હમણાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે આંદોલન ચાલી રહ્યું છે. એ દરમિયાન જ અકાદમીએ સાહિત્યના વિવિધ પ્રકારો અંગેનાં પારિતોષિકો અંગે ‘શબ્દસૃષ્ટિ’ના અંકમાં જાહેરાત કરીને ૨૦૧૪ની સાલનાં પુસ્તકોની ઍન્ટ્રીઓ મંગાવી છે. શક્ય છે કે ઘણા લેખકો અકાદમી સામેના આંદોલનમાં જોડાયા હોવાથી પોતાનાં પુસ્તકોને અકાદમીમાં ન મોકલે. અને પરિણામે એવું બની શકે કે કોઈ યોગ્ય પુસ્તક અકાદમીને ન મળ્યું હોય તેવા સંજોગોમાં જે મળ્યાં છે, તેમાંથી જ કોઈ અન્ય પુસ્તકને પારિતોષિક મળી જાય.
ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, એ બંને સાહિત્યના વિવિધ વિભાગોમાં અનેક પારિતોષિકો આપે છે. એ અંગે જે રીત અપનાવવામાં આવે છે, તે મને ઘણી વખતે અજુગતી લાગી છે. અકાદમી અને પરિષદ જેવાં જે વર્ષનાં પારિતોષિકો આપવાનાં હોય તે અંગેની જાહેરાત એમના મુખપત્રમાં કરે છે. લેખકો એ જાહેરાતને વાંચીને પોતાનાં પુસ્તકો અકાદમી કે પરિષદમાં મોકલે છે. અને પછી પ્રાપ્ત થયેલાં પુસ્તકોમાંથી નિર્ણાયકો કોઈ એક પુસ્તકની પસંદગી કરે છે. આમાં એવું બની શકે કે કોઈ સર્જક કોઈ કારણવશ આ જાહેરાત જે અંકમાં પ્રગટ થઈ હોય તે કોઈ કારણસર ન વાંચી શક્યો હોય. અથવા તો અન્ય કોઈ કારણસર પોતાનું પુસ્તક ન મોકલી શક્યો હોય. પુસ્તક મોકલવામાં કોઈને કદાચ સંકોચ પણ થાય એવું બને, તેથી તેનું પુસ્તક પારિતોષિકને યોગ્ય હોવા છતાં પારિતોષિક ન પામે.
આમ જોઈને તો આ સમગ્ર પ્રક્રિયા જ કેટલેક અંશે ખોટી છે. આ બંને સંસ્થાઓએ પુસ્તક મંગાવવાને બદલે જે-તે વર્ષમાં પ્રકાશકોએ કરેલાં પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરીને નિર્ણાયકોને મોકલી આપવી જોઈએ. અને એ સૂચિને આધારે નિર્ણાયકો પુસ્તકોને વાંચીને યોગ્યતાને આધારે તૈયાર પારિતોષિકો માટેની સૂચિ જે-તે સંસ્થાને આપી દે, અને એ આધારે આ સંસ્થાઓ પુસ્તકોને પારિતોષિકોની જાહેરાત કરે. આ સૌથી યોગ્ય રીત થઈ શકે. આમ કરવાથી કોઈ જ લેખકનું કોઈ જ પ્રકાશન રહી જવા ન પામે. કોઈ સંજોગોમાં લેખકો કે પ્રકાશકો પાસેથી પુસ્તકો મંગાવવામાં આવે તો પણ મળેલા પ્રત્યેક પુસ્તકની કિંમત સંસ્થા ચૂકવે. સામેથી પુસ્તક મંગાવવા અને તે પણ મફત, તે પ્રણાલી મને યોગ્ય નથી લાગતી. ડાયરેક્ટરેટ ઑફ ફિલ્મ-ફૅસ્ટિવલ સિનેમા ઉપરનાં પુસ્તકોને માટેનાં પારિતોષિકો માટે જે પુસ્તકો મંગાવે છે તે બધાંજની બધા પ્રકાશકો કે લેખકોની તેની છાપેલી કિંમતો ચૂકવતી હોય છે. અન્ય પણ અનેક જગ્યાઓ આવી પ્રણાલી મેં જોઈ છે.
આપણે ત્યાં સામયિકોમાં પણ પ્રકાશકોના પ્રગટ થયેલાં પુસ્તકોનાં અવલોકનો માટે લેખકો કે પ્રકાશકો પાસેથી બે કે ત્રણ નકલો મફતમાં મંગાવવાની પ્રણાલી છે. સામયિકોને અનેક પ્રકાશનો ભેટ રૂપે પણ મળતાં હોય છે. તો પણ તે બધાનાં અવલોકનો થતાં નથી હોતાં. અકાદમી અને પરિષદ તો પોતાનાં પુસ્તકાલયો પણ ધરાવે છે. તંત્રી-સંપાદકોએ સામયિકને ભેટ ન મળ્યું હોય તો પણ યોગ્ય પુસ્તકનું અવલોકન લખવાનું વિવેચકોને સોંપવું જોઈએ. તો જ યોગ્ય પુસ્તકોની માહિતીઓ વાચકો સુધી પહોંચશે.
સંસ્થાઓની પારિતોષિક એનાયત કરવાની રીત-રસમ વિશે મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. આ અંગે વ્યાપક ચર્ચા કરીને ચર્ચા કરીને આ રસમને સુધારવી રહી.
e.mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 11
 
 ફિલ્મ ‘ઉત્સવ’ શૂદ્રકના નાટક ‘મૃચ્છકટિકમ્’ ઉપરથી સર્જાયેલી છે. ફિલ્મમાં વસંતસેનાનું પાત્ર અભિનેત્રી રેખાએ ભજવ્યું છે. એક દૃશ્યમાં વસંતસેના તેના પ્રેમી ચારુદત્તની પત્નીને પૂછે છે કે તારા પતિની હું પ્રેયસી છું. તને મારી ઈર્ષા નથી થતી? ઝગડવાનું મન નથી થતું? ત્યારે ચારુદત્તની પત્ની જે રીતે જવાબ આપે છે, તે પ્રસંગ અત્યંત સંયત રીતે રજૂ થયો છે. અત્યંત ગોપનીય અનુભવની બે સ્ત્રીઓ વાત કરે છે, તેમાંની એક પ્રેયસી છે, જ્યારે અન્ય વિવાહિતા પત્ની છે, અને બંને માટે પુરુષપાત્ર એક જ છે, તે ચારુદત્ત. ને છતાં જે રીતે એ દૃશ્યની રજૂઆત થઈ છે, તે ખૂબ સુંદર છે. તેમાં કયાં ય રુચિભંગ જેવું નથી લાગતું. ઉત્તમ દિગ્દર્શક જ આવી સુંદર રજૂઆત કરી શકે. આ દૃશ્યમાં પ્રકૃતિ, પાત્રો અને સંગીતનો અત્યંત સુમેળ સધાયો છે. જેની યોજના દિગ્દર્શકે પહેલેથી જ વિચારીને તેના સિનારિયોમાં વર્ણવી હોય, ત્યારે જ આટલું સુંદર પરિણામ આવી શકે. કારણ કે અહીં અભિનેત્રીઓ અને તેને ઝડપનાર કૅમેરામેનની સાથે-સાથે પાર્શ્વ સંગીતકાર અને ફિલ્મ એડિટર પણ સંકળાયેલાં છે.