મિથક, લોકસાહિત્ય અને ઇતિહાસની બોધવાર્તાઓ આજના સંજોગો વિશે આપણને શું કહે છે?
વર્ષ 1608માં વિલિયમ હૉકિન્સ ‘હેક્ટર’ નામના તેમના વહાણમાં સુરત પહોંચ્યા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તે જ વર્ષે, તદ્દન અસંબંધિત બીજી ઘટના એ હતી કે, ઇંગ્લેન્ડમાં વિલિયમ શેક્સપિયરે તેમની છેલ્લી બે કરુણાન્તિકાઓમાંની એક, ‘કોરિયોલેનસ’, લખી. આ નાટક પહેલી સદીના રોમન લશ્કરના સેનાપતિ કેઈયસ માર્સિયસના જીવન પર આધારિત હતું. ઈતિહાસ જણાવે છે કે ઈટાલીની વોલ્સી પ્રજાના શહેર કોરિયોલી પરની અઘરી લડાઈ જીત્યા પછી તેને ‘કોરિયોલેનસ’નો ખિતાબ મળ્યો હતો. આ શહેર ઘણું સમૃદ્ધ હતું, અને સામ્રાજ્ય માટે મુગટ જેવું હતું : મુગટ એટલે કે ક્રાઉનને લેટિન ભાષામાં ‘કોરોના’ કહે છે, તેના પરથી શહેરનું નામ ‘કોરિયોલી’ પડ્યું હતું. નાટકનું વિષયવસ્તુ છે કોરિયોલેનસનું અભિમાન, પૂર્વગ્રહ અને પડતી. પડદો ખૂલે છે ત્યારે રોટીરમખાણ ચાલી રહ્યાં છે અને ભૂખ્યાં લોકો માને છે કે કોરિયોલેનસે અનાજના ભંડારને લૉક ડાઉન કે તાળાબંધીમાં મૂકી રાખ્યા છે, માટે તેઓ એ કોઠાર ખુલ્લા મૂકવાની માગણી કરી રહ્યા છે. કોરિયોલેનસ જવાબમાં લોકો માટે ભારે તિરસ્કાર દર્શાવે છે અને કહે છે કે તેમણે લશ્કરી સેવા આપી નથી. માટે તે અનાજ મેળવવાને લાયક નથી. એ પછી કોણ વધારે દેશપ્રેમી છે, રાજમુગટ કે પ્રજા (અથવા કહો કે, ‘કોરોના કે ક્રાઉડ’) એ વિશે ચર્ચા થાય છે. કોરિયોલેનસની કરુણાન્તિકાના મૂળમાં આ ભારોભાર અહંકાર રહેલો છે.
એવું લાગે છે કે શેક્સપિયરને આ નાટક લખવાની પ્રેરણા મળી ઇંગ્લેન્ડમાં વર્ષ 1585થી વારંવાર થતાં અનાજ મુદ્દેનાં રમખાણોમાંથી, જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પાછળનાં કારણોમાં પણ હતાં. એ પછીથી તો દુનિયાના ઘણા વિસ્તારોમાં અનાજ કે ભૂખમરાના મુદ્દે હુલ્લડ થતાં આવ્યાં છે અને દરેક વખતે ઇતિહાસ પર તેની અસર પડી છે. 1710ના દશકમાં બોસ્ટનમાં ‘બ્રેડ રાયટ’ પછી અમેરિકાના ઇતિહાસમાં વળાંક આવ્યો. 1830ના દશકમાં આયરલેન્ડમાં બટાટાનો પાક નિષ્ફળ ગયો, દુકાળ પડ્યો અને ભૂખમરો સર્જાયો, જેના કારણે ઘણી પાયમાલી થઈ. 1789ના એપ્રિલના છેલ્લા સપ્તાહમાં પેરિસના સેન્ટ ઓન્ત્વાન ઈલાકામાં રોટી રમખાણ થયાં, જેના પગલે ઘટેલી એક મોટી ઐતિહાસિક ઘટનાને દુનિયા ફ્રૅન્ચ ક્રાન્તિ તરીકે યાદ કરે છે. છેલ્લી બે સદીમાં ઈજિપ્તમાં, આર્જેન્ટિનામાં અને અન્ય દેશોમાં અને આપણા દેશમાં બાન્કુરા, બરદ્વાન અને બિરભૂમમાં ભૂખના પ્રતાપે લોકો તોફાન પર ઊતરી આવ્યાના દાખલા છે.
