'સોમવારે અને શુક્રવારે દરવાજો નહીં ખૂલે. પ્લીઝ, ત્રણ વાર જ રીંગ મારવી. કોઈ દરવાજો ન ખોલે તો, તમારું નામ અને સરનામું મૂકતા જજો. થેન્ક યુ. તકલીફ બદલ દરગુજર.'
મુંબઈના વોર્ડન રોડ પરની આકાશગંગા ઇમારતના છઠ્ઠા માળે ફલેટ બહાર આ સૂચના લખેલી છે, લગભગ પચીસેક વર્ષથી. ફલેટ એક ઠંડી ખામોશીમાં સરાબોર રહે છે અને રાત્રે સંગીતના મધ્યમ સૂરથી જ ખામોશી તૂટે છે. પાડોશીઓને ખબર નથી કોણ છે. કોઈ ઈ-મેલ એડ્રેસ નથી, ફેક્સ નંબર નથી, મોબાઇલ નંબર નથી. ૧૯૭૭માં સરકારે પદ્મભૂષણનો ખિતાબ આપ્યો એને પણ દરવાજા બહાર મૂકી આવવું પડયું હતું. દરવાજો ઘરની જરૂરિયાત હોય ત્યારે જ ખૂલે છે. દુનિયાને અંદર આવવાની કે ઝાંખવાની મનાઈ છે, એવું પેલા બોર્ડ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે.
અન્નપૂર્ણા દેવી છેલ્લાં ૫૦ વર્ષથી આ ઘરની બહાર નીકળ્યાં નથી કે દુનિયાને અંદર આવવા દીધી નથી. હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતમાં આ નામ જબરદસ્ત છે. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનનાં દીકરી, ઉસ્તાદ અલી અકબર ખાનનાં બહેન અને યસ, પંડિત રવિશંકરનાં પ્રથમ પત્ની અન્નપૂર્ણા દેવી એક માત્ર એવી શખ્સિયત છે, જે સૂરબહાર અને સિતાર બન્નેમાં પારંગત હોય.
ટ્રેજેડી એ છે કે એમનું સંગીત ખોવાઈ ગયું છે. ૫૦ વર્ષ પહેલાં પંડિત રવિશંકર સાથેના લગ્નજીવનમાં ભંગાણ પડયું ત્યારથી અન્નપૂર્ણાએ સંગીતથી (અને સંગીતપ્રેમી દુનિયાથી) મોં ફેરવી લીધું છે. સંગીતનો એક પણ કાર્યક્રમ કે રેકોર્ડ કે સીડી કે કોઈ કેસેટ ઉપલબ્ધ નથી. છેલ્લાં ૫૦ વર્ષમાં કોઈએ એમને ગાતાં સાંભળ્યાં નથી, સિવાય બીટલ્સવાળા જ્યોર્જ હેરિસન જેને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મદદથી ૧૯૭૦માં આકાશગંગાના એ ફલેટમાં જવા મળ્યું હતું.
ગત સપ્તાહે સિતારના સુપરસ્ટાર પંડિત રવિશંકરનું અવસાન થયું ત્યારે અન્નપૂર્ણા દેવીનું નામ પાછું 'ચર્ચા'માં આવી ગયું. અન્નપૂર્ણાનું જન્મનું નામ રોશનઆરા, પરંતુ મૈહરના મહારાજા બ્રીજનાથસિંહે એમનું નામ અન્નપૂર્ણા પાડેલું, કારણ કે એમનો જન્મ ચૈત્રી પૂનમે થયેલો. પિતા અલ્લાઉદ્દીન ખાન એ જમાનાના સંગીતના મહાઉસ્તાદ અને એમના સાથીદાર ઉદય શંકરનો ભાઈ રવીન્દ્ર શંકર પણ એના હાથે તાલીમ મેળવતો. આ રવીન્દ્ર એટલે રવિ શંકર. અન્નપૂર્ણા ૧૩ વર્ષનાં હતાં ત્યારે ઉદય શંકરે ૧૮ વર્ષના રવિ શંકરને (એમણે પાછળથી લખ્યું હતું તેમ) લાકડે માંકડું વળગાળી દીધેલું.
