દેશની સંખ્યાબંધ હાઈકોર્ટ અને કેટલીક સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકના વિવાદને કારણે હાઈકોર્ટમાં લગભગ ૪૦ ટકા ઉપરાંતની જગ્યા અને સુપ્રીમ કોર્ટમાં આશરે ત્રણ-ચાર જગ્યાઓ પર ન્યાયાધીશોની નિમણૂકો થતી નથી. આ બંને કોર્ટમાં મોટા પ્રમાણમાં કેસોનો ભરાવો છે. હાઈકોર્ટોમાં અનેક એવા કેસો છે કે જે છેલ્લાં દસ-પંદર વર્ષોથી પડતર છે અને તેનો ક્યારે નિકાલ આવશે, તેનો કોઈ અંદાજ આપી શકે તેમ નથી. કેસોનો સમયસર નિકાલ ન થવાને કારણે નાગરિકોને સરાસર અન્યાય થતો હોય છે. અનેક એવા કિસ્સાઓ છે કે નીચલી અદાલતે ફોજદારી ગુનાના કેસમાં કરેલ પાંચ-દસ વર્ષની સજા પૈકી મોટા ભાગની સજા ભોગવી લીધા પછી અપીલ સુનાવણી પર આવે અને હાઈકોર્ટ આરોપીને શંકાનો લાભ આપી અથવા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મૂકે, ત્યારે આ આરોપીએ પાંચ-સાત વર્ષ જેલમાં પાકા કામના કેદી તરીકે વિતાવીને પોતાની જિંદગીનાં અમૂલ્ય વર્ષો ખર્ચી નાંખ્યાં હોય. દીવાની કેસોમાં અનેક એવા કિસ્સા છે કે હાઈકોર્ટ વર્ષો પછી ચુકાદો આપે, ત્યારે ચુકાદો લાભમાં હોવા છતાં પણ જે-તે વ્યક્તિ ભોગવી શકે નહીં. હાઇકોર્ટમાં કેસના ભરાવા મુજબ ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારે અને કોર્ટ ન્યાયાધીશોની સંપૂર્ણ સંખ્યા સાથે કામ કરે તો પણ કેસોનો જે ભરાવો છે, તેનો નિકાલ થતાં અંદાજે એક સર્વે મુજબ ઓછાંમાં ઓછાં પચાસ-સો વર્ષો લાગે તેમ છે, ત્યારે નિમણૂકને લઈને આ વિવાદ દેશ માટે શરમજનક કહેવાય. એમ કહેવાય છે કે “Justice delayed is justice denied”. સમસ્યા ખૂબ ગંભીર છે. તેમાં કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ન્યાયમૂર્તિઓની નિમણૂકના મુદ્દે જે વિવાદ ચાલે છે, તેને કારણે હાઈકોર્ટમાં લાંબા સમયથી ન્યાયમૂર્તિઓની નિમણૂક થતી નથી. આ પશ્ચાદ્ભૂમિકામાં ન્યાયમૂર્તિની નિમણૂકના વિવાદના સમગ્ર પાયા સમજીએ.
જાહેર જનતા અને કોર્ટમાં પડતર કેસોના પક્ષકારોની અપેક્ષા એવા ન્યાયમૂર્તિઓની છે કે જેની તટસ્થતા અને વિદ્વત્તામાં વિશ્વાસ મૂકી શકાય, જે જટિલ કેસોની સમસ્યાની ઊંડી સમજણવાળા, કામ કરવાની ધગશવાળા અને ઝડપી નિકાલ કરી શકે તેવા સક્ષમ ન્યાયમૂર્તિઓ હોય. તટસ્થ ન્યાયમૂર્તિ એટલે કોઈની શેહ-શરમમાં આવ્યા વગર પ્રામાણિકતાથી ન્યાય તોળી સમયસર ચુકાદો આપે એવા ન્યાયમૂર્તિ.
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિનાં પદો બંધારણીય પદો છે. બંધારણે નિયત કરેલા સોગંદ લીધા પછી જ ન્યાયમૂર્તિ વિધિવત્ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવી શકે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના આઈ.એ.એસ. અધિકારીઓ અને અન્ય નોકરિયાતોની જેમ કેન્દ્ર કે રાજ્યના નોકરિયાતો નથી. બંધારણે આ ન્યાયમૂર્તિઓની નિવૃત્તિવય નક્કી કરેલ છે તેમ જ બંધારણે એવી જોગવાઈ કરેલ છે કે ન્યાયમૂર્તિને નિવૃત્તિવય સુધી તેમની સેવાની શરતોમાં કે નિવૃત્તિની વયમર્યાદામાં ફેરફાર કરી શકાય નહીં. ન્યાયમૂર્તિઓને માત્ર સંસદ જ ૨/૩ મતોની વિશેષ બહુમતીથી ઠપકાની દરખાસ્ત પસાર કરીને એ પદેથી દૂર કરી શકે.
બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંડળ, સાંસદ, ધારાસભ્ય, સ્પીકર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો, કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ, ઍટર્ની જનરલ, ઍડ્વોકેટ જનરલ બંધારણીય પદો છે. કમ્પ્ટ્રોલર જનરલ અને ઑડિટર જનરલને પદ પરથી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ વિશેષ ૨/૩ બહુમતીથી ઠપકાની દરખાસ્ત પસાર કરીને દૂર કરી શકે.
બંધારણની આ જોગવાઈઓ એટલા માટે વર્ણવેલ છે કે સામાન્યતઃ છેંતાલીસ વર્ષની વયથી બાવન વર્ષની વય વચ્ચેની વ્યક્તિઓ હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમાય છે. જેમને સેવાનો લાંબો સમય હોય છે તે દરમિયાન તેઓ લીધેલ સોગંદને વફાદાર ન રહે અથવા ન્યાય કરવાની ફરજમાં ગેરવર્તણૂક કરે તો તેમને ન્યાયાધીશપદેથી સંસદની વિશેષ બહુમતીથી જ દૂર કરી શકાય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર, સાંસદ, ધારાસભ્ય વગેરેના પદની મુદત પાંચ વર્ષની છે અને દર પાંચ વર્ષે જે-તે મતદારમંડળનો વિશ્વાસ પ્રાપ્ત કરી ચૂંટાવાનું હોય છે, જ્યારે ન્યાયમૂર્તિની હોદ્દાની મુદત હાઈકોર્ટમાં ૬૨ વર્ષની અને સુપ્રીમ કોર્ટમાં ૬૫ વર્ષની છે. સને ૧૯૫૦ના જાન્યુઆરીમાં બંધારણ અમલમાં આવ્યા પછી ન્યાયમૂર્તિના ગેરવર્તણૂકના અનેક કિસ્સાઓ હોવા છતાં પણ સંસદે વિશેષ બહુમતીથી એકાદ અપવાદ સિવાય કોઈ ન્યાયમૂર્તિ સામે ઠપકાની દરખાસ્ત પસાર કરેલ નથી.
એ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે કે જે વ્યક્તિની નિમણૂક ન્યાયમૂર્તિ માટે કરવાની હોય છે, તે એક માનવ છે અને માનવસહજ નબળાઈઓને આધીન છે. માનવસહજ નબળાઈઓમાં કામ, ક્રોધ, લાલચ, અહંકાર, મિથ્યાભિમાન, પૂર્વગ્રહ, લાભાલાભ, અદેખાઈ, સગાંવાદ, પક્ષપાત વગેરે અનેક નબળાઈઓથી ઉપર ઊઠવા માટેનું ઉચ્ચ ચારિત્ર્ય અને પદ અંગેની ફરજ નિભાવવાની સભાનતા જરૂરી છે. બંધારણ સભામાં ન્યાયમૂર્તિઓની નિમણૂકના પ્રશ્ને ડૉ. આંબેડકરે કહેલું કે That, the Chief Justice is also a human being and is man with all the failings and prejudices which common people are supposed to have”. ઉપર્યુક્ત વિધાન ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ સાથે મસલત કરવાની જરૂરિયાતને બદલે મુખ્ય ન્યાયમૂર્તિની સંમતિથી જ નિમણૂક કરી શકાય, તેવી ચર્ચાના પ્રત્યુત્તરમાં કરેલું.
