ભારતમાં લોકસભાની ચૂંટણી યુદ્ધ જેવી સીધીસરળ હોતી નથી કે જેમાં એકને રાજપાટ મળે ને બીજાનો ખેલ ખતમ ! તેનાં પરિણામોની અસર અને તેમાંથી મળતા સંકેત બહુસ્તરીય, બહુઆયામી હોય છે. તેમાંથી સનાતન સત્ય જેવા કોઈ નિયમ તારવવાનું શક્ય બનતું નથી. છતાં અગાઉની આગાહીઓમાં ખોટા પડેલા લોકો, બમણા જુસ્સાથી નવાં સત્યો તારવવા બેસી જાય છે.
આ લેખ એવી કોઈ ‘પચ્છમબુદ્ધિ કસરત’નો ભાગ નથી. તેમાં રાજકારણના કોઈ કાયમી અને ટકાઉ પ્રવાહ વિશેની આગાહીઓ કરવાનો પણ ઇરાદો નથી. એમ કરવું કેટલું જોખમભર્યું છે તે આ ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે. પરિણામોના અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દામાંથી બે વિશિષ્ટ મુદ્દા પર ઘ્યાન કેન્દ્રિત કરવાનો ઇરાદો છેઃ ૧) માયાવતીનો સ્વપ્નભંગ-દલિત રાજકારણ સામે પ્રશ્નાર્થ ૨) જડમૂળથી હચમચી ગયેલા ડાબેરીઓ.
‘બહુજન’ રાજકારણ આડે ભીંત
વડાપ્રધાન બનવા માટે ૨૦૦૯માં અનેક ઉમેદવારો તત્પર હતા, પણ માયાવતી જેટલી તૈયારી ભાગ્યે જ બીજા કોઈની હશે. શરદ પવાર કે પ્રકાશ કરાતને, મુલાયમસિંઘ યાદવને કે નીતિશકુમારને વડાપ્રધાનપદની હોડમાં ઝુકાવવાનું છેલ્લા રાઉન્ડમાં સૂઝ્યું, પણ માયાવતી ૨૦૦૭ની (ઉત્તર પ્રદેશ) વિધાનસભાની ચૂંટણીમાં ૪૦૩માંથી ૨૦૬ બેઠકો સાથે ભવ્ય વિજય મળ્યો ત્યારથી દિલ્હી પહોંચવા તલપાપડ થઈ રહ્યાં હતાં. તેમની મહત્ત્વાકાંક્ષાનું મુખ્ય કારણ હતું : ‘સોશ્યલ એન્જિનિયરિંગ’ તરીકે ઓળખાયેલી ‘સર્વજન’ ફોર્મ્યુલા’.
‘તિલક, તરાજુ ઔર તલવાર/મારો ઉનકો જૂતે ચાર’ જેવાં સૂત્રોથી સત્તા હાંસલ કરનારાં માયાવતીની સૌથી આશ્ચર્યજનક વ્યૂહરચના દલિતોના સામા છેડે ગણાતા બ્રાહ્મણોને પાંખમાં લેવાની હતી. સતીશચંદ્ર મિશ્રા જેવા બ્રાહ્મણ નેતા માયાવતીનો જમણો હાથ બન્યા. તેનું સીઘું પરિણામઃ બસપના ચૂંટાયેલા ૨૦૬ ઉમેદવારોમાંથી ૫૧ બ્રાહ્મણો અને ૬૨ દલિત હતા. સામાન્ય સંજોગોમાં આવી માત્ર ને માત્ર જ્ઞાતિવાદી સંજ્ઞાઓ વાપરવાનું ગમે નહીં, પણ રાજકારણની- ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજકારણની- વાત કરતી વખતે એ અનિવાર્ય બની જાય છે.
'દલિત-બ્રાહ્મણ ભાઈ ભાઈ/ પીછડી જાતિ કહાં સે આઈ’ જેવાં સૂત્રો ભારતના રાજકારણમાં માયાવતી-યુગ પહેલાં પ્રચલિત બની ચૂક્યાં હતાં. ઉત્તર પ્રદેશ અને બિહારમાં દલિતોનો મુખ્ય સંઘર્ષ બ્રાહ્મણો સામે નહીં, પણ અન્ય પછાત વર્ગો (ઓબીસી) સામે હોય છે. તેનો લાભ લઈને ‘દલિત-બ્રાહ્મણ ભાઈ ભાઈ’ સુધી વાત લઈ જવાનું શક્ય બન્યું. એ વ્યૂહરચનાનું ધાર્યું પરિણામ મળતાં, માયાવતીને લખનૌથી દિલ્હી સાવ ઢૂંકડું લાગવા માંડ્યું. એ સૂચવતું એક સૂત્ર હતું : ‘બ્રાહ્મણ શંખ બજાયેગા/ હાથી દિલ્હી જાયેગા.’
છેલ્લાં બે વર્ષથી માયાવતી લોકસભા ચૂંટણીઓની પૂર્વતૈયારી કરી રહ્યાં હતાં. થોડા સમય પહેલાં થયેલી દિલ્હી સહિતનાં કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેમણે બસપના ઉમેદવારોને ઊભા રાખ્યા. એટલું જ નહીં, દિલ્હીમાં પગપેસારો કરવા અંગત ધોરણે ભરપૂર પ્રયાસ કર્યા. છતાં તેની નિષ્ફળતા માયાવતીને સ્વપ્નપંથેથી પાછાં વાળી શકી નહીં. તેમના પક્ષનો એ દેખાવ ઉત્તરોત્તર સુધરી રહ્યો હતો. ટકાવારીમાં થતા આછા ફેરફારો તેમની તરફેણમાં હતા.
દરમિયાન, અમેરિકામાં ઓબામાની જીતે આશ્ચર્યજનક રીતે માયાવતીના સ્વપ્નમાં નવું બળતણ ઉમેરાયું. ઓબામા અમેરિકામાં રંગભેદનો ભોગ બનેલા કાળા સમુદાયના સભ્ય હતા. તેમને અમેરિકામાં ભવ્ય વિજય મળ્યો, એવી જ રીતે ભારતમાં દલિતસમાજનાં પ્રતિનિધિ તરીકે માયાવતીને વિજય મળી શકે છે, એવી હવા બંધાઈ. ‘વોટ ફોર ચેન્જ’ ફક્ત અમેરિકાનો જ નહીં, ભારતમાં માયાવતીનો પણ રટણમંત્ર (બઝવર્ડ) બન્યો. ચંદ્રભાણ પ્રસાદ જેવા દલિત ચિંતકે કહ્યું કે ‘દલિત રાજકારણ માટે આ સુવર્ણ તક છે.’ તેમણે એટલી હદ સુધી લખ્યું કે આ વખતે માયાવતીને વિજય નહીં મળે, તો દલિત રાજકારણ હતું એના કરતાં પણ વધારે પાછું હડસેલાઈ જશે.
લોકસભા ચૂંટણીનું વાતાવરણ જામ્યું અને યુપીએ-એનડીએનાં સાથીદારો સાથેનાં જોડાણ ઢીલાં પડ્યાં, એટલે માયાવતીનો સિતારો ફરી તેજ થતો જણાયો. યુપીએ-એનડીએ વિખરાયેલાં હોય અને ઉત્તર પ્રદેશમાં ચાળીસ-પચાસ બેઠકો મળી જાય તો વડાપ્રધાનપદ તેમને હાથવેંતમાં દેખાવા લાગ્યું. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા ‘ન્યૂઝવીક’ સામયિકે તેમને, ભલે ‘એન્ટી-ઓબામા’ (પ્રતિ-ઓબામા) તરીકે, પણ પોતાના મુખપૃષ્ઠ/ કવર પર સ્થાન આપ્યું. માયાવતી વડાપ્રધાન બને એવી શક્યતાનો અણસાર એ લેખમાં સ્પષ્ટ હતો.
