[ડૉ. ઉષાબહેન મહેતાનું નામ ‘હિંદ છોડો’ આંદોલનનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે શરૂ કરેલો અને ચલાવેલો ‘કૉંગ્રેસ રેડિયો’ના સાહસિક સંભારણાં તેમના આ લેખમાં થોડાં ઝિલાયાં છે.]
1942ના 8 અને 9 ઑગસ્ટના એ યાદગાર દિનો, જ્યારે બાપુએ અંગ્રેજ સરકારને ‘ભારત છોડો’નો આદેશ આપ્યો અને દેશને ‘કરો યા મરો’નો અભય મંત્ર ! ગાંધીજી, જવાહરલાલજી, સરદાર પટેલ, મૌલાના આઝાદ આદિ નેતાઓની સિંહગર્જના સાંભળી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્રારા સંચાલિત હિંદીના વર્ગમાં ભણતા અમે થોડા વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો, કે આઝાદીના આ આખરી સંગ્રામનો સંદેશ ગમે તે ભોગે દેશના ઘરેઘર અને ગામેગામ ગુંજતો કરવો જોઈએ. આ માટે સભાસરઘસ વગેરે ઉપાયો તો ન જ અજમાવી શકાય, કારણ એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ભૂગર્ભ બુલેટિનનો વિચાર આવ્યો, કારણ આગળના આંદોલનમાં એનો સહારો લેવામાં આવ્યો હતો અને એ વખતના થોડા સાથીઓ પણ અમારી સાથે હતા, પણ બાબુભાઈને અને મને કંઈક નવો ઉપાય શોધવાની હોંશ હતી. સૌ સાથીઓ સાથે વિચારવિનિમય કરતાં અમને થયું કે એક ભૂગર્ભ રેડિયો ચલાવી શકાય તો લોકોમાં નવચેતનાનો સંચાર કરી શકાય. ‘શુભસ્ય શીઘ્રમ’ની વૃત્તિથી પ્રેરાઈ અમે તરત જ રેડિયોના વર્ગ ચલાવતા એક તંત્રવિદ્ (Technician) પ્રિંટરનો સંપર્ક સાધ્યો. એમણે તરત જ અમને સેટ બનાવી આપવાની તૈયારી બતાવી, પણ અમારે એમને દશ હજાર રૂપિયા આપવાના હતા. આથી અમે તો વિમાસણમાં પડ્યા : આટલા પૈસા લાવવા ક્યાંથી ? ઘરે જઈ આ અંગે બાબુભાઈ, ચંદ્રકાંતભાઈ, સુમન, મનુ, બિપિન વગેરે સૌ સાથીઓ ચર્ચા કરવા લાગ્યાં. અમારાં માસી, જેને સૌ ‘જયાબા’ કહેતાં, એ આ બધી ચર્ચા સાંભળતાં હતાં. એઓ બહાર આવ્યાં અને કહે કે ‘છોકરાંઓ, જરા ય ચિંતા ન કરો, મેં સાચવેલા મારા બધા દાગીના, હું તમને આપી દઈશ, પણ તમે આ કામ શરૂ કરો.’ અમે એ લેવાની આનાકાની કરી તો કહે મારા સ્ત્રીધનનો આથી સારો ઉપયોગ બીજો શો થઈ શકે ? માટે હવે તમે વધુ સમય ન બગાડતાં કરો કેસરિયાં. પછી અમારે એમનાં ઘરેણાં લેવાની જરૂર ન પડી, કારણ રવીન્દ્રભાઈ, નારણભાઈ, કાંતિભાઈ આદિ વેપારીઓએ અમને થોડાં નાણાં એકઠાં કરી આપ્યાં. અમે એ પ્રિંટરને આપ્યાં. બે-ચાર દિવસમાં અમારો સૅટ તૈયાર થઈ ગયો અને અમે વાલકેશ્વરમાં એક જગ્યા પણ મેળવી લીધી.
