એકદમ અંતર્મુખ સ્વભાવના ફારુક બલસારા ઊર્ફે ફ્રેડી મરક્યુરીએ તેના અવાજ અને સંગીતથી દુનિયા આખીને ડોલાવી
મૂળ નામ ફારુક બલસારા. ગુજરાતથી આફ્રિકાના ઝાંઝીબારમાં સેટલ થયેલા પારસીનો દીકરો. પહેલાં શિક્ષણ ભારતમાં લીધું. ત્યાર બાદ તેનાં માતા પિતા સાથે બ્રિટનમાં સ્થાયી થયો. એકદમ અંતર્મુખી એવા ફારુક બલસારાએ તેના અવાજ અને સંગીતથી દુનિયા આખીને ડોલાવી. માત્ર પીસ્તાલીસ વર્ષની ઉંમરે આ રોકસ્ટારનું એઇડ્સની બીમારીથી મોત થયું. તેની જિંદગી વિશે મોટા ભાગે લોકો અજાણ છે. તે ખૂબ જ ખાનગી જીવન જીવતો હોવાથી તેની ઝાઝી વાતો બહાર નથી આવી.
પરંતુ હાલમાં જ તેના પર બનેલી એક ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી' રિલીઝ થઇ રહી છે. ત્યારે આ રોકસ્ટારની અનેક વાતો બહાર આવી છે. દુનિયા આ પારસી પોઇરાને ફ્રેડી મરક્યુરીનાં નામથી ઓળખે છે. આ નામ તેણે પોતે અપનાવેલું હતું. તેની અટક બલસારા એ ગુજરાતના વલસાડ પરથી પડી હતી. તેના પિતાનું વતન વલસાડ હતું અને અંગ્રેજીમાં વલસાડને બલસાર લખવામાં આવે છે.
ફ્રેડી પર એવો પણ એક આરોપ છે કે તેણે તેની એથનિસિટી હંમેશાં ગુપ્ત રાખી હતી. તેણે કદી પારસી હોવાનું કે ભારતીય મૂળની વાત કરી ન હતી. પરંતુ તેની માતાની મુલાકાતો પરથી સ્પષ્ટ થાય છે કે ફ્રેડી દર અઠવાડિયે તેની માએ રાંધેલી પારસી વાનગી ધાનશાક ખાવા અચૂક જતો હતો. તેની માતા સાથે તે પારસી ગુજરાતીમાં વાત કરતો, પરંતુ તેની આ બાબતો તેણે કદી જાહેરમાં કહી ન હતી. ફ્રેડીને ભણવા માટે તેના માતાપિતાએ પંચગીનીની સેંટ પીટર સ્કૂલમાં મૂક્યો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે તેણે દોસ્તારો સાથે ભેગા મળીને ધ હેક્ટિક નામનું બેન્ડ બનાવ્યું. શાળામાં જ તેણે પોતાની જાતને ફ્રેડી તરીકે ઓળખવવાનું નક્કી કર્યું. તે નાનપણથી જ પિયાનો શીખતો અને રેડિયો પર સંગીત સાંભળી તેને પિયાનો પર વગાડતો. કદાચ એટલે જ તેણે ભવિષ્યમાં રેડિયો ગાગા નામનું ગીત ગાયું.
લંડનમાં કોલેજમાં ભણતી વખતે તેણે અનેક સંઘર્ષનો સામનો કર્યો. વિવિધ બેન્ડમાં કામ કર્યું, પરંતુ કોઇ પણ હીટ ના થયું. તેણે અનેક પ્રકારની નોકરીઓ પણ કરી. તે હીથ્રો એરપોર્ટ પર પણ કામ કરતો અને ક્યારેક રૂપિયા કમાવવા માટે સેકેન્ડ હેન્ડ ક્લોથ માર્કેટમાં કપડાં પણ વેચતો. તે વખતે તેને જાણનારા કહે છે કે તે ખૂબ શરમાળ યુવાન હતો, જેને સંગીતમાં ઊંડો રસ હતો. પરંતુ 1971માં તેણે એક બેન્ડ બનાવ્યું અને તેનું નામ ક્લીન રાખ્યું. ત્યાર બાદ સતત બે દાયકા તેઓ પ્રસિદ્ધિની ટોચ પર રહ્યા.
ફ્રેડી જેટલો અંતર્મુખી હતો તેટલો જ સ્ટેજ પર ખીલતો. તે તેના લાઇવ પર્ફોમન્સમાં લોકોને તેની અનર્જીથી ડોલાવતો. પરંતુ સ્ટેજ પરથી જતા જ તે ફરીથી તેની ખાનગી જિંદગીમાં આવી જતો. ફ્રેડીને તેની અંગત સેક્સલાઇફનાં લીધે એઇડ્સ થઇ ગયો. તેના મૃત્યુના એક દિવસ પહેલાં તેણે જાહેરમાં આ વાત સ્વીકારી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે સમલૈંગિક સબંધોનાં લીધે તેને આ જીવલેણ રોગ થયો હતો. અને આમ માત્ર પીસ્તાલીસ વર્ષે જિંદગીનાં મંચ પર તેણે તેના સંગીતને અમર બનાવી વિદાય લીધી.
હાલમાં જ રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી' રિલીઝ થાય તે પહેલાં વિવાદ પણ થયો છે. આ ફિલ્મમાં ફ્રેડીના સમલૈંગિંક સબંધો અને એઇડ્સના તથ્યો મૂકવામાં આવ્યા નથી. એઇડ્સની જગ્યાએ જીવલેણ રોગ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યારે કે આ બાયોપિકમાં તથ્ય મૂકવા જરૂરી છે તેવું બધાનું માનવું છે. ફ્રેડીનાં બેન્ડનાં બાકી વધેલા સભ્યોએ પણ તેની યાદમાં ટ્રસ્ટ બનાવ્યું છે. અને તેઓ પણ એઇડ્સ જાગૃતિ માટે કામ કરે છે.
છેલ્લે આ પારસી પોઇરાનાં સૌથી ફેમસ ગીતની વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કેમ્પેઈનમાં અનેક વખત એક ગીત વગાડ્યું છે તે હતું ફ્રેડીએ લખેલું ગીત Queen બેન્ડનું We Are The Champions! ગીત. જો કે, આ અઠવાડિયે જ ક્વીન બેન્ડનાં લીડ ગિટારિસ્ટ Brian Mayએ ટ્રમ્પને આ ગીત યુઝ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે! કારણ એ છે કે ક્વીન બેન્ડને પોતાના ગીતો કોઈ પોલિટિકલ રિઝન્સ માટે યુઝ થાય તે મંજૂર નથી. આ ગીતને ફિફા વર્લ્ડ કપ સહિતના અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં એન્થમ બનાવાયું છે, અને તેમાં ક્વીન બેન્ડના મેમ્બર્સે કોઈ વાંધો લીધો નહોતો. તેનું કારણ એ છે કે આ ગીત સ્પોર્ટ્સની સ્પિરિટને બિરદાવવા માટે જ લખાયું છે.
2011માં લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીના પ્રોફેસર-સાયકોલોજિસ્ટ Dr. Daniel Mullensiefenએ આ ગીત પર એક સર્વે કર્યો હતો. તેમના આ રિસર્ચનું તારણ એ આવ્યું કે દરેક ટ્યૂનની પાછળ એક સાયન્સ હોય છે, જે ન્યુરોસાયન્સ, મેથ્સ અને કોગ્નિટિવ સાઇકોલોજીનું કોમ્બિનેશન હોય છે. કોઈ ટ્યૂનમાં યુઝ થયેલી સાઉન્ડ ફ્રીક્વન્સીઝ સીધી જ હ્યુમન બ્રેઈનને અપીલ કરે છે અને તેનાથી કોઈ ગીતની ટ્યૂન કેચી છે કે નહીં, તે નક્કી થતું હોય છે. રિસર્ચના અંતે ડો. ડેનિયલ અને તેમની ટીમે જાહેર કર્યું કે, ક્વીનનું We Are The Champions ગીત એ દુનિયાનું સૌથી કેચી ટ્યૂન ધરાવતું સોંગ છે! આ ટ્યૂન એ કોઈ પણ વ્યક્તિને સાંભળતાં જ ગમી જાય છે અને તે આ ટ્યૂનને ગાઈ પણ શકે છે! આ છે સંગીતનું સાયન્સ!
https://www.youtube.com/watch?v=04854XqcfCY
સૌજન્ય : ‘ઢેન્ટેણેન’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 18 મે 2018