કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કે.કે., “પ્રેમના અવાજ” તરીકે ભારતની નવી પેઢીનો સૌથી પસંદીદા ગાયક હતો. સ્વાભાવિક રીતે જ, ૩૧મી મેના રોજ, કોલકત્તામાં એક લાઈવ પરફોર્મન્સ આપીને હોટેલ પર પાછા ફરતી વખતે કાર્ડિયાક એરેસ્ટમાં તેનું અવસાન થતાં, દેશના લાખો યુવાનો-યુવતીઓએ એક સાથે સામૂહિક નિસાસો નાખ્યો. તેની ઉંમર માત્ર ૫૩ વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેણે ગાયિકીમાં જે મુકામ હાંસલ કર્યો હતો, તે જોતાં તેનું ભવિષ્ય ઘણું આશાસ્પદ અને અનેક સંભાવનાઓથી ભરેલું હતું. માત્ર ૩૧ વર્ષની વયે, 1999માં, તેના ડેબ્યુ આલ્બમ “પલ”થી કે.કે. યુવા દિલો પર છવાઈ ગયો હતો. તે આલ્બમનાં ગીતો આજે પણ સ્કૂલોની ફેરવેલ પાર્ટીઓમાં ગવાય છે.
કે.કે.એ બહુ ટૂંકા સમયમાં, હિન્દી ફિલ્મ સંગીતમાં લાજવાબ ગીતો આપ્યાં હતાં. જેમ કે, તડપ તડપ કે ઇસ દિલ કો (હમ દિલ દે ચૂકે સનમ), ડોલા રે ડોલા રે (દેવદાસ), ક્યા મુજે પ્યાર હૈ (વોહ લમ્હે), આંખો મેં તેરી (ઓમ શાંતિ ઓમ), ખુદા જાને (બચના યે હસીનો), પિયા આયે ના (આશિકી), મત આઝમા રે (મર્ડર-2), ઇન્ડિયા વાલે ( હેપ્પી ન્યૂ યર) અને તુ જો મિલા (બજરંગી ભાઈજાન).
“ધ હિંદુ” સમાચારપત્રના સિનિયર આસિસ્ટન્ટ એડિટર અનુજ કુમાર, કે.કે.ને શ્રદ્ધાંજલિ આપતાં લખે છે કે કે.કે.નો અવાજ, કિશોર કુમારની જેમ, વૈવિધ્યપૂર્ણ હતો. તેના અવાજમાં પ્રેમનો ઉલ્લાસ જેટલી દિલકશીથી છલકાતો હતો, એ જ રીતે પ્રેમની ઉદાસી પણ છવાતી હતી. જ્યારે પણ સ્ટેજ પરથી તેનો અવાજ માઈકમાં ગુંજતો, શ્રોતાઓનાં રૂવાંડા ઊભાં થઇ જતાં. અનુજ કુમાર પછી એક મહત્ત્વનું નિરીક્ષણ આપે છે, “આ પેઢીના જે પણ લોકો યૌવનની દહેલીજ પરથી પસાર થયા હશે, તેમના દિલોમાં કે.કે.નું કોઈ એક ગીત સચવાયેલું પડેલું હશે.”
કે.કે.ની (ઇન ફેક્ટ, કોઈ પણ ગાયક કલાકારની) લોકપ્રિયતાનું રહસ્ય, તેનો અવાજ કઈ ઉંમરના શ્રોતાઓને અપીલ કરે છે તેના પર છે. અનુજ કુમારના નિરીક્ષણમાં વૈજ્ઞાનિક તથ્ય છે. કૌમાર્યવસ્થા અને સંગીતની અભિરુચિ વચ્ચે ગહેરો સંબંધ છે. આપણે જ્યારે જવાન થતા હતા, ત્યારે આપણે જે ગીતો સંભાળતાં હતા, તેનો પ્રભાવ આપણા દિલોદિમાગ પર જેટલો ગહેરો હોય છે, તેટલો ગહેરો પ્રભાવ પાછળની ઉંમરમાં સાંભળેલાં ગીતોનો નથી હોતો.
