
રાજ ગોસ્વામી
યુદ્ધના ચિંતનમાં, ‘પીરિક વિકટરી’ નામનો એક ખયાલ છે; ઘણા વિજય એવા હોય છે, જેમાં બરબાદીનો હિસાબ માંડો, તો તે પરાજય જ નજર આવે. આ ખયાલ, ઈશુ પૂર્વે 279 સદીના ગ્રીકમાં, ઇપિરસ સામ્રાજ્યના રાજા પીરસે રોમન સામ્રાજ્ય સામે કરેલી લડાઈમાંથી ઉદ્ભવ્યો છે. બેટલ ઓફ એસ્કુલમ અને બેટલ ઓફ હેરાકલી નામથી જાણીતા આ યુદ્ધમાં પીરસે રોમનો સામે જબરદસ્ત વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ તેમાં તેનું મોટા ભાગનું સૈન્ય નષ્ટ થઇ ગયું હતું.
ડેલ્ફીમાં એપોલો ટેમ્પલના પુજારી, ફિલોસોફર અને ઇતિહાસકાર પ્લુટાર્ચ, પીરસના જીવનચરિત્ર્ય ‘લાઈફ ઓફ પીરસ’માં આ યુદ્ધનો ઉલ્લેખ કરીને લખે છે;
“સૈન્યો વિખૂટાં પડ્યાં. પીરસે કહ્યું કે એક યુદ્ધે તેને વિજયનો આનંદ આપ્યો અને બીજાએ તેને બરબાદ કરી દીધો. એ તેની સાથે જે દળો લઈને આવ્યો હતો તેમાંથી ઘણાંખરાં સાફ થઇ ગયાં, તેણે તેના તમામ ચોક્કસ મિત્રો અને મુખ્ય સેનાપતિઓ ગુમાવ્યા; હવે કોઈ નવી ભરતી કરવાવાળું રહ્યું નહોતું. બીજી બાજુ, રોમન છાવણી નવી ભરતીથી ઝગમગી ગઈ, તેમના નુકસાને તેમને નિરાશ કર્યા નહોતા અને તેમનો ક્રોધ પણ યુદ્ધ કરવા માટે બળવત્તર બની રહ્યો હતો.”
તે સમયથી, યુદ્ધોને ‘પીરિક વિકટરી’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખુવારી એટલી બધી હોય છે કે લાંબા ગાળે વિજયની એ સિદ્ધિ એક પાયમાલી બની જાય છે. પીરસ મૂરખ નહોતો. તે વિજયમાં તેની ખુવારી પ્રત્યે સભાન હતો અને એટલે જ તેણે કહ્યું હતું કે; “હું જો ફરીથી આવા વિજયને પ્રાપ્ત કરીશ, તો એક પણ સૈનિક વગર ઇપિરસ પાછો ફરીશ.”
આધુનિક ઇતિહાસમાં થયેલા યુદ્ધનો જો વિગતવાર હિસાબ-કિતાબ માંડવામાં આવે, તો અંતે એમાં દરેકનો પરાજય થાય છે. જે પરાજિત છે તેમનો તો ખરો જ, જે વિજેતાઓ છે તે પણ હારે છે. મરાઠા સામ્રાજ્યમાં શિવાજીના બહાદુર સેનાપતિ તાનાજી માલુસરે, સિંહગઢ પર વિજય પ્રાપ્ત કરીને ઔરંગઝેબને દક્ષિણ ભારતમાં તેનો પ્રભાવ સ્થાપતાં અટકાવ્યો હતો. એ એક ઐતિહાસિક વિજય હતો, પરંતુ તેમાં તાનાજીનો જીવ ગયો હતો એ મરાઠા સામ્રાજ્ય માટે મોટો ફટકો હતો.
તેના પરથી એક જાણીતી ઉક્તિ આવી હતી કે, “ગઢ આલા પર સિંહ ગેલા.” કંઇક આવા જ મતલબનું, ફ્રેંચ ફિલોસોફર જ્યાં-પોલ સાર્ત્રએ 1951માં કહ્યું હતું; ઇફ વિકટરી ઈઝ ટોલ્ડ ઇન ડિટેલ, વન કેન નો લોંગર ડિસ્ટિંગગ્વિશ ઈટ ફ્રોમ અ ડિફીટ – વિજયને જો વિગતવાર તપાસવામાં આવે તો ખબર ન પડે કે પરાજય છે કે વિજય.
ભારત બ્રિટિશ રાજ સામે લડાઈ કરીને આઝાદ થયું હતું, પણ એ વિજય સહેલો નહતો. ઇતિહાસકાર અને નેતા શશી થરૂર અનુસાર 1857થી શરૂ કરીને 1947 સુધી 3.5 કરોડ લોકોનાં મોત થયાં હતાં અને વિભાજનમાં લાખો લોકો વેરવિખેર થઇ ગયા હતાં. ભારતના વિભાજનને લોહિયાળ કહેવાય છે અને આજે પણ તેના ઘા જીવતા છે. એક રીતે આ બરબાદી પરાજય જ કહેવાય.
અમેરિકા જ્યારે સદ્દામ હુસેનના ઈરાક પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે ઈસાઈ ધર્મના વડા પોપ જોહ્ન પોલે કહ્યું હતું કે, “યુદ્ધ એ સમાધાન નથી. યુદ્ધ ક્યારે ય અનિવાર્ય હોતું નથી. યુદ્ધમાં માનવતા હારે છે. યુદ્ધ માનવ જીવનને બરબાદ કરી નાખે છે. શાંતિનો સંઘર્ષ જીવનનો સંઘર્ષ છે. યુદ્ધવેળા અને યુદ્ધ પછી નાગરિક જાનમાલનું કેવું અને કેટલું નુકસાન થશે તે વિચાર્યા વગર યુદ્ધનો માર્ગ અખત્યાર કરવો ન જોઈએ.”
યુદ્ધનાં અનેક ખરાબ પરિણામો આવે છે, પણ એનો ‘ફાયદો’ એક જ હોય છે; લોકોને શાંતિની કિંમત સમજાઈ જાય છે! યુદ્ધની આ વિડંબના છે અને માનવજાતિ તેમાંથી કશું શીખતી નથી. થોડા આંકડા જોવા જેવા છે;
પ્રથમ મહાયુદ્ધ (1914 – 11 Nov 1918) : સૈનિકોનાં મૃત્યુ – 9,911,000, નાગરિકોનાં મૃત્યુ – 7,700,000, માનવતાને નુકસાન – 17,611,000.
દ્વિતીય મહાયુદ્ધ (1939-1945) : સૈનિકોનાં મૃત્યુ – 24,000,000, નાગરિકોનાં મૃત્યુ – 49,000,000, માનવતાને નુકસાન – 73,000,000.
કોરિયન યુદ્ધ 1(950-1953) : સૈનિકોનાં મૃત્યુ – 759,927, નાગરિકોનાં મૃત્યુ – 3,000,000, માનવતાને નુકસાન – 3,759,927.
વિયેતનામ યુદ્ધ (1955-1975) : સૈનિકોનાં મૃત્યુ – 1,344,259, નાગરિકોનાં મૃત્યુ – 2,000,000, માનવતાને નુકસાન – 3,344,259.
અફઘાનિસ્તાન યુદ્ધ (2001-2021) : સૈનિકોનાં મૃત્યુ – 121,988, નાગરિકોનાં મૃત્યુ – 46,319, માનવતાને નુકસાન – 168,307
આ પાંચ યુદ્ધોમાં જ માનવતાને કુલ 97,883,493 લોકોનું નુકસાન થયું છે. આમાં કોઈનો પતિ, કોઈનો પિતા, કોઇનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો મિત્ર, કોઈની માતા કે બહેન કે પત્ની કે દીકરી હતાં, અને એ ખુવારી બન્ને પક્ષે હતી. એમાં કેટલાં ય પરિવારો, શહેરો, સમાજો, કેટલા ય ધંધા-રોજગાર અને પ્રતિભાઓ ખતમ થઈ ગઈ હતી અને કેટલી ય પેઢીઓ લંગડી થઈ ગઈ હતી.
આ આંકડા અંદાજીત છે, અને માત્ર મોટાં અને વર્તમાન ઇતિહાસના યુદ્ધોના જ છે. વિશ્વમાં અત્યારે 40થી પણ વધુ એવી જગ્યાઓ છે જ્યાં યુદ્ધ જેવી જ સ્થિતિ છે. વિકિપીડિયા અનુસાર છેલ્લાં 4,500 વર્ષોમાં માનવજાતે કુલ 10,624 યુદ્ધ જોયાં છે.
આપણે પૂરા માનવ જીવનના ઇતિહાસનાં નાનાં-મોટાં યુદ્ધોનો હિસાબ-કિતાબ કરવા બેસીએ, તો તેની ખુવારી ગણતરીમાં કે દિમાગમાં ન બેસે એટલી હશે. આનો અર્થ એટલો જ કે આપણે ‘શાંતિ’થી રહેવા યુદ્ધ કરીએ છીએ.
તમે જ્યારે તમારી વર્તમાન શાંતિને અવગણીને ભવિષ્યની શાંતિ માટે જંગ કરો, તો તમને ક્યારે ય શાંતિ ના મળે. માણસ ક્યારે ય શાંતિથી રહી શક્યો નથી, કારણ કે તેની સામે શાંતિનું એક એવું ગાજર લટકાવવામાં આવ્યું છે કે તે શાંતિ માટે યુદ્ધ કરે છે! માણસ એટલો તકલાદી છે કે તે શાંતિ માટે કાં’તો મરી જાય છે, અથવા મારી નાખે છે. સદીઓ પછી પણ માણસ શાંતિમાં રહેવાની બહાદુરી વિકસાવી શક્યો નથી, તે માનવજાત તરીકેની આપણી એક માત્ર સૌથી મોટી નિષ્ફળતા છે. જાનવરો ભૂખ લાગે ત્યારે જ બીજાને મારે છે. ભર્યા પેટનો માણસ માત્ર વિચારના વિરોધમાં કોઈને મારે છે.
છેલ્લાં 100 વર્ષથી ચાલતા પેલેસ્ટાઇન-ઈઝરાયેલના સંઘર્ષ પર પેલેસ્ટાઇન કવિ મહમૂદ દરવેશે યુદ્ધની વ્યર્થતા અંગે એક મર્મસ્પર્શી કવિતા લખી હતી :
એક દિવસ યુદ્ધ સમાપ્ત થઈ જશે
નેતા હાથ મિલાવશે
એક વૃદ્ધ સ્ત્રી તેના શહીદ પુત્રનો ઇંતેજાર કરશે
એક સ્ત્રી કરશે ઇંતેજાર તેના પતિની વાપસીનો
અને એ સંતાનો તેમના બહાદુર પિતાની રાહ જોશે
મને ખબર નથી કે મારા વતનને કોણે વેચ્યું છે
પરંતુ મેં જોયું છે
તેની કિંમત કોણે ચૂકવી છે
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર