ટેકરી ડુંગર દૂર વસેલાં,
હરિયાળી ચાદરથી મઢેલાં.
આભ માંહેથી ભૂલું પડેલું,
ધુમ્મસ એની સાથ સૂતેલું.
ડુંગર વચ્ચે ખીણમાં કેડી,
નાનું ઝરણું ત્યાં ગાતું’તું.
આંબાની વનરાઈ વચાળે
કુદરત કેરું ઘર અજવાળે.
એવા રૂડા થાન કનેથી
નીકળ્યો મારો મારગ જે દી’,
વિસામવા ઘડી હેઠે બેઠો,
સૂણ્યો ત્યાં મેં સૂર કો’ મીઠો
હું થંભ્યો, કોઈ ગાતું હતું.
એનું ગીત મને સંભળાતુ હતું.
ખેડૂત કન્યા ખેતર વચ્ચે
ખોઈ વાળીને, ઓઢણી બાંધી.
કામમાં દિલ પરોવી દઈને,
ગાતી દિલ ફંગોળી દઈને.
એના દાતરડાને ધાર હતી
લીલા ડૂંડાની ઊભી હાર હતી.
વણથંભ્યે લણતી જાતી’તી,
ને લણતાં લણતાં ગાતી હતી.
એ ગીતમાં કો’ થડકાટ હતો?
એ બોલમાં વેદના રોતી હતી?
એમાં આશાનો ઉભરાટ હતો?
નવયૌવનનો છલકાટ હતો?
એનું ગીત બધાંથી જુદું હતું.
ચારણના દુહાથી જુદું,
નોરતાના ગરબાથી નોખું,
લગનગીતથી વધુ રસીલું,
ઘેરૈયાથી અધિક જ ઘેલું.
એનાં ગીતથી ખીણ છલકાતી હતી,
જાણે વસંત ૠતુ મલકાતી હતી,
આભ ઓઢેલી ધરતી પર, એ
ગીત અનંતનું ગાતી હતી.
આજનો દિન, ને આ ઘડી માંહી
ધરાપુત્રી એ વ્યસ્ત હતી.
કાલ ભલે આવે, ના આવે,
એવી અદામાં મસ્ત હતી.
એવાં હૃદિયાનું ગીત ગાવાં,
અમી ભરેલા સૂર રેલાવા,
બાંધ્યા કોઈ કોયલે માળા,
એના ગળામાં આજ રૂપાળા.
એનું ગીત દિમાગથી દૂર હતું,
એ તો હૈયાની સોંસરવું જતું,
એનો અર્થ પામવો છોડી દઈ,
એ રસમાં બસ ડૂબી જાવું ભલું.
ખીણ અને ડુંગર છોડીને,
મૂંગો હું આગળ ચાલ્યો.
વીતેલાં વર્ષો તોડીને,
ગીત એ સંગે લઈ આવ્યો.
જાણીતા અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્ઝવર્થની પ્રખ્યાત કવિતા ’સોલીટરી રીપર’ નો મુક્ત અનુવાદ
ઈસ્ટ વિંડસર ન્યુ જર્સી,
૩૦મી નવેમ્બર, ૨૦૦૯.
e.mail : ashok@vidwans.com
ગુજરાતી સાહિત્ય અકાદમીના 12 માર્ચ 2016ના હૅરો ખાતે યોજાયા કાર્યક્રમ કવિએ વાંચેલું કાવ્ય
![]()


રમણલાલ ઑફિસેથી ઘેર જવા કારમાં ગોઠવાયા અને તરત જ તુકારામે કાર ચાલુ કરી. ઑફિસના પાર્કીંગમાંથી કાર બહાર નીકળી એની સાથેસાથે જ રમણલાલનું મગજ પણ ઑફિસના પ્રશ્નોમાંથી બહાર નીકળ્યું. કાર હવે ઘર તરફ ગતિ કરી રહી હતી. રમણલાલ પોતાનું મગજ કારના સ્ટીયરીંગની જેમ ધારી દિશામાં વાળી શકતા, અને એમની એ કુનેહની એમના મિત્રોમાં કાયમ પ્રશંસા થતી. હજી અડધા કલાક પહેલાં જ સુરભિનો ફોન આવેલો અને એણે મૃદુલાના પ્રશ્નનો ફરીને ઉલ્લેખ કરતાં કહેલું : “આપણે મૃદુલાને આપણો વિચાર, માત્ર વિચાર જ નહીં નિર્ણય, હવે તરત જ જણાવી દેવો જોઇએ.” એ વખતે તો કામમાંથી માથું ઊંચક્યા સિવાય જ, “સારુ, રાત્રે જમતાં જમતાં વાત કરીએ.” એવો ટૂંકો જવાબ આપીને રમણલાલે પોતાના મગજને પાછું ઑફિસના કામમાં પરોવી દીધેલું. પણ હવે મગજના વહાણનું સુકાન બદલીને રમણલાલે મૃદુલાના વિચારનો તાગ લીધો.
ઑફિસના કામ અંગે બહારગામ જવાનું હવે મને ખૂબ કઠે છે. એનું મુખ્ય કારણ મને હવે ઘરની સગવડ અને ઘરનું ભોજન, બંને વાતથી દૂર જવું ગમતું નથી, એ છે. વળી, ઑફિસનાં કામ માટે કાયમ એની એ ઠરાવી ત્રણ-ચાર જગ્યાએ જ જવાનું થતું હોવાથી જગ્યાનું નાવીન્ય તો નથી જ રહ્યું, ઊલટાનો કંટાળો આવ્યો છે. ત્રીજું કારણ એટલે “નાઈન-ઇલેવન” પછી વિમાનનો પ્રવાસ એટલે ભરપૂર પૈસા આપીને ખરીદેલી ઉપાધિ !