એક હતા પૂછીપૂછીસાહેબ. બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો આગ્રહ હતો. પોતે કાંઈ ખાસ કરતા નહોતા, પણ બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો કડક આગ્રહ હતો.
એક દિવસ ફરિયાદી કહે કે ‘સાહેબ, સારી સ્કૂલ કે કૉલેજ કે હૉસ્પિટલ – કંઈ આલજો મા – બાપ.’ પૂછીપૂછીસાહેબ કહે કે ‘એ નહીં બને, પણ પેલો 'મિ. ખાનગી' તને બધું આપશે. તું એની પાસે જા.’ એટલે ફરિયાદી ત્યાં ગયો અને બધું ખાનગી-ખાનગી થયું : સ્કૂલ ખાનગી, કૉલેજ ખાનગી, હોસ્પિટલ ખાનગી, નદી ખાનગી, તળાવ ખાનગી, બસ ખાનગી … બધું ખાનગી …
પૂછીપૂછીસાહેબ કહે, ‘બધું ખાનગી ભલે કર્યું, પણ પૂછવાનું તો મને જ. ખાનગી સ્કૂલમાં મને પૂછીને ભણાવવાનું, મને પૂછીને ફી લેવાની, મને પૂછીને નિયમો બનાવવાના. ખાનગી હૉસ્પિટલમાં મને પૂછીને દરદી દાખલ કરવાના, મને પૂછીને ફી લેવાની, મને પૂછીને નિયમો બનાવવાના … મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ. તારા ધંધામાં ય મારો ભાગને તારા ધર્માદામાં ય મારો ભાગ.’
ફરિયાદીને જ્યારે જ્યારે ‘મિ. ખાનગી’ સામે વાંધો પડે ત્યારે તે પૂછીપૂછીસાહેબ પાસે પહોંચી જાય. પૂછીપૂછીસાહેબ તેને સમજાવે કે ‘હું તો તારી સાથે જ છું. ચાલ, પેલા ખાનગીને દબડાવીએ.’ પૂછીપૂછીસાહેબ ખાનગીને જાહેરમાં દબડાવે ને ખાનગીમાં કહે, ‘મારું મારા બાપનું, ને તારામાં મારો ભાગ.’
એક દિવસ ખાનગી બગડ્યો અને એ તો ચાલ્યો રડતો રડતો હાઇકોર્ટ પાસે. હાઇકોર્ટ કહે કે, ચાલો કોઈ વચલો રસ્તો કાઢીએ. હાઇકોર્ટે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ વચલો રસ્તો કાઢ્યો. ખાનગી થોડો ખુશ થયો અને ફરિયાદી પણ થોડો ખુશ થયો. એટલે પૂછીપૂછીસાહેબને મજા જ મજા. ખાનગી રડતો રડતો હાઇકોર્ટમાં જાય, તો સાહેબ ફરિયાદીને કહે કે ‘હું તો તારા પક્ષે જ હતો, પણ આ જો પેલો ખાનગી હાઇકોર્ટમાં ગયો ને એટલે હાઇકોર્ટનું તો માનવું જ પડે ને.’ એટલે ફરિયાદી થોડો ખુશ થાય, પૂછીપૂછીસાહેબનો જયજયકાર કરે.
ફરિયાદી ખાનગીને જાહેરમાં દબડાવે અને ખાનગીમાં … સ્કૂલ ખાનગી, કૉલેજ ખાનગી, હોસ્પિટલ ખાનગી, નદી ખાનગી, તળાવ ખાનગી, બસ ખાનગી, ઘર ખાનગી, બધું ખાનગી …
દુનિયા ફરે તેમ આ વાર્તા ફરે છે, પણ કશું બદલાતું નથી. ખાનગી ખાનગી રહે છે. ફરિયાદી ફરિયાદી રહે છે અને પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને જ બધું થાય છે. ફરિયાદીને એટલી સરસ ટ્રેનિંગ મળી છે કે તે ખાનગીની ફરિયાદ કરતાં કરતાં પૂછીપૂછીસાહેબની ફરિયાદ કરવાનું કે તેમને અરીસો બતાવવાનું ભૂલી જાય છે. ખાનગી પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને બને તેટલી છૂટછાટ લે છે અને પૂછીપૂછીસાહેબનું દબાણ ન સહન થાય કોઈક દિવસ તે હાઇકોર્ટનો આંટો મારી આવે છે.
