ભારતમાં કોરોના મહામારી ઓછી છે એટલે હવે વધુ નહીં ફેલાય અને આપણે મહાન છીએ, એમ ન માનીએ. ભારત આ બાબતે પશ્ચિમી દેશો કરતાં હજુ પાછળના સ્ટેજમાં છે. ચેપ ફેલાઈ રહ્યો છે, માત્ર આપણી પાસે તેના કિસ્સાઓ શોધીને, ટેસ્ટ કરવાની કે વધુ ન ફેલાય તે માટે રોકવાની સગવડ નથી, એટલે આપણી પાસે આંકડાઓ પહોંચી નથી રહ્યા.
લોકોમાં કોરોનાના કિસ્સામાં જરૂરી જાગૃતિ કે સમજદારીનો અભાવ કયા સ્તરનો છે તે તો થાળી-ઢોલ-દીવડા-ફટાકડાના તમાશા અને સામૂહિક નમાઝ, મરકઝ જેવા પ્રદર્શનમાં આપણે જોઈ ચુક્યા છીએ! છતાં મહામારી ઓછી છે તે હકીકત છે અને તેની બધી ક્રેડિટ વડાપ્રધાનને ન આપો. આપણી રાજ્ય-વ્યવસ્થામાં સરકારી તંત્ર ખૂબ મોટું છે (જે વિકસિત દેશોમાં ખૂબ નાનું હોય છે), એટલે અત્યારે એ તંત્ર અને તંત્ર માંહેના કરોડો કર્મચારીઓ બ્યુરોક્રસી-હોસ્પિટલ-પોલીસ-મ્યુનિસિપાલિટી-શિક્ષકો વગેરે કામ કરી રહ્યા છે. વડાપ્રધાન તો હકીકતે મહામારી વધુ ફેલાઈ શકે એવાં ગતકડાં કરી રહ્યા છે. લોકોને આ અંગેની ગંભીરતા સમજાય એવા પ્રયત્ન કરવાને બદલે અંધશ્રદ્ધામાં જ રહે તેવા ઉત્સવલક્ષી આયોજનો જ કરી રહ્યા છે!
આ વાઈરસ-ફેલાવામાં જે આગળ છે, તેમની હાલત જોઇને જાગવાનું અને ફાયદો લેવાનું ન તો સરકારી તંત્ર પૂરા પ્રમાણમાં કરી રહ્યું છે, ન આપણે નાગરિક તરીકે કરી રહ્યા છીએ. હિન્દુ સંસ્કૃતિના કે ભારતીય મહાનતાના ઘમંડ અને "આપણને કશું ન થાય" એવા ભ્રમ છોડી દઈએ. જાગીએ, કોરોના સામે એક વ્યક્તિ, કે કુટુંબ કે પ્રજા તરીકેના લેવાના થતાં સલામતી અને તકેદારીનાં બધાં જ પગલાં લેવા માંડીએ. હાલ ભલે એ શરમજનક કે હાસ્યાસ્પદ લાગે, પછીથી કરુણ પરિણામો ભોગવવાં નહીં પડે. લોકો આપણી પાછળ રડે એ કરતાં આપણા ઉપર હસે એ સારું જ છે!
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 11 ઍપ્રિલ 2020