તારીખ ૭મી એપ્રિલ ૨૦૨૫ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે, કાલિન્દીતાઈનો આત્મા તેમના દેહના અંચળાને છોડીને અનંતમાં વિલીન થયો. ૧૯૬૦ની સાલમાં ૧૨મી નવેમ્બરે તેઓ બાબા પાસે આવ્યાં હતાં. એક વાર આવ્યા પછી પાછું વળીને તેમણે કદી જોયું જ નહીં. ૬૫-૬૬ વર્ષનો લાંબો સમય, એકનિષ્ઠ ભાવથી બાબાના વિચાર તેમ જ કાર્યને સમર્પિત રહ્યાં.

કાલિન્દીતાઈ
કાલિન્દીતાઈનો જન્મ ૧૯૩૧માં ઇંદોરના ભદ્ર કુટુંબમાં થયો હતો. એ દિવસોમાં સ્વાતંત્ર્યની લડતના અવાજથી દેશનું વાતાવરણ અભિભૂત હતું. તેમના પિતા, વિનાયક સરવટેજીનું રાષ્ટ્રીય જીવનમાં સન્માનનીય સ્થાન હતું. તેઓ પ્રથમ રાજ્યસભાના સભ્ય હતા. સંવિધાન-સમિતિની સાથે પણ જોડાયેલા હતા. ઇંદોર શહેરના સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક ક્ષેત્રમાં તેમની ઉલ્લેખનીય પ્રતિષ્ઠા હતી. તેમના મૃત્યુ પછી, તેમના નામથી ઇંદોર શહેરમાં સરવટે નગર, સરવટે માર્ગ, સરવટે બસ સ્ટેન્ડ એવાં નામકરણ થયાં. વિનોબાજીના શબ્દોમાં તેઓ ઇંદોરની સૌથી મોટી શક્તિ હતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પદવીથી સન્માનિત પણ કર્યા હતા.
૨૭-૨૮ લોકોનું તેમનું મોટું સંયુક્ત કુટુંબ હતું. કુટુંબમાં અનુશાસન જરૂરી મનાતું, તેમના પિતા સ્ત્રી-પુરુષ સમાનતાના પણ પુરસ્કર્તા હતા. તેથી ઘરનાં કામોમાં ભાઈઓ-બહેનો બધાંએ ભાગ લેવાનો રહેતો. તેઓ પોતાના સમયના પ્રખ્યાત વકીલ હતા. કાલિન્દીતાઈનાં મા સરસ્વતીમાઈ પણ ખૂબ જ પરોપકારી વ્યક્તિ હતાં. બૃહદ્દ પરિવારના બધા સભ્યોનું માતૃવત્ વાત્સલ્યથી પાલન-પોષણ કર્યું, સ્નેહ આપ્યો. કાલિન્દીતાઈ તેમનું સૌથી નાનું અને સાતમું સંતાન. માતા-પિતાએ પોતાના જીવન દ્વારા જે સંસ્કાર-સિંચન કર્યું તેની ખાસ્સી અસર બધાં બાળકો પર થઈ. બધાં ભાઈ-બહેન પોત-પોતાના ક્ષેત્રમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતાં રહ્યાં. મોટી દીકરી શાલિનીતાઈ સાથે પિતાએ મહિલા ઉત્થાન તેમ જ બાળસેવાનું કામ શરૂ કર્યું. દીકરીએ પૂરા દિલોજાનથી આ કામ એટલું વધાર્યું કે તે ઈંદોર શહેરની શાન સમું બની રહ્યું. આ કામ માટે શાલિનીતાઈને પદ્મશ્રીના પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યાં.
માનવીના ચરિત્રનિર્માણમાં ગીતા જેવા ધર્મગ્રંથ તેમ જ સંતોના સાહિત્યનું મહત્ત્વનું યોગદાન હોય છે. કાલિન્દીતાઈને બાળપણથી જ પોતાના કુટુંબમાં આ લાભ મળ્યો. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને કાકા તેમને તથા તેમના જેટલી જ ઉંમરના પિત્રાઈભાઈને ગીતાનો પાઠ કરાવતા. એક વખત ક્યાંક ગીતાપાઠની હરીફાઈનું આયોજન થયું હતું. બાળકો ખુશ હતાં. અમને તો ગીતા સારી રીતે આવડે છે એટલે ઈનામ મળી શકે. કાકા પાસે ગયા, અમને હરીફાઈ માટે તૈયારી કરાવો. કાકાનો સ્પષ્ટ જવાબ – ગીતા ઈનામ માટે નથી વાંચવાની હોતી. ક્યારેક મોટાભાઈ સાથે અંતાક્ષરી રમતા. કાલિન્દીતાઈ કહેતાં, અમારી આ રમતમાં સંસ્કૃતના શ્લોક અને ભજનોના સૂર રેલાતા રહેતા.
ઘરમાં પિતા પોતાનાં અનેક કામોને લીધે અત્યંત વ્યસ્ત રહેતા. પરંતુ એ વ્યસ્તતાની વચ્ચે પણ દરેક એકાદશીએ પોતાના મિત્રો સાથે આખી ગીતાનું પારાયણ કરતા. સહુ મિત્રો સાથે બેસતા, કોઈના હાથમાં ચોપડી ન હોય, બધાને આખી ગીતા મોઢે રહેતી. તે દિવસે ગીતાના સામૂહિક પારાયણના સૂર આખા ઘરમાં પ્રસરતા. બાળકો પ્રભાવિત થતાં અને પૂછતાં, શા માટે આ પારાયણ કરાય છે ? જવાબ – ગીતાના પારાયણથી બળ મળે છે. કયું બળ ? નૈતિક બળ, સત્યબળ તેમ જ આત્મબળ. આવા સેવાભાવી, સ્વાધ્યાયપ્રેમી, ખાનદાની કુટુંબમાં કાલિન્દીતાઈનો ઉછેર થયો હતો. આમ સેવાભાવ, સત્સંગ અને ખાનદાનીના ઉન્નત સંસ્કાર લઈને તેમણે સમાજ-જીવનમાં પ્રવેશ કર્યો.
તે વખતનું કાલિન્દીતાઈનું મનોમંથન તેમના જ શબ્દોમાં : “માસ્ટર ઑફ સોશ્યલ વર્કની અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ મેં નોકરી કરવાનું શરૂ કર્યું હતું. નોકરી તો સમય પસાર કરવા માટે લીધી હતી. પરંતુ તેમાં મન લાગતું ન હતું. મન તો કોઈ બીજી દુનિયામાં વિચરી રહ્યું હતું. દેશપ્રેમ, સમાજસેવાના સંસ્કાર ચિત્તમાં આવ્યા કરતા હતા. સમાજ-સેવાનાં વિવિધ કામો વિષે વિચાર્યું, પરંતુ દરેક જગ્યાએ કંઈ ને કંઈ મર્યાદાઓ દેખાતી હતી. તેથી તેના માટે આકર્ષણ થતું ન હતું. મનમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હતા, પરંતુ એક પણ પ્રશ્નનો જવાબ સરખી રીતે મળતો ન હતો. શું કરું ? કયું કામ સ્વીકારું ? અમુક કામ સારું તો લાગે છે, પરંતુ શું મારા જેવા આરામપ્રિય જીવથી તે થઈ શકશે ? એવી જીવનશૈલીમાં મારું મન લાગશે ? મોટા સંયુક્ત પરિવારમાં ઊછરેલી હું તેને શું એકલા-એકલા જીવવું પડશે ? આટલું સાહસ કરી શકીશ ખરી? અનેક પ્રશ્ન, જાણે પ્રશ્નનો પહાડ જ સમજી લો !
“પહાડ બહુ મોટો અને રસ્તો ધૂંધળો. હું જઈ શકીશ ? આવા અનેક પ્રશ્નો મનમાં ઘૂમરાતા હતા. પરંતુ મારે વધારે વિચારવું નહીં પડ્યું. પિતાજીએ અંગુલીનિર્દેશ કરીને સર્વોત્તમ માર્ગ બતાવી દીધો. એ દિવસોમાં ભૂદાન પદયાત્રા દરમ્યાન વિનોબાજીનો ઇંદોરમાં એક મહિનાનો નિવાસ હતો. પિતાજીનો સંદેશો આવ્યો કે ‘તું થોડા દિવસ વિનોબાજીની પદયાત્રામાં રહે. મેં તેમની સાથે વાત કરી છે અને તેમણે મંજૂરી આપી છે. સત્સંગતિમાં તને પોતાને પારખવાની દૃષ્ટિ મળશે.’ મને તેમની વાત ઠીક લાગી. હું મધ્ય પ્રદેશમાં રાઉથી ઈંદોર સુધીની ભૂદાન યાત્રામાં વિનોબાજી સાથે રહી. તેમનાં પ્રવચન-ચર્ચાઓ સાંભળ્યાં. તેમની દિનચર્યા નજીકથી જોઈ. સાહિત્ય વાંચ્યું. આ બધી બાબતોની અસર થઈ.” થોડા સમય પછી બાબાનો પડાવ જબલપુર શહેરમાં હતો. ત્યાં હું બાબા પાસે પહોંચી. પિતાજીએ આપેલો પત્ર બાબાને આપ્યો, જેમાં તેમણે લખ્યું હતું – “મારી દીકરીને હું તમારી પાસે મોકલી રહ્યો છું. તેની મા નથી. તમે જ એની મા બનજો. મને વિશ્વાસ છે કે તમારી સંગતિમાં તેના ગુણોનો વિકાસ થશે. મારી આંખોને ન દેખાનારા તેના ‘અવગુણ’ પણ પલટાઈ જશે.”
આ વાત કરતા વિનોબાજીએ કહ્યું, ‘આજ સુધી લોકો પોતાના દીકરા-દીકરીઓને મારી પાસે મોકલતા પણ ‘મા’ બનવાની જવાબદારી કોઈએ મારા પર નાંખી ન હતી. આ પત્ર આવ્યો ત્યારે હું વિચારવા લાગ્યો કે ભૂદાનયજ્ઞની જવાબદારી ઉઠાવવી વધુ સરળ છે. છતાં આખરે હિંમત કરીને મેં એમને લખી જ નાખ્યું કે “હા, હું મા બનવાની જવાબદારી સ્વીકારું છું. ભગવાન મને તેને માટે શક્તિ આપે.”
અને એ દિવસથી કાલિન્દીતાઈ હંમેશ માટે બાબાને સમર્પિત થઈ ગયાં. વિનોબાજીના બતાવેલ માર્ગ પર ચાલવું – નવો જ જીવનક્રમ શરૂ થયો. ભૂદાન પદયાત્રાના એ દિવસોમાં. વિનોબાજીનાં પ્રવચન, ચર્ચા વગેરેના રિપોર્ટીંગનું કામ કર્યું. બે-ત્રણ વર્ષ બાદ વિનોબાજીને બ્રહ્મવિદ્યા મંદિરથી માસિક પત્રિકા શરૂ કરવાનો વિચાર આવ્યો. ૧૯૫૧થી શરૂ થયેલી તેમની ભૂદાનયાત્રાને ત્યાં સુધી ૧૨ વર્ષ થઈ ગયાં હતાં. બાર વર્ષના એ ગાળામાં તેમનાં પ્રવચન વગેરેના અહેવાલોના કામમાં ચાર બહેનો તૈયાર થઈ ચૂક્યાં હતાં. આ ચાર બહેનો એટલે નિર્મલા દેશપાંડે, કુસુમ દેશપાંડે, મીરા ભટ્ટ અને કાલિંદી સરવટે. આ ચાર નામો સાથે બ્રહ્મવિદ્યામંદિરનાં સુશીલા અગ્રવાલનું નામ જોડીને, પત્રિકા માટે પંચકન્યાનું સંપાદક મંડળ બનાવવામાં આવ્યું. અને ફ્રેબ્રુઆરી ૧૯૬૪માં ‘મૈત્રી’ પત્રિકાનો પ્રથમ અંક પ્રકાશિત થયો.
