બુલડોઝરોએ બંધારણીય અધિકારો સામે પડકાર બન્યાં ફેંક્યો છે. પણ આપણી સહુથી ઊંચી કક્ષાની અદાલતો પ્રતિભાવ આપી નથી રહી. એવું લાગે છે કે જાણે તે બધિર કે બેહોશ છે. બળનો ઉપયોગ ગેરબંધારણીય રીતે કરી રહેલી સરકારો સામે આવી છે ત્યારે અદાલતો એક પ્રકારની પદ્ધતિસરની નિષ્ક્રિયતામાં સરી પડી છે.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, પછી ગુજરાત, આસામ, ત્રિપુરા અને દિલ્હીમાં વધુ ને વધુ ઘરો તોડી રહેલાં મ્યુનિસિપલ સત્તાવાળાઓની જાણે બુલડોઝર મંડળી બની છે, અને મૂળભૂત અધિકારોના ભંગનો ફેલાવો વધતો જઈ રહ્યો છે. પણ બૂલડોઝરનાં પૈડાં કરતાં ન્યાયનાં ચક્રોની ગતિ ઘણી ધીમી છે.
એપ્રિલમાં ખરગોનનાં રમખાણોનાં પગલે કરવામાં આવેલાં ડિમૉલિશનને લઈને મધ્ય પ્રદેશની વડી અદાલતે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. પણ તે પછી અત્યાર સુધી કશું જ થયું નથી. દિલ્હીમાં જહાંગીરપુરીમાં થયેલા ડિમૉલિશન પર સર્વોચ્ચ અદાલતે 20 એપ્રિલે સ્ટે આપ્યો અને કેસની સુનાવણી ઑગસ્ટમાં રાખી. અદાલતોએ વધુ તાત્કાલિકતા અને તાકીદ બતાવવી જોઈએ. ન્યાયતંત્રની મુખ્ય ફરજ યોગ્ય ન્યાયિક પ્રક્રિયાથી ગુનો અને સજા નિશ્ચિત કરવાની છે. તે અત્યારે દાવ પર લાગી છે ત્યારે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતો સુઓ મોટૂ નોટિસ પણ કાઢી શકે.
ન્યાયતંત્રને પોતાની ભૂલ સુધારવાની તક પ્રયાગરાજમાં કરવામાં આવેલાં ડિમૉલિશનની સામે ગઈ કાલના સોમવારે અલ્લાહબાદની વડી અદાલતમાં દાખલ થયેલી યાચિકા પૂરી પાડી શકે તેમ છે. એ યાચિકા એમ કહે છે કે સત્તાવાળાઓએ જે ઘર તોડી પાડ્યું તે ‘હિંસક દેખાવો’ યોજનાર આરોપીની પત્નીના નામે છે. આ હકીકત બુલડોઝર અૅક્શનના સહુથી ખરાબ પાંસા પર સીધો પ્રકાશ ફેંકે છે.
ગુનેગાર કોણ છે તે અદાલતોની બહાર નક્કી થાય છે, એટલું જ નહીં આરોપીના પરિવારને સજા આપવામાં આવે છે. સામૂહિક સજાનો ખ્યાલ મધ્ય યુગમાં લોકપ્રિય હતો, એટલું જ નહીં તેને કાનૂન તરીકેની માન્યતા પણ હતી. આવા ન્યાયને બંધારણીય લોકશાહીમાં કોઈ સ્થાન નથી. અને છતાં ગયાં બે-એક વર્ષમાં અને એમાં ય હમણાંના થોડાં અઠવાડિયામાં રાજ્યના અધિકરીઓના હુકમે ચાલતાં બુલડોઝરો કાયદાના શાસન અંગે ભયજનક સવાલો ઊભાં કરી રહ્યાં છે.
‘બુલડોઝર ન્યાય’ની સામે ન્યાયિક અવરોધ ઊભો કરવો વડી અદાલતોની અખત્યારીમાં છે. મુખ્ય મંત્રી કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ ન્યાયાધીશોના હુકમને ઉથાપે એવી સંભાવના ઓછી છે. જ્યારે અદાલતો મજબૂત રીતે હસ્તક્ષેપ કરે છે ત્યારે માથાભારે વ્યવસ્થાતંત્રો પણ સુધરતાં હોય છે. આનો સરસ દાખલો લખીમપુર ખેરીની તપાસ અંગે સર્વોચ્ચ અદાલતે નિર્દેશો આપ્યા તે હકીકતથી મળે છે.
ન્યાયવ્યવસ્થા એની તમામ મર્યાદાઓ છતાં નાગરિક અધિકારોના રક્ષક તરીકે કાર્યરત છે. એને બુલડોઝરથી નિષ્ક્રિય બનાવી શકાતી નથી.
‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (14 જૂન 2022) ના તંત્રીલેખનો અનુવાદ
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર