પરિવર્તન અને વિક્ષેપ ઝડપી હોય ત્યારે વિશ્વને સહિષ્ણુ, સમભાવી, વૈચારિક, સત્તા નહીં પણ વહીવટની અનિવાર્યતાને સમજી શકે એવા નેતા જ કામ લાગી શકે
૨૦૨૦નું વર્ષ શરૂ થાય અને આપણે એ.પી.જે. અબ્દુલ કલામને યાદ ન કરીએ એ શક્ય નથી કારણ કે એ દીર્ઘદ્રષ્ટા મિસાઇલ મેન મારફતે આપણને ‘વિઝન ૨૦૨૦’નો વિચાર મળ્યો હતો. ડૉ. કલામે શિક્ષણ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, આ બંન્ને પાસાં પર સૌથી વધારે ભાર મૂક્યો હતો. તેમના મતે કોઇ પણ રાષ્ટ્રનાં વિકાસ અને સમૃદ્ધિ માટે શિક્ષણ સૌથી અગત્યની બાબત છે. આઇ.ટી. ક્ષેત્રે આપણો વિકાસ સારી પેઠે થયો છે તો ટેક્નોલૉજીનો ઉપયોગ શિક્ષણ માટે થતો હોવાની શક્યતાઓ વાસ્તવિકતા બની ચૂકી છે. છતાં પણ કલામનાં ૨૦૨૦નાં વિઝનને સાકાર કરવા માટે આપણો વિકાસ દર એક દાયકા સુધી દસ ટકા હોવો જોઇએ. આ વિકાસ દરની તેજી પાછળ કૃષિ, ઉત્પાદન, ઉદ્યોગ અને ઊર્જાનાં ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન હોવું જોઇએ. હજી સુધી આપણા દેશે આ નિહાળ્યું નથી. આપણી નીતિઓ કરવેરા લક્ષી છે, સર્વાંગી, માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને નથી ઘડાયેલી. સરકારે જી.ડી.પી.નાં ત્રણ ટકા જેટલો હિસ્સો વિકાસ અને સંશોધન પાછળ આપવો પડે જે અત્યારે તો અંદાજે .૭૦ ટકા જેટલો જ છે. કલામે જે ભારતની ધારણા કરી હતી તેનાથી આપણા વિકાસની વાસ્તવિકતા સાવ જુદી છે. નક્કર વિકાસની વાત મૂકીને જો આપણે વૈચારિક અને રાજકીય દ્રષ્ટિએ જોઇએ તો આપણો દેશ અત્યારે અચાનક જ પરિવર્તનની ચક્કીમાં પિસાઇ રહ્યો હોય તેવી લાગણી થાય. બેફામ થઇ રહેલાં પરિવર્તનો, ધારણાથી વિશાળ વિરોધો, લોકોનાં માનસમાં નેતૃત્વને લઇને કાં તો નકરો અહંકાર અથવા તો અસંતોષ વગેરે આપણા દેશની અત્યારની વાસ્તવિકતાઓ છે. જ્યાં હકારાત્મક ફેરફારો થવા જોઇએ એ ચોક્કસ થઇ રહ્યાં છે પણ અરાજકતાનો ઘોંઘાટ બધું દાબી દે છે. જો કે આ માત્ર આપણા દેશની જ સ્થિતિ છે એમ નથી. આખી દુનિયામાં વિરોધ, આમ જનતાનો અવાજ અને સત્તાધીશો સામેનાં રોષનું બૅરોમિટર ઉપર જ જઈ રહ્યું છે.
વૈશ્વિક સંજોગોની વાત કરીએ તો બ્રિટનની બ્રેક્ઝીટ માટેની ઇચ્છા પરથી હંગામી ધોરણે અસ્પષ્ટતા ઘટી શકે તેમ છે. બોરીસ જ્હોન્સનને જે રીતે બ્રેક્ઝીટની ડીલની પુનઃરચના કરી છે તેને હાઉસ ઑફ કોમન્સનો ટેકો મળ્યો છે. આ મહિનાની ૩૧મી તારીખે ઔપચારિક રીતે બ્રેક્ઝીટ થઇ જશે તેવી વકી છે છતાં ય એમ માની લેવાની જરૂર નથી કે બ્રેક્ઝીટનો મુદ્દો અહીં અટકી જશે કારણ કે બ્રેક્ઝીટ થયા પછી બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે આર્થિક અને વ્યાપારી સંબંધો માટે વાટાઘાટ ચાલુ થશે. બીજી તરફ મહાસત્તા યુ.એસ.એ.માં નવેમ્બરમાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી થશે અને ડૉનાલ્ડ ટ્રમ્પનાં ઇમ્પીચમેન્ટ પછી અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ વધારે તીવ્ર થયું છે. સ્વાભાવિક છે કે રિપબ્લીકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચેનો સંઘર્ષ પણ વધશે. યુ.એસ.એ.ની ચૂંટણીનું પરિણામ માત્ર યુ.એસ.એ. જ નહીં પણ આખી દુનિયાનાં પરસ્પર સમીકરણો પર પ્રભાવ પાડનારું સાબિત થશે. ટ્રમ્પ માટે ફરી જીતવું કદાચ શક્ય હશે પણ સરળ નહીં હોય એ ચોક્કસ.
રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેનાં સંબંધો યુક્રેઇન ક્રાઇસિસનાં સમયથી એટલે કે, લગભગ પાંચ વર્ષથી યથાવત્ જ રહ્યા છે. યુ.એસ.એ. અને રશિયા વચ્ચેનાં મતભેદ ઉકેલવામાં સિરિયાનાં સંજોગો અને ઇરાનનો ન્યુક્લિઅર મુદ્દો જેવાં પ્રશ્નો આડખીલીની માફક ઊભાં જ છે. પુતીનને યુરોપ સાથે સંબંધ સુધારવામાં રસ છે. આ પરિસ્થિતિમાં તરત કોઇ ગરમાવો તો નહીં આવે પણ ક્યારેક થોડી ઘણી ઉષ્મા જોવા મળી શકે છે. વિશ્વનાં બીજા ખૂણે કોરિયન પેનિન્સૂલાની સ્થિતિ ૨૦૨૦માં પણ અણધાર્યી જ રહેશે એમ લાગે છે. ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑફ કોરિયાનાં કિમ જોંગ ઉન અને ટ્રમ્પ વચ્ચે બીજું સમિટ તો પૂર્ણ થયું છે અને તેઓ ફરી જૂનમાં મળવાનાં છે. અત્યાર સુધીની બેઠકો શાબ્દિક યુદ્ધમાં જ પૂરી થઇ છે પણ યુ.એસ.એ.ને પેનિન્સૂલાનો ન્યુક્લિઅરનો પ્રશ્ન ઉકેલવામાં રસ છે તેવી ઇરાદો સત્તાધીશે જાહેર કર્યો છે.
યુ.એસ.એ.ને આ વર્ષ ઘરે લગ્ન, એટલે કે ચૂંટણી હોવાને કારણે તે ઇરાન સાથે યુદ્ધ છેડે એવી શક્યતા તો નથી પણ મિડલ ઇસ્ટનાં દેશો પણ મહત્તમ દબાણ બનાવી રાખવામાં યુ.એસ.એ. પાછળ નહીં પડે. ઇરાન પાસે ન્યુક્લિઅર પ્રગતિ અને સ્ટ્રેઇટ ઑફ હોરમૂઝને અટકાવી દેવાનાં વિકલ્પો હોવાથી તે પોતાના અભિગમને જરા ય કાચો નહીં પડવા દે એ નક્કી. ઇરાન કેટલી ઝડપે ન્યુક્લિઅર પ્રવૃત્તિઓ પાછી શરૂ કરે છે, યુ.એસ.એ. મંજૂરીને મામલે કેટલો કડક થાય છે અને અમુક યુરોપિય દેશો મધ્યસ્થી તરીકે શું પગલાં લે છે તે બધું જ ઇરાનનાં ન્યુક્લિઅર મુદ્દા પર પ્રભાવ પાડનારું સાબિત થશે. વ્યાપારી દ્રષ્ટિએ વિશ્વમાં વૈશ્વિક મુક્ત વ્યાપારનું તંત્ર જોખમમાં છે, કારણ કે યુ.એસ.એ. પોતાનાં મહત્ત્વનાં વ્યાપારી ભાગીદારો સામે એક પક્ષીય પગલાં લીધાં છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને અન્ય સંસ્થાઓએ ૨૦૨૦માં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ મંદીનો અનુભવ કરશે તેવી આગાહી કરી છે.
અહીં જણાવેલી પરિસ્થિતિઓ અમુક દેખીતી બાબતોની યાદી છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. આખી દુનિયામાં આર્થિક અસ્થિરતા, ક્લાઇમેટ ચેન્જનાં પ્રશ્નો, ભૂખમરો, હાડમારી, ટેક્નોલૉજીકલ વિક્ષેપો અને માનવજાતનાં પાયામાં ક્યાંક પડેલી ઉધઇ બધું જ એક સાથે થઇ રહ્યું છે. જ્યારે કશું ધરમૂળથી બદલાવાનું હોય ત્યારે અંધાધૂંધ પરિસ્થિતિનાં એંધાણ વર્તાવા લાગે છે. ડેટા નવું નાણું છેનાં સમયમાં ઇસ્લામોફોબિયા વધી રહ્યો છે તો જે ઇસ્લામી દેશો પાસે તેલનાં ધનનું મજબૂત શસ્ત્ર છે એ રાતોરાત બુઠ્ઠું નહીં થાય એ પણ એક હકીકત છે. ઇતિહાસ તરફ નજર કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી લોકોએ માનસિકતા બદલીને સ્વનો વિચાર કરવાનું શરૂ કરી દીધું અને સાચા અર્થમાં વિશ્વમાં વિકાસ થયો. વૈશ્વિક સ્તરે નેતૃત્વની પેટર્નમાં પણ પરિવર્તન આવ્યું. જો કે વર્તમાન સંજોગોમાં ભારત હોય કે પછી આખું વિશ્વ, એવો પ્રશ્ન ચોક્કસ થાય કે આવનારા દાયકામાં આપણને કેવા નેતૃત્વની જરૂર હશે?
જાત પ્રત્યેની સભાનતા અત્યારનાં નેતૃત્વની માંગ છે. પોતાની ક્ષમતા અને ક્ષતિઓ અંગે પ્રામાણિક રહેવું, આત્મ નિયમનની તૈયારી હોવી, ટકી શકવા માટે જરૂરી ગ્રહણ શક્તિ હોવી એ આજનાં નેતામાં જરૂરી ગુણ છે. બદનસીબે વૈશ્વિક સ્તરે એકેય નેતામાં આ ગુણ નજરે નથી ચઢતાં. આજે ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં નેતાએ પોતાનાં નિર્ણય લેવામાં ત્વરીત રહેવું જરૂરી છે પણ પોતે બહુ બધું કરી શકે છે તે બતાડી દેવાની લ્હાયમાં ત્વરીત નિર્ણયો લેવાય ત્યારે શું થાય એ સમજવા માટે આપણે આપણાં દેશની હાલત પર નજર નાખી લેવી. આપણે ત્યાં ફેલાયેલી અરાજકતાનું એક કારણ એ પણ છે કે નેતૃત્વ પોતાના ઇરાદા અને મુદ્દાને સ્પષ્ટતાથી લોકો સુધી પહોંચાડતું નથી અથવા તો એમ કરવામાં સક્ષમ નથી. લોકો નહીં બોલે, લોકો ચલાવી લેશેની ધારણા કરવાનું આજના નેતૃત્વને પોષાય એમ નથી. ઊંચા અવાજે બોલવાથી, હાંસિયામાંના લોકોને નિશાના બનાવવાથી નેતૃત્વની શક્તિ નહીં વર્તાય, નવા દાયકાના નેતાએ લોકો માટે પ્રેરણાદાયી અને હકારાત્મક માનસિકતા ધરાવવી પડશે. નકારાત્મકાનું ઝનૂન લાંબો સમય ટકતું નથી તે નેતાઓએ સમજવું રહ્યું. સતત પરિવર્તનશીલ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે નેતાઓએ જાતને ‘અપડેટેડ’ રાખવી પડશે નહીંતર તેમની વાતો “રામાયણ કાળમાં આપણે ત્યાં વિમાનો ઊડતા હતા” પ્રકારની અવાસ્તવિક રહેશે અને એક સમય પછી આવનારી પેઢી તેમને ગંભીરતાથી લેવાનું ટાળશે. વિશ્વનાં અન્ય નેતાઓ સાથે મૈત્રીનો દેખાડો નહીં પણ વિશ્વાસુ સંબંધો અને રાષ્ટ્રના હિતમાં તેનો ઉપયોગ આજના સમય માટે અનિવાર્ય છે. વર્તમાન દાયકાનાં નેતૃત્વમાં બહુપરિમાણીય વિચારશીલતા પણ અનિવાર્ય છે પરંતુ માત્ર પોતાની સત્તાનો સ્વાર્થ જોનારા વૈશ્વિક નેતાઓ આ ગુણ વિકસાવવાનું જ ભૂલી જાય છે. વળી પ્રેસ કૉન્ફરન્સમાં ચૂપ રહેવાને બદલે નેતાઓએ પોતાને પુછાતાં સવાલોનાં પ્રામાણિક ઉત્તર આપવાની સંવેદનશીલતા વિકસાવવી પણ જરૂરી છે. નેતૃત્વ એ કોઇ પણ રાષ્ટ્રની છબીનાં ઘડતરમાં ફાળો આપનારી બાબત છે. આજનું નેતૃત્વ સત્તા ભૂખ્યું અને શક્તિ પ્રદર્શનમાં માનનારું છે, પછી એ વિશ્વનો કોઇપણ ખૂણો હોય. પરિવર્તન અને વિક્ષેપ બંન્ને જ્યારે ઝડપથી થઇ રહ્યાં હોય તેવા સમયમાં વિશ્વને સહિષ્ણુ, સમભાવી, વૈચારિક, સત્તા નહીં પણ વહીવટની અનિવાર્યતાને સમજી શકે તેવા નેતૃત્વની તાતી જરૂર છે.
બાય ધી વેઃ
અચોક્કસતા અને સંભાવનાઓથી ભરપૂર જણાતા આ દાયકામાં નેતૃત્વની ગુણવત્તા આવનારી પેઢીનું ભવિષ્ય ઘડનારી સાબિત થશે. વિશ્વભરમાં લોકો ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે, લોકોમાં અસંતોષની લાગણી વધારે પ્રબળ બની રહી છે, કટ્ટરતા પણ વધી છે પરંતુ સામાન્ય માણસને પોતાનો મુદ્દો સાચો સાબિત કરવા કરતાં પોતાની પ્રાથમિક જરૂરિયાતો બહેતર માહોલમાં પૂરી થઇ શકે તેમાં વધારે રસ છે. ચોખ્ખી હવા, બે ટંકનું ભોજન, શિક્ષણ, રોજગારી જેવી બાબતોને મહત્ત્વ આપનારો નેતા આજે ઝડપથી બદલાઇ રહેલા વિશ્વની જરૂરિયાત છે. વિશ્વ જેટલું સંકુલ બની રહ્યું છે, તેટલી જ સરળ નેતૃત્વની અનિવાર્યતા પ્રબળ બની રહી છે. સંકુલતા કે જટિલતા આસાન છે પણ સરળ વહીવટ બહુ જ અઘરો છે, આ વાસ્તવિક્તા આપણા આજના નેતાઓએ સમજવી રહી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2020
 ![]()

