ગાંધીવાદી કાર્યકર અન્ના હજારેએ તેમના વતનગામ રાલેગણ સિદ્ધિમાં દારૂબંધી દ્વારા તેમના જાહેર કાર્યોનો આરંભ કર્યો હતો. અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના સાથી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં દિલ્હીમાં દારૂ પીવાની ઉંમર ૨૫ વરસથી ઘટાડીને ૨૧ વરસની કરી દીધી છે ! આ નિર્ણયથી દિલ્હી સરકારની આબકારી (દારૂ પર લેવાતો કર) આવકમાં રૂ.૨,૦૦૦ કરોડનો વધારો થશે. સ્થાપનાકાળથી જ ગુજરાતમાં દારૂબંધી અમલી છે. રાજ્ય સરકારે વડી અદાલતમાં થોડા મહિના પહેલાં સોગંદનામુ કરીને આલ્કોહોલ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દારૂ ફૂડની વ્યાખ્યામાં આવતો ન હોવાનું જણાવ્યું છે. પરંતુ ગયા બે મહિનાના આંશિક લોકડાઉનમાં સરકારે જીવન જરૂરિયાતની ચીજો સિવાયનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો ત્યારે તેમાંથી પરવાના ધરાવતી દારૂની દુકાનોને બાદ રાખી હતી ! રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગાયોનાં સંરક્ષણ અને ગોસંવર્ધન માટે દારૂ પર વધારાનો સરચાર્જ લેવામાં આવે છે. રાજસ્થાનના દૌસા જિલ્લાના સાયપુર પાખર ગામે દારૂની દુકાનની હરાજીમાં ૯૯૯ કરોડની બોલી લાગી હતી. જો કે રાજસમંદ જિલ્લાના થાનેટા ગામના લોકો પાંચ વરસથી દારૂવિરોધી આંદોલન કરે છે. ગામના તમામ લોકોનો આ અંગે મત જાણવા ગુપ્ત મતદાન યોજાયું તો ૯૬ ટકા લોકોએ દારૂની દુકાનના વિરોધમાં મત આપ્યો ! લીંબુઉછાળ સમય માટે દેશનું રાજ મળે તો ગાંધીજીની ઈચ્છા સૌ પહેલાં દારૂબંધી દાખલ કરવાની હતી. પણ આજે દેશમાં દારૂ અંગે કેવી કરુણ-દુ:ખદ અને રમૂજી સ્થિતિ પ્રવર્તે છે તેના આ કેટલાક દાખલા છે.
આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજીના રચનાત્મક કામોમાં જ દારૂનિષેધનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આઝાદ ભારતમાં તેનો ખાસ અમલ થતો નથી. બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોમાં દારૂબંધીની જોગવાઈ છે અને તે રાજ્ય યાદીનો વિષય છે. દેશમાં આજે ગુજરાત ઉપરાંત બિહાર, મિઝોરમ અને નાગાલેન્ડમાં જ પૂર્ણ દારૂબંધી છે. લક્ષદ્વીપ, મણિપુર, હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દારૂબંધી અમલી છે. કેટલાક રાજ્યોએ થોડા સમય માટે દારૂબંધી દાખલ કરી હતી. કૉન્ગ્રેસ સહિતના રાજકીય પક્ષોના સ્પષ્ટ વલણના અભાવે દારૂબંધી દેશના રાષ્ટ્રીય એજન્ડાનો ભાગ કદી બની નથી.
‘એઈમ્સ’ દિલ્હીના ૨૦૧૯ના એક સર્વે અનુસાર દેશની વસ્તીના લગભગ ૧૫ ટકા કે ૧૬ કરોડ લોકો દારૂ પીએ છે. તેમાંથી ૫.૭૦ કરોડ લોકો તેના કાયમી બંધાણી છે. પુખ્ત વયના ૩૩ ટકા પુરુષો અને ૨ ટકા સ્ત્રીઓ દારૂ પીવાની આદત ધરાવે છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ત્રિપુરા, ગોવા અને અરુણાચલમાં આ પ્રમાણ ૫૦ ટકા છે. બંગાળમાં ૩૮ ટકા, ઝારખંડમાં ૧૮.૯ ટકા, બિહારમાં ૧૫.૫ ટકા, મહારાષ્ટ્રમાં ૧૩.૯ ટકા અને ગુજરાતમાં ૫.૮ ટકા લોકો દારૂ પીએ છે. આઘાતજનક બાબત એ છે કે ૧૦થી ૧૭ વરસની વયના ૨૫ લાખ બાળકો અને કિશોરો નિયમિત દારૂ પીતા હોવાનું માલુમ પડ્યું છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૧૯માં દેશમાં ૧૬ કરોડ લોકો દારૂ અને ૩.૧ કરોડ લોકો ભાંગના નશીલા ઉત્પાદનોનો ઉપયોગ કરતા હતા. ભારતમાં એક દારૂડિયો વરસે સરેરાશ ૧૮.૩ લીટર દારૂ પીએ છે. જે વૈશ્વિક સરેરાશથી ઘણો વધારે છે. દુનિયાના લોકો આરોગ્ય માટે નુકસાનકારક હાર્ડ ડ્રિંક્સ સરેરાશ ૪૪ ટકા જ લે છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ ૯૨ ટકા છે.