પત્રિકાની મુખ્ય જવાબદારી કાલિન્દીતાઈની હતી. તેઓ સાહિત્યમાં રસ ધરાવતાં જ હતાં. તેમને જાણે કે જીવનનું મિશન મળી ગયું. અને મિશનની જેમ જ તેમણે આ કામ ખૂબ સારી રીતે કરી બતાવ્યું. ત્રીસ વર્ષ સુધી મુખ્ય સંપાદિકા તરીકે અત્યંત કુશળતાપૂર્વક આ કામ કર્યા બાદ નવા હાથોમાં આ કામ સોંપીને તેઓ અનાસક્તભાવે તેમાંથી નિવૃત્ત થયાં. આજે પણ કોઈ કહે કે કાલિન્દીતાઈનું વર્ણન એક શબ્દમાં કરો તો કહી શકાય કે, કાલિન્દીતાઈ એટલે ‘મૈત્રી’. મૈત્રી પ્રકાશનને શરૂ થવાને આશરે દસ વર્ષ થઈ ગયાં હતાં. ૧૯૭૩ના નવેમ્બર મહિનાની કુસુમતાઈની ડાયરીનું એક પાનું બોલે છે : ૧૧.૧૧.૧૯૭૩, બપોરના ધ્યાન પછી સહુ બાબા પાસે બેઠાં હતાં. થોડી વાર સુધી મૌન છવાઈ રહ્યું. પછી બાબાએ બોલવાનું શરૂ કર્યું – “બે દિવસથી ‘મૈત્રી’ વાંચી રહ્યો છું. ખૂબ જ સુંદર અંક નીકળ્યો છે. દર મહિને આટલો સુંદર અંક કાઢવો એ કામ મને તો ખૂબ જ અઘરું લાગે છે. કાલિન્દીને આ કામ મિશન તરીકે આપ્યું છે અને તે પણ મિશન સમજીને જ આ કામ કરે છે. મદદ તો ઘણાની હોય છે, પરંતુ આ કામ મુખ્યરૂપે કાલિન્દીને આપવામાં આવ્યું છે. આના સિવાય અહીં જે કામો છે – સફાઈ, ખેતી, રસોઈ તેમાં પણ સમય આપવાનો એ પ્રયત્ન કરે છે. અને સૌથી મોટી વાત, જે મને નથી સધાઈ તે એને સાધી છે. મેં પણ સાપ્તાહિક ચલાવ્યું છે. ત્યારે બે-ત્રણ દિવસ માટે બરાબર ઊંઘ નહોતી આવતી. કયો શબ્દ ક્યાં મૂકવો, યોગ્ય શબ્દ કયો હોય વગેરે અંગે ખૂબ વિચારતો. પરંતુ, કાલિન્દી આ બધાં કામો કરીને ઉત્તમ નિદ્રા લે છે, તેથી બાબાનો તેને ધન્યવાદ છે.”
