
રાજ ગોસ્વામી
થોડા સમય પહેલાં, આપણે અહીં ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મની વાત કરી હતી. નિર્દેશક યશ ચોપરા. નિર્માતા બી.આર. ફિલ્મ્સ, એટલે મોટાભાઈ બી.આર. ચોપરા. રિલીઝ 1959. નિર્દેશક તરીકે યશજીની આ પહેલી ફિલ્મ. તે પહેલાં તે કોમેડિયન આઈ.એસ. જોહર અને મોટાભાઈના સહાયક તરીકે કામ કરતા હતા. તે વખતે, હવામાં નહેરુનાં સપનાંના ભારતની સુંગંધ હતી. સિનિયર ચોપરા સામાજિક નિસબતવાળી ફિલ્મો બનાવતા હતા. તેમના લઘુ બંધુ પણ એવી જ ભાવનાથી રંગાયેલા હતા.
તેમણે નિર્દેશક તરીકે કમાન સંભાળી, ત્યારે તેમણે તેમની પહેલી ફિલ્મ માટે હિંદુ-મુસ્લિમ એકતાનો વિષય પસંદ કર્યો હતો. ‘ધૂલ કા ફૂલ’માં વિવાહેતર સંબંધમાંથી જન્મેલા હિન્દુ બાળકને ઉછેરતા એક મુસ્લિમ વ્યક્તિની વાર્તા હતી.
ફિલ્મ જબરદસ્ત હિટ થઇ હતી. ચોપરાએ આ વિષયને જે રીતે સંભાળ્યો હતો તેનાથી દર્શકો બહુ ખુશ થયા હતા. મહોમ્મદ રફીના અવાજમાં આ ફિલ્મનું ગીત ‘તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ આજે પણ એટલું જ પ્રાસંગિક અને લોકપ્રિય છે.
ફિલ્મની સફળતાથી પ્રેરાઈને, 1961માં, યશ ચોપરા આવી જ એક બીજી ફિલ્મ લઈને આવ્યા; ધરમપુત્ર. આ વખતે તેમાં એક મુસ્લિમ લાવારિસ બાળકને એક હિંદુ પરિવાર મોટો કરે છે તેવી વાર્તા હતી. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાનના વિભાજનની વાત કરતી હોય તેવી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. ઉલ્લેખનીય છે કે સિનિયર ચોપરા લાહોરમાં ફિલ્મ પત્રકાર હતા અને કોમી દંગલોમાં જીવ બચવવા માટે પરિવાર સમેત પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા હતા. પાછળ પાછળ યશજી આવ્યા હતા.
એક જૂના ઇન્ટરવ્યુમાં યશ ચોપરાએ કહ્યું હતું, “હું લાહોરમાં ભણ્યો હતો પરંતુ પ્રાથમિક સ્કૂલ પછી જલંધર આવવું પડ્યું હતું. બેઉ જગ્યાએ સરખી જ હાલત હતી. ત્યાં હિદુઓની કતલ થતી હતી, અહીં મુસ્લિમોની. મેં મારી સગી આંખે ખૂનામરકીનું ગાંડપણ જોયું હતું. મેં જે જોયું હતું તેનો ‘ધરતીપુત્ર’માં ઉપયોગ કર્યો હતો.”
ઐતિહાસિક નવલકથાઓ લખનારા હિન્દી લેખક આચાર્ય ચતુરસેને આ જ નામની એક નવલકથા લખી હતી. ચોપરા કહે છે, “મેં જ્યારે તે વાર્તા વાંચી ત્યારે, મારી અંદર મારા એ અનુભવોએ સળવળાટ કર્યો હશે. ફિલ્મનાં દૃશ્યો વાસ્તવિક લાગતાં હતાં કારણ કે મેં એવું જોયેલું હતું. આજે કોઈ નિર્દેશકને યુદ્ધ બતાવવું હોય તો તેણે વાંચન પર અથવા સાંભળેલી વાતો પર અથવા વિદેશી ફિલ્મ પર આધાર રાખવો પડે.”
ફિલ્મની વાર્તાનો સમય, 1925ના બ્રિટિશ શાસન વખતનો હતો. તે વખતે, આઝાદી માટેના શોરબકોર વચ્ચે દિલ્હીના એક પરિવાર નવાબ બદરુદ્દીન (અશોક કુમાર) સાથે એક ઘટના બને છે; તેમના જીગરજાન દોસ્ત ગુલશન રાયનું અવસાન થાય છે અને બદરુદ્દીન તેના અનાથ પુત્ર અમૃત(મનમોહન કૃષ્ણ)ને તેમની દીકરી હુસ્ન બાનુ(માલા સિંહા)ના ભાઈ તરીકે મોટો કરે છે.
અમૃત ડોકટર બને છે અને સાવિત્રી (નિરુપા રોય) સાથે લગ્ન કરે છે. એક દિવસ, નવાબ ડોક્ટર અમૃત પાસે આવે છે અને એક સમસ્યા કહે છે; હુસ્ન બાનુ તેના શિક્ષક જાવેદ(રહેમાન)ના પ્રેમમાં પડીને પ્રેગ્નન્ટ થઇ છે પરંતુ તે નીચ જાતિનો હોવાથી ગાયબ થઇ ગયો છે.
