‘પેરેક્લીઝે ભલે કિલ્લા બાંધ્યા કે નૌકા કાફલો તૈયાર કર્યો પણ તેણે માણસોને નથી ઘડ્યા તે તેની ભૂલ છે, અને તેથી હું પેરેક્લીઝને સાચો રાજનીતિજ્ઞ ગણતો નથી.’ સોક્રેટિસ અને પેરેક્લીઝ બંને મિત્રો છે. તેને ઘેર સોક્રેટિસ જતો-આવતો હોય છે, છતાં પણ એ ભૂલ બતાવે છે. કારણ કે તે સ્વાયત્ત છે.
‘પેરેક્લીઝ તમને બગાડી રહ્યો છે. આ રીતે તમને ભથ્થાંઓ આપી ન્યાયને બદલે પૈસાના લાલચુ બનાવી દીધા છે, અને પૈસાની લાલચથી તમે તમારા આત્માને અવનત કરો છો. લોકોનું ભલું તેમની વાસનાઓ પરિશુદ્ધ કર્યા વિના ન થાય. લોકોએ વિચાર કરતાં શીખવું જોઈએ. લોકોની વાસનાઓને બહેકાવી મતો મેળવવા તો સહેલું છે. પણ આવા બધાને ભેગા કરી સત્તા લાવે તો તેનો નાશ થાય. લોકશાહીનો આવો અર્થ છે જ નહીં.’ સોક્રેટિસ આવું કહે તો કોને ગમે ?
‘હું મરીશ, પહેલાં પણ મર્યા છે અને હજી મરશે. કારણ કે કોઈ પણ ટોળું એના વિરુદ્ધના અભિપ્રાયને સહન કરી શકતું નથી.’ એણે સ્પષ્ટ ભેદ પાડ્યો છે લોકશાહી અને ટોળાશાહી વચ્ચે. લોકશાહીને નામે ટોળાશાહી ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે, તેઓ લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે. લોકશાહીમાં પાયાથી માની લેવામાં આવ્યું છે કે – (૧) મતદારો સર્વસામાન્ય હિતને સમજી શકે છે. (૨) સમજી શકે છે એટલું જ નહીં, બીજી લાલચોને વશ થયા વિના સાચી રીતે મત આપી શકે છે. (૩) આવું કોઈનામાં ન હોય તો સમજાવટથી તેનામાં આવી શકે છે.
હવે, આવી સમજાવટ કરે નહીં, ઊલટું સમજશક્તિ નષ્ટ થાય તેવી લાલચો આપી, અંધ જૂથ કે સ્થાનિક અભિમાન ચગાવી મતો લેવાની કરામત કરે તેને લોકશાહીના ઘાતકો જ કહેવા જોઈએ ને ? આપણા દુર્ભાગ્યે આજે સોક્રેટિસ નથી, જ્યારે આ ઘાતકોની સંખ્યા મોટી છે.
સોક્રેટિસને પૂછવામાં આવ્યું કે, ‘તને આટલી બધી ખબર છે કે આ સારું અને આ યોગ્ય, આ અયોગ્ય, આ ડહાપણ અને આ ગેરડહાપણ, તો પછી તું રાજનીતિમાં પડીને, ધારાસભામાં બેસીને કે સામાન્ય સભામાં બોલીને કે ઉમેદવારી કરીને અમને સુધારવાની કોશિશ કેમ કરતો નથી ?’ ત્યારે એણે કહ્યું કે, ‘તમે મને આ પૂછી શકો છો, પણ મારે તમને એમ કહેવું છે કે જો મેં એવી કંઈ કોશિશ કરી હોત તો હું આટલાં વર્ષ જીવ્યો તે પણ ન જીવી શક્યો હોત. બહાર રહીને તો આ ચાલીસ વર્ષ હું જીવ્યો. પણ જો હું તમે કહો છો તે સત્તાના રસ્તે ચાલ્યો હોત તો આટલાં વર્ષ જીવી શકત નહીં, કારણ કે કોઈ પણ લોકશાહીમાં અજ્ઞ સમાજ તેની સામે મત આપનારાઓને લાંબો વખત સહન કરી શકે નહીં.’
