જાતિવાદનું દૂષણ દુનિયામાં પ્રસરી રહ્યું છે

રાજ ગોસ્વામી
અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં, સિએટલ નામનું શહેર છે. વોશિંગ્ટન સ્ટેટનું આ સૌથી મોટું શહેર છે. તે વેસ્ટ કોસ્ટ એટલે કે પેસિફિક મહાસાગરના કિનારે વસેલું છે. રોજી-રોટી અને ખાસ તો શેરડીની ખેતીની તલાશમાં યુરોપિયનો પહેલીવાર અહીં આવ્યા હતા. એ પહેલાં લગભગ ચાર હજાર વર્ષ સુધી, દેશી (નેટિવ) અમેરિકનો સિએટલ વિસ્તારમાં રહેતા હતા. સિએટલમાં આજે પણ મોટા પ્રમાણમાં નેટિવ અમેરિકનો સાથે એશિયન, આફ્રિકન, યુરોપિયન, સ્કેન્ડિનેવિયન મૂળના લોકો રહે છે.
19મી સદીમાં, સિએટલ ઔધોગિક ક્રાંતિથી ધમધમ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી બોઇંગ કંપનીએ અહીં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યો હતો. માઈક્રોસોફ્ટનું મથક પણ અહીં છે. તેના સ્થાપક બિલ ગેટ્સ જન્મે સિએટલવાદી છે. ઇન્ટરનેટ વેપારી એમેઝોનની શરૂઆત સિએટલથી થઇ હતી. અમેરિકાની અલાસ્કા એરલાઇન્સ સિએટલ સ્થિત છે. ઔધોગિક અને ટેકનોલોજી ક્રાંતિના કારણે 1920 અને 2000 વચ્ચે સિએટલમાં 50 હજાર લોકોનો વસ્તી વધારો થયો હતો. સિએટલમાં અત્યારે અંદાજે 75 હજાર ભારતીયો રહે છે.
અમેરિકાના આ ‘મેલ્ટિંગ પોટ’ ગણાતા શહેરમાં એક નવી ક્રાંતિ થઇ છે. ગઈ 21મી ફેબ્રુઆરીએ, સિએટલ સિટી કાઉન્સિલે (મ્યુનિસિપલ કોર્પોરેશન) જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકામાં રંગ, રૂપ, સેક્સ, જન્મ કે ધર્મના નામે ભેદભાવ-વિરોધી કાનૂન અમલમાં છે, પણ એમાં જાતિનો સમાવેશ કરનારું સિએટલ પહેલું શહેર બન્યું છે. એનો અર્થ એ થયો કે સિએટલમાં જાતિવાદી ભેદભાવનો સામનો કરતાં લોકોને કાનૂનનું રક્ષણ મળશે.
સિએટલ સિટી કાઉન્સિલના એક બયાન અનુસાર, “આ કાનૂન ઓફિસોમાં નવી નોકરીઓ અને પ્રમોશનમાં જાતિના આધારે કોઈ નિર્ણય કરવા પર રોક લગાવશે. આ કાનૂન સાર્વજનિક જગ્યાઓ જેવી કે હોટલો, સાર્વજનિક વાહનો, ટોયલેટ્સ અથવા નાની-મોટી દુકાનોમાં જાતિના આધારે ભેદભાવ કરવા પર પ્રતિબંધ લગાવશે. આ કાનૂન ભાડાનાં મકાનો, દુકાનો, સંપત્તિ વેચવામાં જાતિના આધારે કોઇપણ પ્રકારના ભેદભાવને રોકશે.”
આ કાનૂન પસાર કરતી વખતે એ પણ કહેવામાં આવ્યું હતું કે સિએટલ અમેરિકાના એ શહેરોમાંથી એક છે જ્યાં જાતિવાદી ભેદભાવ ઘણો છે પણ કોઈ તેની ચર્ચા કરતું નથી. આ કાનૂન પસાર કરાવામાં, સિએટલ સિટી કાઉન્સિલની એક માત્ર અમેરિકન-ભારતીય કાઉન્સિલર ક્ષમા સાવંતનું યોગદાન છે. ક્ષમાએ એક ટ્વીટ કરીને લખ્યું છે, “અમારા આંદોલને સિએટલમાં જાતિવાદી ભેદભાવ પર ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે. હવે આ જીતને પૂરા દેશમાં ફેલાવવા માટે એક અંદોલન ઊભું કરવાની જરૂર છે. ભલે અમેરિકામાં દલિતો વિરુદ્ધ ભેદભાવ દેખાતો ન હોય, પરંતુ અહીંની સ્થિતિ લગભગ એવી જ છે જેવી રીતે દક્ષિણ એશિયામાં દરેક જગ્યાએ ભેદભાવ એક કડવી વાસ્તવિકતા છે.”
ક્ષમા સાવંતની યાદદાસ્તમાં બાળપણની એક વાત અટકેલી છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી ક્ષમાના દાદા તેમના ઘરમાં કામ કરતી એક મહિલા માટે એક શબ્દ વાપરતા હતા જે જાતિસૂચક અપમાન હતું. ક્ષમા કહે છે કે આમ તો ઘરમાં એ મહિલાનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હતું પરંતુ તેને માટે જાતિસૂચક શબ્દ બોલવાનું સામાન્ય હતું. ક્ષમા છ વર્ષની હતી ત્યારે તેણે તેના દાદાને એ જાતિસૂચક સંબોધન માટે ટોક્યા હતા. એ વખતે દાદાએ તેને ચૂપ કરાવી દીધી હતી. હવે 50 વર્ષની ક્ષમાએ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં તેની જાતિવાદી ખટકને કાનૂની લડાઈથી દૂર કરી છે.
અમેરિકામાં પહેલીવાર એક શહેર જાતિવાદ ભેદભાવ વિરોધી કાનૂન પસાર કરે તેમાં આપણને રસ પડવો જોઈએ. જાતિવ્યવસ્થાનું મૂળ ભારતમાં છે. છેલ્લા ત્રણ હજાર વર્ષોથી કોઈને કોઈ સ્વરૂપે જાતિવાદી ભેદભાવ ભારતીય સમાજમાં મોજૂદ છે. એમ તો ભારતે 1948માં જ જાતિવાદી ભેદભાવને અપરાધ માન્યો હતો અને 1950માં અમલમાં આવેલા બંધારણમાં એ અંગેનો કાનૂન સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતમાં આજે પણ જાતિ આધારિત શોષણ અને ભેદભાવ છડેચોક થાય છે. એટલું જ નહીં, દલિતો પર અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં 2018 અને 2020 વચ્ચે દલિતો પર હિંસાના 1,39,045 કેસ નોંધાયા હતા. તેમાં 50 હજાર કેસ એકલા 2020માં નોંધાયા હતા. સૌથી વધુ (36,467) કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા.
એટલું જ નહીં, આ વૃત્તિ ભારતીય સમાજની સીમાપાર દક્ષિણ એશિયા, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સમાજોમાં પણ પ્રચલિત થઇ ગઈ છે. અમેરિકામાં રહેતો દક્ષિણ એશિયાઈ સમુદાય જાતિઓમાં વહેંચાયેલો છે અને એટલે જ સિએટલમાં આ કાનૂનને લઈને અમુક હિંદુ જૂથોમાં નારાજગી પણ છે. તેમને એવો ડર છે કે કાનૂનના નામે તેમને નિશાન બનાવવામાં આવશે.
અમેરિકામાં ઇક્વિટી લેબ્સ નામના સંગઠને દક્ષિણ એશિયાના 1,500 લોકો વચ્ચે એક સરવેમાં કહ્યું હતું કે 67 પ્રતિશત દલિતોએ કાર્યસ્થળો પર ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. 40 પ્રતિશત વિધાર્થીઓને આવા અનુભવ થયા હતા. તેની સામે કથિત ઊંચી જાતિના વિધાર્થીઓ સાથે ભેદભાવની સંખ્યા 3 પ્રતિશત હતી. 40 પ્રતિશત દલિતોએ એવું પણ કહ્યું હતું કે તેમની જાતિનાં કારણે પૂજાસ્થળોએ જતાં તેમને સંકોચ થતો હતો. કેલિફોર્નિયાની સરકારે તાજેતરમાં ત્યાંની અંતરરાષ્ટ્રીય કંપની સિસ્કો સિસ્ટમ્સ સામે કેસ દાખલ કર્યો છે. ત્યાં કાર્યરત એક દલિત એન્જિનિયર સાથે ઊંચી જાતિના તેના સાથી બે સાથીઓ દ્વારા ભેદભાવ થયો હતો.
અમેરિકામાં જાતિવાદી સમસ્યા કેવી છે તે હકીકત પરથી સાબિત થાય છે કે ત્યાંના કોલોરાડો અને મિશિગન રાજ્યએ 14 એપ્રિલને ડો. બી.આર. આંબેડકર ઈક્વિટી ડે ઘોષિત કર્યો છે. એ પહેલાં કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતે એપ્રિલ મહિનાને દલિત હિસ્ટરી મંથ જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વર્લ્ડ કોન્ફરન્સ અગેન્સ્ટ રેસિઝમનો વૈશ્વિક જાતિભેદ પરનો રિપોર્ટ કહે છે કે, “દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત આવ્યો છે, પરંતુ વિશ્વમાં આજે પણ 25 કરોડ લોકો અલગ-વાસ અને દાસ્તામાં જીવે છે.
જાતિવાદી ભેદભાવનો સૌથી પહેલા સશક્ત અવાજ ડો. ભીમરાવ આંબેડકરે છેક 1916માં કહ્યું હતું કે, “જાતિની સમસ્યા, સૈદ્ધાંતિક અને વ્યવહારના સ્તરે એક વિકરાળ મુદ્દો છે. વ્યવહારના સ્તરે જોઈએ તો આ એક એવી વ્યવસ્થા છે જે પ્રચંડ પરિણામોના સંકેત આપે છે. આ સ્થાનિક સમસ્યા છે, પણ તે એક મોટી ક્ષતિને જન્મ આપી શકવા સક્ષમ છે.”
100 વર્ષ પહેલાં ડો. આંબેડકરે ભવિષ્યવાણી કરી હતી કે ભારતનો જાતિવાદી ભેદભાવ વિશ્વમાં ફેલાશે. પશ્ચિમના દેશો માણસો-માણસો વચ્ચે ભેદભાવને લઈને બહુ સંવેદનશીલ અને સક્રિય છે. એટલે જ સિએટલનો કાનૂન ઐતિહાસિક છે. સત્તાવાર રીતે તો ભારતમાં પણ એવો ભેદભાવ અપરાધ જ છે, પરંતુ વિડંબના એ છે કે ભારતનું રાજકારણ એ રીતે ઘડાયું છે કે ભેદભાવને ખતમ કરવાના તમામ પ્રયાસો તુષ્ટિકરણમાં પરિણમે છે અને સરવાળે જાતિવાદી ભેદભાવ ઔર મજબૂત થાય છે.
(પ્રગટ : ‘બ્રેકિગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર