દેશમાં મતદાનની લઘુતમ ઉંમર ૧૮ વરસની હોય, તો ભણવા-કમાવાની ઉંમર ૧૪ વરસની કેમ?
સંસદનું છેલ્લું વર્ષાસત્ર જી.એસ.ટી. બિલ પસાર થવાને કારણે જેટલું વખણાય છે તેટલું બાળમજૂરી કાયદેસર કરતું બિલ પસાર કરવાને કારણે વખોડાતું નથી! ‘બાળશ્રમનિષેધ અને નિયમન સંશોધન વિધેયક ૨૦૧૬’ હાલના બાળમજૂરી વિરોધી કાનૂનોને નરમ બનાવે છે. આમ તો આ વિધેયકનો ઉદ્દેશ, ૧૪ વરસ સુધીના બાળકોને કુટુંબના વ્યવસાયમાં અને ફિલ્મ-ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાની છૂટ આપવાનો જણાવાયો છે, પણ વાસ્તવમાં તે બાળમજૂરીનાં નિકૃષ્ટતમ રૂપોને અને સરવાળે બાળમજૂરીને કાયદેસર બનાવે છે.
હાલના બાળમજૂરી નિષેધ કાયદાઓમાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાની દૃષ્ટિએ મજૂરી માટે ખતરનાક ગણાતા વ્યવસાયો ૮૩ છે, તે આ વિધેયકમાં ઘટાડીને માત્ર ૩ જ કરી દેવામાં આવ્યા છે. હવે ખાણ, જ્વલનશીલ પદાર્થ અને વિસ્ફોટક ઉદ્યોગોને જ ખતરનાક ગણાવી તેમાં બાળમજૂરી પ્રતિબંધિત કરી છે. આ બિલ બાળકોને પારિવારીક ધંધારોજગારમાં કામ કરવાની મંજૂરી આપે છે. એટલે કે તે દલિતોનાં બાળકો તેમના જાતિગત ધંધાઓમાં જોતરાયેલાં રહે તે મંજૂર રાખે છે. પરિવાર દ્વારા થતી મજૂરીમાં બાળકોની સામેલગીરી અને શાળા સમય બાદની બાળમજૂરીને યોગ્ય ઠરાવતું આ વિધેયક એવા સમયે આવ્યું છે જ્યારે બાળમજૂરી નાબૂદીના પ્રયત્નો માટે ભારતીય કર્મશીલ કૈલાસ સત્યાર્થી નોબેલ પુરસ્કૃત થયા છે! જો કે લાખો બાળકોને ફરી મજૂરીએ ધકેલતા આ બિલનો ઝાઝો વિરોધ થતો જોવા મળતો નથી.
બાળમજૂરી આ દેશની શરમજનક વરવી વાસ્તવિકતા છે. શાળાએ જવાની ઉંમરે આ દેશના આવતી કાલના નાગરિકોને પેટનો ખાડો પૂરવા મજૂરી કરવી પડે છે. ખેતરો, કારખાનાં, મિલો, હોટલો, દુકાનો અને ઘરોમાં બાળકો કાળી મજૂરી કરે છે. કચરો અને કાગળો વીણે છે, જાહેર સ્થળોએ બૂટપોલીશ કરે છે, ઢોર ચરાવે છે, તો ભીખ પણ માગે છે. પ્રતિબંધિત ખતરનાક વ્યવસાયો, દારૂખાનાની ફેકટરીઓ, કાચ અને બંગડી ઉદ્યોગ, ચાના બગીચા, ગાલીચા અને તાળા બનાવવાનું કામ, સાડી પર જરીકામ, ઈંટોના ભઠ્ઠા, પાવરલૂમ્સ, સ્લેટ-પેન બનાવવી, બીડી અને હીરા ઉદ્યોગ, તથા નગરો-મહાનગરોના વેશ્યાગૃહોથી માંડીને ઘરનોકર તરીકે આ દેશનું બચપણ કમરતોડ મજૂરીમાં પીસાઈ-પીડાઈ રહ્યું છે.
ભારતમાં ૧૪ વરસ સુધીની ઉમરનાં બાળકોની વસ્તી એક અમેરિકા જેટલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫ થી ૧૪ વરસ સુધીનાં બાળકો દેશમાં ૨૫.૯૬ કરોડ છે. તેમાંથી ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. ૫ થી ૯ વરસના ૨૫.૩૩ લાખ બાળકો ૩ થી ૧૨ માસ સુધી મજૂરી કરે છે. દેશનાં પાંચ મોટાં રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દેશના કુલ બાળમજૂરોના ૫૫ ટકા બાળમજૂરો છે. દેશની કુલ શ્રમશક્તિમાં બાળમજૂરોનો હિસ્સો ૩.૬ ટકા છે. દેશના દર દસમાંથી નવ બાળકો મજૂરી કરે છે. તે પૈકી ૮૫ ટકા ખેતી, ખેતમજૂરી અને પશુપાલનમાં, ૯ ટકા ઉત્પાદન-સેવા અને બાંધકામમાં, જ્યારે ૦.૮ ટકા કારખાનાંમાં કામ કરે છે. જો કે આ સરકારી આંકડાઓ બાળમજૂરી નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ સ્વીકારતી નથી અને ખરેખર આના કરતાં ઘણાં વધારે બાળકો મજૂરી કરતા હોવાનું જણાવે છે.