જ્યારે પેટનો ખાડો પૂરવા માટે બીજો કોઈ વિકલ્પ બાકી ન રહે ત્યારે લોકોને બધા અંકુશો ફગાવી દઈને વિરોધ કરવાની ફરજ પડે છે. જ્યારે સામે પક્ષે સત્તાવાનો અહંકાર બતાવે ત્યારે દારુણ કરુણાન્તિકાઓ થઈને જ રહે છે. ઘણી સંસ્કૃતિઓમાં ક્રાઉન અને ક્રાઉડ, સત્તાના અહંકાર અને દીનની નમ્રતા વચ્ચેની લડાઈની વાત આવે છે. તેમાંથી મને જે પસંદ છે તે ગણેશની વાત છે. તે કદાચ સ્કંદ પુરાણમાં છે.
એક વાર કુબેર ગયા શિવને મળવા. એક દેવોની દુનિયામાં સૌથી ધનાઢ્ય અને બીજા જેની પાસે પોતાની કોઈ સંપત્તિ નથી તે. ગણેશ પણ ત્યાં હાજર હતા. કુબેરને થયું કે તેમને અલકાપુરીની મુલાકાત લેવાનું આમંત્રણ આપું અને તેમને મારા શહેરની સમૃદ્ધિ બતાવું. પિતાપુત્ર પધાર્યા અલકાપુરીમાં. કુબેરે તેમને ભોજન માટે આમંત્ર્યા. ગણેશ જમવાનું શરૂ કર્યું અને જમતા જ રહ્યા. કહે, હજુ વધારે પીરસો, અને ખાવાનું ખૂટી ગયું. પછી તે થાળીથી માંડીને બધાં વાસણો આરોગી જાય છે. છતાં તેમની ભૂખ સંતોષાઈ નહીં, માટે તેમણે જાહેરાત કરી કે હવે તે કુબેરનો કોળિયો કરવા માગે છે. કુબેરે ગભરાઈને શિવને વિનંતી કરી કે ગણેશને વારો. શિવ કહે કે ગમે તેટલું ઉત્કૃષ્ટ ભોજન અભિમાન સાથે પીરસવામાં આવ્યું હશે તો પણ ગણેશની ભૂખ નહીં ભાંગે, હા, સાચી લાગણી સાથે થોડા પૌઆ આપશો તો એનું પેટ ચોક્કસ ભરાઈ જશે.
1990ના દશકમાં બંગાળી લેખિકા મહાશ્વેતાદેવી અને હું સાથે મળીને આદિવાસીઓના પ્રશ્નો પર કામ કરી રહ્યાં હતાં. એ વર્ષોમાં મહારાષ્ટ્રના આદિવાસી પ્રદેશમાં કોરકુ પ્રજાના ઘણા જુવાનો મોત પામી રહ્યા હતા — કદાચ ભૂખમરાથી. સરકારે તપાસ માટે રચેલી સમિતિનું તારણ એવું હતું કે, કોરકુ લોકો સિકલ સેલ ડિસીઝથી પીડાતા આવ્યા છે અને આ રોગ તો જનીનમાં જ હોય છે, માટે કશું થઈ શકે તેમ નથી. અમે અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી. અમારું તારણ હતું કે અંગ્રેજ શાસન દરમિયાન કોરકુની ફળદ્રુપ જમીન રેલવે લાઇન નાખવા માટે લઈ લેવાઈ હતી અને તેમનાં જંગલો રેલવે ટ્રેકના સ્લીપર બનાવવા માટે કાપી નંખાયાં હતાં. ત્યારથી આ લોકો પેઢી દર પેઢી ભૂખમરાથી પીડાતા આવ્યા છે.
થોડાં વર્ષો પછી મહાશ્વેતાદેવીએ એક વાર્તા લખી, જેનું શીર્ષક હતું ‘મહાડુ’, જે મહાદેવનું મરાઠીમાં ટૂંકું રૂપ છે. આ વાર્તામાં તેમણે કલ્પના કરી છેલ્લા બચેલા કોરકુની. તે રાહ જોઈ રહ્યો છે, અપોષણથી પીડાઈને તે સાવ સુકાઈ ગયો છે, તે માણસ કરતાં વધારે જંતુ જેવો લાગે છે. તેને દૂરથી રેલગાડીની સિટી સંભળાય છે અને અચાનક તેની યાદદાસ્ત સળવળી ઊઠે છે. તેને તેના પૂર્વજોએ જેની માવજત કરેલી એ જંગલોની સુગંધ આવે છે. તે દોડીને ગાડી પર કૂદકો મારે છે. ગાડી તેને લઈ આવે છે મુંબઈમાં, જ્યાં તેને પહેલી વાર એક વિચિત્ર વસ્તુ જોવા મળે છે – ભોજન! તે ખાવા મંડે છે, જે કાંઈ ખાઈ શકાય તે અને એ બધું ખૂટી જાય છે ત્યારે તે રાજાબાઈ ટાવર અને વિક્ટોરિયા ટર્મિનસ અને બીજી ભવ્ય ઈમારતોને ઓહિયાં કરી જાય છે. એ ખાતો જાય છે અને એનું કદ વધતું જાય છે. એની ઊંચાઈ વધતાંવધતાં એનું માથું છેક આકાશને આંબે છે. પછી તે નીચો નમીને અરબસાગરમાંથી પાણી પીએ છે, ટટ્ટાર ઊભો થાય છે, હાથ ઊંચો કરીને આકાશમાંથી એક તારો તોડી લે છે અને પછી નવેસરથી વિશ્વનો ઇતિહાસ લખવા માંડે છે.
મિથક, લોકવાર્તા અને ઇતિહાસનાં આ કથાનકો દર્શાવે છે કે ભૂખ એ માત્ર એક શારીરિક આવશ્યકતા નથી, માત્ર અમુક જથ્થામાં અમુક ચીજવસ્તુઓની માગ નથી. ભલે દેખીતી રીતે શારીરિક લાગે, પણ ભૂખને એક નામ હોય છે, તેની સંસ્કૃતિ છે અને તેની સંવેદનશીલતા હોય છે. કોરોનાના રોગચાળાના આ સમયે વિશ્વભરમાં અર્થતંત્રો પર તાળાં લાગ્યાં છે અને લાખો લોકો બેરોજગાર થયા છે, ત્યારે ભૂખના મુદ્દે હુલ્લડો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. 14મી એપ્રિલે, લૉક ડાઉનનો પહેલો તબક્કો લંબાવવામાં આવ્યો તે દિવસે, સુરતમાં જે દૃશ્યો સર્જાયાં તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નહોતું. પ્રશ્ન તો એ પૂછવો જોઈતો હતો કે, ટોળાંમાં એકઠા થયેલાં એ લોકોને માત્ર રાહતસામગ્રી જોઈતી હતી કે પછી તેઓ એથી વિશેષ, એથી અલગ કશુંક માગી રહ્યા હતાં? તેવી જ રીતે સ્થળાંતરિત મજૂરો સરકાર પાસેથી માત્ર ઘરે જવાની વાહનવ્યવસ્થા મળે એટલી અપેક્ષા રાખી રહ્યા છે કે પછી એથી વિશેષ કંઈક?
ઘરબંધી દરમિયાન અતિ વિશાળ સંખ્યામાં નાગરિકોએ સરકારને પૂરો સહકાર આપ્યો છે. ખેડૂતો, પરગામમાં ફસાયેલા મજૂરો અને ભૂખ્યાંજનો સુધ્ધા સરકારને એવો સહકાર આપવા તૈયાર હશે. પણ સત્તાધીશોએ તિરસ્કારની વૃત્તિ ત્યજવી પડશે અને તેમને માત્ર ટોળાં તરીકે જોવાનું બંધ કરવું પડશે. જો સરકારે આ પ્રજાજનો વિશે પણ વિચાર્યું હોત અને નાગરિક સમાજને અપીલ કરી હોત તો સમાજે ખુશીથી તેમના માટે રાહત છાવણીઓ અને માર્ગદર્શન કેન્દ્રો ખોલ્યાં હોત.