સોક્રેટિસનો એક જ ગુનો છે કે તે બધા માણસને પૂછે છે, તમે કંઈ સમજો છો કે સમજ્યા વિના જ ચાલો છો ? તમને સુખ જોઈએ છે, પરંતુ સુખ શું એ ખબર છે ? સાચું સંરક્ષણ, સાચી ઉદારતા, સાચી મૈત્રી, સાચી બહાદુરી, સાચો પ્રેમ, સાચી કેળવણી વિષે તમે કાંઈ વિચાર્યું છે ? આ વિચાર્યા વિના સુખ તમારા હાથમાં કેમ આવશે ? ન્યાયાધીશોને તે એમ કહે છે, ‘તમે કદાચ કહેશો કે તારી સામેના આરોપ જેઓ મૂકે છે તેને અમે સાચા નથી માનતા …. તને છોડી મૂકીએ છીએ પણ એટલી બાંહેધરી તું આપ કે તત્ત્વજ્ઞાનના આવા સવાલો તું નહીં પૂછે. તો એથેન્સ નગરના નગરજનો, હું તમને ચાહું છું. તમારે માટે મને માન છે, પણ જો તમે મને આવું કહો તો હું એટલું જ કહીશ કે તમે મને એક વાર મારો કે સો વાર મારો પણ હું બધાને પ્રશ્ન પૂછતો અટકવાનો નથી. હું તો જે મને મળશે તેને પૂછીશ કે અરે ! આવા એક એથેન્સ જેવા મહાન નગરનો તું રહેવાસી છે તો તું આ ધન પાછળ અને કીર્તિ પાછળ શા માટે પડ્યો છે ? તારા પોતાની આત્માની શા માટે સંભાળ નથી લેતો ? અને તે મને કહેશે કે હું લઈશ તો પણ હું માની નહીં લઉં. હું તેને ફરી પૂછીશ કે તું શું સંભાળ લઈ શકે તે તો મને કહે ! હું તેનો કેડો મૂકવાનો નથી.’
લોકોને એણે ચેતવ્યા કર્યા, સમજાવ્યા કર્યા કે, ‘ભાઈ તમે ખોટે રસ્તે છો, આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’ સોક્રેટિસનો આટલો વાંક.
સોક્રેટિસ મતદારોની કેળવણી માટે શહીદ થયો. એને જ્યારે કહેવામાં આવ્યું કે તમે છૂટા થઈ શકો છો પણ તત્ત્વજ્ઞાનની ચર્ચા ન કરશો તો કહે, ‘તમે સો વાર મારો કે એક વાર મારો પણ હું જ્ઞાનનું તત્ત્વ, અને તત્ત્વના જ્ઞાનની વાત તો કર્યા જ કરીશ, કારણ કે આત્મચિકિત્સા વિનાનું જીવન નિરર્થક છે – પશુઓ જીવે છે, ભાઈ !’
આ વાતને આજની લોકશાહીની પરિભાષામાં કહીએ તો શું કહેવાય ? એ જ કે …. મતદારોને કેળવવાનો મૂળભૂત અધિકાર હું કોઈ પણ સંજોગોમાં જતો કરવા માગતો નથી. આટલો જ છે આજના સંદર્ભે એનો અર્થ. આ મારો મૂળભૂત અધિકાર છે. એ મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. આ પ્રતીતિએ સોક્રેટિસને કહેરાવ્યું કે, ‘હું આ અધિકાર જતો નહીં કરું, જે કરવું હોય તે કરો !’ આનો અર્થ એટલો જ કે લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી – એ સેકંડરી ચીજ છે, પણ પહેલી જરૂર મતદારોની કેળવણીની છે.
એટલે જ સોક્રેટિસે કહ્યું કે, ‘હું રાજનીતિમાં પડ્યો જ નથી, મારે સત્તા જોઈતી જ નથી. મારે એક જ સત્તા જોઈએ છે, મતદારોને કેળવવાની.’ અને એ જ પેલા રાજકારણીઓને પસંદ નહોતું. તેમને ખુશામત જોઈએ છે. કેળવણી નથી જોઈતી. ગ્રીસને જ નહીં, બધી ટોળાંપરસ્ત લોકશાહીને ઓછીવત્તી આ વાત લાગુ પડે છે. સોક્રેટિસનો આ પહેલો સંઘર્ષ હતો – મતદારોની કેળવણીના અધિકારનો સંઘર્ષ.
સોક્રેટિસની જે મહત્તા છે તે તો એ છે કે એને સજા ખોટી રીતે થઈ છે તે એ જાણે છે. સજા કરવાવાળામાં પણ એવું માનનારા છે કે એણે અમથા અમથા અમને ખીજવ્યા. ખરી રીતે આ કરવાનું કારણ નહોતું. તેણે સીધીસાદી વાત કરી હોત તો આપણે તેને છોડી મૂકવાના હતા. પણ મૂળે એ માણસનો વાંક નથી, અને આપણે આટલી આકરી સજા કરી તે ઠીક નથી. એટલે તે લોકોએ, એના મિત્રો વગેરેએ, આમતેમ કરીને તેને અહીંથી ભગાડી મૂકીએ એવું બધું ગોઠવી દીધું. જેલમાંથી તે નાસી જાય તેની બધી તૈયારી કરીને એક દિવસે સવારે તેનો મિત્ર-શિષ્ય હતો તે ક્રિટો સોક્રેટિસ પાસે ગયો. કહે છે …. ‘હવે ઝાઝા દિવસ રહ્યા નથી. બે ત્રણ દિવસમાં તો તમારે ઝેર લેવાનો વખત થશે. એટલે અમે બધાંએ નક્કી કર્યું છે કે તમારે નાસી જવું જોઈએ, કારણ કે તમારાં બાળકો, તમારી સ્ત્રી, તમારા મિત્રો – એ બધાંનો વિચાર કરવો જ જોઈએ. પણ તે ઉપરાંત બીજા બે વિચારો તમારે કરવા જ જોઈએ – એક તો, તમને સજા થવી ન જોઈએ. તમને સજા ખોટી રીતે થઈ છે. સજા કરનારા ખોટા છે અને તમે સાચા છો. એટલે તમે કાંઈ સજા સ્વીકારવા બંધાયેલા નથી જ. બીજી વાત, એ લોકોને પણ થોડા વખત પછી પસ્તાવો થશે. પસ્તાવો થશે તેમ અમને ખાતરી છે અને એમાંના કેટલાક ઇચ્છે છે, ભાઈ શા માટે અમને પાપ કરાવો છો, નસાડી મૂકો ને ! બધું તૈયાર રાખ્યું છે, હોડી તૈયાર છે. જેલરને અમે ફોડ્યો છે. કોઈ કાંઈ કરવાનું નથી, બધા આંખો મીંચી દેશે.’
સોક્રેટિસ કહે, ‘હા, જરા વિચાર કરી જોઉં.’ ‘અરે, આમાં વિચાર કરવાનું શું છે ? જિંદગી આખી વિચાર કર્યો. હવે વિચાર કરવાનું શું છે ? હવે તમે અમે કહીએ એમ કરો.’ ‘ના, ના, વિચાર કરતાં જો સાચું લાગે તો તો તું કહે એમ જ કરીશું.’
પછી સોક્રેટિસ શાંતિથી કહે, ‘માનો કે હું નાસી જવાનું ઠરાવું અને ઊભા થઈને ચાલવા માંડું અને ત્યાં રસ્તામાં એથેન્સના કાયદા સદેહે મારી આડે આવી ઊભા રહીને મને પૂછે, ‘અલ્યા, અમે તારો શો ગુનો કર્યો કે તું અમને દગો દઈને ચાલ્યો જાય છે ? તું સત્તર વર્ષનો થયો ત્યારે તને પૂછવામાં આવ્યું હતું કે તારે એથેન્સમાં રહેવું છે કે નથી રહેવું ? અમે તને છૂટ આપી હતી કે તારે એથેન્સમાં રહેવું હોય તો રહે, નહિ તો તારી બધી મિલકત સાથે બીજે જવું હોય તો પણ છૂટ છે. તું પસંદ કરી લે.’ મેં અહીં રહેવાનું પસંદ કર્યું. અહીંના બધા કાયદાઓનો બધો લાભ લીધો, હવે જ્યારે એ કાયદાના આધારે મને સજા થાય છે ત્યારે કેમ ફરી બેસું ?’
‘પણ તમને ખોટી સજા થઈ છે તે તો ખરું ને ?’ ‘હા, એ વાત સાચી છે. મને ગુનેગાર ઠરાવ્યો તે ખોટું છે. પણ ઠરાવ્યો તે પદ્ધતિ સાચી છે. કાયદા મુજબ જ મને આ સજા કરી છે, કાયદાની બહાર જઈને નહીં. તો એ કાયદા મને પૂછે, ‘તેં ઘડેલા કાયદા પ્રમાણે આ ચુકાદો આપ્યો છે, અને હવે અમને દગો દઈને શા માટે ચાલ્યો જાય છે ?’ એ પ્રશ્ન મને પૂછે છે કે તારે લાભ લેવો હતો ત્યારે તું એથેન્સમાં રહ્યો અને હવે માનો કે અમે ભૂલ કરી હોય તો પણ આખરે તારે એમ વિચારવું જોઈએ કે નવ્વાણું વાર જેનો લાભ લીધો, તેની એક વાર ભૂલ થાય તો તારે કાયદાનું ખૂન નહિ કરવું જોઈએ. અને જો તું આ પ્રમાણે કરીશ તો પછી દુનિયાને તેં આ બધું શીખવ્યું તેમાંથી લોકો શું સાર કાઢશે ? તે કહેશે, ફાવે ત્યારે કાયદાને અનુસરવું, અને નહીં ફાવે ત્યારે તેને તોડી નાખવો. તું અમને અન્યાય કરે છે.’
લોકશાહીમાં કાયદો સર્વોપરી છે – તે પૂર્ણ હોય કે અપૂર્ણ. અપૂર્ણ હોય તો ય તમે જવાબદાર છો, અને પૂર્ણ હોય તો તમે યશભાગી છો. તમે એટલે આખો સમૂહ. ત્યારે એ સમૂહમાં તમે લાભને માટે રહ્યા છો, તો સમૂહનો કોઈક વાર ગેરલાભ પણ થાય. તે સમૂહે નિયમ પ્રમાણે નિર્ણય કર્યો છે. તે ખરી રીતે તમે કર્યો છે, કોઈકે તો કર્યો જ નથી. આ કાયદાને ધક્કો મારીને સજ્જન જઈ શકતા નથી. લોકશાહીને લાગેવળગે છે ત્યાં સુધી કાયદાની સર્વોપરિતા એ અજર-અમર છે. કાયદા કેમ કરવા તે તમારા બંધારણમાં બતાવવામાં આવ્યું છે. તેમાં તમારે સુધારા-વધારા કરવા હોય તો કેમ કરવા તે પણ બતાવવામાં આવ્યું છે. પછી તમે કેવી રીતે કહી શકશો કે મને આ કાયદો અનુકૂળ નથી ? તો તો દુનિયાની અંદર લોકશાહી ટકી શકે જ નહીં. જે લોકશાહીમાં નાગરિકો કાયદાની સર્વોપરિતા સ્વીકારતા નથી તે લોકશાહી ગમે તેવી હોય પણ ટકી શકે નહીં. અહીં કોયડો એ ઊભો થાય છે કે કાયદાની દૃષ્ટિએ બરાબર હોય પણ નૈતિક દૃષ્ટિએ ખોટું હોય – લીગલી બરાબર પણ મોરલી બરાબર ન હોય – ત્યારે શું કરવું ? સોક્રેટિસનો આ બીજો સંઘર્ષ હતો.
