યો છેની ઘટનાઓ બની જ છે.
ક્યાંક ખાનગીકરણનું કારણ ખોટ છે તો ક્યાંક વિસ્તાર વધારીને કમાવાની દાનત ખાનગી વહીવટકારોને આવકારનારી સાબિત થાય છે.
જ્યારે પણ જાહેર સાહસોનાં ખાનગીકરણની વાત આવે ત્યારે એક અભિગમ છે કે શા માટે ઘરનું ધન કોઇના હાથમાં સોંપવું? સરકારનું કામ બિઝનેસ સંભાળવું નથી એવું વિચારનારાઓ પણ છે તો એક દૃષ્ટિકોણ છે જ્યાં લોકોનું માનવું છે કે જ્યારે જાહેર સાહસ ખોટમાં ન હોય ત્યારે તેનું ખાનગીકરણ શા માટે કરવું? ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ત્રીજા પ્રશ્નમાં ફિટ થતું જાહેર સાહસ છે. આપણા દેશમાં તકલીફ ત્યાં છે કે જે માંદા સાહસો હોય અને જ્યાં ખાનગીકરણ અથવા તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જરૂરી છે ત્યાં તો એમ નથી થતું પણ શિક્ષણ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્યની સવલતોમાં ખાનગીકરણ થવા માંડે છે. શિક્ષણનું ખાનગીકરણ આપણે ત્યાં એ હદે થયું છે કે સરકારી નિશાળ કે શિક્ષણ સંસ્થાનોની હાલત વિષે કંઇ ટિપ્પણી કરવા જેવું રહ્યું નથી. બીજી તરફ બી.એસ.એન.એલ. – ભારત સંચાર નિગમ લિમિટેડ કે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ જેવા સાહસોની હાલત એર ઇન્ડિયા જેવી છે જ્યાં ખોટનો આંકડો રેવન્યુઝ કરતાં ઘણો મોટો છે. આવા સાહસોમાં બ્યુરોક્રેટ્સ નહીં પણ ટેક્નોક્રેટ્સની આવડત કામ લાગી શકે છે પણ એ કરવામાં આપણે પાછા પડીએ છીએ.
ખાનગીકરણનો વિકલ્પ સરકારે ત્યારે જ અપનાવવો જોઇએ જ્યારે જાહેર સાહસનો આર્થિક દેખાવ સરકાર માટે શરમજનક સાબિત થાય. સરકારને જેની કંગાળ હાલતની શરમ લાગવી જોઇએ તેવા જાહેર સાહસો ભગવાન ભરોસે, કર્મચારીઓનાં ભથ્થાં-પગાર વગેરેની ગેરહાજરીમાં મરવાને વાંકે ચાલ્યા કરે છે પણ જે સાચા અર્થમાં મધ્યમ વર્ગની જરૂરિયાત છે ત્યાં ખાનગીકરણનાં અજગરે કચકચાવીને ભરડો માર્યો છે. રાષ્ટ્રીયકૃત બેંકોની સ્થિતિ પણ આપણે અજાણ નથી.
અમેરિકા જેવી મહાસત્તાની વાત કરીએ તો આજે રાષ્ટ્ર આર્થિક રીતે વધુ સક્ષમ બન્યું છે પણ સમયાંતરે બદલાતાં રાજકીય સમીકરણોએ ઘણું બધું બદલી નાખ્યું છે. એક સમયે સરકાર નાગરિકોની નાની મોટી દરેક બાબતનો વહીવટ પોતાના હાથમાં જ રાખતી પણ કોર્પોરેશન્સનો પગપેસારો થતો ગયો અને આજે ખાનગી કોન્ટ્રાક્ટરોનો આંકડો બહુ જ મોટો છે. આ કોન્ટ્રાક્ટર્સ અફઘાનિસ્તાન, ઇરાકનાં યુદ્ધો લડવાથી માંડીને, કેદખાનાં, ઇમીગ્રેશન ડિટેન્શન ફેસિલિટીઝથી માંડીને આતંકવાદ સામે લડવાની સવલતો, કચરો ભેગો કરવાની કામગીરી સુદ્ધાં પૂરી પાડે છે. આજે આ ખાનગી કોન્ટ્રાક્ટર્સ નિયમો ઘડવામાં, ઊર્જા,વાહનવ્યવહાર,સ્વાસ્થ્યથી માંડીને પર્યાવરણને લગતી નીતિ બનાવવામાં પણ ભાગ લે છે. કરવેરા ભેગા કરવાનું કામ પણ તેમનું છે અને વહીવટી ખર્ચાઓ પર નજર રાખવાની જવાબદારી પણ તેમને માથે છે. ખાનગીકરણની તરફેણ થાય તે રીતે વિચારો પણ વહેતા મુકાય છે. સરકારી ખાતાઓનું અંદરખાને ખાનગીકરણ ચાલતું રહે છે જ્યાં સરકારી કર્મચારીઓનો છેદ ગમે ત્યારે ઉડી જાય એ રીતે નિયમો લાગુ કરાય છે. ટ્રમ્પની સરકારમાં આ પ્રક્રિયા ઘણી ઝડપી છે. ખાનગીકરણનાં ફાયદા હોઇ શકે છે અને હશે જ પણ સરકાર લોકશાહીને બદલે મૂડીવાદી લાગવા માંડે એ હદે નાગરિકોથી પર ન થઇ શકે. શેનું ખાનગીકરણ કરવું તેના કરતાં મોટો પ્રશ્ન છે કે કઇ રીતે, કેટલી હદે ખાનગીકરણ કરવું. યુરોપમાં પણ આવા સંજોગો ખડા થયાં જ છે.
