લૉક ડાઉનના પહેલા જ પખવાડિયામાં, એપ્રિલ-૨૦૨૦માં, હું કોરોનાથી મરી ગયો હોવાની અફવા ઉડેલી. ભર બપોરે સ્વજનો-મિત્રોના ફોન આવવા શરૂ થયા. તેમાં કેટલાક તો એવા હતા, જેમની સાથે ઘણાં વરસોથી સંપર્ક નહોતો રહ્યો. મારા મૃત્યુની ખબર ખોટી છે અને હજુ હું જીવું છું, તે મારે કહેવાનું હતું. પછીથી તો આવું બીજી બે વાર થયું. પ્રથમ વેળા આ અફવા વિશે જાણીને હું હલબલી ગયેલો. છેલ્લાં એક બે વરસોમાં દવાખાનામાં થયેલા મૃત્યુના સાક્ષાત્કાર કરતાં આ જુદો જ અનુભવ હતો. પણ બીજી-ત્રીજી વખતની અફવાનું ખંડન કરતાં તો મને પણ મજા પડવા લાગેલી.
દવાખાના સાથે દરદી તરીકેનો મારો સંબંધ આમ તો મારા જન્મ જેટલો પુરાણો છે – ખાસ્સા છ દાયકાનો. જુલાઇ ૧૯૫૯ની એ મેઘલી સાંજ. મારી ઉંમર માંડ વીસેક દિવસની હતી. માની એ ચોથી સુવાવડ. માને સુવા રોગ થયેલો. એ દિવસોમાં જ એના આ નવજાત દીકરાને અચાનક આંચકી આવવી શરૂ થઈ. પૂર્વ અમદાવાદની કામદાર વસ્તીઓની ચાલીઓમાં, જ્યાં અમે રહેતાં હતાં તે રાજપુરમાં, કોઈ નામનો ય ડૉકટર કે દવાખાનું એ સમયે નહોતાં. સરકારી કે મ્યુનિસિપાલિટીના દવાખાનાનું ઠેકાણું નહોતું અને આંચકી બંધ થવાનું નામ લેતી નહોતી. છત્રીમાં અડધાં પલળતાં-બચતાં મા અને ‘બા’ (બાપાને અમે ‘બા’ કહેતા) મને બાજુની બિનદલિત વસ્તીના ગોમતીપુર ગામના ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયાં. પણ ઝાઝી રાહત ન થઈ. એટલે અડધી રાતે મને લઈ વાડીલાલ હૉસ્પિટલની રાહ પકડી. અમદાવાદની એ જમાનાની એક મોટી હૉસ્પિટલ એટલે વી.એસ. અંદરના દરદી તરીકે મને દાખલ કરીને સારવાર શરૂ થઈ. દવાખાનામાં એમ જ બેત્રણ દિવસ પસાર થઈ ગયા. ત્રીજી રાતે માને સપનામાં કાળકામા આવ્યાં. (એ પહેલા દિવસે કેમ નહીં આવ્યાં હોય!) એમણે માને હુકમ કર્યો કે મારી બાધા રાખ અને છોકરાને લઈને ઘરે જતી રહે. સારું થઈ જશે. સવારે ડિસ્ચાર્જ લઈ લીધો. ખરું કારણ તો કારમી ગરીબીના એ દિવસોમાં મારા મિલમજૂર બાપને મિલમાં દહાડા પાડવા ન પરવડે અને માથી વસ્તારી કુંટુંબ રેઢું મૂકી દવાખાને પડી ન રહેવાય એ હશે.
વાડીલાલથી ઘરે આવીને માએ નાળિયેર વધેર્યું. મારી બાબરી રાખવાની અને પાવાગઢ જઈ તે ઉતરાવવાની બાધા રાખી. કાળકામાની બાધા પછી ઝડપથી હું સાજો થઈ ગયો, એમ મા આજે ય સંભારે છે. ‘પાવલીમાં પાવાગઢ’ જઈ શકાય એવા સોંઘારતના એ દિવસોમાં મા-બા કદી પાવલીનો જોગ ન કરી શક્યાં અને મારી બાબરી ન ઉતરાવી શક્યાં. હું પાંચેક વરસનો થયો ત્યાં સુધી કાયમ સાજો-માંદો રહ્યા કરું. એટલે માએ કાળકા માને કગરીને માથે ચોટલી રાખી, વાળ ટૂંકા કરાવીને ઘરે જ બાધા કરી નાખી.
પાવાગઢ જવાની પાવલીનો જોગ થયો ત્યારે હું નાસ્તિક થઈ ગયેલો. એટલે પાવાગઢ જવાનું અને માએ રાખેલી કાળકામાની બાધા પૂરી કરવાનું કદી થયું જ નહીં. જો કે મેં માને વચન આપેલું કે જીવીશ ત્યાં સુધી પાવાગઢ નહીં જાઉં પણ તારી બાધા પૂરી કરવા વાળ તો નહીં જ ઉતરાવું. ઘરનાં બીજાં સભ્યો સાથે મા તો પછી પાવાગઢ જઈ આવી, પણ હું હજુ ય પાવાગઢ ગયો નથી. એટલે મારે માથે આજે ય બચપણના જ વાળ છે. હવે તો ઘણા વાળ ખરી પડ્યા છે અને મોટા ભાગના ધોળા થઈ ગયા છે. મરણ પાછળ વાળ ઉતરાવવામાં માનતો નથી. તેથી પણ બાબરી ઊતરી નથી. એટલે રુગ્ણાલયની યાદો અને બાબરિયા વાળ સાથે જીવ્યા કરું છું.
અડધી-પોણી જિંદગી જ્યાં પસાર થઈ છે તે રાજપુરની અબુકસાઈની ચાલીના ઘરમાં હું પંદરેક વરસનો થયો ત્યાં સુધી વીજળી નહોતી. નહાવા માટે નાવણિયું હતું. પણ ઘરે પાણીનો નળ નહોતો. વીસેકનો થયો ત્યાં સુધી ઘરે જાજરૂ નહોતું. ઘરને કોઈ બારી નહીં અને ગંદકીનો પાર નહીં. એટલે મંદવાડ કાયમ રહેતો. વસ્તારી કુટુંબ અને કમાનાર એક જ જણ તેથી ગરીબી અને અભાવના એ દિવસોમાં કુપોષણને કારણે માયકાંગલા શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો ભારોભાર અભાવ હતો. એટલે બચપણથી ઘર કરી ગયેલા રોગ મોટપણે પણ ચાલુ જ રહ્યા છે. ભાગ્યે જ કોઈ ચોમાસુ એવું ગયું હશે જ્યારે મને મેલેરિયા ન થયો હોય. તાવ-તડકો-શરદી-ખાંસી તો રોજનાં. ઉનાળામાં ગડગુમડ થયા જ કરતાં. અવારનવાર આંખો આવતી. બળિયા કે શીતળામાંથી માંડ માંડ જીવતો બચ્યો છું. કોલેરા, ટાઇફોઇડ, ન્યૂમોનિયા, કમળો ઘણી વાર થયા છે. અનિદ્રા અને ડિપ્રેશનના દોર આવ્યા છે. વર્ટીગો, આંખમાં ફ્લોટર્સ, કાનમાં ટિનિટ્સ અને બ્લડપ્રેશર તો હવે કાયમી સંગાથી છે.
***
એ જમાનામાં દવાખાનાને નામે ગોમતીપુર ચકલે મ્યુનિસિપાલિટીનું દવાખાનું અને બીજું વીમાનું દવાખાનું. મિલ કામદારો માટે કામદાર રાજ્ય વીમાયોજના હેઠળ મફત સારવાર માટેના દવાખાનાને અમે ‘વીમાનું દવાખાનું’ કહેતા. ત્યાં આખા ઘરની મફત સારવાર થતી. બાજુમાં મ્યુનિસિપાલિટીનું દવાખાનું અમારા માટે કોર્પોરેટ હૉસ્પિટલ જેવું. કેમ કે ત્યાં કશીક ટોકન ફી લેવાતી. એટલે અમે કાયમ વીમાના દવાખાને જ જતાં. પરિવારમાં કોઈ પણ માંદું હોય એને દવાખાને મા જ લઈ જતી. વીમાના દવાખાનાના ડૉક્ટરને મા નામ કે અટક પરથી નહીં, શરીરના દેખાવ પરથી ઓળખાવતી. કોઈ જાડિયો, તો કોઈ કાળિયો. પણ માનો ફેવરીટ ડૉક્ટર તો દાંતરો. એની દવા માને અકસીર લાગતી. સવાર-સાંજ દવાખાનામાં કીડિયારું ઉભરાય એટલું મનેખ હોય. છાપાના કાગળના પડીકામાં દવાની ટીકડીઓ અને ગડગુમડ પર લગાવવાની દવા પણ કાગળમાં ખુલ્લી જ આપતા. શરદી-કફની પ્રવાહી દવા ઘરેથી ખાલી બાટલી લઈ ગયા હોઈએ તેમાં ભરી આપતા.