ન્યુરોસાયન્સની ભાષામાં તેને ન્યુરલ નોસ્ટેલ્જિયા કહે છે; મજ્જાતંતુઓમાં સંગ્રહિત અતીતની યાદો. નોસ્ટેલ્જિયાને અતીતવિયોગ પણ કહે છે. એનો અર્થ એ કે અતીતની અમુક યાદો આપણને ઉદાસ કરી મૂકે, કારણ કે એ યાદો મજેદાર હતી, પણ હવે એ અતીત બની ગઈ છે અને તેને આપણે ફરી જીવી શકતા નથી. આમાં માત્ર સ્મૃતિ જ કામ નથી કરતી. આપણે સંભાળવાની, સુંઘવાની ઇન્દ્રિય પણ ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, પહેલો વરસાદ પડે ત્યારે ભીની માટીની સુંગંધ આપણને બાળપણમાં લઇ જાય છે અથવા આપણું પસંદીદા ગીત વાગે તો આપણો સ્કૂલ-કોલેજનો સમય જીવતો થઇ જાય છે.
ધારો કે તમે સંજય લીલા ભણસાલીની “ગલિયોં કી રાસલીલા” ફિલ્મ જોવા બેઠા છો અને તેમાં “નગાડા સંગ ઢોલ બાજે” ગીત આવે ત્યારે તે તમારી અંદર તમારી કોઈ જૂની યાદ તાજી કરી દે છે. એ ગીત કે ગરબા સાથે જોડાયેલી કોઈ ઘટના કે વ્યક્તિ તમને ઉદાસ કરી મૂકે છે. તમારામાં અચનાક એક મિસિંગની ભાવના જાગી જાય છે. તમે કોઈક દિવસ રાતે આકાશમાં જુઓ અને અચાનક તમને બાળપણમાં તમે કેવી રીતે તારા જોતા હતા તે યાદ આવી જાય. એક ઉર્દૂ શાયર જમાલ એહસાનીએ બહુ સરસ રીતે આ વાત લખી હતી :
‘જમાલ’ હર શહર સે પ્યારા વો શહર મુજ કો
જહાં સે દેખા થા પહલી બાર આસમાન મૈં ને
મગજના વિજ્ઞાનીઓ હવે સ્વીકારે છે કે સંગીતની જૂની યાદો બહુ મજબૂત રીતે માણસોને નોસ્ટેલ્જિક બનાવી દે છે. તેને મ્યુઝિકલ નોસ્ટેલ્જિયા કહે છે. માર્ક જોસેફ સ્ટર્ન નામના એક મનોવિજ્ઞાની, ‘સ્લેટ’ નામના સામાયિકમાં એક અનોખી વાત કરે છે. તેમના સંશોધન અનુસાર, 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણું મગજ બહુ ઝડપી ન્યુરોલોજીકલ વિકાસ કરે છે અને એ સમય દરમિયાન આપણે જે સંગીત સાંભળ્યું હોય, તે મગજના ચાર લોબ્સ(ફ્રન્ટલ, પારીએટલ, ટેમ્પોરલ અને ઓસ્સીપિટલ)માં વણાઈ જાય છે. આને ગીત સાથેનું ન્યુરલ કનેક્શન કહે છે. તે વખતે આપણા તન-મનમાં કૌમાર્યવસ્થાનાં ગ્રોથ હોર્મોન્સ અધિક માત્રામાં હોય છે, જે આપણા અનુભવો અને અહેસસોની તીવ્ર ભાવનાત્મક સ્મૃતિઓ બનાવે છે. એ ગીતો કાયમ માટે આપણી અંદર એક સંમોહન પેદા કરે છે કારણ કે એની સાથે ગ્રોથ હોર્મોન્સ જોડાયેલાં હોય છે.
માર્ક જોસેફ સ્ટર્ન લખે છે, “આપણે કોઈ ગીત સાંભાળીએ છીએ ત્યારે તે આપણા ઓડિટરી (શ્રવણ) કોર્ટેક્સને ઉત્તેજિત કરે છે અને તેમાં ગીતના લય, તાલ અને રાગની જુગલબંધી સર્જાય છે. એ પછી આપણે એ ગીત સાથે શું કરીએ છીએ તેના પર આપણા મગજના રિએકશન નિર્ભર કરે છે. તમે જો સાથે સાથે એ ગીતને ગણગણવા લાગો, તો પ્રીમોટર કોર્ટેક્સ સક્રિય થાય, જેથી તમે ગાયનની મુવમેન્ટસનું સંકલન કરી શકો. તમે ગીતની સાથે ડાન્સ કરવા લાગો, તો મગજના ન્યુરોન્સ સંગીતની ધૂન સાથે સુમેળ સાધે. તમે જો ગીતના શબ્દો અને વાદ્યો પર ફોકસ કરો, તો પારીએટલ કોર્ટેક્સ સક્રિય થાય, જે અલગ-અલગ પ્રકારની ઉત્તેજનાઓ (સ્ટિમ્યુલી) પર ફોકસ રાખવામાં મદદ કરે છે. આપણી અંગત યાદોને જીવંત કરે તેવું ગીત આપણે સાંભળીએ, ત્યારે આપણા સંબંધો અને અંગત જીવનની ઇન્ફોર્મેશન જેમાં સંગ્રહિત હોય છે તે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સક્રિય થાય છે.
જેમ આપણી આંખ કોઈ વસ્તુની છબી બનાવે છે, તેવી રીતે અવાજ એ મગજની છબી છે. કોઈ વાદ્ય અથવા ગળાનો તાર સાઉન્ડ વેવ પેદા કરે છે અને તે હવાની ચીરીને આપણા કાનના પડદાને એટલી જ ફ્રિકવન્સીથી ધ્રુજાવે છે. બાળપણમાં મગજના ન્યુરલ વિકાસ વખતે, આવા અનેક અવાજોનાં ન્યુરલ કનેક્શન્સ સરજાય છે અને આપણે કૌમાર્યવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે એ જ કનેક્શનન્સ જાળવી રાખીએ છીએ જે આપણે નિયમિત વાપરતા હોઈએ. એમાંથી એક ન્યુરલ મેપ સરજાય છે જે આપણા સંગીતની પસંદનો આજીવન આધાર બને છે.
અલબત્ત, મોટા થયા પછી આપણે નવાં ગીતોને પણ ગમાડી શકીએ છીએ, પરંતુ જેની સાથે આપણો અંતરંગ નાતો બંધાય છે, જેની સાથે આપણી આઇડેન્ટિટી જોડાયેલી હોય છે, જેની સાથે આપણો ગહેરો ભાવનાત્મક લગાવ હોય છે તે 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણે સાંભળેલું સંગીત હોય છે. આપણે મગજની ફિઝીઓલોજીને જે વાત કરી, તેનો આધાર લઈને કહીએ તો, તરુણાવસ્થામાં આપણે “બહાર”થી આવતાં ગીતને સાંભળતા નથી, ગીત આપણી “અંદર”થી વાગતું હોય છે. એને જ આપણે “દિલનું સંગીત” કહીએ છીએ.
કે.કે.ના કસમયના અવસાનથી, ભારતના કરોડો યુવા દિલોને જે આઘાત લાગ્યો છે તે આપણે ઉપર વાત કરી તેનાથી સમજી શકાય છે. કોલકત્તામાં જે કોન્સર્ટ પછી તેનું અવસાન થયું, તે જ કોન્સર્ટમાં તેનું છેલ્લું ગીત પણ એવું જ હતું :
હમ રહેં યા ન રહેં કલ,
કલ યાદ આયેંગે યે પલ
પલ યે હૈ પ્યાર કે પલ
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જૂન 2022