15મી ઑગસ્ટ, 1942ના શુભદિને અમારો રેડિયો કૉંગ્રેસ રેડિયો શરૂ થઈ ગયો. શરૂઆત વંદેમાતરમની અને ગાંધીજી તથા અન્ય નેતાઓનાં ભાષણોની રેકોર્ડથી કરી અને તે પછી આંદોલન અંગે જે કંઈ સમાચાર મળતા એ પ્રસારિત કરવા લાગ્યા.
ડૉ. રામમનોહર લોહિયા, જે તે વખતે મુંબઈમાં હતા. એમણે સમાચાર સાંભળ્યા અને તરત જ રેડિયોની દુકાનવાળાઓ તેમ જ કૉંગ્રેસમાં કામ કરતા રેડિયો એન્જિનિયરોનો સંપર્ક સાધી આ રેડિયો ક્યાંથી ચાલે છે એની તપાસ શરૂ કરી. એક દિવસ 17 કે 18મી ઑગસ્ટે એમણે મારા મામા અજિત દેસાઈ, જે રેડિયો એન્જિનિયર પણ હતા અને જેમણે 1930-32ની લડતમાં લાંબો જેલવાસ ભોગવ્યો હતો, એમને બોલાવ્યા. એમણે તરત જ કહ્યું કે ‘કાલે આ કાર્યકરો આપને મળશે.’ અમને આ સંદેશ પહોંચાડ્યો અને બીજે દિવસે એમની મારફત ડૉ. લોહિયા સાથે અમારી મુલાકાત ગોઠવાઈ. ડૉક્ટરે અમને અભિનંદન આપ્યા, અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તરત જ આજથી આ કામની જવાબદારી અમે, એટલે કે અચ્યુતરાવ પટવર્ધન, ડૉ. લોહિયા અને અન્ય સમાજવાદી નેતાઓ લઈએ છીએ. હવે તમારે બસ કામ કરવાનું : બાકી સમાચારો મેળવવા, વાર્તાલાપો તૈયાર કરવા તેમ જ આ કામ માટે પૈસા ભેગા કરવા વગેરે કામો માટે તમારે જરા પણ ચિંતા નહીં કરવાની.’ આમ અમારો ભાર હળવો કરતા અમારા નેતા પ્રત્યે અમે કૃતજ્ઞભાવે જોઈ રહ્યા.
એ પછી થોડા દિવસ અમે સવાર-સાંજ પ્રસારણ કરતાં શરૂઆત થતી ‘This Congrss Radio, speaking from somewhere in India from 12.34 meter …’ એ પછી ‘હિંદોસ્તાં હમારા’ની રેકૉર્ડ વાગતી .. તે વખતે સુચેતાદેવી કૃપાલાણી કૉંગ્રેસની કચેરીનો કાર્યભાર સંભાળતાં. એ અમને ગામેગામથી આવતા આંદોલનના સમાચારો પૂરા પાડતાં, એ સમાચારો પ્રસારિત કરાતા. એ પછી ડૉક્ટર લોહિયા, અચ્યુતરાવ પટવર્ધન, જયપ્રકાશજી આદિ ભૂગર્ભ નેતાઓના સંદેશાઓ કે ભાષણો પ્રસારિત થતાં અને છેવટે વંદેમાતરમ્ ગીતની રેકૉર્ડ વગાડાતી. જેલમાં મહાદેવભાઈ દેસાઈના દેહવિલયના સમાચાર સર્વ પ્રથમ કૉંગ્રેસ રેડિયો પરથી જ પ્રસારિત કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે મુંબઈ અને જમશેદપુરની મિલો અને કારખાનાંઓની હડતાળ, અષ્ટી અને ચિમૂરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારો આદિના સમાચારો પણ કૉંગ્રેસ રેડિયો પરથી જ આપવામાં આવ્યા હતા. નેતાઓના સંદેશમાં લોકોને ગમે તે ભોગે સ્વરાજ મેળવવા માટે હાકલ કરવામાં આવતી. સૈનિકોને જાલીમ સરકાર સામે બળવો પોકારવાની સલાહ અપાતી. દરેક પ્રકારના શોષણનો અંત કરી શોષણવિહીન સમસમાજની સ્થાપન કારવાની પ્રેરણા આપવામાં આવતી. ડૉક્ટર લોહિયાએ લોકોને અહિંસક લડાઈ માટે સજ્જ થવાની સલાહ આપતાં કહ્યું હતું ‘દેશમાં રક્તની નદીઓ જરૂર વહેશે પણ એ રક્ત અંગ્રેજોનું નહીં પણ દેશ કાજે સ્વાર્પણ કરનારા સેવકો અને સૈનિકોનું હશે.’
આ કાર્યક્રમ ઑગસ્ટની 15મીથી નવેમ્બરની 13મી સુધી લગભગ ત્રણ મહિના સતત ચાલ્યો. રેડિયો દ્વારા દેશમાં જ નહીં પણ પરદેશમાં પણ આંદોલનના સમાચાર પહોંચતા હતા એની જાણ સુભાષબાબુએ ડૉક્ટર લોહિયા પર ઑગસ્ટ 1942માં લખેલા એક પત્ર પરથી અમને થઈ. એમણે લખ્યું હતું કે એઓ રોજ સાંજે 7.30 વાગ્યે આ રેડિયોના સમાચારની આતુરતાપૂર્વક રાહ જોતા. આ કામ કરનાર અમે સાત-આઠ જણ હતા. કામની તૈયારી બાબુભાઈની કોટની ઑફિસમાં બેસી એ અને હું કરતાં. નેતાઓની ધરપકડ ન થાય એ વાતની તકેદારી રાખવા માટે વિઠ્ઠલભાઈ ઝવેરીએ રેકૉડિગની વ્યવસ્થા કરી હતી. એ માટે અમને સુમતિબહેન, ઠાકરસી બંધુઓ, શિકાગો રેડિયોના જગન્નાથ વગેરેની મદદ મળી હતી. દરરોજ પોતે હાજર રહી નેતાઓને રેકૉડિગ માટે લઈ આવે, એમનાં ભાષણો રેકૉર્ડ કરી લે અને એમને પાછાં એમના ભૂગર્ભવાસમાં પહોંચાડી દે. સમાચાર વાંચવાનું કામ કુમી દસ્તુર (પાછળથી કમલ વુડ) મોઇનુદ્દીન હૅરિસ અને હું કરતાં. સમાચાર મેળવવાનું કામ ભાઈ બિપિન અને રવીન્દ્ર કરતાં અને પૈસાની મદદ વિઠ્ઠલભાઈ અને ચંદ્રકાંતભાઈ કરતા.
પોલીસ સતત અમારો પીછો કરતી. આ ઉપરાંત રેડિયોની બધી જ મોટી દુકાનો પર દરોડા પડ્યા હતા. તેમ જ પોલીસની એક ગાડી રેડિયો કઈ દિશામાંથી ચાલે છે એની શોધ કરવા અમારા કેન્દ્રની આજુબાજુ ફરતી રહેતી. આ ગાડી દિશાનો સંકેત આપી શકતી પણ ચોક્કસ જગ્યાનો નિદૈશ ન કરી શકતી આ ઉપરાંત અમે દર દસ-પંદર દિવસે અમારા કેન્દ્રનું સ્થાન બદલતા રહેતાં એટલે પોલીસોને નવેસરથી શરૂઆત કરવી પડતી. જ્યારે જગ્યા બદલીએ ત્યારે અમે નવી જગ્યા ભાડે મેળવવા માટે નવાનવા નુસખા અજમાવતાં. કોઈક વખત કહીએ કે અમારા બૂઢા કાકા ઑપરેશન કરાવવા મુંબઈ આવે છે એમને માટે જગ્યા જોઈએ છે, તો કોઈક વખત કહીએ કે દેશમાંથી જાન આવે છે, ના ઊતારા માટે જગ્યા જોઈએ છે. આમ જૂઠાં કારણો આપવા માટે અમારી ટીકા પણ થતી; પરંતુ લોકો એમ માનતા કે અમે નાની ઉંમરમાં પણ વૃદ્ધો અને સગાંવહાલાંઓની સેવા કરનારાં સમાજસેવકો હતાં અને ડૉક્ટર અમારા ટીકાકારોને સચોટ જવાબ આપતા કહેતા કે, ‘આ તો પોલીસ અને આપણા જુવાનિયાઓના બુદ્ધિબળની કસોટી છે’ એટલે આ જૂઠાણાઓને જૂઠાણું ન કહેવાય, અને જો જૂઠાણું હોય તો પણ એ ક્ષમ્ય છે, પ્રશસ્ય છે.’