સાવિત્રી સાથે ચર્ચા કર્યા પછી, અમૃત એક યોજના બનાવે છે; હુસ્ન બાનુને સિમલા લઇ જવી, ત્યાં તે બાળકને જન્મ આપે અને સાવિત્રી તેને દત્તક લઇ લે. તે બાળક દિલીપ (શશી કપૂર) તરીકે મોટો થાય છે. દયાળુ નવાબ તેમની અડધી સંપત્તિ દિલીપના નામે કરે છે. ત્યાં સુધી કોઈને યાદ પણ નહોતું કે તે મુસ્લિમ સ્ત્રીના કોખે જન્મ્યો હતો. પરંતુ દેશમાં લોહિયાળ કોમી તોફાનોનાં પગલે દિલીપની મુસ્લિમ ઓળખ છતી થાય છે.
તેનાથી વ્યથિત દિલીપ તેની હિંદુ ઓળખને રાષ્ટ્રીય ઓળખ તરીકે સ્વીકારે છે અને મુસ્લિમોને ધિક્કારવાનું શરૂ કરે છે. ત્યાં સુધી કે જાવેદ સાથે લગ્ન કરીને પડોશમાં રહેતી હુસ્ન બાનુ (જે હકીકતમાં તેની માતા છે) તેને પણ તેની નફરતનું નિશાન બનાવે છે.
દિલીપ સાચે જ ધરમપુત્ર હતો. તે તેની માન્યતામાં અડગ છે. તેને તેના કૃત્યનાં પરિણામોની ચિંતા નથી, પણ તે એક પુત્ર અને ભાઈ પણ છે. તે દેશને આઝાદી ન મળે ત્યાં સુધી મીના (ઇન્દ્રાણી મુખરજી) સાથે લગ્ન કરવાનો એ ઇનકાર કરી દે છે.
વયસ્ક સ્ટાર તરીકે શશી કપૂરની આ પહેલી ફિલ્મ હતી અને તેમણે એક કટ્ટર, ધર્માંધ યુવાનનો કિરદાર બખૂબી નિભાવ્યો હતો. કોમેડિયન દેવેન વર્માની પણ આ પહેલી ફિલ્મ હતી. ચોપરા બંધુઓ માટે ‘ધરમપુત્ર’ કેટલી મહત્ત્વની હતી તે એક હકીકત પરથી સાબિત થાય છે કે આ ફિલ્મના સૂત્રધાર તરીકે તે વખતના મોટા સ્ટાર દિલીપ કુમારે તેમનો અવાજ આપ્યો હતો.
ધર્મપુત્ર એક અસાધારણ અને સાહસિક ફિલ્મ હતી, પરંતુ તે સમયના દર્શકો તેના માટે તૈયાર નહોતા. ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવા છતાં, આમ દર્શકોને કોમવાદ અને લગ્ન પહેલાં સેક્સ જેવા વર્જિત વિષયને કારણે તેને પસંદ કરી નહોતી.
એવા પણ અહેવાલો છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકો થિયેટરોમાં ઉશ્કેરાઈ ગયા હતા અને અમુક દૃશ્યો વખતે લાગણીશીલ થઇ ગયા હતા. કદાચ વિભાજન અને કોમી હિંસાના જખ્મો હજુ તાજા હતા, એટલે લોકો તેને પડદા પર સહન કરી શક્યા નહોતા. પરિણામે ફિલ્મને રિલીઝ થયા પછી ઉતારી લેવી પડી હતી અને થોડા સમય પછી ફરીથી મુકવામાં આવી હતી. પણ તે ન ઉપડી તે ન જ ઉપડી.
કહેવાય છે કે આ ફિલ્મ પાસેથી યશ ચોપરાને ઘણી અપેક્ષા હતી, પરંતુ તેમાં તે પાર ન ઉતરતાં તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને આવા રાષ્ટ્રીય વિષયો પર ફિલ્મ નહી બનાવાનું નક્કી કર્યું હતું. પાછળથી આપણે જે રોમેન્ટિક યશ ચોપરાને જોયા હતા તેની શરૂઆત કદાચ આ ફિલ્મ પછી થઇ હતી.
સાહિર લુધિયાનવીએ ફિલ્મમાં એક પ્રભાશાળી ગીત લખ્યું હતું, જે તે વખતના માહોલ અંગે સવાલો ખડા કરતું હતું, પણ આજે ય એટલું જ પ્રાસંગિક છે :
ધરતી કી સુલગતી છાતી કે બેચેન શરારે પૂછતે હૈં
તુમ લોગ જિન્હેં અપના ન સકે, વો ખૂન કે ધારે પૂછતે હૈં
સડકોં કી જુબાન ચિલ્લાતી હૈ
સાગર કે કિનારે પૂછતે હૈં-
યે કિસ કા લહૂ હૈ, કૌન મરા
એ રહબર-એ-મુલ્ક- ઓ- કૌમ બતા
યે કિસ કા લહૂ હૈ, કૌન મરા
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 02 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર