રાજકીય અને સામાજિક પ્રક્રિયામાં યુનિવર્સિટીની ભૂમિકા શું હોવી જોઈએ તે સમજવા માટે અમેરિકન સરકારે ૧૯૬૭માં શિકાગો યુનિવર્સિટીમાં કાયદો ભણાવતા પ્રોફેસર હેરી કાલ્વેનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ સરકારને પેશ કરેલા રિપોર્ટમાં લખ્યું હતું –
"સમાજમાં રાજકીય અને સામાજિક મૂલ્યોનો વિકાસ કરવામાં યુનિવર્સિટીની મોટી અને અનોખી ભૂમિકા હોય છે. આ ભૂમિકા યુનિવર્સિટીના લાક્ષણિક ધ્યેય અને એક સમુદાય તરીકે યુનિવર્સિટીના લાક્ષણિક ચારિત્ર્યથી નક્કી થાય છે. યુનિવર્સિટીનું ધ્યેય જ્ઞાનની શોધ, સુધાર અને પ્રસારનું છે. તેની સમીક્ષામાં સમાજનાં મૂલ્યોનાં તમામ પાસાઓનો સમાવેશ થાય છે. તેના ધ્યેયને વફાદાર હોય તેવી યુનિવર્સિટી સામાજિક મૂલ્યો, નીતિઓ, રિવાજો અને વ્યવસ્થાઓને મજબૂત પડકારો આપતી રહે છે. તેની રચના જ એવી હોય છે કે તે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા સામે અસંતોષ પેદા કરે છે, અને તેના સ્થાને નવી વ્યવસ્થાનું સૂચન કરે છે. ટૂંકમાં કહીએ તો, એક ઉત્તમ યુનિવર્સિટી, સોક્રેટીસની જેમ, પરેશાન કરે.”
કાલ્વેન કમિટીનો રિપોર્ટ બે જ પાનાનો હતો, પરંતુ સાર્વજનિક મુદ્દાઓ પર યુનિવર્સિટીનો અભિગમ કેવો હોવો જોઈએ તે સંદર્ભમાં છેલ્લા ચાર દાયકાથી અમેરિકા અને અમેરિકા બહારના દેશોમાં આ રિપોર્ટ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. વધતાઓછા અંશે, આધુનિક યુનિવર્સિટીઓ રાષ્ટ્રોના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસનાં કેન્દ્રો રહી છે. આ ત્યારે શક્ય છે, જ્યારે યુનિવર્સિટીઓ સામાજિક પરિવર્તનો લાવવા સક્ષમ હોય, પરંતુ અમુક દાયકાઓથી યુનિવર્સિટીઓની સામાજિક ભૂમિકાઓ પર અંકુશ મુકાતો રહ્યો છે.
જર્મની અને સ્વીડનના સંશોધકો તેમ જ દુનિયાભરના ૨,૦૦૦ નિષ્ણાતોના સહકારથી તૈયાર કરવામાં આવતો ધ એકેડેમિક ફ્રિડમ ઇન્ડેક્ષ કહે છે કે દુનિયાના ૧૭૫ દેશોમાંથી માત્ર ૨૦ ટકા લોકો જ એવા દેશોમાં રહે છે, જ્યાં તેમની શૈક્ષિણક સ્વતંત્રતા સલામત છે. મતલબ એ કે મોટા ભાગના દેશોમાં ઇચ્છા હોય તે ભણવાની, ભણાવવાની અને લખવાની તેમ જ લોકશાહી-તરફી રાજકીય ગતિવિધિઓ પર સરકારોના અંકુશ છે. આ રિપોર્ટ અનુસાર, રાજકીય રીતે આગળ પડતા મુદ્દાઓ પર બોલવાની વિદ્વાનોની આઝાદી ૨૦૧૩થી સતત જોખમમાં મુકાઈ રહી છે. તેનું કારણ એ છે કે દુનિયાભરના સમાજોમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે.
અમેરિકન આઈ વી લીગ પ્રકારનું ઉદાર, આધુનિક અને રિસર્ચ આધારિત ભણતર આપવાના ઉત્તમ ઉદેશ્ય સાથે સોનેપત, હરિયાણામાં સ્થપાયેલી ખાનગી અશોકા યુનિવર્સિટીના બે વિદ્વાન ફેકલ્ટી મેમ્બર, પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમે જે પરિસ્થિતિમાં રાજીનામું આપ્યું, તે ભારતમાં યુનિવર્સિટીઓની ભૂમિકા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. યુનિવર્સિટીઓમાં રાજકીય ગતિવિધિઓ પર સીધો કે આડકતરો દાબ મુકવામાં આવી રહ્યો છે. આ બંને વિદ્વાનોએ સરકારની નીતિઓની ટીકા કરવા માટે થઈને યુનિવર્સિટી છોડવી પડી છે. તેમના રાજીનામા પત્રમાં તેમણે એ ઈશારો કર્યો છે. સૌથી પહેલાં મહેતાએ રાજીનામું આપ્યું. તેમના સમર્થનમાં સુબ્રમણ્યમે યુનિવર્સિટી છોડી.
બંને પોતપોતાની રીતે દેશના અગ્રણી વિદ્વાન છે, પરંતુ વાત એમની નથી. વાત યુનિવર્સિટીની ભૂમિકાની છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે, શૈક્ષણિક સ્વતંત્રતા એટલે જ્ઞાનની શોધનો અને જે સત્ય લાગે તેને લખવાનો અને ભણાવવાનો અધિકાર. એ અધિકારમાં ફરજનો પણ સમાવેશ થાય છે : વ્યક્તિને જે સત્ય લાગે, તેને છુપાવું ન જોઈએ.
અભિવ્યક્તિની આઝાદીમાં શૈક્ષણિક સ્વતંત્રતા નિહિત છે, અને તે માનવ સભ્યતાની સૌથી પ્રાચીન સ્વતંત્રતા છે. ભારતમાં અભિવ્યક્તિની આઝાદીનું પગેરું ઋગ્વેદ, ઉપનિષદ, બુદ્ધનાં વ્યાખ્યાન, સમ્રાટ અશોકના શિલાલેખ ભણી જાય છે. પ્રાચીન ભારતમાં નાલંદા અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલયોમાં સાર્વજનિક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવાની જે પરંપરા હતી, તે અકબર બાદશાહના સામ્રાજ્યમાં અકબંધ હતી. ભારતના બંધારણમાં અભિવ્યક્તિની આઝાદીનો સમાવેશ એ રીતે થયો હતો. પશ્ચિમમાં અભિવ્યક્તિની આઝાદી ગ્રીક ચિંતન અને સાહિત્યની પરંપરામાંથી આવી છે.
ઇતિહાસમાં પ્રવર્તમાન વિચારો કે મત સામે પ્રતિમતની એક પરંપરા રહી છે. ગ્રીકમાં સોક્રેટિસે પૌરાણિક રૂઢિઓનો વિરોધ કરીને સાર્વજનિક બૌદ્ધિકની ભૂમિકા અદા કરી હતી અને એટલે જ તેમને ઝેર આપવામાં આવ્યું હતું. યુરોપમાં ગેલીલિયોએ તત્કાલીન ધાર્મિક માન્યતાઓ અને ચર્ચની સત્તાના અભિગમથી વિરુદ્ધ જનસમાજને વૈજ્ઞાનિક સમજ આપવાના પ્રયાસ કરીને આજીવન કારાવાસની સજા વહોરી લીધી હતી. આપણે ત્યાં ગૌતમ બુદ્ધે કર્મ, પૂર્વજન્મ કે આત્માની અમરતાને માનવાનો ઇનકાર કરીને હિન્દુ દાર્શનિકોનો રોષ વહોરી લીધો હતો અને ‘નાસ્તિક’ના લેબલ સાથે તે ભારતમાંથી નિષ્કાષિત થયા હતા. બૌદ્ધિક ઋષિ પરંપરામાં ચાર્વાકે પારલૌકિક સત્તાનો ઇન્કાર કરીને પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ રાખ્યો હતો. આર્યભટ્ટે જો તત્કાલીન રાજવી જ્યોતિષીઓના મત-માન્યતાઓનો વિરોધ કર્યો ન હોત, તો ગેલીલિયોથી હજાર વર્ષ પહેલાં એ સાબિત કરી શક્યા ન હોત કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
ઇન ફેક્ટ, લોકતાંત્રિક રાજવ્યવસ્થાનો આખો વિચાર જ અભિવ્યક્તિની આઝાદીમાંથી આવ્યો છે. માણસે અભિવ્યક્તિની આઝાદીને મહત્ત્વ ન આપ્યું હોત, તો લોકતંત્રનો જન્મ જ થયો ન હોત. લોકતંત્ર વિચાર અને પ્રતિવિચારથી મજબૂત થાય છે, પરંતુ વિચારોની સ્વતંત્રતા દુનિયાભરમાં જોખમમાં છે. સરકારો આઝાદ ખયાલીને પોષતી દરેક જગ્યા પર અંકુશ મૂકી રહી છે, પછી એ યુનિવર્સિટીઓ હોય, મીડિયા હોય કે સાહિત્ય-કળા-સિનેમા હોય.
સરકારોને ઝૂકવાનું કહે તો સાષ્ટાંગ દંડવત્ કરવાવાળા હંમેશાં ગમે છે, અને એ મળતા પણ રહે છે. કેમ? સાષ્ટાંગ દંડવત્ કરવાની બીજી એક વાસ્તવિકતા એ છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ એકવાર ફરિયાદ કરી કે એની આજુબાજુ ચમચાઓ અને જૂઠું બોલનારાઓ જ છે. ચાણક્યએ હસીને કહ્યું, રાજા હોવાનો એ શાપ છે. રાજાના હાથમાં તલવાર હોય છે, અને બધાને એ તલવારની બીક લાગે છે, ખબર નહીં કઇ બાજુ વીંઝાઇ જાય! એટલે રાજાના આવેગ અને વિચારોથી બચવા એ લોકો ચાપલૂસી કરે છે. હા, તમને એ ગમતા નથી, પણ એમને પેદા કોણે કર્યા? તમારી રાજાશાહીએ.
સૌજન્ય : ‘મોર્નિંગ મ્યૂસિંગ’ નામક લેખકની કોલમ, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ઑક્ટોબર 2021