હું ૧૯૯૪ની મૈત્રી ફાઈલ જોઈ રહી હતી. તેમાં ‘સામૂહિક ચિત્ત: એક ચિંતન’ મથાળા હેઠળનો કાલિન્દીતાઈનો એક સુંદર લેખ પ્રકાશિત થયો છે. એ લેખમાં તેમણે કર્તવ્યભાવના તેમ જ કર્તૃત્વ-નિ:શેષતા ઉપર ઉદાહરણ સાથે પોતાનું ચિંતન પ્રગટ કર્યું છે. સામૂહિક ચિત્તની દૃષ્ટિથી ખૂબ જ બોધપ્રદ ચિંતન છે એ. એને આપણે કાલિન્દીતાઈના શબ્દોમાં જ જોઈએ : “૧૯૬૨માં બાબાની પૂર્વ પાકિસ્તાન(આજનું બાંગલદેશ)ની ૧૬ દિવસની યાત્રા થઈ. મેં પૂરા ૧૬ દિવસની વ્યવસ્થિત ડાયરી રાખી, વિચાર્યું હતું કે ભારત જઈને તરત જ આનું પ્રકાશન જરૂરથી થશે. પણ થયું જુદું જ. યાત્રાના છેલ્લા દિવસે સાંજે બાબા સૂવાની તૈયારીમાં હતા. બીજા દિવસે વહેલી સવારે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરવાનો હતો. એટલામાં જ પૂર્વ બંગાળના ગાંધીજીના સાથી ચારુચંદ્ર ચૌધરી બાબાને પ્રણામ કરવા આવ્યા. તેમણે બાબાને પૂછ્યું કે શું અમે તમારી આ યાત્રાનું એક પુસ્તક પ્રકાશિત કરી શકીએ ? બાબાએ તેમને સંમતિ આપી અને સાથે સાથે મારી ડાયરી પણ તેમને સોંપી દીધી …. અને મારા કર્તૃત્વની ઉડાન પણ ત્યાં જ શાંત થઈ ગઈ.”
“બીજો એવો જ એક પ્રસંગ છે. મારા પિતાના અવસાન બાદ તેમનું જીવનચરિત્ર પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો અને એ કામ કરવા માટે મને આગ્રહ કરવામાં આવ્યો. મને પણ લાગ્યું કે પિતાજીની ખાસ સેવા તો હું નથી કરી શકી તો એ ભાવનાથી આ કામ કરીશ. બાબાને પૂછ્યું. બાબાએ કહ્યું, પિતાજીના જીવનચરિત્રનું લેખન તારાં ભાઈ-બહેનોને કરવા દે. તું એમના જીવનનું અનુકરણ કર ! બાળપણથી સાહિત્ય ક્ષેત્રે કંઈક કરી દેખાડવાની જે ભાવના મનમાં હતી અને તેને લીધે વખતોવખત કર્તૃત્વ (કર્તાપણાની ભાવના) જે દેખા દેતું હતું તે બધું આ બે પ્રસંગો પછી શાંત થઈ ગયું. લેખનનું કાર્ય તો હજી પણ ચાલે છે અને આગળ પણ ચાલતું રહેશે પરંતુ તે પ્રાપ્ત-કર્તવ્યના કારણે થશે, કર્તૃત્વની ઇચ્છાથી નહીં.”
કુટુંબમાંથી મળેલી સાદગી, સ્વચ્છતા, વ્યવસ્થિતતાના ગુણ કાલિન્દીતાઈની વિશેષતા ગણાવી શકાય. તેમની સાદગીનું સૌંદર્ય અને વ્યવસ્થિતતાનો વૈભવ લોભામણો હતો. અને તેમાં ભળતી હતી ખાનદાની સુગંધ. આમ તો માનવસહજ દુર્બળતાના થોડા અંશ, દરેક વ્યક્તિમાં ઓછા-વત્તા પ્રમાણમાં હોય જ છે. અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગ દરેકના જીવનમાં આવતા હોય છે. તેની પ્રતિક્રિયા રૂપે ક્યારેક માણસો પોતાનું ‘સમત્વ’ ખોઈ બેસે છે. આવી ‘સમત્વ’ ખોવાની પ્રક્રિયા કે પ્રસંગ કાલિન્દીતાઈના જીવનમાં ક્યારે ય જોવા જ ન મળી.
કોઈ પણ સામયિક ચલાવવા માટે જે વૈચારિક સ્પષ્ટતા જોઈએ, તે કાલિન્દીતાઈની મૂળભૂત મૂડી હતી. સામયિકની દૃષ્ટિએ તો ખરું જ, પણ બ્રહ્મવિદ્યામંદિરની અંદરની બાબતો હોય કે સામાજિક જીવનના સંદર્ભમાં, તેમની આ મૂડી ઘણી માર્ગદર્શક નીવડી. વૈચારિક સ્પષ્ટતા ન હોય તો ઘણી વાર ગાડી ખોટા પાટે ચઢી જાય છે. અને પછી વાત બગડતી હોય છે. આશ્રમ જેવા મૂલ્યસંવર્ધન-સંરક્ષણના સ્થાનમાં વૈચારિક સ્પષ્ટતા હોવી તે અત્યંત જરૂરી બાબત છે. આ દૃષ્ટિએ કાલિન્દીતાઈની વૈચારિક સ્પષ્ટતા, બ્રહ્મવિદ્યામંદિરની અમૂલ્ય નિધિ હતી.
કાલિન્દીતાઈએ પોતાના નવા જીવનની શરૂઆત વિનોબા-યાત્રાથી કરી હતી. એ જ ક્રમમાં પછી તેઓ બ્રહ્મવિદ્યામંદિરના સદસ્યા બની ગયાં. બ્રહ્મવિદ્યામંદિરના શરૂઆતના શ્રમનિષ્ઠ તેમ જ સાદા જીવનમાં એકરૂપ થવામાં તેમને કોઈ તકલીફ નહીં થઈ. ‘મૈત્રી’ની જવાબદારી સંભાળતાં આશ્રમનાં અન્ય કામોમાં પણ તેઓ ખૂબ જ સહજતાથી ભળતાં ગયાં. કોઈ બહેન બીમાર થાય તો તેનાં કપડાં ધોવાનું કામ તેઓ તરત જ પોતાના માથે લઈ લેતાં. તો વળી કોઈ બહેનની માંદગીમાં રાત જાગવાના કામમાં પણ તે આગળ રહેતાં. આમ શારીરિક-બૌદ્ધિક બંને સ્તર પર તેમનું વિશેષ યોગદાન બ્રહ્મવિદ્યામંદિરને સમૃદ્ધ કરતું રહ્યું.
તેમનું જીવન સાદું અને વ્યવસ્થિત હતું. તેનો અર્થ એવો નહીં કે તેઓ શુષ્ક-રુક્ષ હતાં. તેઓ રસિક હતાં. ખાવા-પીવાનાં પણ શોખીન હતાં. ગપ્પાં મારવાથી લઈને ગંભીર વાતો – તેઓ બધામાં એકરસ થઈ જતાં. તેમની બોલવાની, વાત કરવાની રીત આકર્ષક હતી. શિબિર-સંમેલનોમાં લોકો તેમની વાણી સાંભળવા ઉત્સુક રહેતા. તેમની લેખનશૈલી પણ અસરકારક હતી. તેમનો સ્વભાવ સ્વમાની અને થોડો સંકોચશીલ પણ હતો. ચિત્ત સંવેદનશીલ હતું. સાધનાની સાથે સાથે સામાજિક દૃષ્ટિકોણ તરફ એમનું ધ્યાન હંમેશ રહેતું. કામ કરનારા મિત્રોનાં કાર્યોને ‘મૈત્રી’માં વાચા આપવા માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતાં. આશ્રમમાં બેઠાં બેઠાં અમારું પણ સામાજિક કાર્યો સાથે અનુસંધાન કેવી રીતે જોડાયેલું રહે, તેનું ચિંતન હંમેશ ચાલતું રહેતું. તે પોતે પણ આશ્રમ બહારનાં કામોમાં ભાગ લેવા જતાં-આવતાં રહેતાં. મુંબઈમાં ચાલેલા ગોહત્યાબંદી સત્યાગ્રહમાં ભાગ લેવા તેઓ ત્યાં પહોંચી જતાં. ચાર યુવાન બહેનોને સાથે લઈને બાબાના જન્મસ્થાન ગાગોદામાં તેમણે એક વર્ષ નિવાસ કર્યો. બહેનોની પદયાત્રાઓનું આયોજન કરવું, કાર્યકર્તામિત્રોને ગીતા પ્રવચનના સ્વાધ્યાય માટે સામૂહિક પ્રેરણા આપવી – એવા એવા ઉપક્રમ તેમના ચાલતા રહેતા.
