રજનીકુમાર પંડ્યા
વિખ્યાત વાર્તાકાર-નવલકથાકાર- કટારલેખક અને સંગીતપ્રેમી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
રજનીકુમાર પંડ્યા
વિખ્યાત વાર્તાકાર-નવલકથાકાર- કટારલેખક અને સંગીતપ્રેમી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
પુસ્તકપ્રેમ અને પુસ્તકજ્ઞાન માટે જાણીતા જયંતભાઇ મેઘાણીએ ન્યૂયોર્ક ટાઇમ્સનો એક લેખ મોકલ્યો છે. તેમાં ‘વર્લ્ડ ડિજિટલ લાયબ્રેરી’ નામની વેબસાઇટ ખુલવાના સમાચાર છે.
http://www.wdl.org/
![]() |
![]() |
યુનેસ્કો અને અમેરિકાની લાયબ્રેરી ઓફ કોંગ્રેસની આ વેબસાઇટ પર વૈશ્વિક મહત્ત્વ ધરાવતાં નમૂનેદાર જૂનાં-નવાં પુસ્તકો-તસવીરો-નકશા મુગ્ધ થઇ જવાય એ રીતે મુકવામાં આવ્યા છે. ડિજિટાઇઝેશનનું વાચકોપયોગી પરિણામ અને તેનાં પરિમાણ કેવાં હોઇ શકે તેનો આ સાઇટ ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. વેબસાઇટના હોમપેજ પર સેન્ટ્રલ-સાઉથ એશિયાના વિભાગમાં ૬૫ ચીજો મુકેલી છે. તેમાંથી કેટલાંક પુસ્તકો ઉથલાવીને-તસવીરો જોઇને અહીં કેટલાંક સેમ્પલ મુક્યાં છે.
૧) ભારતના બંધારણની પહેલી ૧૦૦૦ નકલ કળાત્મક ડીઝાઇનવાળી છપાઇ હતી. તે આખેઆખું પુસ્તક નંદલાલ બોઝ અને બીજા કળાકારોનાં ચિત્રો સાથે જોવા મળે છે. એ પુસ્તકનું મુખપૃષ્ઠ.
૨) બસો વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવેલા એક લેખકે તેના પુસ્તકમાં મુકેલું ઘાણીનું ચિત્ર. એક જણ દાણા ઓરે ને બીજો બળદ ચલાવે.
૩) એ જાણવાની હંમેશાં ઇચ્છા હતી કે અસલ અફઘાનિસ્તાનમાં કેવાં તરબૂચ થતાં હશે? અને આ ફોટો જોવા મળ્યો. એક રશિયન તસવીરકારે ૧૯૧૧માં પાડેલો આ રંગીન ફોટો સમરકંદના બજારમાં તરબૂચ વેચવા બેઠેલા દુકાનદારનો છે.
4) પુસ્તક ખોલ્યા પછી સાઇટની વાચકોપયોગી વ્યવસ્થા કેવી છે, એ દર્શાવતો સ્ક્રીનશોટ.
‘માણસમાત્ર, ભૂલને પાત્ર’ એ ન્યાયે એક પુસ્તકનું પૂઠું પ્લાશીના યુદ્ધનો વિષય દર્શાવે છે. (એ પુસ્તક પ્લાશીના યુદ્ધનાં ત્રણ વર્ષ પછી, ૧૭૬૦માં લખાયું હતું.) હોંશભેર એ પુસ્તક ખોલ્યું, તો અંદરથી કંઇક ભળતું જ પુસ્તક નીકળ્યું.
આવું બઘું તો ચાલ્યા કરે, પણ જે થયું છે તે જબરદસ્ત કામ છે.
એક વાર ત્યાં ગયા પછી જલ્દી પાછા ફરવાનું મન થાય એવું નથી. એટલે થોડો સમય લઇને જ આ વેબસાઇટ ખોલવી. http://www.wdl.org/
ગુજરાત રાજયની સાડા પાંચ કરોડ (માઈનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,
નમસ્તે.
સાદા નમસ્તે, હા. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં. આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોકટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઈન ફલુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઈ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરું તો નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લિશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.
શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઈન ફલુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઈન ફલુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શકયા નથી. તમારા પ્રશંસકો કહે છે, ‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઈન ફલુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો?’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઈ ચૂકેલા ટીકાકારો ઈર્ષ્યાથી કહે છે, ‘આ તો બધું નાટક છે.’ તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ રમેશ પારેખના નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો તેમનો એક શેર યાદ કરે છેઃ
કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ લાધ્યું રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ
સૌથી વધુ મનોરંજન પૂરું પાડનારા કોઈ હોય તો એ તમારા ‘તટસ્થ ભકતો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઈન ફલુ એટલે કે સુવ્વર ફલુ થયો એટલે સેકયુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડિસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત. પણ કોઈ સેકયુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરું સેકયુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝીંદાબાદ. મહાત્મા ગાંધી ઝીંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝીંદાબાદ.’
આપણી સંસ્કૃિતમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી થવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે: એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા. એ વખતે તમારા મોં પરથી જરા ય લાગતું ન હતું કે તમને સ્વાઈન ફલુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સિઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’
તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.
તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણોસની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અધ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ કરતાં ‘જામ-એ-બીમારી’ના ઘુંટડા ભરવામાં એટલી કીક આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારે તહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.
બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઈન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઈમસર અને હમણાં રખડીશ નહીં. કયારેક અમારું કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી. સ્વજનો સેવાની સાથે સલાહ આપતાં હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે. પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી અને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઈન ફલુ જેવા એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઊતારી. હા, ‘પસંદગી ઊતારી’ કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઈચ્છા – અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. કયારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો કયાં નથી થતું?
રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પૂજા અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા, એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.
‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો, ‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઈડિયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીધું અને કહ્યું, ‘મનમાં હોય એ બધું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરુડપુરાણ સિવાય બીજો કોઈ પાઠ નહીં થાય.’
બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઈ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરું મગજ શેતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.
અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઈન ફલુ થયો ત્યારે ફલુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું તેમને આકરું લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડિલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકિટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઈકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઈ’કમાન્ડ સ્વાઈન ફલુમાંથી ઊભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શકયતા છે.’
સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઈને સમય પસાર કરો છો. હશે ભાઈ, ભવિષ્યમાં બીમારી સિવાયના કોઈ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની – ફલાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરિયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની – ડીવીડી જોઈને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.
લિ. સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી
(સદ્દભાવ : “વૈશ્વીક માનવવાદ”, નવેમ્બર ૨૦૦૯)