બધા ખુશ છે. ફરિયાદીની ફરિયાદ સંભળાય છે. ખાનગી ખાનગીમાં બધું પતાવે છે. હાઇકોર્ટ વચલો રસ્તો કાઢીને ખુશ છે. પૂછીપૂછીસાહેબને પૂછીપૂછીને બધું થાય છે. આ સુખદ અંત ધરાવતી વાર્તા છે.
e.mail : joshirutul@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 13
![]()


શહેર એટલે ખાસ પ્રકારની આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓનું સંમિલન. શહેર એટલે નોકરીઓના- આજીવિકાઓના બજારની ભૌગોલિક ગોઠવણ. શહેર એટલે વિવિધ સંસ્કૃતિઓ, જુદા જુદા લોકો, તેમની રહેણીકરણીનો ઉકળતો ચરુ. જે પ્રવૃત્તિઓ ગામડાં કે નાના ગામમાં ન નિભાવી શકાય, તેમને શહેરમાં સમાવી અને નિભાવી શકાય. શહેરની એક સાઇઝ કે કદ હોય. આ કદ અને લોકોના આકસ્મિક સહઅસ્તિત્વને લીધે જ ત્યાં એક બાજુ શેરબજાર હોય અને બીજી બાજુ રિસર્ચ સેન્ટર પણ નભી શકે. કારણ કે શેરબજાર માટે મૂડી અને રિસર્ચ સેન્ટર માટે ખાસ પ્રકારના 'શ્રમિકો' મળવાની શક્યતા ગામ કરતાં શહેરમાં વધુ છે. કોઈ પણ પ્રકારના સામાજિક ફેરફાર, આર્થિક સુધારણા, સાંસ્કૃતિક પહેલ કે વૈજ્ઞાનિક શોધખોળ વગેરે શહેરમાં અને શહેરી સમાજમાં થાય તેવી શક્યતા વધુ છે. એટલે જ તો માનવઉત્ક્રાંતિમાં શહેરોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.
’ગ્રેટ બ્રિટન’ – મને હંમેશાં લાગતું કે આ ખરો અહંકારી દેશ છે કે જેણે પોતાના નામમાં જ ’ગ્રેટ’ ઉમેરી લીધું. એ તો ખાંખાંખોળા કરીને ખબર પડી કે ’ગ્રેટ’ અહીં ’ગ્રેટર’ના અર્થમાં છે. ’ગ્રેટ’ બ્રિટન એટલે ’મહાન બ્રિટન’ નહિ પણ બૃહદ્દ બ્રિટન – વિસ્તૃત બ્રિટન કે જેમાં સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ આવી જાય છે. પણ શાણા અંગ્રેજોને જરૂર એવું લાગ્યું હશે કે કોઈ ’ગ્રેટર’ને ’ગ્રેટ’ સમજતું હોય તો તેમાં સામે ચાલીને સાચી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સ્પષ્ટતા ન કરીને મહાન થવાતું હોય તો સસ્તામાં પતે છે. જો કોઈ અંગ્રેજોને અહંકારી સમજતું હોય તો તેને ટિપિકલ ઇંગ્લિશ અદામાં સલૂકાઈથી કહી શકાય કે ’અંગ્રેજી તમારી સ્થાનિક ભાષા ન હોવાથી કદાચ તેના સૂક્ષ્મ અર્થવિસ્તારો અંગેની તમારી અણસમજ સમજી શકાય તેવી છે’. અંગ્રેજો આવું કહે ત્યારે સમજી લેવાનું કે એ તમારા અંગ્રેજીના અજ્ઞાનની ફિલમ ઉતારી રહ્યા છે. ઇંગ્લૅંડમાં કોઈ જાહેર જગ્યામાં કોઈ તમને કહે કે ’તમારું બાળક કેટલું ખુશમિજાજી છે!’ ત્યારે પોરસાવાને બદલે એવું તપાસી લેવાનું કે તમારું બાળક બહુ ઘોંઘાટ તો નથી કરી રહ્યુંને! અંગ્રેજી રીતભાત, શિષ્ટાચાર અને સલૂકાઈમાં રહેલો કરપીણ વ્યંગ અને મોટે ભાગે નિર્દોષ તુમાખી સમજતાં મને એકાદ-બે વર્ષ લાગ્યાં.