સને ૧૯૭૩ સુધી ન્યાયમૂર્તિઓની નિમણૂક અંગે કોઈ ખાસ વિવાદ ન હતો. અલબત્ત, સને ૧૯૫૦ના દાયકામાં મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ચાગલા અને મુંબઈ રાજ્યના મુખ્યમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈ વચ્ચે મુંબઈ હાઈકોર્ટના એક ન્યાયાધીશની નિમણૂક અંગે મતભેદ થયેલો, પરંતુ તેમાં શ્રી મોરારજીભાઈએ નમતું જોખેલું. સને ૧૯૫૦માં બંધારણ ઘડાયું ત્યારથી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકની જોગવાઈ આર્ટિકલ ૧૨૪ મુજબ કરવાની હોય છે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક આર્ટિકલ ૨૧૭ની જોગવાઈ મુજબ કરવાની રહે છે. આ બંને આર્ટિકલોની જોગવાઈ મુજબ ન્યાયમૂર્તિ નીમવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય, ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની રહેતી હોય, ત્યારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે મસલત કરવી તેવી જોગવાઈ છે. અલબત્ત, રાષ્ટ્રપતિએ આ અંગે કેન્દ્ર સરકારની સલાહ મુજબ નિમણૂકો કરવાની હોય છે. એક પ્રણાલિકા તરીકે કેન્દ્ર સરકાર જે-તે રાજ્યોની હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિમણૂક અંગે રાજ્ય સરકારોના અભિપ્રાય પણ લક્ષમાં લેતી હોય છે. ઉપર્યુક્ત રીતે સને ૧૯૭૩ સુધી વિના વિવાદે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકો થતી હતી અને આ પ્રકારની નિમણૂકો વિના વિલંબે જગ્યા ખાલી પડે કે તરત જ કરવામાં આવતી હતી.
સને ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ જસ્ટિસ જે.એમ. શેલત, જસ્ટિસ હેગડે અને જસ્ટિસ ગ્રોવરને સુપરસીડ કરી વરિષ્ઠતામાં ચોથા ક્રમે આવતા જસ્ટિસ એ.એન. રેને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિપદે વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે નીમેલા. આ નિમણૂકે ન્યાયતંત્ર અને વકીલ આલમમાં ભૂકંપ સર્જેલો. એટલે કે સને ૧૯૭૩ની સાલથી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ન્યાયમૂર્તિઓની નિમણૂકોના પ્રશ્ને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયેલું છે. સને ૧૯૭૮માં કેન્દ્રમાં વિરોધ પક્ષોના વિલીનીકરણથી બનેલ જનતાપક્ષની સરકાર મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ સત્તા પર આવી. આ સરકારમાં પણ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી બઢતી આપીને એક ન્યાયમૂર્તિને નીમવામાં આવ્યા, જે વરિષ્ઠતામાં ગુજરાત હાઈકોર્ટમાં ચોથા ક્રમે આવતા હતા. ગુજરાત હાઈકોર્ટના ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સિનિયોરિટીની અવગણના કરી ચોથા ન્યાયમૂર્તિને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી, જેની અટક પણ ‘દેસાઈ’ હતી અને તે વડાપ્રધાન મોરારજીભાઈની નાતના હતા. એ ન્યાયમૂર્તિએ સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પૂરી પ્રામાણિકતાથી અનેક ગૂંચવાડાભર્યા કેસોના સક્ષમ ચુકાદાઓ આપેલા, જે આજે પણ અનુસરવામાં આવે છે. જે ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ સુપરસીડ થયા તે પૈકી બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પણ સક્ષમ ન્યાયમૂર્તિઓ હતા અને ઇમરજન્સીના સમયમાં ભારે હિંમતથી નિર્ભયતાપૂર્વક બંધારણીય ચુકાદાઓ આપેલા. સુપ્રીમ કોર્ટના બારે આ ન્યાયમૂર્તિની સોગંદવિધિનો બહિષ્કાર કરેલો. આ નિમણૂકે ગમે તે પક્ષની સરકાર હોય, તો ન્યાયતંત્ર અને વકીલ આલમમાં સરકારના હસ્તક નિમણૂક રહેવી જોઈએ નહીં, તેવું અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું.
જનતાપક્ષની મોરારજીભાઈના નેતૃત્વ હેઠળની સરકાર લાંબો સમય ચાલી નહીં. મોરારજીભાઈની વિદાય પછી જે વડાપ્રધાન બન્યા તે લોકસભામાં વિશ્વાસનો મત પણ લઈ શક્યા નહીં અને એ સરકાર પાંચ વર્ષનો ગાળો પૂરો કરી શકી નહીં. સને ૧૯૮૦માં ફરી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ સરકાર સત્તા પર આવી.
આ લેખકે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટીની હેસિયતથી સને ૧૯૮૦ના ઑક્ટોબર મહિનામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણૂકના પ્રશ્ને અને હાઈકોર્ટ જજોની ફેરબદલીના પ્રશ્ને અમદાવાદ મુકામે રાષ્ટ્રીય સેમિનાર આયોજિત કરેલો, જેમાં દેશભરની બાર કાઉન્સિલો અને બાર ઍસોસિયેશનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સેમિનારનું ઉદ્ઘાટન નામાંકિત ધારાશાસ્ત્રી એલ.એમ. સિંઘવીએ કરેલ, જેમાં પ્રથમ પંક્તિના ધારાશાસ્ત્રીઓ રામ જેઠમલાણી, રાજેન્દ્ર સિંહ, રણજિત મહંતી, વી.આર. રેડ્ડી વગેરે હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટના સેક્રેટરી તરીકે ડૉ. માધવ મેનને આ સેમિનારનું સંચાલન કરેલું. આ સેમિનારે કૉલેજિયમ પ્રથમ પરામર્શમાં દાખલ કરવાનો વિચાર જાહેર રીતે ઠરાવ રૂપે પ્રથમ વખત મૂક્યો.
અલબત્ત, આ કૉલેજિયમમાં બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના પ્રતિનિધિઓ અને ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને સમાવવા અંગેનું સૂચન હતું.
ન્યાયમૂર્તિઓની નિમણૂક અને ફેરબદલીના પ્રશ્નના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સાત ન્યાયમૂર્તિઓની બંધારણીય બૅન્ચે ડિસેમ્બર, ૧૯૮૧માં ચુકાદો આપ્યો, જેમાં ન્યાયતંત્ર સ્વતંત્ર રહેવું જોઈએ તેમ જ તે સંદર્ભમાં ન્યાયમૂર્તિની પસંદગી થવી જોઈએ, તેમ ઠરાવવામાં આવ્યું.
ત્યાર પછી સને ૧૯૯૩માં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાલી જગ્યાઓ પૂરવાના કેસમાં સને ૧૯૮૧માં આપેલ ઉપર્યુક્ત ચુકાદા અંગે ફેરવિચારણા થવી જોઈએ, તેમ લાગતાં નવ ન્યાયમૂર્તિઓની બંધારણીય બૅન્ચ સમક્ષ કેસ મૂકવામાં આવ્યો. આ કેસ સુપ્રીમ કોર્ટે ઍડ્વોકેટ ઑન રેકર્ડ વર્સસ યુનિયન ઑફ ઇન્ડિયાના નામે જાણીતો છે, જેમાં આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭ના અર્થઘટનમાં કૉલેજિયમ પ્રથા દાખલ થઈ. કૉલેજિયમ એટલે હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકમાં સપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું કૉલેજિયમ. ભારતના બંધારણમાં આર્ટિકલ ૧૨૪ કે ૨૧૭ કે અન્ય કોઈ આર્ટિકલમાં કૉલેજિયમ જેવો કોઈ શબ્દ નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયતંત્રના સ્વાતંત્ર્યના ખ્યાલ અંગે વ્યાપક અર્થઘટન કરી કૉલેજિયમને આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭માં દાખલ કરવામાં આવેલ છે, જેની યથાર્થતા અંગે અનેક વિવાદો છે.
સને ૧૯૯૩થી કૉલેજિયમની સાથે પરામર્શ કરીને છેલ્લાં પચ્ચીસ વર્ષોથી નિમણૂકો થાય છે. આ ચુકાદાથી એવું ઠરાવેલ છે કે કૉલેજિયમની ભલામણ સરકારને બંધનકર્તા છે અને તે મુજબ સરકારે નિમણૂક કરવી જોઈએ. સરકાર એકાદ વખત કૉલેજિયમને નિમણૂકની દરખાસ્ત અંગે કારણો જણાવી ફેરવિચારણા કરવાનું કહી શકે, પરંતુ જો કૉલેજિયમ ફેરવિચારણા કરી ફરી એ જ વ્યક્તિનું નામ નિમણૂક માટે સૂચવે, તો તે મુજબ નિમણૂક આપવાનું સરકાર માટે ફરજિયાત છે.