જ્યારે માંદગી નજીકના દવાખાનેથી મટતી નહીં, તો મા ભારે દવાખાને લઈ જતી. મોટા દવાખાને જવાનું હોય એ દિવસે મા વહેલી ઊઠી ‘બા’ને ટિફિન બનાવી આપતી. મને યાદ છે, મોટા ભાઈ રમણભાઈને પગમાં લાકડાની ફાંસ વાગેલી. તે ઘા એટલો વકર્યો કે ના પૂછો વાત. માએ તેનો ઈલાજ કરાવવા લલ્લુભાઈમાં (એલ.જી. હૉસ્પિટલમાં) જવાનું નક્કી કર્યું. મારા રાજપુરના ઘરથી મણિનગરની એલ.જી. હૉસ્પિટલ વચ્ચેનું અંતર પાંચેક ગાઉનું. દસ વરસના રમણભાઈને માએ કાંખમાં લીધા અને મને આંગળીએ વળગાડ્યો. દવાખાને અહીંથી તહીં ભટકીને આખરે રમણભાઈના પગમાં સર્જરી કરાવી, લોહી અને પરુ કઢાવી, પાટો બંધાવી જેમ ચાલતાં ગયેલાં, એમ જ અમે ચાલતાં ભરબપોરે ઘરે આવેલાં. મારાં મોટાં બહેન, કમળાબહેન, મૅટ્રિકની પરીક્ષા પછી ગંભીર માંદાં પડ્યાં ત્યારે આ જ એલ.જી. હૉસ્પિટલમાં નાહ્યાધોયાં કે ખાધાંપીધાં વિના એકવીસ દિવસ મા રહી હતી અને તેમને સાજાંનરવાં કરીને ઘરે લાવેલી. મારા ભાભીઓ અને બહેનોની જ નહીં, માએ તેની ભાભીઓ અને નણંદોની પણ સુવાવડો સાચવેલી. અમારાં ભાઈ-બહેનોનાં દીકરા-દીકરીઓની દવાદારુનું ડિપાર્ટમેન્ટ પણ મા જ સંભાળતી. હજુ સાતેક વરસ પહેલાં પણ મારી માંદગીમાં દવાખાને અને પછી ઘરે માએ જ ચાકરી કરી હતી. મારી એક ભત્રીજીને દિવસો સુધી લાગલગાટ બેતાળીસ બાટલા ચઢાવેલા. એ બધો સમય મોટે ભાગે મા જ દવાખાને રહી હતી.
દરદી અને દરદીના સ્વજન તરીકે અમદાવાદની ઘણીબધી સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં એટલી બધી વખત જવાનું–રહેવાનું થયું છે કે મારે માટે આ દવાખાનાં ચાલીના નાકા જેટલાં પરિચિત છે. દવાખાનાની બાબતમાં માહેર થવાનો આ વારસો બીજા ઘણાં વારસાની જેમ મને મા પાસેથી મળ્યો છે. દવાખાના સાથેની દુ:ખદ યાદો પણ કદી વિસરાતી નથી. મારે આઠમીની પરીક્ષા આપીને પરવાર્યે અઠવાડિયું થયેલું અને મિલમાં ‘બા’ને એક્સિડન્ટ થયાના ખબર મળ્યા. મિલમાં ઑઈલમૅનનું કામ કરતા ‘બા’ ઊંચે ચઢી કોઈ મશીનમાં તેલ પૂરતા હતા અને પડ્યા. મશીનમાં એવી રીતે ભરાઈ ગયેલા કે પેઢુ અને નીચેના ભાગે ગંભીર ઈજાઓ થયેલી. એ વખતે હું અને મા, ‘બા’ની સેવા ચાકરીમાં એકાદ મહિનો અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં રહેલાં. મારા કિશોર મને એ સમયે બહુ નજીકથી તબીબી જગતની અસલિયત જોઈ હતી. મનના કોઈ ખૂણે ડૉક્ટર બનવાનું સપનું કદાચ ત્યાં જ ઊગ્યું હતું. મારું આઠમા ધોરણનું રિઝલ્ટ સિવિલ હૉસ્પિટલમાં જ મેં વાંચેલું. પહેલી વાર મ્યુનિસિપાલિટીની શાળાના દલિત-મુસ્લિમ વિદ્યાર્થીઓને બદલે ખાનગી શાળાના વાણિયા-બામણના છોકરાઓ વચ્ચે ભણીને હું પહેલો નંબર લાવેલો. ચિત્રકામ સિવાયના બધા જ વિષયમાં મારા સોમાંથી સો માર્ક હતા. પણ એની ખુશી સિવિલની એ નિર્જીવ દીવાલો વચ્ચે વ્યક્ત કરવાની હતી.
વ્યવસાયિક જોખમો વિશે બહુ મોડેથી જાણવાનું અને તે અંગે થોડું લખવા-લડવાનું થયું છે. પરંતુ ગંભીર અકસ્માત છતાં 'બા’ને ખાસ વળતર નહીં મળેલું. બીજી તરફ એ વાતનો પણ હું સાક્ષી રહ્યો છું કે અમારી કામદાર વસ્તીમાં એ જમાનામાં કામદારો દેવું ચૂકવવા, ધાર્મિક-સામાજિક ખર્ચ પાર પાડવા જાતે જ મિલના સાંચામાં આંગળી કપાવી નાખી, ડૉક્ટરો સાથેની સાંઠગાંઠમાં વળતર મેળવી લેતા. હવે તો મિલો બંધ થઈ ગઈ છે અને ‘માન્ચેસ્ટર’ની રોનક ઓલવાઈ ગઈ છે ત્યારે પણ, કામદાર વસ્તીઓમાં મિલના સાંચામાં મજબૂરી વશ કપાવી કાઢેલી આંગળીઓવાળા ઘણા કામદાર મળી આવે તેમ છે.
ધીરેધીરે રાજપુરમાં પણ ખાનગી ડૉક્ટરોએ દવાખાનાં ખોલ્યાં. પહેલાં ડૉ. તલાટી અને ડૉ. મકવાણા જ હતા. તેમાં મારા ઘર પાસે જમણે ડૉ. દશરથભાઈ, તો ડાબે ડૉ. હુડા, ડૉ. હેમાબહેન અને ડૉ. મનીષભાઈ ગજ્જરનાં દવાખાનાં થયાં. થોડા આગળ જઈએ તો ડૉ. વસુભાઈ, પોપટિયાવડે ડૉ. ઈશ્વરભારથી ગોસ્વામી અને ટોલ નાકે ડૉ. નરેશ શાહ, મનિયારવાડે ડૉ. શેખ અને ઉષા ટોકિઝે ડૉ. દલાલની બોલબાલા. ડૉ. દલાલ તો જાહેરમાં ખાટલો ઢાળી બાટલા ચઢાવે. રૂપિયા ખર્ચી શકે તેવા કે સરકારી દવાખાને સારવાર કરાવીને થાકેલા લોકો આ ખાનગી ડૉક્ટરોની પાસે જતા. આ બધા જ ડૉક્ટર બિનદલિત અને મોટા ભાગના એમ.બી.બી.એસ.થી ઊતરતી ડિગ્રીવાળા. થોડાં વરસો પછી રાજપુરમાં પહેલીવાર એમ.બી.બી.એસ.ની ડિગ્રીવાળા બે દલિત ડૉક્ટરો, ડૉ. ભરત સોલંકી અને ડૉ. ભરત વાઘેલાનાં દવાખાનાં ખૂલ્યાં. ૧૯૮૧ અને ૧૯૮૫નાં અનામતવિરોધી રમખાણો વખતે ‘અપનેવાલા’ની હવા ચાલેલી. ત્યારે થોડો સમય બધા દલિતો આ બે દલિત ડૉક્ટરો પાસે જ સારવાર લેતા હતા. ખાનગી ડૉક્ટરોનાં આટલાં બધાં દવાખાનાં ધમધોકાર ચાલતાં હતાં તે દરમિયાન જ નજીકના ગોમતીપુર-સુખરામનગર-રખિયાલમાં ખાનગી હોસ્પિટલો શરૂ થઈ. મારી જ શાળાના મારાથી સિનિયર એવા બે તેજસ્વી વિદ્યાર્થીઓ. ડૉ. તિવેન મારવાહ અને ડૉ. અશ્વિન ગઢવીએ એમ.ડી. થઈને પ્રાઇવેટ હોસ્પિટલો ખોલી. સરકારી નોકરી મળ્યા પછી મારાથી પણ સરકારી દવાખાનું છૂટતું ગયું. તેમાં આર્થિક સગવડ જેટલો જ કથળેલી જાહેર આરોગ્ય સેવાનો ફાળો છે.