કાલિન્દીતાઈ અને બ્રહ્મવિદ્યામંદિરનાં રેખાતાઈ બંને શરૂઆતથી જ એક ઓરડામાં રહેતાં. કાલિન્દીતાઈનાં બધાં કામોમાં રેખાતાઈનો સાથ તેમને હંમેશ મળતો. મૈત્રીનું સંપાદનકાર્ય હોય, પુસ્તકોનું સંકલન હોય કે પ્રૂફ રીડિંગ – બધાં કામો માટે રેખા સદા સજ્જ. આ બધું તો ખરું જ પણ કાલિન્દીતાઈની બીમારીમાં રાત-દિવસ જોયા વિના રેખાએ તેમની પૂરેપૂરી સેવા કરી. છેલ્લો દોઢ મહિનો તેઓ માત્ર પાણી પર રહ્યાં. એ ગાળામાં શરીરની પ્રત્યેક હલચલ અને અન્ય બાબતો માટે તેમને રેખા જ જોઈતી. કંઈ કામ ન હોય તો ય હાથ પકડીને તે બેસી રહે એવો તેમનો આગ્રહ રહેતો. કાલિન્દીતાઈ રેખા પર પૂરો અધિકાર જમાવતાં અને રેખા પણ કાલિન્દીતાઈ જો જરૂરી વાત સાંભળે નહીં તો ગુસ્સો કરી લેતી. બંને વચ્ચે આવો અન્યોન્ય પ્રેમ અને વિશ્વાસ હતા. રેખાએ પૂરા સમર્પણ અને દિલથી જે કાલિન્દીતાઈની સેવા કરી તે જોઈને સહુનું હૈયું ઠરતું.
કાલિન્દીતાઈને સંધિવા તેમ જ કંપવાની તકલીફ લાંબા સમયથી હતી, પરંતુ તેઓ કંઈ ને કંઈ ઉપાય શોધીને પોતાનું કામ કર્યા કરતાં. છેલ્લા દોઢેક વર્ષથી તકલીફો વધી હતી. પોતાના ઓરડામાંથી બહાર નીકળવાનું લગભગ બંધ થઈ ગયું હતું. પરંતુ બુદ્ધિ જાગૃત અને સતેજ હતી. પોતાના ઓરડામાં બેસીને લખવા-વાંચવાની પોતાની પ્રિય પ્રવૃત્તિ તેઓ કરતાં રહેતાં. સંતોનાં ભજન ગણગણતાં રહેતાં. તેમ જ પોતે પણ નવી રચના કરતાં. ધીમે ધીમે ખાવા-પીવામાંથી રુચિ જતી રહી અને ૧૬મી ફેબ્રુઆરીથી માત્ર પાણી પર રહેવાની ઇચ્છા પ્રગટ કરી. અને એ નિર્ણય પર મક્કમતાથી અડગ રહ્યાં. પાણી પણ આગ્રહ કરીને પીવડાવવું પડતું. આખરે દોઢ મહિના પછી ૭મી એપ્રિલની રાતે સાડા દસે અંતિમ પ્રયાણ માટે નીકળી પડ્યાં. બીજા દિવસે સવારે ઈશાવાસ્યના મંત્રોની સાથે તેમને અગ્નિદાહ દેવામાં આવ્યો. સ્થૂળ શરીર ઓઝલ થઈ ગયું. તેમનું ‘હોવું’, ‘ન હોવા’માં પરિવર્તિત થઈ ગયું. હવે એ ‘ન હોવું’ ‘હોવા’ની પ્રતીતિ કરાવતું રહે, એ જ પ્રાર્થના સાથે, કાલિન્દીતાઈની સ્મૃતિને અમારી શત શત વંદના !!
(‘મૈત્રી’માંથી સાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જૂન, 2025; પૃ. 09−11