રોજની જેમ નવેમ્બરની 12મી તારીખે અમે બાબુભાઈ, રવીન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, હું બધાં બાબુભાઈની ઑફિસમાં મળ્યાં હતાં. જગ્યા, પૈસા વગેરે માટે ચર્ચા કરી, પછી હું ડૉક્ટરના તે દિવસના ભાષણની નકલ કરવા આગળના ઓરડામાં બેઠી હતી. ત્યાં પ્રિંટર સહિત ચાર-પાંચ માણસો ઑફિસમાં ઘૂસી આવ્યા. અંદર બાબુભાઈ પાસે ગયા કે એમણે કૈંક કહ્યું અને બાબુભાઈએ મોટેથી કહ્યું, ‘અમને કંઈ ખબર નથી, તમારે મારી ઑફિસમાં જે કંઈ જોવું હોય એ જોઈ શકો છો, તલાશી લઈ શકો છો.’ આ સંકેત સમજી હું અંદર ગઈ અને બાબુભાઈને પૂછયું કે બાની તબિયત માટે આજે ડૉક્ટરે શું કહ્યું ? એટલે કે રેડિયો માટે ડૉક્ટર લોહિયાનો શો સંદેશો પહોંચાડવાનો છે ? એમણે જવાબ આપ્યો, ‘આજે મારાથી કદાચ નહીં આવી શકાય. ડૉક્ટરને ઠીક લાગે એ કરે. જો દવા બદલવાની જરૂર લાગે તો બદલે.’ પોલીસે આ અંગે એમને પૂછયું ત્યારે એમનો જવાબ હતો કે આ છોકરી મારા પાડોશમાં રહે છે. એના મા બીમાર છે. ઘરમાં બીજું કોઈ છે નહીં : એ કંઈ સમજતી નથી એટલે હંમેશાં મારી જ મદદ લે છે.’ હું તરત ઑફિસની બહાર નીકળી. અમારી બધી ફાઈલો ભટ્ટની કેન્ટીનમાં મૂકી અને ઠાકરશીના બંગલા પર પહોંચી, જ્યાં વિઠ્ઠલભાઈ ડૉ. લોહિયા અને હેરિસભાઈનું રેકૉડિંગ કરી રહ્યા હતા. મેં એમને ઑફિસ પર પડેલા દરોડાના સમાચાર આપ્યા અને પૂછયું કે ‘હવે શું કરવાનું ?’ ડૉક્ટરે કહ્યું, ‘તારી શી સલાહ છે ?‘ મેં કહ્યું ‘મારે સલાહ ન આપવાની હોય, તમારા આદેશનું પાલન જ કરવાનું હોય, પણ જો સલાહ માગતા જ હો તો એટલું કહેવાનું કે કોઈ પકડાય કે ન પકડાય, આપણું કામ અટકવું ન જોઈએ.’ ડૉક્ટરે કહ્યું, ‘બરાબર છે, એમ જ થવું જોઈએ.’ મેં કહ્યું ‘થશે,’ ‘કેવી રીતે !’ મેં કહ્યું, ‘એ સમજવા માટે આજે સમય નથી.’ અને સીધી પ્રિંટરના સહાયક મિરઝા પાસે જઈ એમને રાતોરાત બીજો સેટ બનાવવા કહ્યું. ત્યાંથી ઘરે ગઈ. બાને બધી વાત કરી સાડી બદલી અને ‘કદાચ આજે પાછી ન પણ આવું’ એમ કહી, એમને પ્રણામ કરી નીકળી. ત્યાં ચંદ્રકાંતભાઈ આવ્યા. કહે, ‘બહેન, આમ સામે ચડી વાઘના મોંમાં ન જાવ.’ મેં કહ્યું ‘ડૉક્ટરને વચન આપ્યું છે એટલે જવું તો જોઈશે જ.’ તો કહે ’તમને એકલાને નહીં જવા દઉં અને મારી સાથે ચાલ.’