‘સોશ્યલ એન્જિનિયરિંગ’ની સફળતા પર માયાવતી એટલાં મુસ્તાક રહ્યાં કે પોતાના ગઢ ઉત્તર પ્રદેશમાં તેમણે દલિતો કરતાં બ્રાહ્મણોને વધારે બેઠકો આપી. એક અભ્યાસીએ નોંઘ્યા મુજબ, ઉત્તર પ્રદેશની વસ્તીમાં ૭.૫ ટકા પ્રમાણ ધરાવતા બ્રાહ્મણોને માયાવતીએ ૮૦માંથી ૨૦ બેઠકો આપી, જ્યારે ૨૧ ટકા વસ્તી ધરાવતા દલિતોને ફક્ત ૧૭ અનામત બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. ઉત્તર પ્રદેશના ઉમેદવારોની જાહેરાત વખતે માયાવતીએ, કદાચ પહેલી વાર, ઉમેદવારોનું જ્ઞાતિવાર વર્ગીકરણ જાહેર ન કર્યું.
પરંતુ ૨૦૦૪માં ૧૯ બેઠકોની સરખામણીએ ૨૦૦૯માં બસપની ૨૧ બેઠકો પર જીત થતાં માયાવતી તેમના સ્વપ્ન સહિત જમીન પર આવી ગયાં છે. તેમના વ્યૂહકારોને હવે સાંભરતું હશે કે દલિતોના મત અંકે જ છે એમ માનીને બીજા મતો લેવા જવાની લ્હાયમાં ક્યાંક કાચું કપાયું છે. ઉત્તર પ્રદેશમાં બે વર્ષ માયાવતી-શાસન દરમિયાન દલિતોની સ્થિતિમાં ફરક પડ્યો હોવાનું ભાગ્યે જ કહી શકાય એમ છે. ઊલટું, ‘બહનજીકો દિલ્હી ભેજના હૈ’ એવા પ્રચાર હેઠળ દલિતો પર થતા અત્યાચારના બનાવો ઉપર ઢાંકપિછોડો કરાતો હોવાનું પણ જાણવા મળ્યું છે. મુખ્ય મંત્રી દલિત હોય અને દલિતો પર અત્યાચારની ફરિયાદ પોલીસ નોંધે નહીં, એવી સ્થિતિ ઉત્તર પ્રદેશમાં થઈ હતી. તેનો પડઘો પરિણામોએ પાડી આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં ૧૯ અનામત બેઠકોમાંથી ફક્ત ૨ બેઠકો પર બસપની જીત થઈ છે અને ૨૦ બ્રાહ્મણ ઉમેદવારોમાંથી ૫ વિજયી થયા છે.
દલિતો માટે આશ્વાસન હોય તો એટલું જ કે માયાવતીની હારને ‘દલિતકી બેટી’ની હાર ગણવાની જરૂર નથી. કેમ કે, માયાવતી આ ચૂંટણી ‘દલિતકી બેટી’ તરીકે લડ્યાં નથી! તેમનામાં અને ગુનેગારો-ધનાઢ્યો વચ્ચે આળોટતા બીજા નેતાઓમાં ભાગ્યે જ કશો તફાવત રહ્યો હતો. આ ચૂંટણીએ માયાવતીને યાદ કરાવી આપ્યું છે કે દલિતો જેવા છેવાડાના સમુદાયોને માયાવતી-કાંશીરામ-ડૉ.આંબેડકરનાં મોંઘાંદાટ પૂતળાં નહીં, સામાજિક ન્યાયની દિશામાં થતું કામ ખપે છે. એ દિશામાં આગળ વધવું હોય તો પૂરી તક છે, પણ એ ન થવાનું હોય તો દલિત મતબેંક ખિસ્સામાં છે એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી.
ડાબેરીઓની અધોગતિ
દેશના એકમાત્ર સિદ્ધાંતનિષ્ઠ પક્ષ તરીકે ઓળખાવાની એકેય તક જતી ન કરતા ડાબેરીઓને પરિણામોએ ભારે આંચકો આપ્યો છે. હજુ ૨૦૦૪માં અત્યાર સુધીનો સૌથી ઉજ્જ્વળ દેખાવ કર્યાનો આનંદ ડાબેરીઓમાં છલકાતો હતો. આખી દુનિયામાંથી સામ્યવાદનાં ઉઠમણાં થયા પછી પણ ભારતના ચાર ડાબેરી પક્ષો ૨૦૦૪માં ૫૩ બેઠકો લઈ આવ્યા. એટલું જ નહીં, તેમના ટેકે યુપીએની સરકાર ટકી.
– અને ૨૦૦૯માં? તેમને અત્યાર સુધીનું સૌથી ખરાબ પરિણામ મળ્યું. ૧૯૫૨ની ચૂંટણીમાં સીપીઆઈ-સીપીએમના કુલ ૩૬ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા અને તેમાંથી ૧૬ જીત્યા હતા. આ ચૂંટણીમાં સીપીઆઈ-સીપીએમના ૧૩૦ ઉમેદવારો ઊભા રહ્યા અને તેમાંથી ફક્ત ૨૦ની જીત થઈ.
એવું તે શું બન્યું કે ડાબેરીઓ માટે પાંચ જ વર્ષના ગાળામાં સૌથી સારા અને સૌથી ખરાબ દેખાવ જેટલો મોટો તફાવત પડી ગયો? સૌથી પહેલો મુદ્દો વિચારસરણી અને તેના ગૂંચવાડાનો. સામ્યવાદની વિચારસરણી આખા વિશ્વમાંથી લુપ્ત થઈ ચૂકી હોય ત્યારે ભારતના સામ્યવાદીઓ એક રીતે ‘મ્યુઝિયમ પીસ’ બની રહ્યા છે. એક અભ્યાસીએ નોંઘ્યા પ્રમાણે, રશિયામાં થયેલી સામ્યવાદી ક્રાંતિની ૯૦મી વર્ષગાંઠ આખા જગતમાં ફક્ત ભારતના સામ્યવાદીઓએ ઉજવી હતી ! ઘાતકી શાસક તરીકે જાણીતા થયેલા સ્ટેલિન પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનું હજુ પણ ડાબેરીઓ ચૂકતા નથી. ભારતના સમાજની સમસ્યા સામ્યવાદ-માર્કસવાદના વિભાજન પ્રમાણે વર્ગની નહીં, પણ જ્ઞાતિવ્યવસ્થા આધારિત વર્ણની છે, એ હકીકત સમજવા-સ્વીકારવામાં પણ સામ્યવાદીઓએ દાયકાઓ વીતાવી દીધા છે.
બીજી તરફ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય જેવા સામ્યવાદી નેતાઓ છે, જેમનો મૂડીવાદ સાથેનો સંબંધ અને મૂડીવાદીઓ માટે સરકારી લાલ જાજમ પાથરવાની તેમની તત્પરતા બીજા કોઈ પણ રાજકારણીની સમકક્ષ છે. તેમના જ રાજ્યમાં નંદીગ્રામમાં અને સિંગુરમાં થયેલાં રાજકીય રંગ ધરાવતાં લોકઆંદોલનો અને તેમાં ડાબેરી સરકારના આશ્રય હેઠળ થયેલી ગુંડાગીરી ગુજરાતમાં ૨૦૦૨માં જે બન્યું તેનાથી ખાસ અલગ ન હતાં.
એ બઘું વિસારે પાડીને, સોમનાથ ચેટર્જી જેવા સિનિયર નેતાને પક્ષના ભોગે સ્પીકરપદની ગરિમા જાળવવા બદલ સજા કરનારા અને જવાબદારી વિનાનો વિરોધ કરનારા ડાબેરીઓ માટે હવે પુનરાગમન કરવાનું અઘરૂં છે. ૨૦૦૯નાં પરિણામોએ તેમને સત્તાથી ઘણે દૂર અને વાસ્તવિકતાથી બહુ નજીક મૂકી આપ્યા છે. અત્યાર સુધી ઇતિહાસની અવળી બાજુએ રહેવા ટેવાયેલા ડાબેરીઓ પુનરાગમનનો પડકાર ઉપાડી શકે, તો એ રાજકારણનો મોટો ચમત્કાર ગણાશે અને એ ચમત્કારનું શ્રેય ૨૦૦૯નાં પરિણામોને જશે.