છેલ્લાં પચ્ચીસ વર્ષોથી કૉલેજિયમ પ્રથા અમલમાં છે, પરંતુ તેનો એકંદર અનુભવ સંતોષકારક નથી. કૉલેજિયમના ન્યાયમૂર્તિઓના અંગત રાગદ્વેષ અને સગાંવાદ ન્યાયમૂર્તિની પસંદગીમાં ભાગ ભજવે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ સુશ્રી રૂમા પાલે જસ્ટિસ વી.એમ. તારકુંડે સ્મૃિતવ્યાખ્યાનમાં કૉલેજિયમ પ્રથા પર બે-એક વર્ષ પહેલાં પ્રકાશ પાડતાં જણાવેલ કે, “The process by which a judge is selected to superior court is one of the best kept secrets in this country. The very secrecy of the process leads to an inadequate input of information as to the abilities and suitability of a possible candidate for appointment as Judge … personal friendship or unspoken obligation may colour recommendation. Consensus among collegiums is sometimes resolved through trade-off resulting in dubious appointment with disastrous consequences for the litigants and credibility of the Judicial system. Besides, institutional independence has also been compromised by growing sycophancy and lobbying within the system.” ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્યે સને ૨૦૧૪માં ભારતના ચીફ જસ્ટિસ કબીર આલમને લખેલા પત્રમાં જણાવેલું કે કૉલકાતા હાઈકોર્ટના કૉલેજિયમમાં તેઓ ન્યાયમૂર્તિ હતા, ત્યારે ચીફ જસ્ટિસ કબીર આલમની બહેન, જે હાઈકોર્ટના પટાવાળાના પગારથી ઓછી કમાણી વકીલાતમાં કરતી હતી અને જેને ખાસ અનુભવ ન હતો, તેની ન્યાયમૂર્તિ તરીકેની નિમણૂકનો વિરોધ કરેલો. આ અંગે જસ્ટિસ કબીર આલમનો પૂર્વગ્રહ તેમની વરિષ્ઠતા હોવા છતાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂકમાં અડચણરૂપ બનેલો. દિલ્હી હાઈકોર્ટના સક્ષમ અને પ્રામાણિક ચીફ જસ્ટિસ શ્રી એ.પી. શાહ કૉલેજિયમના એક ન્યાયમૂર્તિના પૂર્વગ્રહને કારણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામ્યા નહીં. આવાં તો અનેક દૃષ્ટાંતો છે. ન્યાયવિદ્ અને વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી ફલી નરીમાને તેમની આત્મકથામાં પણ આ અંગે સુંદર વિવરણ કરેલું છે.
કૉલેજિયમ પદ્ધતિની આ ઉપરાંત વધારાની એક નબળાઈ એ છે કે નિમણૂકની સમગ્ર પ્રોસેસ ગૂંચવાડાભરી અને નિમણૂકમાં વિલંબ કરનારી છે. આ પ્રથા ચાલુ રાખવી હોય તો પણ, તેમાં સુધારા કરવા જોઈએ, તેમ ખુદ સુપ્રીમ કોર્ટે ‘National Judicial Appointment Commission’ અંગે સને ૨૦૧૬માં આપેલ ચુકાદામાં પણ સ્વીકારેલ છે. હકીકતે ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં જે વિલંબ થઈ રહ્યો છે અને ખાલી જગ્યાઓ પુરાતી નથી, તેને માટે કૉલેજિયમ પ્રથા જવાબદાર છે.
ઉપર્યુક્ત સંદર્ભમાં લોકસભાએ ભારતના બંધારણમાં નવ્વાણુમો સુધારો કરી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક અંગે ‘National Judicial Appointment Commission’ રચવાનો કાયદો લગભગ સર્વસંમતિથી કર્યો. આ કાયદા અંગેનું બિલ કૉંગ્રેસની આગેવાની હેઠળની યુ.પી.એ. સરકારે તૈયાર કરેલું. સને ૨૦૧૪ ભાજપની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારે સત્તા પર આવતાં આ બિલ લોકસભામાં રજૂ કરેલ. આ બિલને ભા.જ.પ. અને કૉંગ્રેસનું સંપૂર્ણ સમર્થન હતું. લોકસભાના અન્ય પક્ષો પણ આ બિલનું સમર્થન કરતા હતા, જેમાં અપવાદ રૂપે તામિલનાડુનો એ.આઈ.ડી.એમ.કે. પક્ષ હતો, જેણે આ બિલનો સંસદમાં વિરોધ કરેલ નહીં, પરંતુ મતદાન વેળા ગેરહાજર રહેલા. રાજ્યસભામાં માત્ર એક વિરોધ મતે આ બિલ પ્રચંડ બહુમતીથી પસાર થયેલું. પાર્લામેન્ટે ૯૯મો સુધારો કર્યા પછી બંધારણ સુધારાની જોગવાઈઓ મુજબ દેશની અર્ધા ઉપરાંતની ધારાસભાઓએ આ બિલનું સમર્થન કરેલ. આ સુધારા હેઠળ જે કમિશન રચવાનું હતું, તેમાં કુલ્લે છ સભ્યો હતા, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ભારત સરકારના કાયદાપ્રધાન અને વડાપ્રધાન ચીફ જસ્ટિસ અને વિરોધપક્ષના નેતાની સમિતિ નીમે તેવા અગ્રગણ્ય બે પ્રબુદ્ધ નાગરિક નીમવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટે સને ૨૦૧૬ના ફેબ્રુઆરી મહિનામાં ઉપર્યુક્ત ૯૯મો સુધારો ચાર જજોની બહુમતીથી ગેરબંધારણીય ઠરાવ્યો અને કૉલેજિયમ પ્રથા પારદર્શક બનવી જોઈએ અને તે અંગેની કાર્યવાહી કરવાનું સ્વીકાર્યું. ફલશ્રુતિ રૂપે વિલંબ કરનારી કૉલેજિયમ પ્રથા ચાલુ રહી.
હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિમણૂકમાં સામાન્યતઃ ધારાશાસ્ત્રીઓના વ્યવસાયમાંથી લગભગ સિત્તેર ટકા અને જિલ્લા કક્ષાની જ્યુડિશિયલ સર્વિસમાંથી ત્રીસ ટકા ન્યાયમૂર્તિઓ નિમાતા હોય છે. ધારાશાસ્ત્રીઓના વ્યવસાયમાં પસંદગી જે-તે હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ધારાશાસ્ત્રીઓ પૂરતી મર્યાદિત હોય છે, જેને કારણે પસંદગીનું ફલક સાંકડું બને છે. આ ઉપરાંત વકીલાતના વ્યવસાયમાં મોટી કમાણીની તક હોવાને કારણે સારી પ્રૅક્ટિસવાળા તેજસ્વી વકીલો ન્યાયમૂર્તિ થવાનું પસંદ કરતા નથી. ન્યાયમૂર્તિઓના પગાર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના આઈ.એ.એસ. સચિવો સમકક્ષ હોય છે. ન્યાયમૂર્તિની જગ્યા માટે અખિલ હિંદ ધોરણે ધારાશાસ્ત્રીઓમાંથી પસંદગી થતી નથી કે આ નિમણૂકો માટે કોઈ પરીક્ષા પસાર કરવાની હોતી નથી, માટે કમસે કમ પસંદગીનું ફલક વિશાળ અખિલ હિંદ ધોરણે કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે સને ૨૦૧૬મો ૯૯માં બંધારણીય સુધારો અને નેશનલ જ્યુડિશિયલ ઍપોઇન્ટમેન્ટ કમિશનને ગેરકાયદેસર ઠરાવ્યાં, તેના અંગે એક ટિપ્પણી એવી છે કે સુપ્રીમ કોર્ટે સને ૧૯૯૩માં બંધારણના આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭ના અર્થઘટનની ન્યાયમૂર્તિઓ નીમવાના જે અધિકારો પ્રાપ્ત કર્યા છે, તે અધિકારો ન્યાયતંત્ર છોડવા માગતી નથી. હકીકતે સને ૧૯૯૩માં આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭નાં જે અર્થઘટન થયાં તેને બંધારણનાં સભાની ડિબેટમાં કે બંધારણની ભાષામાં કોઈ સમર્થન મળતું નથી.
સરકારનાં ત્રણેય અંગો, પાર્લામેન્ટ, કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાંને પૂરક બને અને સંવાદિતાથી કામ કરે તે જરૂરી છે. સને ૨૦૧૬ના ફેબ્રુઆરીના ચુકાદાથી સંસદે પસાર કરેલ બંધારણીય સુધારો ગેરબંધારણીય ઠરાવ સંસદ તેમ જ આ સુધારો સૂચવનાર કારોબારીતંત્રની અવગણના થયાની આ બંને અંગોમાં લાગણી છે. બંધારણ હેઠળ દરેકેદરેક તંત્રની મર્યાદાઓ અંકાયેલ છે, ત્યારે ત્રણેય તંત્રો મર્યાદામાં રહી સંવાદિતાથી કાર્ય કરે એ આજની તાતી જરૂરિયાત છે.
આમ જનતાને બંધારણીય આંટીઘૂંટીમાં ભાગ્યે જ રસ છે. આમજનતા પ્રામાણિક, સક્ષમ અને ઝડપી ન્યાય આપે તેવા ન્યાયમૂર્તિઓ ઝંખે છે.
E-mail : kgv169@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 10-12