અમે બંને પારેખવાડીમાં અમારા રેડિયો સ્ટેશન પર પહોંચ્યાં. ચંદ્રકાંતભાઈ બહાર પહેરો ભરે, મેં અંદર જઈને પ્રાસારણ શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો અને ‘વંદેમાતરમ્’ની રેકૉર્ડ વાગતી હતી ત્યાં ધડાધડ બારણાં તૂટવાના અવાજ સંભળાયા અને જોતજોતામાં અમારા Technician પ્રિંટર અને પોલીસની મોટી પલટણ મારી સમક્ષ આવીને ઊભી રહી ગઈ. આવતાંની સાથે ટુકડીના વડાએ કડક સ્વરમાં ફરમાન કર્યું, ‘રેકૉર્ડ બંધ નહીં થાય તેમ જ સાવધાન થઈ ઊભા રહો. Stand on attention અને એમણે એમ કર્યું. એ પછી તો પ્રિંટર સાહેબે કંઈ કરામત કરી, Fuse ઊડી ગયો. અંધારું થયું. ફાનસને દીવે પંચનામું થયું. નીચે પહેરો ભરતા ભૈયાજીને પંચ તરીકે બોલાવવામાં આવ્યા. એમણે પંચનામા પર સહી કરવાની ના પાડી. કારણ પૂછ્યું તો કહે આ લાકડાનું ખોખું રેડિયો સેટ બોલે છે એમ તમે કહો છો પણ હું એ માનતો જ નથી.. ચંદ્રકાંતભાઈએ અને મેં એમને ખૂબ સમજાવ્યા કે એમના બયાનથી અમને કોઈ નુકસાન નહીં થાય ત્યારે જ એમણે સહી આપી. અમારું કેન્દ્ર બીજે માળે હતું. અમે બહાર આવ્યા. પગથિયે પગથિયે બંદૂકધારી પોલીસ, આગળ ચંદ્રકાંતભાઈ અને હું, પાછળ પોલીસની પલટણ. મેં કહ્યું, ‘ભાઈ, જિંદગીમાં કોઈ આપણને સલામી – Guard of Honour – આપે કે નહીં પણ અત્યારે તો વણમાગી સલામી મળી રહી છે. એમણે સંમતિ આપતાં કહ્યું, ‘હા હો ! આ તો આપણી જિંદગીનો એક યાદગાર દિન – એક મહામૂલો અવસર બની રહેશે.’ એ પછી તો પૂરા છ મહિના બધી તપાસ ચાલી. ત્યાર બાદ સ્પેશ્યલ કોર્ટમાં સતત દોઢ મહિના સુધી કેસ ચાલ્યો. અમે પાંચ આરોપીઓ હતા : બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાંતભાઈ, નાનક મોટવાની અને હું. અમારા પર આરોપો હતા સરકારને ઊથલાવવાનું કાવતરું કરવાના, સૈન્યમાં બળવો જગાડવાના, સરકાર પ્રત્યે અસંતોષ ફેલાવવાના અને એવા બીજા ઘણા. મોતીલાલ સેતલવડ, કનૈયાલાલ મુનશી, તેંડુલકર અને ઠક્કર જેવા નામાંકિત વકીલોએ અમારા બચાવમાં અનેક સદ્ધર દલીલો કરી. નાનાભાઈ અને વિઠ્ઠલભાઈ નિર્દોષ ઠર્યા. બાબુભાઈને પાંચ વર્ષની, મને ચાર વર્ષની અને ચંદ્રકાંતભાઈને એક વર્ષની સજા ફરમાવાવામાં આવી, જે અમે હસતે મોઢે સ્વીકારી અને પૂરી કરી.
અમને પૂનાની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે લગભગ 250 મહિલા કેદીઓ હતી. અમને બધાને સાંજે છ વાગે બૅરેકમાં બંધ કરી દેતા. બીજે દિવસે સવારે 8 વાગ્યા સુધી બૅરેકમાં જ રહેવું પડતું. આથી અમને બહુ ગુસ્સો આવતો એટલે અમે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું એક દિવસ અમે બધાં બહાર કમ્પાઉન્ડમાં બેસી ગયાં અને બૅરેકમાં જવાની ના પાડી. અમારાં સાથીદારોમાં પ્રેમાબહેન કંટક, કિસનતાઈ, લક્ષ્મીબાઈ ઠુસે, મૃણાલિની દેસાઈ વગેરેની સાથે ધુળેનાં કમલાબાઈ અષ્ટપુત્રને અને પૂનાનાં સાવિત્રીબહેન માદન પણ હતાં.
કમલાબાઈ અને સાવિત્રીબહેન મને બૅરેકની અંદર લઈ ગયાં અને એમને દૂધ દહીં મૂકવા માટે પાંજરું આપ્યું હતું એનું વચ્ચેનું પાટિયું કાઢી નાખ્યું, પછી મને કહે કે, ‘હવે તું આમાં બેસી જા અને અમે કહીએ નહીં ત્યાં સુધી બહાર ન આવતી.’ હું તો તરત એમના કહ્યાં પ્રમાણે પાંજરામાં ગોઠવાઈ ગઈ. ત્યારે તો એ લોકો બારણું બંધ કરીને ચાલ્યાં ગયાં પણ પછી થોડી થોડી વારે વારાફરતી આવે. થોડી. વારે બારણું ખોલીને થોડી હવા અંદર આવવા દે, એમ કરતાં રાતના બાર વાગ્યા. એક પછી એક અઢીસોએ અઢીસો કેદીઓને ટીંગાટોળી કરી બૅરેકમાં બેસાડ્યાં. એ પછી ગણતરી કરી તો એક કેદી ઓછો. થયો. મુકાદમે, વોર્ડને અને જેલરે પણ ગણતરી કરી તોયે કેદી ક્યાં ય ન મળે. ગણતરીમાં એક કમ જ આવ્યા કરે, એટલે છેવટે પગલી ઘંટી (Alaram Bell) વગાડી અને સુપરિન્ટેન્ડેન્ટને જગાડ્યા. અડધી રાતે સુપરિન્ટેન્ડેન્ટ અને સાહેબ ધુંઆપુંઆ થતા આવ્યા. બધી બૅરેકમાં ગણતરી લેવાઈ. છેવટે અમારી બૅરેકમાં આવ્યા. એ પહેલાં સાવિત્રીબહેને પાંજરું ખોલ્યું. કમલાબાઈએ પાસે જ મારે માટે જાજમ પાથરી. હું પાંજરામાંથી એમાં સરકી ગઈ. ચાદર ઓઢી લીધી અને અમે ત્રણે જણા ભરઊંઘમાં હોઈએ એમ સૂઈ ગયાં. ત્યાં સુપરિન્ટેન્ડેન્ટે સહિત ઑફિસરની પૂરી પલટણ બૅરેકમાં આવી. ગણતરી કરી અને કેદીની સંખ્યા બરોબર થઈ. ત્યાંને ત્યાં જ સુપરિન્ટેન્ડેન્ટે જેલર, વોર્ડન, મુકાદમ સૌને પાણીથી પાતાળા કરી નાખ્યા. એમ કહીને કે પાંચ વરસના બચ્ચાને આવડે એવી સીધી સાદી ગણતરી પણ કરતાં નથી આવડતી ! આવા મહામૂરખોની જમાત ભેગી થઈ છે. બધા બબડતા અને મૂર્ખ શિરોમણિ બનાવવા માટે ફફડતા, અમને ગાળો દેતા બે વાગે ત્યાંથી ગયાં. બીજે દિવસે સવારે ર્વાર્ડને મને ઑફિસમાં બોલાવી. બધાં ફફડી ઊઠ્યાં. કેટલાકે ન જવાની સલાહ આપી. બીજી કેટલીક બહેનપણીઓએ જાપ કરવાના શરૂ કર્યા. હું તો હિંમતથી ગઈ. વોર્ડન કહે, મારે