1947માં રિલીઝ થયેલી ઇટાલિયન ફિલ્મ બાઈસિકલ થીવ્ઝ એ કોઇ કલાકારે કચકડે મઢેલા ધાર્મિક સ્થાન સમાન છે જેને જોઇને દાયકાઓથી રસિકો ધન્ય થાય છે.
કેરળનાં થીરુવંથપુરમમાં સાયકલને કેન્દ્રમાં રાખીને આખા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ઇન્ટરનેશન બાઇસીકલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન વિવિધ પર્યાવરણને લગતી સંસ્થાઓએ કર્યું હતું. આ ફેસ્ટિવલમાં વિશ્વની નામી વાર્તામાં સાયકલ ધરાવતી ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. જેમાં બ્રેકીંગ અવે, બેઇજીંગ સાયકલ, અબાલી અને વાજ્દા જેવી ફિલ્મો હતી. આ યાદીમાં મહાન ફિલ્મ બાઈસિકલ થીવ્ઝ પણ શામેલ હતી. આજે આપણે આ મહાન ફિલ્મની થોડી વાત કરીશું. આ એ જ ફિલ્મ છે કે જેને જોઇને સત્યજીત રેએ ફિલ્મ મેકર બનવાનું નક્કી કર્યું હતું. 1947માં રિલીઝ થયેલી આ ઇટાલિયન ફિલ્મ એ કોઇ કલાકારે કચકડે મઢેલું ધાર્મિક સ્થાન સમાન છે જેને જોઇને દાયકાઓથી રસિકો ધન્ય થાય છે.
તો વાત શરૂ કરીએ ડાઇરેક્ટર ડી સિકાની આ ફિલ્મની યાત્રા. વીસમી સદીની શરૂઆતમાં જ યુરોપમાં બે વિશ્વયુદ્ધો ખેલાયા. વિશ્વયુદ્ધો દરમિયાન જર્મનીમાં નાઝીવાદ અને ઇટાલીમાં ફાસીવાદે માઝા મૂકી હતી. આ દેશો રાષ્ટ્રવાદનાં ઘેનમાં હતા. તેઓના જુલમો ઇતિહાસનાં પાને અકબંધ છે. બે વિશ્વયુદ્ધ બાદ આ દેશોમાં અનેક કલાકારો અને કસબીઓએ લોકમત ઘડવાનું કામ કર્યુ. જેના કેન્દ્રમાં માનવીય અભિગમ મુખ્ય હતો. આવા જ નવ યથાર્થવાદને લઇને ફિલ્મો પેશ કરનાર મહાન કલાકાર વિત્તોરિયો ડે સીકા હતા.
વિત્તોરિયો ડે સીકાની કલા ફાસીવાદ અને વિશ્વયુદ્ધની રાખમાંથી બેઠી થયેલી હતી. તેમની ફિલ્મોમાં ક્રુર યુદ્ધનાં દ્દશ્યો ન હતા કે ન હતી મોટી ખુવારીઓ. ન હતા મોટાં ભાષણો કે ઉપદેશાત્મક સંવાદો. તેઓ સામાન્ય માણસની નાની વાતને રજૂ કરતા. એક સામાન્ય માણસની જિંદગીનું સત્ય કે હકીકત તેઓ એટલી બખૂબી બતાવતા કે જોનારનું કાળજુ કંપી જતું.
ડે સીકાનો જન્મ નેપલ્સમાં થયો હતો. તેઓ પહેલા તેમના કુટુંબને આર્થિક મદદ કરવા માટે ક્લાર્કની નોકરી કરતા હતા. ત્યાર બાદ તેમને અભિનય તરફ લગાવ હોવાથી, તેમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યુ. તેઓ થોડા જ સમયમાં અભિનેતા તરીકે સફળ થઇ ગયા. પરંતુ તેમને ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. પહેલા તો તેમણે તેમની થિયેટર કંપની ચાલુ કરી, ત્યારબાદ તેમણે ફિલ્મ પર હાથ અજમાવ્યો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેમણે બનાવેલી ફિલ્મ ધ બાઇસીકલ થીવ્સે ડે સીકાને ફિલ્મ ઇતિહાસનાં પાને અમર બનાવી દીધા.
બાઇસીકલ થીવ્સ એ વિશ્વયુદ્ધની ખાનાખરાબી બાદ એક સામાન્ય માણસની નાનકડી વ્યથાની વાત છે. નાનકડું કુટુંબ ધરાવતા આ માણસને એક નોકરીની તલાશ હોય છે. તેને જાહેરખબરોનાં પોસ્ટર લગાડવાની નોકરી મળે છે. પરંતુ નોકરી તો જ મળે જો તેની પાસે સાયકલ હોય. હવે આ માણસ સાયકલ લેવા માટે ફાંફા મારે છે. છેવટે તેની પત્ની દહેજની મોંઘી ચાદરો વેચીને એક સાયકલ તેને લાવી આપે છે. નોકરી ચાલુ થાય છે. રોજ સવારે બાપ દીકરો નોકરીએ સાથે જાય છે. નાનકડો દીકરો પણ બાળમજૂર હોય છે. એવામાં એક દિવસ આની સાયકલ ચોરાઇ જાય છે. અને તે ફિલ્મમાં સાયકલ શોધે રાખે છે. છેવટે તે કંટાળી પોતે જ એક સાયકલ ચોરી લે છે. છેવટે પકડાઇ જાય છે. અને નાનકડા દીકરા સામે ટોળું તેને ધોઇ નાંખે છે. ફિલ્મનાં અંતમાં બાપ બેટો હાથમાં હાથ લઇ ક્ષિતિજ તરફ ચાલતા જતા બતાવ્યા છે. સાવ નાની વાર્તા ,પરંતુ ખુરશીમાંથી એક પળ માટે પણ તમને હલવા ના દે. આંખમાંથી આંસુઓ ક્યારે નીકળવા માંડે તમને ખ્યાલ પણ ના આવે.
ડે સીકાએ ધ બાઇસીકલ થીવ્સ બનાવવા માટે પોતાનાં મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પૈસા લીધા હતા. તેઓએ ફિલ્મમાં અભિનેતા તરીકે પણ સામાન્ય માણસોને જ લીધા હતા. મુખ્ય રોલ કરનાર એ ફેક્ટરીનો કામદાર હતો. જ્યારે બાળક રસ્તા પર ફૂલ વેચનાર માળીનો સંતાન હતો. દે સીકાનાં આવા પ્રયોગથી ફિલ્મ સો ટચના સોના જેવી બની જાય છે. દુનિયાભરમાં આ ફિલ્મનો ડંકો વાગે છે. પહેલા તો ઇટાલીમાં આ ફિલ્મનાં વખાણ ના થયાં. કેટલાક વાયડા વિવેચકોએ તેને ઇટાલીની અસ્મિતાનું હનન કરતી ફિલ્મ તરીકે વર્ણવી. પરંતુ ડે સીકાની કલા આ તાકાતો સામે જીતી ગઇ. ફાસીવાદ પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. મિથ્યાભિમાનીઓ સામે દેશની સામાન્ય જનતાએ ડે સીકાની ફિલ્મને વિજેતા બનાવી.
ડે સીકા કાયમ કહેતા કે, ફિલ્મ હંમેશાં સંજીદા હોવી જોઇએ. તે વ્યવસાયિક ના હોઇ શકે. તે નિર્માતા કે પ્રેક્ષકો માટે પણ ના હોઇ શકે. એ તો કસબીની પોતાની જ હોવી જોઇએ.
પ્રગટ : “નવગુજરાત સમય”, 28 ફેબ્રુઆરી 2020