આજે ધૂળેટી છે … હેં, આજે ધૂળેટી છે ! … મારે તો આ 10 x 12 ના રૂમમાં રહેવાનું …. સવારે ચા-નાસ્તો આવે … બપોરે અને સાંજે જમવાનું આવે …. ભાગ્યે જ દીરકો-વહુ વાત કરે …. વડીલો આજે પોતાનાની સાથે વાત કોઈ કરે તેની રાહ જોતા જોતા દિવસો પસાર કરે છે. ભૂતકાળમાં ભયંકર ગુનેગારને નાની કોટડીમાં એકલો કેદ કરી સજા કરવામાં આવતી. બે વખત જમવાનું મળે તે વખતે માણસના દર્શન થાય. તે માનસિક સ્થિતિ દયાજનક હતી … એકલતાની સજા ખૂબ જ ખરાબ હતી.
આજે આપણે વાતો પણ વોટ્સએપ દ્વારા કરીએ છીએ. આંગળીના ટેરવા આગળ બિચારી જીભ લાચાર ! મોટાભાગના ઘરમાં રહેલા વડીલ યત્રંવત જીવન જીવતા હોય તેવું લાગે. બહારથી સ્થિતિ સારી લાગે. વડીલને રહેવા રૂમ, ટી.વી. જોવા માટે, ચા-નાસ્તો અને જમવાનું સમયસર આપીએ છીએ. બીજુ તેમને શું જોઈએ ? પણ તેમના ‘કાન’ પુત્ર કે કુટુંબના સભ્યોના અવાજ સાંભળવા તરસતા હોય છે. જેમ ગરમીમાં બપોરે બહારથી આવીએ અને માટલાનાં ઠંડા પાણીનો ગ્લાસ મળે તો જે આનંદ અને સંતોષ મળે તેનો અનુભવ આપણને છે. તેમ એકલા રહેતા વડીલને કુટુંબીજનોના શબ્દો સાંભળીને જે હૂંફ અને શાતા મળે તે અનુભવ તેમને જોઈતો હોય છે.
પોતાના કુટુંબના સભ્યોની વાતો દ્વારા થતો શબ્દોનો સ્પર્શ તેમની એકતલાને દૂર કરે છે. તેમનામાં આનંદની લાગણી જન્માવે છે. શબ્દોના સ્પર્શનો જાદુ અનેરો છે. તેમની સાથે પાંચ-દશ મિનિટની વાત તેમના જીવનમાં મહત્ત્વની છે. એકલાં વૃદ્ધ માતા કે પિતાને માટે ‘વાતોનું વાળુ’ ભોજન કરતાં પણ વધારે મહત્ત્વનું છે. ‘મારી સાથે કોઈ વાતન કરે છે’ એ વડીલ માટે ખૂબ મહત્ત્વની છે. આવી વાત તેમને ઓછા માંદા પાડે છે. તેમની એકલતા દૂર કરે છે તેમને ‘જીવંત’ હોવાનો અનુભવ કરાવે છે. પોતે નકામા નથી. તેમની હાજરીની નોંધ લેવાય છે તે બાબત તેમના માટે મહત્ત્વની છે. તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે.
‘અમે શું વાત કરીએ’ તેમની સાથે ? અમારી પાસે સમય જ નથી. પણ આવી બહાનાબાજી કરવાને બદલે વાત કરીએ. તેમના ભૂતકાળની વાત. કોઈ સગાંસંબંધી મળ્યાં હતાં અને તમને યાદ કરતાં હતાં તેની વાત. આજે મંદિરમાં ભગવાનના શણગારનાં વર્ણનની વાત. ઓફિસના યુવાન કર્મચારી મળ્યા હતા અને આપના સારા સ્વભાવની વાત કરી હોય તેની વાત. કે પછી આજના રાજકારણ કે પર્યાવરણની વાતો કરવી જોઈએ. બાળકોને દાદા કે દાદી સાથે વાત કરવા દો. તેમની કાલીઘેલી અને નિર્દોષ વાતો તેમને ખૂબ ગમતી હોય છે. બાળકોને આઘા રાખવાને બદલે થોડોક સમય તેમની સાથે વાત કરવા પ્રેરો. મૂડી કરતાં વ્યાજ વધુ ગમે છે. તેમ ‘દાદા’ કે ‘દાદી’ શબ્દ સાંભળીને વડીલમાં નવી ચેતના પ્રગટે છે.
ચાલો, આપણે વડીલ સાથે દિવસમાં પાંચ-દશ મિનિટ કે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ વાત જરૂર કરીએ. વાતોના શબ્દોનો સ્પર્શ તેમની પાછલી જિંદગી કે બાકી રહેલા જીવનનાં વર્ષોને વધુ આનંદદાયક બનાવે છે. તેમની એકલતાને દૂર કરે છે, જે તેમના સામાજિક અને માનસિક આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. વાત કરીને વડીલના આર્શીવાદ મેળવીએ.
e.mail : ashwin.jansari@gmail.com