ભારતમાં ઇઝરાયેલી પેગાસસ સ્પાયવેર મારફતે આગળપડતા લોકોની જાસૂસી થઇ છે, તેવા આરોપ સાથે થયેલી અરજીઓ પર, એક્સપર્ટ કમિટીની જાંચનો આદેશ આપતી વખતે, ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ, ૨૭ ઓક્ટોબરે, તેમના જજમેન્ટની શરૂઆત જ્યોર્જ ઓરવેલના વિધાનથી કરી હતી; ઇફ યુ વોન્ટ ટુ કીપ અ સિક્રેટ, યુ મસ્ટ અલસો હાઈડ ઈટ ફ્રોમ યોરસેલ્ફ – તમે જો કોઈ રહસ્ય છૂપું રાખવા માંગતા હો, એ તમારાથી પણ છૂપું રહેવું જોઈએ.
ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે, ૭૫ વર્ષ પહેલાં લખેલી '1984' નામની નવલકથાનો આધાર લઈને, ભારતની સુપ્રીમ કોર્ટ આપણી વર્તમાન સચ્ચાઈને આપણી સામે ધરશે, એવું કોણે વિચાર્યું હશે? જસ્ટિસ રમન્નાએ તેમના જજમેન્ટમાં કહ્યું હતું કે આ અરજીઓમાં ઓરવેલિયન ડર વ્યકત કરવામાં આવ્યો છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જે ઇચ્છો તે વાતો સાંભળી શકો, જે જોવું હોય તે જોઈ શકો અને જે કરતા હો તે જાણી શકો.
ઇઝરાયેલી કંપનીનું પેગાસસ સ્પાયવેર દેશના જાણીતા પત્રકારો, વકીલો, બુદ્ધિજીવીઓ, કર્મશીલો, નેતાઓ, લેખકોના મોબાઇલ ફોનમાં 'બેસી'ને આ જ કામ કરતુ હતું; એ તેમના ફોન સાંભળતું હતું, એ તેમના મેસેજ વાંચતું હતું, ફોટા જોતું હતું અને તેઓ ક્યા સમયે ક્યાં હતા તેનું લોકેશન ટ્રેક કરતું હતું.
ઓરવેલે આ નવલકથા ૧૯૪૮માં લખી હતી, પરંતુ તેનું શીર્ષક '1984' રાખ્યું હતું, કારણ કે તેમણે તેમના સમયથી આગળ જઈને એક એવા સમયની કલ્પના કરી હતી, જેમાં રાજ સત્તા તેના નાગરિકોના મગજમાં ઘૂસીને તેમના વિચારો સુદ્ધાંની જાસૂસી કરશે અને તેમની તમામ બુનિયાદી આઝાદી છીનવી લેશે. ઓરવેલે તેવી રાજ સત્તાને બિગ બ્રધરનું નામ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરનારા આ બીગ બ્રધર કોણ છે તે જાણવા માટે કમિટી બનાવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “સભ્ય લોકતાંત્રિક સમાજના સભ્યોને પ્રાઇવસીની સુરક્ષાની જાયજ અપેક્ષા હોય છે. પ્રાઈવસી માત્ર પત્રકારો કે સામાજિક કાર્યકરોની જ ચિંતાની વાત નથી. ભારતના દરેક નાગરિકની પ્રાઈવસીનું રક્ષણ થવું જોઈએ. આ અપેક્ષા જ આપણને આપણી પસંદ અને સ્વતંત્રતાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે.”
જસ્ટિસ રમન્નાએ ઓરવેલનું વિધાન ટાંક્યું હતું તે એ વાતનો સંકેત છે કે સુપ્રીમ કોર્ટ એ હકીકતથી વાકેફ છે કે રાજ સત્તાઓમાં એવી વૃત્તિ હોય છે કે રાષ્ટ્રની સુરક્ષાના બહાને તે તેના વિરોધીઓની જાસૂસી કરીને તેમને કનડી શકે છે. એટલા માટે જ તેમણે કહ્યું કે, પેગાસસના મામલે રાષ્ટ્રની સુરક્ષાનું બહાનું કાઢીને સરકાર છટકી ન શકે.