એકસઠ વરસની આવરદામાં કમસેકમ એકસઠ વખત તો હું હોસ્પિટલાઇઝ થયો હોઈશ. બે વાર પાઇલ્સનાં ઑપરેશન કરાવ્યાં છે, તો એક વાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી છે. ઋતુગત બીમારીઓ તો સતત આવતી રહી છે. પેટના દુખાવાનું કારણ પેપ્ટિક અલ્સર હોવાનું નિદાન બહુ મોડેથી થયું, પણ એ દરમિયાન ઊલટી-ઊબકાથી સતત પરેશાન રહ્યો છું. પેટના દુખાવાને કારણે ઑફિસ જવા તૈયાર થયો હોઉં અને દવાખાને દોડવું પડ્યું હોય એવું ઘણી વાર બન્યું છે. એક્સ-રે અને સોનોગ્રાફી જ નહીં, બેરિયમ ટેસ્ટ, સિટી સ્કૅન અને એમ.આર.આઈ. કરાવવા પણ એકલો ગયેલો છું. જો.કે મારી તમામ નાનીમોટી બીમારીઓમાં કુટુંબ અને મિત્રો સાથે જ રહ્યાં છે. હોસ્પિટલાઈઝ થયો છું ત્યારે ત્યારે મા, ભાઈઓ, બહેનો, ભાભીઓ ખડેપગે રહ્યાં છે. આટઆટલી માંદગીઓ છતાં મૅડિક્લેમ લેવાનું ન સૂઝ્યું છે કે ન કોઈએ સૂઝાડ્યું છે. એટલે આવકનો ઘણો હિસ્સો દવાખાનામાં જ ખર્ચ્યો છે.
આરોગ્યમંદિરો તરીકે બિરદાવાતાં દવાખાનાં મને કાયમ રુગ્ણાલયો જ લાગ્યાં છે. સામાન્ય દરદી તરીકે, દરદીના સ્વજન તરીકે કે અંદરના દરદી તરીકે જ્યારે જ્યારે દવાખાને ગયો છું, તે વેળાનો અનુભવ પીડા અને દુ:ખથી ભરેલો રહ્યો છે. સર્જરી માટે જતાં એનેસ્થેસ્થિયા અપાયા પૂર્વેની અને તેની અસરમાંથી મુક્ત થયા બાદની મનોદશા ભારે પીડાની રહી છે. મૃત્યુ કરતાં બીમારીનો ડર હંમેશાં વધુ રહ્યો છે. હૉસ્પિટલમાં દાખલ થયો છું ત્યારે ત્યારે સમય થંભી ગયાનો અને જીવન સમાપ્ત થઈ ગયાનો સતત અહેસાસ થતો રહ્યો છે. જ્વેલર્સની દુકાનો ભોંયતળિયે હોય અને લિફ્ટ વિનાની હૉસ્પિટલના ત્રીજા-ચોથા માળે સર્જરી કરાવીને ઘરે લઈ જવાતા દરદીની હાલત જોઈને આપણા અર્બન પ્લાનિંગ પર સવાલો થયા છે. દેવદૂત ડૉક્ટરો કેવા લૂંટારા બની જાય છે તેનો પણ જાતઅનુભવ છે. મોટાભાઈએ અને એક નજીકના મિત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે કડેધડે એવી આ વ્યક્તિઓને જે શારીરિક પીડામાંથી પસાર થતી જોઈ છે તે હચમચાવી નાખનારી હતી. એવો જ અનુભવ અકસ્માતના કિસ્સાઓમાં થયો છે. ભારખાનાં જેવી સરકારી કે રેલવે હૉસ્પિટલમાં રાતવાસો કર્યા છે, તો નાનાભાઈ દિનેશ કે મિત્ર ભૂપેન્દ્ર ગજ્જરને અચાનક ઊભી થયેલી હ્રદયસંબંધી બીમારીઓ વખતે દેખાવે ફાઇવસ્ટાર હૉટલ જેવી અમદાવાદની હાર્ટ હૉસ્પિટલ્સમાં પણ રહેવાનું થયું છે.
માંદો પડ્યો કે દવાખાને દાખલ થયો ત્યારે માએ આપેલી સેવા છેલ્લાં વીસ વરસમાં તેણે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વસૂલ કરી નાખી છે. એકવીસમી સદીના આ બે દાયકાનું કોઈ એવું વરસ નથી ગયું કે જ્યારે વરસમાં ઓછામાં ઓછા બે વાર માને હૉસ્પિટલમાં દાખલ કરી ના હોય ! નેવુંની આસપાસની ઉંમરની માને આમ તો કોઈ મેજર તકલીફ નથી. મોતિયા સિવાયની કોઈ સર્જરી કરાવી નથી. પણ એને ઘર કરતાં દવાખાનું વધુ ગમે છે ! એટલે નાનીનાની સિઝનલ બીમારીઓમાં પણ એને દવાખાને, એ ય પ્રાઇવેટ દવાખાને, દાખલ કરવી પડે છે. એની સાથે મોટે ભાગે મારે જ રહેવાનું થાય છે. એટલે પણ દવા અને દવાખાનાનો અભાવો થઈ ગયો છે.
જાન્યુઆરી ૧૮, ૨૦૧૯ના રોજ સવારે ઘરેથી સાજોનરવો નડિયાદ જવા નીકળ્યો હતો. બીજા-ત્રીજા દિવસે વડોદરા લિટરેચર ફેસ્ટિવલમાં જવાનો પાકો નિર્ણય અને તૈયારી હતાં. નડિયાદની જર્નાલિઝમ કૉલેજમાં હું ભણાવી રહ્યો હતો. ત્યારે ચાલુ લેકચરે અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો. તરત નડિયાદમાં કાર્ડિયોલોજિસ્ટને બતાવ્યું. થોડા કલાક આરામ કરીને મોડી સાંજે અમદાવાદમાં ગોમતીપુરની ડૉ. અશ્વિન ગઢવીની હોસ્પિટલે આવ્યો. હળવો હાર્ટએટેક આવ્યાની વાત ઘરમાં બધાને મળી ગઈ હતી. એટલે આખું ય સંયુક્ત કુટુંબ દવાખાને આવી ગયેલું. હસતો હસતો હૉસ્પિટલના પગથિયાં ચડ્યો. સારવાર શરૂ થઈ-ના થઈ અને અચાનક છાતીના બદલે પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. ઊલટી અને ઊબકાથી બેવડ વળી જવાતું હતું .. ડૉક્ટરને પણ ઘરે જવાનો વખત થઈ ગયેલો. પણ તરત સોનોગ્રાફી કરાવવાનું નક્કી થયું. ત્યાંથી એક અને બીજી હૉસ્પિટલ કરતાં મણિનગરની એક ખાનગી હૉસ્પિટલના આઇ.સી.યુ.માં ભરતી કરાયો.
દરદી તરીકે આઇ.સી.યુ.માં રહેવાનો એ મારો પહેલો અનુભવ. હતો. દાખલ થતાં જ પાણી સુદ્ધાં લેવાનું બંધ કરાવી દીધું. ઝાડો-પેશાબ બધું પથારીમાં કરવાનું. સવારે હસતો રમતો ઘરેથી નીકળેલો, ત્રણ કલાક પહેલા મજાકમસ્તી કરતા કરતાં દવાખાનાના પગથિયાં ચઢી ગયેલો હું જાણે કે મરણાસન્ન થઈ ગયો! બીજા દિવસે પેનક્રિયાટાઈટીસ.(PANCREATITIS) એટલે કે સ્વાદુપિંડના સોજાનું નિદાન થયું અને વળતા દિવસે તેનું કારણ પિત્તાશયની પથરી જણાયું. દસ દિવસ આઇ.સી.યુ.માં વગર પાણીએ એકલા જ રહેવાનું હતું. આજુબાજુ મારા કરતાં વધુ ગંભીર દરદીઓ હતા. એક-બે તો મરી પણ ગયા. શરીર પર જાતભાતની નળીઓ લગાવેલી હતી. ઑક્સિજનનું લેવલ ઘટી ગયેલું. એટલે બહારથી ઓક્સિજન અપાતો હતો. એક વાર તો બ્લડ પ્રેશર ચિંતાજનક હદે વધી ગયેલું. સાતમા દિવસે એક ટીપું પાણી અપાયું અને જાણે કે જીવમાં જીવ આવ્યો. બે દિવસ આઇ.સી.યુ.ની બહાર રહ્યા પછી ઘરે જવાની છુટ્ટી મળી.
ગાંધીનગરના ઘરે આવ્યા પછી ધીરેધીરે જીવન સામાન્ય બની રહ્યું હતું. જાન્યુઆરી મહિનાની કાતિલ ઠંડીમાં દસ દિવસ આખી રાત હૉસ્પિટલની સીડી પાસે બેસી રહેતો મારો ભાણો અતીત પણ હવે એના રોજિંદા કામમાં વ્યસ્ત હતો. આઇ.સી.યુ.માં રહી આવ્યાના અનુભવ છતાં મને આ દરદની ગંભીરતા નહોતી. સ્વાદુપિંડનો સોજો અને પિત્તાશયની પથરી જીવલેણ પણ બની શકે છે તેવું ન સમજ્યો હતો કે ન તો ડોકટરે સમજાવ્યું હતું. વીસેક દિવસ થયા હશે અને એક દિવસ સાંજે ચારેક વાગે અચાનક દુખાવો ઉપડ્યો. આમ તો છેલ્લાં વીસ વરસથી ગાંધીનગરમાં સ્થાયી થયો છું, પણ ગાંધીનગરનું ઘર જાણે કે હજુ ય હોમ ઑન પ્રૉબેશન જેવું કે લૉજિંગ-બૉર્ડિંગ હાઉસ જ છે. સઘળા વ્યવહારો અમદાવાદ સાથે જ થાય છે. નાનકડી બીમારી માટે પણ અમદાવાદ દોડી જવાનું હોય છે. પણ આ વખતે અમદાવાદ જવાનું જોખમ લેવાય તેમ નહોતું.
મારા ભાણાને અગાઉ ગાંધીનગરની આશ્કા હૉસ્પિટલમાં એડમિટ કરેલો અને તેનો અનુભવ સારો હતો. એટલે તુરત ત્યાં પહોંચ્યા. ફરી ખાવાનું તો ઠીક, પાણી પણ બંધ કરાવ્યું. બે યુવાન ડૉક્ટરો ડૉ. મયૂર પટોળિયા અને ડૉ. દીપેશ ફટાણિયાની ત્વરિત અને યોગ્ય સારવાર મળી. સ્વાદુપિંડનો સોજો ઓછો થાય પછી જ બીજી સારવાર વિશે વિચારવાનું હતું. એટલે એમ કરતાં દસ દિવસ નીકળી ગયા. એ પછી મહિના સુધી પ્રવાહી પર રહ્યો. વજનની સાથે જીવનરસ પણ સતત ઘટતો જતો હતો. પિત્તાશયની પથરી દવાથી કે બીજી રીતે નીકળતી નથી તેના માટે તો પિત્તાશય જ કઢાવી નાંખવું પડે. એવી સલાહ નવા જ પરિચયમાં આવેલા અને આત્મીય મિત્ર બની ગયેલા ડૉ. નરેશ આચાર્યની પણ હતી. પણ હું શક્ય હોય ત્યાં સુધી સર્જરી ટાળવા માગતો હતો. એટલે ઠેલ્યા કરતો હતો.
આખરે શરીરમાં સર્જરી સહન કરવા જેટલું લોહી ભરાયું એટલે તેના માટે તૈયાર થયો. લેપ્રોસ્કોપીથી પિત્તાશય કાઢી નાંખવામાં આવ્યું અને બેત્રણ દિવસ પછી ઘરે આવી ગયો. પાંચમા દિવસે ટાંકા કઢાવી નાંખ્યા. દુખાવો રહેતો હતો પણ સર્જરી છે એટલે આવું તો થાય, એમ મન મનાવી જીવતો હતો. પણ ત્યારે ક્યાં ખબર હતી કે કાળ મારી પૂંઠે પડેલો છે. ડૉક્ટરે અત્યંત બેદરકારીથી ટાંકા કાઢ્યા હતા. ટાંકાના દોરા અડધા જ કઢાયેલા હતા અને ડૉક્ટર તો મહિના માટે અમેરિકા જતા રહેલા. બીજા-ત્રીજા ડૉક્ટરની સલાહનું ચાલ્યું. પછી ખબર પડી કે ઇન્ફેફેકશન થયું છે અને તે સર્જરી કરીને દૂર કરવું પડે. એમ કરતા મહિનો વીત્યો અને જેમણે સર્જરી કરી હતી તે ડૉક્ટર પરત આવી ગયેલા. એટલે તેમના હાથે જ ઈન્ફેકશનનુ ઓપરેશન કરાવ્યું. થોડા દિવસ ડ્રેસિંગ ચાલ્યું ત્યાં બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો. ઇન્ફેકશનવાળા ભાગમાં ટી.બી.નાં જંતુ હોવાનું જણાયું. એટલે રોજેરોજના પીડાદાયક ડ્રેસિંગ સાથે ટી.બી.ની દવા ચાલુ કરી.
આ દરદ તો હજુ શમ્યું નહોતું ત્યાં ફરી મૂળ દરદે દેખા દીધી. તીવ્ર દુખાવો ઉપડ્યો. ફરી હૉસ્પિટલ, ફરી પાણી બંધ, ફરી નવું નિદાન. અને સારવારનો સિલસિલો શરૂ થયો. જે પથરી માટે આખું પિત્તાશય કાઢી નાંખેલું તે પથરી તો પિત્તાશયમાં હતી જ નહીં ! તે તો પિત્તાશયની નળીમાં જતી રહી હતી. હવે તેની સારવાર સર્જન નહીં, ગૅસ્ટ્રોસર્જન પાસે કરાવવાની હતી. તેમણે એન્ડોસ્કોપી કરીને પથરી કાઢી અને પેટમાં સ્ટેન્ટ મૂક્યું, જે મહિના પછી કઢાવ્યું. પિત્તાશયની સર્જરી કરતાં પૂર્વે સોનોગ્રાફી કરીને પથરી ક્યાં છે તે જાણી લેવાની કાળજી લેવાઈ હોત તો આટલી પીડા અને પૈસાની બરબાદી ન થઈ હોત. ૨૦૧૯ના વરસમાં બધું મળીને ૪૯ દિવસ હોસ્પિટલોમાં રાતવાસો કરવાનો થયો. નાની બહેન અંજુ રોજેરોજ મહેમદાવાદથી અમદાવાદ-ગાંધીનગરની હૉસ્પિટલે આવતી. મોટાભાઈ, રમણભાઈ અને મારો ભાણો અતીત રાતદિવસ મોરચો સંભાળતા. ઘરે આવ્યા પછીની મારી સઘળી સારસંભાળનું કામ મોટાંબહેન, કમળાબહેને એમની હંમેશની ચીવટ સાથે મૂંગા મોંએ સંભાળ્યું હતું. કદાચ તેમના જ પ્રતાપે ફરી બેઠો થઈ શક્યો છું. આજે વીસ મહિના થવા આવ્યા છે, પણ હજુ સંપૂર્ણ સ્વસ્થ છું એવું લાગતું નથી.
કોવિડ મહામારીની અચાનક આવી પડેલી આફતે મારી પીડામાં ઔર વધારો કર્યો છે. લૉક ડાઉનના આરંભે જ ઉધરસ-તાવની ફરિયાદ લઈને દવાખાને જવાનું થયેલું, ત્યારે સ્વજનો કે કે હું જ નહીં, ખુદ ડૉક્ટર પણ ડરેલા હતા. માર્ચથી ઑકટોબર, ૨૦૨૦ના આ દિવસો પસાર કરવા અને તે પણ શારીરિક અસ્વસ્થતા અને તેવી માનસિકતા સાથે, તે ભારે કપરા છે. ખાંસતાંખાંસતાં અને રોજરોજ કોવિડના લક્ષણોની ફરિયાદ કરતાં કરતાં લૉક ડાઉનના પાંસઠ દિવસ સુધી દૈનિક ડિજિટલ ‘નિરીક્ષક’માં લખતો અને લખાવતો રહ્યો છું તે મોટું આશ્વાસન છે.
જો કે ઘરમાં અને જીવનમાં બુકશૅલ્ફનું સ્થાન હવે મૅડિસિન ડ્રૉઅરે લઈ લીધું છે. એટલે લાગે છે કે જીવનસંધ્યા બહુ ઢૂકડી છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : “જલસો-૧૪”, ઓકટોબર 2020