આપણા માટે એ ચિંતાનો વિષય છે કે લૉક ડાઉન દરમિયાન પૂર્વોત્તર ભારતના નિર્દોષ નાગરિકોની ઘૃણા અને અપમાનના કિસ્સા બન્યા છે. મુસ્લિમ લારીવાળાઓને સોસાયટી-કોલોનીમાં ન આવવા દેવાની સલાહ આપતાં ચોપાનિયાં વહેંચાયાં છે. સરકારે અસરગ્રસ્તોને સાંત્વના આપવાનાં કોઈ સ્પષ્ટ અને જાહેર પગલાં લેવાં જોઈતાં હતાં. અહંકાર અને ઘૃણાના આ વાઇરસના જવાબમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (સામાજિક અંતર) નહીં, પણ સોશિયલ ઈન્ક્લુઝન(સામાજિક સામેલગીરી)ની જરૂર છે, જેની સરકારે અવગણના કરી છે. જો રાજમુગટ ધિક્કારના વાઇરસને બેરોકટોક ફેલાવા દેશે, તો આવનારા મહિનાઓમાં મોટા પાયે રોટી રમખાણો ફાટી નીકળવાનું જોખમ રહે છે. લેટિન અર્થમાં જે કોરોના છે (મુગટ) તેણે કરુણાને સમજવી પડશે. પ્રજા દેશપ્રેમી જ છે, માટે તે માગે છે માત્ર સંવેદના અને સમાવેશ.
સૌજન્ય : “ધ ટેલિગ્રાફ” — અનુવાદ : આશિષ ઉપેન્દ્ર મહેતા
e.mail : ganesh_devy@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020
![]()


નિ:શંકપણે, વર્ષ ૨૦૨૦ કોરોના વાઇરસનું છે. તેનો આશય માનવજાતનું નિકંદન કાઢી નાખવાનો હોવાનો સત્તાવાર સ્વીકાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ઔપચારિક રીતે ‘એન્થ્રોપોસેન’ યુગની, એટલે કે જેમાં માનવજાત કુદરતનું નિકંદન કાઢી રહી છે તેવા સમયની, શરૂઆતની જાહેરાત કરી. તેના એક વર્ષ પછીનું આ વર્ષ છે. આ બે અંતભણીનાં યુદ્ધોના મુખ્ય કથાનકમાં બીજાં અનેક નાનાં કથાનકો પણ છે. જેમ કે, અનેક દેશોમાં જમણેરીઓ અને લોકશાહી-તરફી પરિબળો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, નાગરિક એટલે એક તરફ ઘરબાર સાથે સ્થાપિત લોકો જ હોય અને બીજી તરફ વિચરતી અને સ્થળાંતરિત પ્રજાનો પણ સમાવેશ થાય એ બે વિચાર વિશેનું યુદ્ધ, રાજ્ય વિશેના ધર્મઆધારિત ખયાલ અને ધર્મ સિવાયના ખયાલ વચ્ચેનું યુદ્ધ. બીજી પણ પેટાકથાઓ છે, જે લિંગ, વર્ગ, ઓળખ, ભાષા અને ઇતિહાસની ફરતે ઘૂમી રહી છે. આપણી વચ્ચે અને આપણી આજુબાજી એટલું બધું બની રહ્યું છે કે કોઈ પણ ભાવિ ઇતિહાસકાર માટે ૨૦૨૦ના વર્ષનું સંપૂર્ણ વર્ણન કરવું એ બહુ મોટો પડકાર બની રહેશે. વર્તમાન ક્ષણના ખભે, એ જે ઇતિહાસ ઘડી રહી છે તેનો ભારે બોજો આવી પડ્યો છે, માટે તેની પાસે ભૂતકાળ યાદ કરવાનો સમય ના હોય તે સમજી શકાય. નવેસરથી મળેલી સ્મૃતિ ઘણી વાર વર્તમાનમાં ઘડવામાં આવતાં કથાનકોને વેરવિખેર કરી નાખતી હોય છે, અને કોરાણે કરવામાં આવેલી સ્મૃતિ આવાં કથાનકોની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરી શકે છે.
યાદ કરવા લાયક બે-એક સાહિત્યિક કૃતિઓ પણ છે – એ કારણે નહિ કે અન્યથા તે કદાચ ભૂલાઈ જશે, પણ એ કારણે કે અન્યથા આપણે કદાચ ભૂલી જઈશું કે આપણા સમયમાં આપણે ક્યાં ઊભા છીએ. તેમાંથી એક કૃતિ ફ્રેન્ચ નવલકથાકાર અને વિચારક આલ્બેર કામુની છે. 1947માં પેરિસની ગાઈમાર પ્રકાશન સંસ્થાએ ‘લા પેસ્ત’ તરીકે પ્રકાશિત કરી અને 1948માં સ્ટુઅર્ટ ગિલ્બર્ટે ‘ધ પ્લેગ’ નામે અંગ્રેજી અનુવાદમાં રજૂ કરી, તે આ નાની એવી નવલકથાની વિશ્વભરમાં ચર્ચા થઈ. કામુ 29 વર્ષની ઉંમરથી તેના પર કામ કરી રહ્યા હતા. તેમને ‘પ્લેગને રીડીમ કરવા’ (એટલે કે પ્લેગની બિહામણી બાજુની સામે કંઈક શુભ સર્જન કરી પરત આપવા, કહો કે પ્લેગનું શોધન કરવા) એક નવલકથા લખવાનો વિચાર હતો. આમ તો તેમણે નવલકથામાં તેમના વતન અલ્જિરિયામાં રોગચાળાના લાંબા ઇતિહાસને આશરો લીધો હતો, પણ તેમના સમયના વાચકોને અને પછીની પેઢીઓના વાચકોને એ સમજવામાં વાર ના લાગી કે કામુ જે પ્લેગ વિશે લખી રહ્યા હતા તે મરકી હતી ફાસીવાદની. નવલકથાને નાની સફળતા મળી તે 1957માં માત્ર 44 વર્ષના કામુને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું તેમાં જોવા મળી, અને વધુ ઝળહળતી સફળતા મળી તે એ કે પોતપોતાના સમયે અસ્તિત્વની કટોકટીમાં ફસાયેલી દુનિયાભરમાં એક પછી એક યુવા પેઢી દાર્શનિક પોષણ માટે તેના તરફ વળતી રહી. ‘ધ પ્લેગ’નું મુખ્ય પાત્ર છે ઓરોં શહેરનો બેર્નાર રિય, જે અવિસ્મરણીય અસ્તિત્વવાદી વલણ લે છે, “હું જ્યાં હોઉં ત્યાં અને જે થઈ શકે તે કરવું”. 75 વર્ષ પહેલાં યુરોપ પર બર્જન-બેલ્સેનની ગંધ છવાયેલી હશે, ત્યારે કામુ તેના વાચકોને કહેવા માગતા હતા : મહેરબાની કરીને પલાયન થવાની વાત કરશો નહિ, બસ, લડત ચાલુ રાખો.
