ગયા સપ્તાહે કેરળના કોચી જિલ્લામાં એક કાફેમાં એકબીજાને બાહોંમાં લઈને કિસ કરી રહેલા યુવા યુગલની ભારતીય યુવા મોરચાના કાર્યકરોએ મારપીટ કરી અને કાફેમાં તોડફોડ કરી. આનો વીડિયો ટીવી પર આવ્યો એટલે કેરળનાં અનેક યુગલોએ એવી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું, જેવું ભાગ્યે જ કોઈ ભારતીય કરે : જાહેરમાં કિસ. એમણે ફેસબુક પર ‘કિસ ઓફ લવ’ નામનું પેઇજ શરૂ કર્યું અને એ પેઇજ દ્વારા અનેક છોકરા-છોકરીઓ રવિવારે કેરળના મરીન ડ્રાઇવ બીચ પર જાહેરમાં કિસ કરવા ભેગાં થયાં. પોલીસે જો કે આ કિસ થવા ના દીધી, અને બધાને પકડી લીધા. આ ‘કિસ ઓફ લવ’ ઝુંબેશ દિલ્હી પહોંચી છે અને ધીમે ધીમે એ હિન્દુત્વવાદી મોરલ પોલિસિંગના વિરોધમાં તબદીલ થઈ રહી છે.
ભારતમાં રૂઢિચુસ્ત વર્ગ, જેમાં રાજકીય પક્ષો, ધાર્મિક સંપ્રદાયો અને સામાજિક જૂથોનો સમાવેશ થાય છે, તે એમ માને છે કે જાહેરમાં મમતા, મહોબ્બત કે લગાવને વ્યક્ત કરવું એ ભારતીય સંસ્કૃિતની ખિલાફ છે. મોટાભાગના પશ્ચિમી સમાજ જેવા કે યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, સાઉથ આફ્રિકા અને અમેરિકામાં એકબીજાના હાથ પકડવા, આલિંગન કરવું કે એકબીજાને કિસ કરવી એ સ્વીકાર્ય છે. ભારતમાં જાહેરમાં આલિંગન કે કિસ ઘૃણાસ્પદ ગણાય છે એટલું જ નહીં, ઇન્ડિયન પીનલ કોડની કલમ 295 તહત અપરાધ (અશ્લીલ હરકત) પણ છે, જેમાં 3 મહિના સુધીની કેદ થઈ શકે છે.
2007માં હોલિવૂડ એક્ટર રિચાર્ડ ગેરે દિલ્હીમાં એઇડ્સ જાગૃતિના એક કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટીને ચુંબન કર્યું હતું જેના પગલે અદાલતે તેની ગિરફતારીનું વોરંટ જારી કર્યું હતું. મુક્ત માનસિકતાવાળો વર્ગ ફરિયાદ કરે છે કે ભારતમાં પોલીસ ‘અશ્લીલતા’ની અનુકૂળતા પ્રમાણે વ્યાખ્યા કરીને લોકોને કનડગત કરે છે તો બીજી તરફ રૂઢિચુસ્ત, રાજકીય પક્ષોના કાર્યકરો ‘ભારતીય સંસ્કૃિત’ બચાવવાના નામે મારપીટ અને તોડફોડ કરે છે. કેરળમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે કારણ કે ત્યાંનાં હિન્દુવાદી જૂથો અને ક્રિશ્ચિયન જૂથો ‘સંસ્કૃિત’ના મુદ્દે અથડાતાં રહે છે.
મોરલ પોલિસિંગ અથવા સંસ્કૃિતની રખેવાળીનો સીધો સંબંધ અસંતુલિત રીતે વિકસી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા સાથે છે. એક તરફ ધનવાન અને શહેરી યુવા વર્ગ પશ્ચિમી સમાજની સુખ-સાહ્યબી અને રસ્મો-રિવાજ અનુસરી રહ્યો છે ત્યારે બીજી તરફ સમાજનો સનાતનવાદી વર્ગ, જે ગરીબ પણ છે, હતાશા અને પરેશાનીનો શિકાર થતો રહ્યો છે. બંને વર્ગો વચ્ચેના વિભાજનનો (ગેર) ફાયદો ધાર્મિક અને રાજકીય જૂથો પોતાના વર્ચસ્વ માટે ઉઠાવે છે. શિવસેના, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને રામસેના જેવાં જૂથો એટલે જ નૈતિકતાની એમની વ્યાખ્યામાં ફિટ ન થાય તેવાં પેઇન્ટિંગ્સ, પુસ્તકો ફિલ્મો, નાટકો, કળા પ્રદર્શનો અને પબ્સને નિશાન બનાવતાં રહ્યાં છે.