દારૂની વ્યક્તિના આરોગ્ય અને સામાજિક-આર્થિક જીવન પર ગંભીર અસરો પડે છે. દારૂ દારૂડિયાને પી જાય છે તે વાત સંપૂર્ણ સાચી છે. ભારતના ગરીબો અને કામદારો આર્થિક તકલીફો, કુટુંબની જવાબદારીઓ, ગરીબી-બેકારી અને કમરતોડ વૈતરાના થાક અને માનસિક તણાવમાંથી મુક્તિ માટે મુખ્યત્વે સસ્તો, દેશી, ઝેરી અને વધુ સ્પિરીટયુક્ત દારૂ પીએ છે. લઠ્ઠા તરીકે જાણીતા સસ્તા દેશી દારૂના ઓવરડોઝથી દર ૯૬ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. વરસે ૨.૬ લાખ દારૂડિયા દારૂને કારણે લીવરની ખરાબી અને કેન્સર જેવા રોગ તેમ જ અકસ્માતને લીધે મરી જાય છે. જે પોણા સાત કરોડ લોકો દારૂનું રોજ સેવન કરે છે તેમાંથી માંડ ત્રણ ટકા લોકોને જ તેમની આ લત છોડાવવાના ઉપાયોની દેશમાં વ્યવસ્થા છે.
દારૂના સેવનની વ્યક્તિનાં સ્વાસ્થ્ય પર તો અસર પડે જ છે તેના સમગ્ર કુટુંબને પણ તે બરબાદ કરે છે. ઘરનાં બાળકો અને સ્ત્રીઓ પર તેની વધુ અસર પડે છે. દારૂનું વ્યસન ગરીબોમાં વધુ હોઈ તેમની ગરીબીમાં વધારો થાય છે. દારૂ પીનાર વ્યક્તિ કુટુંબની આવકનો આઠમો ભાગ દારૂ પાછળ વેડફે છે. દારૂડિયા પુરુષો પત્ની–બાળકોની મારઝૂડ કરે છે અને કમાણીના પૈસા ઘરમાં આપતા નથી. ઘરમાં કાયમ કજિયા કંકાસ કરે છે અને બાળકોનું શિક્ષણ બગડે છે
કલ્યાણ રાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો દારૂના દૂષણની અસરોથી વાકેફ હોવા છતાં તેના વેચાણથી થનારી આવક માટે લોકોની સુખાકારીનો ભોગ લે છે. દારૂના વેચાણમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે દેશના તમામ રાજ્યોની દારૂના વેચાણ પરના ટેક્સની કુલ આવક ૨૦૧૯માં રૂ. ૨.૪૮ લાખ કરોડ હતી. રાજ્યોની કુલ આવકમાં આબકારી આવકનો હિસ્સો ૧૬થી ૨૦ ટકા હોઈ કોઈ રાજ્ય સરકાર તે જતી કરતી નથી. ઉત્તર પ્રદેશની માસિક આબકારી આવક રૂ. ૨,૫૦૦ કરોડ અને વાર્ષિક રૂ. ૩૧,૫૧૭.૪૧ કરોડ હતી.
દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આરોગ્યના કારણોસર દારૂ પીવાનો પરવાના ધરાવતા લોકોને નિર્ધારિત ૫૮ દુકાનોથી દારૂનું વેચાણ થાય છે. ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮ના પાંચ વરસોમાં ગુજરાતને આવા પરવાના ધારકોના દારૂના વેચાણથી રૂ.૬૬.૪૭ કરોડની આવક થઈ હતી. બિહારમાં દારૂબંધી દાખલ થઈ તે ૨૦૧૫-૧૬ વરસે તેની દારૂના વેચાણની આબકારી આવક રૂ. ૪,૧૦૦ કરોડની હતી. પરંતુ રાજ્યની આ આવક બિહારીઓએ વાર્ષિક ૧૫થી ૨૦ હજાર કરોડ દારૂ પાછળ ખર્ચ્યા તેનાથી થઈ હતી. એટલે સરકારો જો તેની આબકારી આવકનો મોહ છોડે તો લોકોના નાણા વધુ ઉપયોગી બાબતોમાં ખર્ચાવાની શક્યતાઓ રહેલી છે.