તેનો ઉપાય લોકશાહીમાં શું હોઈ શકે ? એનો ઉપાય સોક્રેટિસે કહ્યું તે છે : ‘સેલ્ફ સફરિંગ, આત્મ બલિદાન.’ જેને ગાંધીએ સવિનય કાનૂન ભંગ, સત્યાગ્રહ કહ્યો. ગાંધીએ કહ્યું, કાનૂન એટલી બધી પવિત્ર ચીજ નથી કે તે બદલી જ ન શકાય. સત્યાગ્રહી બધા જ વાજબી કાનૂનો પાળવા બંધાયેલો છે, પણ કોઈ અનૈતિક કાનૂન પાળવા બંધાયેલો નથી. પણ બીજી બાજુ નાગરિક તરીકે કાનૂનનું પાલન કરવા સત્યાગ્રહી બંધાયેલો છે. તો આ પાલન કરવું અને ભંગ કરવો એ બે વસ્તુ એકસાથે કેવી રીતે કરવી ?
ગાંધીજીએ કહ્યું કે કાયદાનો ભંગ કરીને આ કાયદો નહીં જ ચાલવા દઉં. આ કાયદો બદલો, પણ મારા કાયદાભંગ માટે હું જાતે ખુલ્લંખુલ્લા સજા વહોરી લઈશ અને આનંદભેર પુનઃપુનઃ વેઠીશ. કાયદો હાથમાં લેવાનો નથી. તે તો લોકશાહીમાં શક્ય જ નથી. હું કાયદાને મારા હાથમાં નથી લેતો, પણ કાયદાને મારા માથા પર ચડાવીને કહું છું કે આ કાયદા મુજબ સજા હું સ્વીકારું, મારા જેવા લાખ બીજા પણ આમ સહન કરશે, પણ આ કાયદો બદલાવો જોઈએ.
સેલ્ફ સફરિંગ દ્વારા લોકમત ઘડો. તમે સમાજમાં કાયદો બદલો છો. કાયદાને તમે વશ ન થાઓ, અને છતાં થાઓ. વશ ક્યાં થાઓ છો ? તો ગાંધી કહે, ‘ભાઈ તમે મોતની સજા કરો તો મોતની ! છ મહિનાની કરો તો છ મહિનાની, અને કાળા પાણીની કરો તો કાળા પાણીની ! મને સ્વીકાર્ય છે. પણ તમે મને એમ કહો કે, તારે તો પેટે ઘસડાતાં ઘસડાતાં અહીં આવવાનું તો હું તે નહીં સ્વીકારું. કાયદામાં એમ પણ લખ્યું હશે ને કે આમ પેટે ઘસડાઈને ન ચાલનારને આટલી સજા કરવી – તે સજા કરો – તે હું સ્વીકારું છું. એટલે હું કાયદાનું પાલન જ કરું છું.’ ગાંધીજીએ સોક્રેટિસની એપોલોજીનો અનુવાદ કર્યો તેનું કારણ એ માણસ પ્રથમ સત્યાગ્રહી હતો. આ જગતમાં પ્રથમ સત્યાગ્રહી છે, સોક્રેટિસ.
(ગાંધીયુગના પીઢ સમાજસેવક, સંનિષ્ઠ શિક્ષક અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર સ્વ. મનુભાઈ પંચોળી ‘દર્શક’એ તા. ૨૭ નવેમ્બર ૧૯૮૧ના રોજ સદ્ગત દાદાસાહેબ માવળંકરના ૯૩મા જન્મ દિને, લેસ્કી ઇન્સ્ટિટ્યૂટના સોક્રેટિસ હોલમાં ‘સોક્રેટિસ : લોકશાહીના સંદર્ભમાં’ એ વિષય પર આપેલું પ્રવચન – જે પછીથી લેસ્કી ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા ૧૯૮૨માં પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલું. પ્રસ્તુત લેખ આ પ્રવચનમાંથી ટૂંકી નોંધ રૂપે સંકલિત કરેલો છે.)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 05-06