ભારતમાં મોરલ પોલિસિંગ અને આર્થિક વિકાસનો ઇતિહાસ સમાંતર છે. 70ના દાયકામાં જાહેરમાં કિસ કરવા બદલ મારપીટ થતી ન હતી. એટલા માટે નહીં કે યુવાઓ એકબીજા પ્રત્યે મહોબ્બત વ્યક્ત કરતા ન હતા પરંતુ એટલા માટે કે તે વખતે સામાજિક-આર્થિક અને રાજકીય આબોહવા જુદી હતી. રોમેન્ટિક અથવા સેક્સુઅલ અભિવ્યક્તિને લઈને યુગલોથી લઈને ફિલ્મો, કિતાબો કે કળા પ્રદર્શનોને નિશાન બનાવવાનું ચલણ છેલ્લા બે દાયકામાં વધ્યું છે.
દુનિયાભરના સંશોધકો જે કિસના આવિષ્કાર માટે ભારતને ધન્યવાદ આપે છે તે જ ભારતમાં કિસ મારફતે સ્નેહ વ્યક્ત કરતાં યુગલોની મારપીટ થાય છે તે વિરોધાભાસ વિચાર અને ચર્ચા માણી લે તેવો મુદ્દો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના નૃવંશશાસ્ત્રી વોધ બ્રાયન્ટને જો કિસની આ બબાલની જાણ થાય તો ચોક્કસ આશ્ચર્ય થાય કારણ કે બ્રાયન્ટ સાહેબનો અભ્યાસ એમ કહે છે દુનિયામાં કિસનો પહેલો પ્રમાણભૂત સંદર્ભ વેદિક સંસ્કૃત સાહિત્યમાં મળે છે. મતલબ, પૌરાણિક ભારતીયો પહેલી પ્રજા હતી જેમણે કિસ કરવાની શરૂઆત કરી હતી.
આ બ્રાયન્ટ સાહેબના ક્લાસમાં કોઇકે એમ કહેલું કે દુનિયાની તમામ પ્રજામાં કિસ કોમન છે ત્યારે તેમને પહેલી કિસ કોણે કરેલી એ સવાલનો જવાબ મેળવવાનું મન થયેલું. 20 વર્ષના સંશોધન પછી બ્રાયન્ટે કહ્યું કે ઇશુ પૂર્વેની 1500થી સદી સુધી યુરોપમાં કોઈને કિસની ખબર ન હતી પરંતુ 326માં એલેક્ઝાન્ડરે પંજાબ પર આક્રમણ કર્યું ત્યારે એને હોઠથી હોઠ મિલાવવાની રસમની જાણ થયેલી. આ એલેક્ઝાન્ડર પાછા વળતી વખતે ખૈબર ઘાટમાં થઈને યુરોપમાં ઘૂસેલો અને સાથે આ કિસની કથની અને કરણી લઈ આવેલો. આ બ્રાયન્ટ લખે છે, ‘જેને ન્યુ વર્લ્ડ’ કહે છે તે યુરોપ કે ઓસિયાના, ઇસ્કીમો કે સબ સહારા આફ્રિકામાં કોઈ કિસ કરતું ન હતું. વેદિક સંસ્કૃત સાહિત્ય ઉપરાંત કામસૂત્રમાં કિસની પ્રક્રિયાના જેટલા ઉલ્લેખ છે તેવા દુનિયાના કોઈ ભાગમાં નથી.’
બ્રાયન્ટ કહે છે કે પશ્ચિમની દુનિયામાં કિસ અજીબ ક્રિયા હતી. 1920ની આસપાસ જાપાનમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી ઓગસ્ટે રોડીનનું ‘ધ કિસ’ શિલ્પ મૂકવામાં આવ્યું ત્યારે લોકોમાં એટલો આઘાત ફેલાઈ ગયેલો કે શિલ્પની આજુબાજુ વાંસની દીવાલ બનાવી દેવાયેલી અને એમાં જોવા માટે પરવાનગી લેવી પડતી હતી. ‘ધ સ્નિફ-કિસ ઇન એન્સિયન્ટ ઇન્ડિયા’ નામની કિતાબમાં જણાવ્યા પ્રમાણે સંસ્કૃત સભ્યતામાં એકબીજાને સૂંઘવું એ કિસનો પ્રકાર હતો.
બ્રાયન્ટ એમની થિયરીના સમર્થનમાં ભાષાનો સહારો લઈને કહે છે કે પૌરાણિક ભારતીય શબ્દ ‘બુસા’ અથવા ‘બોસા’ કિસનો પર્યાય છે અને એનો અર્થ એકબીજાને સૂંઘવું એવો થાય છે. ‘બાયેં હાથ કા ખેલ’ ફિલ્મમાં કિશોરકુમાર લતા મંગેશકર માટે ગાય છે, ‘એક બોસા હમને માગા, ફટે મુંહ સે યે ના બોલા.’ ‘ગુરુ’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય કહે છે, ‘મીઠા હૈ કોસા હૈ, બારીસ કા બોસા હૈ.’ બ્રાયન્ટ કહે છે કે અંગ્રેજીમાં કિસ શબ્દ પૌરાણિક ઉત્તર ભારતીય ‘કસ’ શબ્દ પરથી આવ્યો છે.
કિસ સેક્સુઅલ નહીં, માનવીય વૃત્તિ છે. મતલબ, માતા-પિતા એના બાળકને કિસ કરે તેનો અર્થ બંને એકબીજાને કિસ કરે તેનાથી તદ્દન જુદો થાય છે. માણસ સાવ અજાણી વ્યક્તિને ગાલથી ગાલ અડાડીને અભિવાદન કરી શકે છે અને સેક્સુઅલ પ્રેમનો એકરાર કરવા જીભથી જીભનું મિલન થવા દે છે. માફિયા બોસ કોઇકને કિસ કરે તો એનો મતલબ એની હત્યા નક્કી છે. આને ‘કિસ ઓફ ડેથ’ કહે છે. બાઇબલની વાર્તા પ્રમાણે જુડાસે ક્રાઇસ્ટને કિસ કરીને સૈનિકોને સંકેત આપ્યો હતો કે ક્રાઇસ્ટને ખતમ કરવાના છે. આ કિસ ઓફ જુડાસ છે.
કેથોલિક્સ કિસ ઓફ પીસ આપે છે. પોપ સ્ટાર મેડોનાએ બ્રિટની સ્પીયર્સને માઉથ ટુ માઉથ કિસ આપી હતી જેને કિસ ઓફ લવ કહે છે. 17મી સદીના જર્મન પંડિત માર્ટિન વોન કેમ્પેએ એક હજાર પાનાંનો કિસ એન્સાઇક્લોપેડિયા લખ્યો છે જેમાં 20 પ્રકારની કિસની ચર્ચા કરાઈ છે. જર્મન ભાષામાં કિસ માટે 50 શબ્દો છે. જર્મનમાં એક કહેવત પણ છે કે ‘દાઢી વગરની કિસ એ નમક વગરના ઇંડા જેવી છે.’
પશુ-પંખીની તમામ પ્રજાતિઓમાં એકબીજાને સહેલાવાની વૃત્તિ હોય છે પરંતુ માત્ર માણસમાં જ સેક્સુઅલી સ્પર્શ કરવાની ઇચ્છા પેદા થઈ છે. ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિને લખ્યું હતું કે એકબીજાના નાક ઘસવામાંથી કિસનો આવિષ્કાર થયો છે. 2013માં થાઇલેન્ડના એક યુગલે 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડ સુધી કિસ કરી હતી જે એક રેકોર્ડ છે. અમેરિકન સિનેમામાં પહેલી કિસ 1896માં આવેલી ‘ધ કિસ’ નામની ફિલ્મમાં હતી જે 30 સેકન્ડની હતી. તે વખતે વિવેચકોએ આને અમેરિકન સંસ્કૃિતનું પતન ગણાવી હતી. ભારતમાં 1933ની ફિલ્મ ‘કર્મા’માં દેવિકા રાણીએ પહેલીવાર પડદા પર હિમાંશુ રોય(જે એનો પતિ પણ હતો)ને કિસ કરી હતી જે ચાર મિનિટની હતી.
સિનેમા હોય કે પબ્લિક, કિસ અથવા તો મહોબ્બતની અભિવ્યક્તિ પર પાબંદીની શરૂઆત પણ ભારતીય પુરાણોમાં જ થઈ હતી. મનુસ્મૃિત આમાં પહેલો ગ્રંથ છે. ‘ઇન્ડિયા ઇન લવ : મેરેજ એન્ડ સેક્સુઆલિટી ઇન ધ 21 સેન્ચુરી’ કિતાબમાં ઇરા ત્રિવેદી લખે છે કે, ‘સ્ત્રીને ‘ઘર વપરાશ’ની એક ચીજ ગણીને મનુએ લગ્નના જે પ્રકાર અને કાનૂન બનાવ્યા એમાં સેક્સુઆલિટી પર પણ નિયંત્રણ આવી ગયું જે અાજે પણ પ્રકાર પ્રકારના ફતવા અને પ્રતિબંધોમાં જોવા મળે છે.’
સેક્સુઅલ પ્રેમ ખરાબ છે અથવા ‘પાપ’ છે એવી માન્યતા છેક મહાત્મા ગાંધી સુધી લોકપ્રિય થતી રહી છે અને જાહેરમાં મહોબ્બતનો ઇઝહાર કરવો એ ‘પશ્ચિમી દૂષણ’ હોવાની માન્યતા મજબૂત થતી રહી છે. પ્રેમની જાહેર અભિવ્યક્તિ એ ઔચિત્ય અને મર્યાદાનો નાજુક વિષય છે પરંતુ મોરલ પોલિસિંગના નામે મારપીટ કરવી એ એનાથી ય વધુ અસભ્યતા અને ઘૃણા છે. કદાચ આપણી ઢોંગી માનસિકતાને આ માફક પણ આવે છે. એટલે સવાલ એ નથી કે જાહેરમાં કિસ કરવી જોઈએ કે નહીં, સવાલ એ છે કે મારો મોરલ એટિટ્યુડ નક્કી કોણ કરશે? ભારતીય યુવા મોરચાના કાર્યકરો?
લવ યુ, કિસ યુ!
સૌજન્ય : https://www.facebook.com/raj.goswami.31/posts/855342614516083:0