આબકારી અને આરોગ્યમાંથી સરકારો આબકારી પસંદ કરીને દારૂબંધીને તડકે મૂકે છે. નાગરિકોની સલામતી જ નહીં સુખાકારી પણ રાજ્યની જવાબદારી છે. જો તે વ્યાપક લોકશિક્ષણથી થઈ શકે તો સારું છે. નહીં તો રાજ્યે દારૂનિષેધના લાંબાટૂંકા ગાળાના પગલાં ભરવા જોઈએ. વળી જ્યાં પૂર્ણ કે આંશિક દારૂબંધી અમલી છે ત્યાં તેનો ચુસ્તીથી અમલ અને અન્યત્ર જનજાગૃતિના પગલાં લેવા જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
![]()


ભારતીય બંધારણના અનન્ય ઘડવૈયા અને દલિત મસીહા ડો. બાબાસાહેબ આંબેડકર વ્યક્તિપૂજાના સખત વિરોધી હતા. ૧૯૪૩માં સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેના ૧૦૧મા જન્મમદિને આપેલ ‘રાનડે, ગાંધી અને જિન્હા’ વ્યાખ્યાનમાં તેમણે વ્યક્તિ અને વ્યક્તિપૂજા વિંશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પરંતુ આજે ભારતમાં સૌથી વધુ પ્રતિમાઓ ડો. આંબેડકરની જોવા મળે છે. બાબાસાહેબની જન્મજયંતી (૧૪મી એપ્રિલ) અને નિર્વાણ દિન(૬ઠ્ઠી ડિસેમ્બર)ના રોજ મહાનગરો, નગરો, કસબાઓ અને જાહેર ચોક-પાર્કમાં આવેલી તેમની પ્રતિમા અને અન્ય સ્મૃતિસ્થળોએ લાખો દલિતો એકઠા થાય છે. વ્યક્તિપૂજાના વિરોધી ડો. આંબેડકરની આ વ્યક્તિપૂજા છે એમ કહી તેની ટીકા કરનારા એ વાતે મૌન હોય છે કે દેશમાં કેમ સૌથી વધુ પ્રતિમાઓ પણ બાબાસાહેબની જ ખંડિત કરવામાં આવે છે?
પેટાચૂંટણી ભંડારામાંથી તેઓ કૉન્ગ્રેસી ઉમેદવારો સામે હાર્યા હતા. આજે મુંબઈમાં સાડાચારસો ફૂટનું અને આંધ્ર પ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં સવાસો ફૂટનું આંબેડકરનું પૂતળું મૂકવાની વાતો હવામાં છે, પણ સ્વાતંત્ર્યનાં ચાળીસ વરસો બાદ ૧૯૮૯માં સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું તૈલ ચિત્ર મૂકવામાં આવ્યું હતું.
તરસ્યા ગ્રામીણ ભારત માટે ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની રાંગેથી વડા પ્રધાને ‘નલ સે જલ’ યોજનાની ઘોષણા કરી હતી. દેશના જે ૧૯ કરોડ ૧૮ લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી નસીબ નથી, તેમને રૂ. ૩.૬ લાખ કરોડની ‘ગ્રામીણ જલ જીવન મિશન યોજના’ મારફત પાઈપ લાઈનથી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો હતો. તે પછીના વરસે ‘નળથી જળ’ યોજના વિસ્તારીને તેમાં ૪,૩૭૮ શહેરી વિસ્તારોને પણ સમાવવામાં આવ્યા છે. યોજનાના આરંભ સમયે, ૨૦૧૯માં, દેશના માત્ર ૩.કરોડ ૨૩ લાખ ઘરોને જ નળથી પીવાનું પાણી પહોંચતું હતું. ૨૦૨૪ સુધીમાં સરકાર પીવાનાં પાણીની પહોંચ બહાર રહેલા વીસેક કરોડ પરિવારોને આવરી લેવા માંગે છે. એપ્રિલ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં ૭. કરોડ ૩૬ લાખ પરિવારોને નળથી જળ સુલભ કરી આપી ૩૮.૩૭ ટકા લક્ષ્ય હાંસલ કર્યાનો સરકારનો દાવો છે.