ઔદ્યોગિક વિકાસની સાથે જ દુનિયામાં બાળમજૂરીનો ઉદ્દભવ થયાનું મનાય છે. ભારતમાં ગરીબી અને બેકારીને કારણે બાળમજૂરી પ્રવર્તે છે. અંગ્રેજ શાસનકાળમાં રોયલ કમિશને બાળમજૂરીનાબૂદી અંગે સૌ પ્રથમ વિચારણા હાથ ધરી હતી. આઝાદી બાદ ઘડાયેલા ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણના અનુચ્છેદ ૨૩ અને ૨૪માં બાળમજૂરી નાબૂદીની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૪માં, ‘૧૪ વરસથી નીચેની ઉમરનાં બાળકોને કારખાનાં, ખાણ અને ખતરનાક વ્યવસાયમાં મજૂરીએ રાખી શકાશે નહીં’ તેવી સ્પષ્ટ જોગવાઈ છે.
બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ ૩૯(ચ)માં,‘બાળકોના સ્વતંત્ર અને ગરીમામય સમાન વિકાસ અને શોષણ નાબૂદી’ની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૫માં બાળકો અને સ્ત્રીઓના અધિકારોની રક્ષા અંગે યોગ્ય કાયદા બનાવવાની રાજ્યોને સત્ત્તા આપવામાં આવી છે. તે મુજબ આઝાદી પૂર્વે અને પછીના ૧૨ જેટલા કાયદાઓ દ્વારા બાળકલ્યાણ માટેની અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. ૨૦૧૬નું વર્તમાન વિધેયક પારોઠના પગલા જેવું છે. તે વિશ્વ બજારમાં ભારતની સારી શાખ ઊભી કરવા લેવાયેલું છે. જ્યારે દેશમાં પ્રતિવર્ષ ૨.૨ ટકાના દરે જ બાળમજૂરી ઘટતી હોય ત્યારે વર્તમાન બાળમજૂરીને ખતમ થતાં સો વરસ નીકળી જાય તેમ છે. પરંતુ સરકારે બાળમજૂરીને જ કાયદેસર કરી તેને નાબૂદ કરી દેવાનો અદ્દભુત કીમિયો કર્યો છે.
બાળમજૂરીના નામે બાળકોનું કેવું નઘરોળ શોષણ થાય છે તે સર્વવિદિત છે. બાળકો પાસે દસથી બાર કલાક વૈતરું કરાવવામાં આવે છે. તેમને એક જ ઓરડામાં સમૂહમાં રાખવામાં આવે છે. નજીવી ભૂલ થાય તો પણ ઢોરમાર મારવામાં આવે છે, પૂરતું ખાવાનું મળતું નથી, નશીલી ચીજોના સેવનની આદતો પડાય છે. રોટલાના ટુકડા માટે જીવતાં આ બાળકોની હાલત અંગે જસ્ટિસ પી.એન. ભગવતીએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું તેમ, બાળમજૂરો અમાનવીય સ્થિતિમાં જીવે છે, આપણી સભ્યતાથી બહિષ્કૃત છે. જાનવરોથી બદતર જિંદગી જીવતા આ બાળકો બંધનોમાં જકડાયેલાં છે અને તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.
કુટુંબની ઉમરલાયક વ્યક્તિને મજૂરી ન મળતાં કે અપૂરતી મળતાં તેઓને બાળકોને મજૂરી કરાવવી પડે છે. એટલે જો બાળમજૂરી નાબૂદ કરવી હશે તો એકલા જાગૃતિ કાર્યક્રમોથી નહીં ચાલે. બાળમજૂરોનાં માબાપોને માત્ર પેટ ભરવા પૂરતી મજૂરી જ નહીં, જીવનયોગ્ય મજૂરી મળવી આવશ્યક છે. ગરીબી અને બેરોજગારી ઘટે તે દિશામાં પૂરતા વેતનવાળી રોજગારીના સર્જનના પ્રયત્નો કરવા પડશે. આ સમસ્યાનો એક ઉકેલ શિક્ષણ છે. જે બાળક શાળામાં નથી, તે મજૂરી કરે છે તે સાદું સત્ય છે.
પણ બાળકને મજૂરીએથી શાળામાં લાવવું હશે, તો તેના માટે રોજગારી આપતા ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો પડશે. બાળકોની કમાણીથી ઘર- કુટુંબની આવકપૂર્તિ થતી હોય ત્યારે બાળકને શિક્ષણ સાથે થોડી આર્થિક રાહત આપવી જોઈએ. આ બધાનો ઉકેલ બાળકને પારિવારીક વ્યવસાયમાં ધકેલવામાં નથી. પ્રાથમિક શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે, પણ બાળમજૂરી કે શિક્ષણના અધિકાર માટેની ૧૪ વરસની ઉમર યોગ્ય નથી. જો મતદાનની ઉમર ૧૮ વરસની હોય તો ભણવા-કમાવાની ઉમર ૧૪ વરસની કેમ?
જે દેશમાં બાળગોપાલની ભક્તિભાવે પૂજા થતી હોય, દર વરસે રામ અને કૃષ્ણના જન્મોત્સવો ધૂમધામથી મનાવાતા હોય, તે દેશમાં બાળકો ખેલવા-કૂદવાની કે ભણવા-ભમવાની ઉમરે મજૂરી કરે તે સ્થિતિ હવે બંધ થવી જોઈએ. દેશની ઉજળી આવતીકાલ માટે વસુંધરાના આ વહાલાંદવલાંને ખોળે લેવાની અને મૂરઝાતાં ફૂલોને નવપલ્લવિત કરવાની જરૂરિયાત છે. બાળમજૂરીને કાયદેસર કરતા કાયદા ઘડવાથી કે તેના માપદંડો નરમ કરવાથી કાગળ પર કદાચ બાળમજૂરી નાબૂદ થશે પણ હકીકત બદલાશે નહીં.
સૌજન્ય : ‘વિદ્યાર્થી અને નાગરિક’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-most-child-labor-is-now-legalized-article-by-chandu-maheriya-gujarati-news-5412812-NOR.html