તમને આકરી સજા કરવી પડશે. મેં કહ્યું કે એ માટે હું તૈયાર જ છું પણ પહેલાં મારો ગુનો શું છે એ તમારે કહેવું પડશે. એ કહે, કાલે તમે ક્યાં હતાં ? મેં કહ્યું, તમે મને જ્યાં જોઈ ત્યાં, એટલે ? એટલે કે બૅરેકની અંદર. મારે જ્યાં હોવું જોઈએ ત્યાં, આપ જેલમાં નિયામોનું ચુસ્તપણે પાલન કરવા માટે તમે ભલે મને શાબાશી ન આપો પણ સજા આપો તો કદાચ તમે જ સજાને પાત્ર ગણાવ. આ સામે કોઈ દલીલ ન મળતાં એમણે રુક્ષ સ્વરે કહ્યું You can go – તમે જઈ શકો છો. અંદર જતાં જ દરવાજા આગળ ઊભેલા સૌ હર્ષઘેલાં થઈ નાચવા લાગ્યાં. તરત જ એક સભા ભરી અને ઠરાવ કર્યો કે ભવિષ્યમાં હું જ્યારે લગ્ન કરું ત્યારે મને આ કેદીઓ તરફથી સોનાનું પાંજરું ભેટ આપવું. મેં કહ્યું તમારી લાગણી માટે હું ખૂબ આભારી છું. પણ તમારી ભેટનો સ્વીકાર નથી કરતી, કારણ કે મને પાંજરું તો ન જ ખપે. સોનાનું પણ નહીં.’
આવા હતા એ યાદગાર દિવસો. આજે આઝાદીનાં આટલાં વર્ષો થાય છે. આ સ્વપ્ન સાકાર થવાનાં તો બાજુએ રહ્યાં ! એનાં ખંડેર થઈ ચૂક્યાં છે. આવે સમયે એ અનુભવોમાંથી થોડોક પદાર્થપાઠ શીખીએ તો એ સૌ માટે હિતાવહ થાય એમ લાગ્યા કરે. એ છે :
(1) જે ધગશથી દેશના આબાલવૃદ્ધ દેશની મુક્તિ કાજે લડ્યા એ જ ધગશથી એનાં નવનિર્માણનાં કાર્યો માટે આજે લોકો આગળ આવે.
(2) ‘હિંદુ, મુસલમાન, પારસી, બનો એકતાની આરસી’ ગાતાં સ્વાતંત્ર્ય સૈનિકો એક બની અંગ્રેજ સરકાર સામે લડ્યા, એમ જ આજે બધી કોમોએ એક થઈ કોમવાદ, પ્રદેશવાદ આદિ દુશ્મનોનો સામનો કરવો
(3) સાધારણ સમયમાં તેમ જ કટોકટી કે કસોટીના કપરા કાળમાં પણ પોતાના અનુયાયીઓ કે યુવાન કાર્યકર્તાઓની સલાહ લઈને કામ કરવું એ ડૉક્ટર લોહિયાએ પાડેલી પ્રથા લોકશાહીને સંપૃષ્ટ કરવા માટે ખૂબ જરૂરી છે. કારણ, એમ થાય તો જ લોકશાહી સાચી લોકશાહી બને જેમાં સર્વનો સહભાવ અને સહયોગ હોય એવો સહકાર બની રહે.
(4) વખત આવ્યે લોકોએ દેશના કાયદાનું ઉલ્લંઘન કરી સત્યાગ્રહી બની બળવો પોકારવા સદા તૈયાર રહેવું જોઈએ. પણ એ સાથે જ કાયદો તોડવા માટે જ સજા હોય એનું પાલન કરવાની પણ પૂરી તૈયારી રાખવી જોઈએ, નહીં તો સત્યાગ્રહ દુરાગ્રહ અથવા સ્વાર્થાગ્રહ જ બની રહે.
સ્વાતંત્ર્યસંગ્રામ અને એના સંચાલનમાંથી આપણે થોડાક પાઠ શીખીએ તો એ સંગ્રામ એળે ગયો છે એવી ભાવના ન સેવતાં આપણે સ્વરાજ્યને સુરાજ્ય બનાવવાના રાષ્ટ્રપિતા અને અન્ય નેતાઓના સ્વપ્નને સાકાર કરી શકીશું.
સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક : 66; જાન્યુઆરી 2020; પૃ. 17 – 21