બીજું પુસ્તક જે મને સાદ દે છે તે એરિક બ્લેરની રાજકીય દૃષ્ટાન્તકથા છે. ભલે બહુ થોડા અંશે, પણ તેઓ આપણા પોતાના બિહારીબાબુ હતા. બિહારના મોતિહારીમાં તેમનો જન્મ થયો. પિતા અંગ્રેજ અને માતા ફ્રેન્ચ-બર્મિઝ હતા. નાનપણમાં બ્લેરને ભણતર માટે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. જેમતેમ શાળાજીવન પૂરું થયું ત્યારે ૧૯ વર્ષની ઉંમરે તેમણે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું અને બર્મામાં નોકરી માગી. તેમણે પોલીસની નોકરી ચાલુ રાખી હોત, પણ વણસતી તબિયતના કારણે તેમણે બ્રિટિશ ઈન્ડિયા છોડીને બ્રિટન પરત થઈ પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી અજમાવી. તેમણે લેખક તરીકે તખલ્લુસ અપનાવ્યું, ‘જ્યોર્જ ઓર્વેલ’. પછી તો એ ઉપનામ તેમને જ નહિ, વિશ્વ સાહિત્યને પણ વળગેલું રહ્યું. તેમની લઘુનવલ ‘એનિમલ ફાર્મ’ 1945માં પ્રકાશિત થઈ હતી, આજથી 75 વર્ષ પહેલાં. તેનો ફ્રેન્ચ અનુવાદ પ્રસિદ્ધ થયો 1947માં, જે વર્ષે કામુની ‘ધ પ્લેગ’ પ્રકાશિત થઈ.
ફ્રેન્ચ કામુ અને અંગ્રેજ ઓર્વેલની પેઢીના વધુ એક વિશિષ્ટ લેખક હતા અમેરિકન હૅમિંગ્વે. તેમની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ (1952) પણ ‘એનિમલ ફાર્મ’ અને ‘ધ પ્લેગ’ પછી ગણતરીનાં વર્ષોમાં પ્રકાશિત થઈ. અર્નેસ્ટ હૅમિંગ્વેને કામુ કરતાં થોડાં વર્ષો પહેલાં નોબેલ પારિતોષિક મળ્યું. ૨૦૨૦માં આપણે પારાવાર આર્થિક સંકડામણ અને ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વાઇરસના ફેલાવાથી ત્રસ્ત છીએ, જ્યારે આપણે એવી દુનિયા જોઈ રહ્યા છીએ જેમાં રાષ્ટ્રીય સીમાઓ કારાવાસની દીવાલો જેવી બની રહી છે, જ્યારે આપણે દરેક ‘અન્ય’ને વાઇરસવાહક અને સંભવિત જોખમ તરીકે જોતા શીખી રહ્યા છીએ, ત્યારે આપણે બે ઘડી સમય કાઢીને યાદ કરવું જોઈએ કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કરી ત્યારથી ૧૯૫૨ વચ્ચે ઓર્વેલ, કામુ અને હેમિંગ્વે જેવા લેખકોએ દુનિયાને નવી સંવેદનશીલતા, અસીમ આશા અને તેમના સમયના રોગચાળાઓનો સામનો કરવાના નવા રસ્તા બતાવ્યા હતા. એક વાર સુનિશ્ચય કરી લો, તો પછી બુઢ્ઢો માણસ, ધ ઓલ્ડ મૅન, પણ અશક્ય જણાતું કામ કરી શકે છે. એક વાર સુનિશ્ચય થઈ જાય, તો પછી ભલે થાકેલી હોય, પણ પ્રાચીન સંસ્કૃતિ અશક્યને શક્ય બનાવી શકશે, ભલે વાઇરસ ઘાતક રહ્યો તો રહ્યો!
“કોઈ પણ ભારતીય નાગરિકે નાગરિકત્વ સુધારા કાયદાથી ડરવાની જરૂર નથી.” કેવી સરસ વાત કરી, અમિતભાઈ! જે મારા ભાઈઓ અને બહેનો હિન્દુ, જૈન, બૌદ્ધ, શિખ, પારસી અને ઈસાઈ છે અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ધાર્મિક કારણે દમનથી બચવા ભારતમાં ગેરકાનૂની સ્થળાન્તર કરીને આવ્યાં છે, તેમને ભારે રાહત થશે. બીજા પ્રત્યે આટલી સહાનુભૂતિ અને ઊંડી કરુણા દર્શાવવા માટે તમારો ઘણો આભાર. તેમની જુલમની પીડા પર મલમ લગાવવામાં તમે જે દયા દાખવી છે તે માટે તેઓ અને તમામ ભારતીયો તમારા આભારી રહેશે.