અમેરિકા, યુરોપ કે ભારત હોય, ખાનગીકરણ ત્યારે જ સફળ જાય છે જ્યારે જાહેર સવલતોનાં વિકલ્પોમાં દમ નથી હોતો. શિક્ષણ, સ્વાસ્થ્ય અને વાહન વ્યવહાર સરકારી હોય છે ત્યારે તેમાં અવ્યવસ્થા અને ગુણવત્તાનાં પ્રશ્નો હોય છે પણ એ પ્રશ્નો ઉકેલી શકાય એમ હોય છે. માત્ર સરકારમાં એ દાનતની જરૂર હોય છે. પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવામાં જાહેર સેવાઓ વધારે સફળ રહે છે તથા સમાજમાં સમાનતા પણ વધે છે. ઓક્સફામે ૧૦૦ દેશોમાં કરેલા સરવે અનુસાર જાહેર સેવાઓને પગલે આર્થિક અસમાનતામાં પ્રભાવી રીતે ઘટાડો થાય છે અને ગરીબ અને તવંગર વચ્ચેની ખાઇ સાંકડી થાય છે તથા જીવન ધોરણ જાળવવામાં થતો ખર્ચ પણ ઘટે છે. જો કે જાહેર સેવાઓ સારી રીતે ચલાવવાનું નાણાં ભંડોળ ક્યાંથી લાવવુંનો પ્રશ્ન પણ કાયમી છે. પરંતુ જે સારી રીતે ચાલે છે, જે મજબૂત છે તેનો ટેકો લઇને માંદા ઉદ્યોગો, ક્ષેત્રો અને જાહેર સેવાઓમાં ચેતન પૂરી શકાય. જો કે ઝડપથી અર્થતંત્રને પાટે ચઢાવવાની લ્હાયમાં લોકોનું હિત પ્રાથમિકતા નથી રહેતું જે આપણી વ્યવસ્થાનો રસપ્રદ વિરોધાભાસ છે. મૂડીવાદ એ હદે ન પ્રસરવો જોઇએ કે લોકશાહી માત્ર નામની જ રહી જાય એ તકેદારી સમાજ, રાજકારણ અને અર્થંતંત્રના ભાગીદારોએ રાખવી રહી.
બાય ધી વેઃ
સરકારી કામગીરીના ફાળા કે અસરકારકતાને કેન્દ્રમાં રાખીને ખાનગીકરણ કરાય તો તેમાં કાચું કપાશે. સ્વાભાવિક છે કે સરકાર કામ નથી કરતી કે પહોંચી નથી વળતી એટલા માટે ખાનગીકરણ કરાતું હોય તો તે જાહેર હિત માટે સારી બાબત છે જ નહીં. જાહેર હિત માટે અનિવાર્ય વિશ્વસનિયતા અને સુસંગતતા ખાનગીકરણનાં દિશા દર્શક હોવા જોઇએ. જો કે આવું ત્યારે જ થઇ શકશે જ્યારે જનતાની માંગ અને હિત વહીવટી તંત્રની પ્રાથમિકતાની યાદીમાં સૌથી પહેલાં હશે. અંધાધૂંધ ખાનગીકરણ ભ્રષ્ટાચાર પણ વધારે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2020