જસ્ટિસ રમન્નાએ ઓરવેલનું જે વિધાન ટાંક્યું હતું, તે ‘1984’ નવલકથાના નાયક વિન્સ્ટન સ્મિથનો વિચાર છે. સ્મિથ એક એવા સ્ટેટ, ઓશીનિયાનો, નાગરિક છે, જેને બિગ બ્રધર અને તેની એક પાર્ટી ચલાવે છે. ત્યાંના નાગરિકોને ‘ભક્તો’માં બદલી નાખવામાં આવ્યા છે. ત્યાં બિગ બોસનો, તેની વિચારધારાનો અને તેની પાર્ટીનો વિરોધ કે ટીકા દેશદ્રોહ ગણાય છે. ત્યાં નાગરિકોની યાદદાસ્તમાં સંવેદનાઓનું સ્થાન બિગ બ્રધરે બનાવેલા રાજકીય નારાઓએ લઇ લીધું છે. ત્યાં કોઈ નાગરિક જો બિગ બ્રધરની વિરુદ્ધ જાય, તો તેની ‘થોટ પોલિસ’ એ નાગરિકને યાતનાના ચક્કરમાં પીસી નાખે છે.
વિન્સ્ટન સ્મિથને ખબર છે કે તેના મનમાં વિદ્રોહી વિચારો છે. તે સચેત છે કે બિગ બ્રધરની ‘થોટ પોલિસ’ તેના વિચારોને પકડી પાડી શકે તેમ છે અને તેને પછી અત્યાચાર સહન કરવો પડશે. સ્મિથને વિચાર આવ્યો કે તમે જો અમુક વિચારો ધરાવતા હો, તો તમારે જાતને છેતરવી જોઈએ (કે મને મારા વિચારોની પણ ખબર નથી), નહીં તો બિગ બ્રધર યેનકેન પ્રકારેણ એ વિચારોને જાણી લેશે.
સરકાર જાસૂસી કરવામાં એટલી પારંગત છે કે એ તમારા વિચારો પણ વાંચી શકે છે. એટલે તમે કશું જાણતા હો, તો તમારે જાત સાથે જ જૂઠું બોલીને કશું જ જાણતા નથી તેવું માનતા થઇ જવાનું- ઇફ યુ વોન્ટ ટુ કીપ અ સિક્રેટ, યુ મસ્ટ અલસો હાઈડ ઈટ ફ્રોમ યોરસેલ્ફ.
ઓશીનિયાની થોટ પોલિસ બિગ બ્રધરના ‘દુશ્મનો’ને પકડે છે, તેની સામે થનારા ‘ષડયંત્રો’ની ‘તપાસ’ કરે છે. થોટ પોલિસના કામ માત્ર ષડયંત્રો પકડવાનું જ નથી, બિગ બ્રધર વિરુદ્ધના વિચારોને પકડવાનું પણ છે. બિગ બ્રધર પાસે નાગરિકો પર નજર રાખવાના બધા જ સામાજિક – મનોવૈજ્ઞાનિક રસ્તાઓ છે. તેની પાસે લોકોનો બધો ડેટા છે, જેના આધારે તેણે ઓડિયો-વીડિયો જાસૂસીનો પ્રોફાઇલ બનાવ્યો છે.
જસ્ટિસ રમન્નાએ ‘ઓરવેલિયન’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અમલદારોથી ચાલતા સત્તા તંત્રમાં સામાન્ય નાગરિકના અસ્તિવનું કોઈ મહત્ત્વ નથી હોતું. ફ્રેંચ અસ્તિત્વવાદી લેખક ફ્રાન્ઝ કાફ્કાએ તેની ‘ધ ટ્રાયલ’ નવલકથામાં આવી સ્થિતિની કલ્પના કરી હતી. તેના પરથી ‘કાફ્કેસ્ક્યુ’ નામનો શબ્દ આવ્યો હતો. ઓરવેલની ‘1984’ નવલકથા પરથી લોકોનાં જીવનમાં ડોળા ઘાલતા રાજ્ય માટે ‘ઓરવેલિયન સ્ટેટ’ શબ્દ આવ્યો હતો.
આજે જ્યારે દુનિયાની મોટા ભાગની સત્તાઓને લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ નથી અને તે લોકોની તમામ હિલચાલ પર નજર રાખ્યા વગર રાજ કરી શકતી નથી, ત્યારે ‘ઓરવેલિયન’ શબ્દમાં નિહિત ભાવને સમજવો જરૂરી છે. ઇંગ્લેંડમાં જેલોની રચના એવી રીતે કરવામાં આવતી હતી કે દરેક કેદીને એવું લાગે કે વોચ ટાવર પર ઊભેલો સંત્રી તેને જોઈ રહ્યો છે. ચાહે ત્યાં વાસ્તવમાં સંત્રી હોય કે ન હોય, પણ કેદીઓને એ અહેસાસ જરૂર હોય કે તેની પર કોઈક નજર છે.
તમે જેલનાં વોચ ટાવરની જગ્યાએ હવે વોટ્સએપને મૂકી શકો.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “ સંદેશ”, 14 નવેમ્બર 2021
સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર