અગત્યનું એ છે કે વક્ફમાં રાજકારણ અને ધર્મની ચોપાટ ન ખેલાય પણ માત્ર સાફ ચોખ્ખો વહીવટ થાય.

ચિરંતના ભટ્ટ
વક્ફ સુધારા બિલને લોકસભામાં મંજૂરી મળી અને ગુરુવારે રાજ્યસભામાં પણ નરેન્દ્ર મોદીના આ મહત્ત્વાકાંક્ષી બિલને પસાર કરવામાં આવ્યું. લોકસભામાં 288 સાંસદોએ બિલને ટેકો આપ્યો જ્યારે 232એ તેના વિરોધમાં મત આપ્યો અને રાજ્ય સભામાં વક્ફ બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. વક્ફના વિવાદનો ઇતિહાસ મોટો છે. ભા.જ.પા. સરકારે 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી ઘણીબધી બાબતોમાં રાતોરાત નિર્ણય લઇને ધરમૂળથી ફેરફાર કર્યા છે. આમ તો આ યાદી લાંબી છે પણ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જો દૂર કરાયા પછી કંઇક ચોંકાવનારું (આમ તો આ થવાનું હતું તેવી વકી હતી જ છતાં ય) અને ખાસ્સી એવી હલચલ પેદા કરનારું પગલું છે, વક્ફ સુધારા બિલને લોકસભામાં પસાર કરવું. આ મોટી હોળી છે જેમાં એક પછી એક વિચાર, વિવાદ, અભિપ્રાય, વિરોધી પ્રતિરોધી વિધાનોનાં નારિયેળો હોમાતા રહેશે.
વક્ફ બિલમાં આવેલા મોટા ફેરફારમાં મુખ્ય ત્રણ બાબતો છે – એક તો એ કે સંરક્ષિત સ્મારકોને વક્ફની સંપત્તિ ગણવામાં નહીં આવે. આ સંશોધન અનુસાર જે સંરક્ષિત સ્મારકો વક્ફની સંપત્તિ ગણાતા તે હવે વક્ફની નહીં પણ સરકારની સંપત્તિ કહેવાશે. કોઈપણ સંરક્ષિત સ્મારકને ભવિષ્યમાં પણ વક્ફમાં સામેલ નહીં કરાય. ઘણા રાજ્યોમાં થઇને લગભગ 200 જેટલા સ્મારક છે જે રાજ્ય સરકારની એજન્સી અથવા તો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા હેઠળ સંરક્ષિત છે, પણ તેને વક્ફની સંપત્તિ પણ ગણાય છે. હવે તે બધાં વક્ફની સંપત્તિ નહીં ગણાય અને આ સંરક્ષિત સ્મારકો પૂરી રીતે સરકાર હેઠળ ગણાવશે. વક્ફનો દાવો જેની પર છે એવા સંરક્ષિત સ્મારકોમાં દિલ્હીનો પૂરાના કિલા, કુતુબ મિનાર, સફદરજંગનો મકબરો અને હુમાયૂનો મકબરો પણ સામેલ છે – હવે આ દાવા ઠાલા થઇ જશે. બીજું એ કે આદિવાસી વિસ્તારની જમીનને વક્ફની સંપત્તિ જાહેર નહીં કરી શકાય. જે પણ વિસ્તાર આદિવાસી ક્ષેત્રમાં આવતો હશે ત્યાંની કોઈપણ સંપત્તિ વક્ફમાં સામેલ નહીં કરાય. સરકારનું કહેવું છે કે આ એટલા માટે કરાઈ રહ્યું છે જેથી આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે. ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે વક્ફ બોર્ડના જે પણ નિર્ણયો હશે તેની છણાવટ સરકારી સ્તરે થશે. વક્ફ બોર્ડનો જે પણ નિર્ણય હશે તેને લાગુ કરવો કે નહીં તેની વિચારણા થશે અને 45 દિવસની મુદ્દતમાં, સમીક્ષા અને ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે.

courtesy : Satish Acharya
આ મુખ્ય બાબતો છે એમ કહી શકાય બાકી ઘણા બીજા ફેરફાર છે. ભા.જ.પા.ના માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરેણ રિજીજૂએ એવી જાહેરાત કરી કે વક્ફ બિલનું નામ બદલીને “યૂનિફાઇડ વક્ફ મેનેજમેનેટ એમ્પાવરમેંટ, એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) બિલ” કરી દેવાશે. (આમ પણ નામ બદલવામાં ભા.જ.પા. સરકાર પહેલા નંબરે છે) રિજીજૂએ એ પણ કહ્યું કે કાઁગ્રેસના નેતૃત્વવાળી યૂ.પી.એ. સરકારે પાંચમી માર્ચ 2014ના રોજ 123 મહત્ત્વની સંપત્તિઓને વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરી દીધી હતી અને આ મૂળ તો લઘુમતિના મત મેળવવા કરાયું હતું, પણ છતાં ય કાઁગ્રેસ ચૂંટણી હારી ગઈ. રિજીજૂનું કહેવું હતું કે જો આ સુધારા બિલ રજૂ ન થયું હોય તો કાલે ઊઠીને આ સંસંદ ભવન પણ વક્ફની સંપત્તિ છે એવો દાવો કરાયો હોત. આ તરફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે વકફ મિલકત ખાનગી છે. જ્યારે આ કાયદા પછી, સરકાર તેને સરકારી મિલકત માની શકે છે. તેમનો દાવો છે કે દસ્તાવેજ વિના વકફ મિલકતોની નોંધણી થઈ શકતી નથી. અને જો નોંધણી નહીં હોય તો સરકાર તે મિલકતો છીનવી લેશે. આવું તો ઘણું બધું જુદા જુદા રાજકારણીઓએ કહ્યું અને આ દોર હજી થોડો વખત તો ચાલવાનો જ છે.
ભૂતકાળમાં વક્ફને કારણે મુસલમાનોને આર્થિક સામાજિક સેવાઓ અને મદદ મળ્યાં છે. પરંતુ હવે એ સરળતા નથી રહેવાની. એક અભિપ્રાય એ પણ છે કે આ બિલને કારણે યુનિફોર્મ સિવિલ કોડનું ઉલ્લંઘન થાય છે અને ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન મળે છે. અમુક ફેરફારો ખરેખર પ્રશંસનીય છે જેમ કે ઇસ્લામના કાયદાના નિષ્ણાતને વક્ફ ટ્રિબ્યુનલમાં પુનઃસ્થાપિત કરાયા છે, મુસ્લિમ મહિલાઓને પણ બોર્ડમાં રાખવાની વાત કરાઈ છે, વગેરે.

courtesy : Manjul
આખી વાત અંતે તો જમીન માલિકીની છે. વક્ફની પાસે અધધધ મિલકતો છે. આખા વિવાદની મધ્યે છે એવી 8.7 લાખ સંપત્તિઓ જે 9.4 એકરમાં ફેલાયેલી છે જેની પર વક્ફનો અધિકાર છે. વક્ફ – એ ઇસ્લામ ધર્મમાં ધાર્મિક કાર્ય માટે, દાન ધર્માદા એટલે કે સખાવતના કામ માટે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિને કહેવાય છે. એકવાર તમે તમારી એ સંપત્તિ ઇશ્વરને નામ કરી દીધી પછી તમે કે તમારી આવનારી પેઢીઓ સુધ્ધાં એની પર કોઇ દાવો ન કરી શકે. દેશમાં જમીન માલિકીને મામલે ત્રીજા નંબરે આવતા વક્ફ બોર્ડ પાસે આટલી બધી મિલકત છે પણ પૈસાને મામલે તો બોર્ડ ઠન ઠન ગોપાલ છે. વક્ફ બિલમાં આમ તો થોડાં વર્ષો પહેલાં જ સુધારા આવ્યા હતા. હવે જોવું એ રહ્યું કે કોર્ટ આખી બાબતને બંધારણીય રીતે કેવી રીતે નાણે છે અને શું સરકારને જાહેર નીતિની ઉદ્દેશની વાત કરે છે તેની સાથે તેનો તાલ બેસશે કે કેમ?
બીજી કોમોની ધાર્મિક સંપત્તિઓ કરતાં વક્ફની સંપત્તિ પર પર સરકારી નિયંત્રણ વધારે છે. સરકાર ધારે તો વક્ફ બોર્ડને આદેશ તો કરી જ શકે છે પણ તેની ઉપરવટ જઈને પણ કામ કરી શકે છે. વક્ફ બોર્ડને લગતા કાયદામાં આઝાદી પહેલાના સમયથી ફેરફાર આવતા રહ્યા છે કારણ કે તેની કામગીરીમાં વિશ્વસનિયતા અને પારદર્શિતા લાવી શકાય. આ બિલ બિન મુસલમાનોને વક્ફમાં દાન કરવાથી પ્રતિબંધિત કરે છે. નવા બિલની જોગવાઈ અનુસાર એવી જ વ્યક્તિ વક્ફને દાન આપી શકે જેણે સળંગ પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય. વક્ફ બોર્ડને મળતા યોગદાનનું પ્રમાણ સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયું છે. આ તમામ ફેરફારોને કારણે મિલકતના અધિકારોનું ઉલ્લંઘન થશે, ધાર્મિક સ્વતંત્રતાના પ્રશ્નો ખડા થશે અને તેની કામગીરી નબળી પડશે એવી શક્યતાઓ આ બિલના વિરોધીઓએ દર્શાવી છે.
આ તરફ અમિત શાહે લોકસભામાં કહ્યું કે જો 2013નો સુધારો પસાર ન થયો હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ન પડી હોત. કાઁગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકત વક્ફને આપી દીધી. અમિત શાહે કહ્યું, “2013માં, તુષ્ટિકરણ માટે રાતોરાત વક્ફને અતિક્રમી દેવાયું. હિમાચલ પ્રદેશમાં, વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી જમીન પર ગેરકાયદેસર મસ્જિદો બનાવવામાં આવી હતી. તામિલનાડુમાં, 1,500 વર્ષ જૂના મંદિરની જમીન વકફને આપવામાં આવી હતી. તેમણે કર્ણાટકની એક સમિતિનો રિપોર્ટ ટાંકીને કહ્યું કે વક્ફની 29,000 એકર જમીન વ્યવસાયી ઉપયોગ માટે આપી દેવાઈ હતી તો 2001થી 2012 વચ્ચે વક્ફની અંદાજે 2 લાખ કરોડની સંપત્તિ ખાનગી સંસ્થાનોને 100 વર્ષની લીઝ પર ભાડે આપી દેવાઈ છે. તામીલનાડુના 1,500 વર્ષ જૂના તિરુચેન્ડુર મંદિરે 400 એકર જમીન વક્ફને આપી દેવાઈ હતી તો પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ પાર્ક પર પણ વક્ફે દાવો કર્યો હતો. હરિયાણામાં ગુરુદ્વારાની જમીન પણ વક્ફે પોતાની સંપત્તિ તરીકે જાહેર કરી તો તેલંગાણામાં રૂપિયા 66,000 કરોડની 1,700 એકર જમીન વક્ફે ખોટી રીતે પચાવી પાડી હોવાનું પણ તેમણે કહ્યું. અમિત શાહના મતે ખ્રિસ્તિઓની સંપત્તિઓ પર પણ 2013ના વક્ફ બિલની અસર થઈ છે. 2025નું વક્ફ સુધારા બિલ જાહેર મિલકતનો બચાવ કરશે, ખોટો ઉપયોગ અટકાવશે અને ગરીબ મુસલમાનોને તેનાથી મદદ મળશે. વક્ફની જમીન ધર્મની છે પણ તેમાં જોડાયેલા લોકો ધાર્મિક હોય તે જરૂરી નથી અને માટે જ ભા.જ.પા. સરકારને મતે આ સંપત્તિઓના દુરુપયોગને અટકાવવા માટેના આ ફેરફાર છે.

courtesy : Sandeep Adhwaryu
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં એ વાત લખી હતી કે 2006ની સચ્ચર કમિટીના અહેવાલ અનુસાર વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેઓ 12,000 કરોડની આવક મેળવી શકે પણ એ દિશામાં કામ કરવાની કોઈને પડી નથી. કરોડોની સંપત્તિ એવા લોકો પાસે છે જેમણે પોતે પાંચ લાખની મિલકતની લે-વેચ પણ નથી કરી. વક્ફ બોર્ડના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ગરકાવ છે અને જમીન ઓછા ભાવે ભાડે આપવાથી માંડીને પોતાનો ધંધો ચાલુ કરી દેનારા લોકો ત્યાં બેઠા છે. આ જ સચ્ચર કમિટીના અહેવાલ મુજબ વક્ફની મિલકતમાં સરકારથી માંડીને ખાનગી ઠેકેદારોએ જમીન ગુપચાવી લીધી હોય એવા કિસ્સા પણ બન્યા છે અને આ પણ એક કારણ છે જેનાથી વક્ફની સંપત્તિથી આવક કમાવી મુશ્કેલ થઇ જાય. ગામડાંની સંપત્તિ આંતરિયાળ વિસ્તારોમાં હોય તો ત્યાં બીજી સમસ્યા હોય અને શહેરોમાં તો કોઇ પણ જમીન પર એકથી વધારે ગુંચવાડા હોવાના જ. જ્યાં વક્ફ બોર્ડમાં જવાબદાર અને પ્રામાણિક લોકો છે ત્યાં મામલાઓ કોર્ટમાં અટકેલા છે. ખાટલે મોટી ખોડ એ છે કે વક્ફની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થયો જ નથી. જો એમ થયું હોત તો માત્ર એક ધર્મના નહીં અન્ય ધર્મના લોકોને પણ ગરીબીમાંથી છૂટકારો મળી શકત.
બાય ધી વેઃ
આ મૂળ તો ધાર્મિક સ્વાયત્તતા અને સરકારના નિયંત્રણ વચ્ચેની લડાઈ છે. ટીકા કરનારાઓનું એમ પણ કહેવું છે કે માત્ર વક્ફ બોર્ડ પર જ આટલી ચાંપતી નજર છે, અન્ય ધર્મના બોર્ડ પર આવું કંઇ નથી કરાયું તો શું તે દેશની ધર્મ નિરપેક્ષતા પર જોખમ નહીં બને? એક રિપોર્ટ અનુસાર કયદા નિષ્ણાતોને ફિકર છે કે સરકારનું નિયંત્રણ હશે તો વક્ફનો ઉપયોગ મુસલમાનો માટે તો કોઈ કાળે નહીં થાય અને સરકાર પોતાના પ્રતિનિધિની નિમણૂંક કરી જમીનો પર કબજો મેળવી પોતાની મરજી મુજબ લોકોને જમીનો આપશે. વક્ફનો સી.ઇ.ઓ. પણ જો સરકાર નક્કી કરશે તો તેની કામગીરીમાં લોકશાહીનું તત્ત્વ નહીં રહે. જરૂરી તો એ છે કે વક્ફમાં રાજકારણ અને ધર્મની ચોપાટ ન ખેલાય પણ માત્ર સાફ ચોખ્ખો વહીવટ થાય. આમે ય ધર્મ અને રાજકારણ ભેગા થાય ત્યાં ભડકા જ થાય અને એમાં સંપત્તિ ભળે એટલે હોળી સળગવાની શક્યતાઓ વધી જાય. ભા.જ.પા. સરકારે સૂચવેલા ફેરફાર સાંભળવામાં તાર્કિક લાગે છે પણ જે કહેવાયું છે તે જ રીતે તે અમલમાં મુકાય તો આટલા મોટા નિર્ણયની હકારાત્મક અસરો જોવા મળશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઍપ્રિલ 2025