એવું કહે છે કે અન્નપૂર્ણામાં એટલી આવડત હતી કે પંડિતજીને એમની ઈર્ષા થવા લાગેલી. અન્નપૂર્ણાના ભાઈ અલી અકબર ખાન કહેતા કે, “રવિ શંકર, પન્નાલાલ ઘોષ અને મને એક બાજુ રાખો અને બીજી બાજુ અન્નપૂર્ણાને મૂકો તો એનું પલ્લું નમી જશે." અમિતાભ-જયાની ફિલ્મ 'અભિમાન' આ બન્નેની કહાની આધારિત હતી એવી ય ગુસપુસ થાય છે.
બીજું કારણ પંડિતજીની 'ભટકતી' આંખો. કહે છે કે પંડિત રવિ શંકર 'કાછડી છૂટા' ત્યારે ય હતા અને એમાં જ અન્નપૂર્ણામાં 'ભેરવાઈ' ગયેલા. પાછળથી એમને આ 'કાછડી છોડવાની' કમજોરી સમજાઈ પછી એ લગ્નની કે પ્રેમની જંજાળમાં નહીં પડેલા અને જે પણ સ્ત્રીને 'બહેનપણી' બનાવે એને અગાઉથી જ ચેતવી દેતા. આમાં ને આમાં સંગીતમાં અત્યંત કુશળ અન્નપૂર્ણા દેવી ભેખડે ભરાઈ ગયાં. લગ્નનાં બે જ વર્ષમાં પંડિતજી એમના ભાઈની સાળી કમલાના પ્રેમમાં પડેલા. 'રાગ અનુરાગ' નામની પંડિતજીની આત્મકથામાં ય આ કમલાનો ખુલ્લો એકરાર છે. બીજો એકરાર પંડિતજીના અને અન્નપૂર્ણા દેવીના આકરા સ્વભાવનો છે. બન્ને એકબીજાનાં માથા ભાંગે તેવાં. આમાં ને આમાં અન્નપૂર્ણા દેવી પંડિતજીના અને જાહેર જીવનમાંથી ખસતાં ગયાં અને ૧૯૬૨માં એમનાથી છૂટા થઈને મુંબઈના ફલેટમાં પોતાની જાતને કૈદોબંધ કરી દીધી. 'માનુષી'નાં નારીવાદી સંપાદક મધુ કિશ્ચર ટ્વિટર પર લખે છે કે, “રવિ શંકરે અન્નપૂર્ણાની સંગીતની કારકિર્દી બરબાદ કરી નાખેલી. એ પંડિત કરતાં ય પ્રતિભાવાન હતાં અને એક કાર્યક્રમમાં પંડિતે ક્રૂરતાથી એમને ઘસીટયાં હતાં. એ દિવસથી એમણે કાર્યક્રમ બંધ કરી દીધા."
એને પંડિતજીના પ્રેમમાં ખુવાર થઈ જવાનું કહો કે સંપૂર્ણપણે સાધનામય થઈ જાવાનું કહો, સંગીતના વિદ્યાર્થીઓને તાલીમ આપવા સિવાય અન્નપૂર્ણાએ ત્યારથી આજ સુધી કોઈ પરફોર્મન્સ આપ્યું નથી. પછીથી તો પંડિતજી ય એમના સંગીતમાં (અને પ્રેમમાં) છવાઈ જવાના હતા.
પંડિતજી એમની આત્મકથામાં એમના 'શરૂઆતથી જ નાકામ' લગ્નની વાત કરે છે, પરંતુ અન્નપૂર્ણા દેવીએ આજ સુધી એક શબ્દ પણ કહ્યો નથી. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની એક પત્રકારે ૨૦૧૦માં અન્નપૂર્ણાદેવીને મળવા પ્રયાસ કરેલો. અન્નપૂર્ણાએ લખેલા પ્રશ્નો સાથે મળવા સંમતિ આપેલી. એમાં એક પ્રશ્ન પંડિતજી સાથેના લગ્નજીવનને લગતો હતો અને અન્નપૂર્ણાએ લેખિતમાં જ જવાબ આપેલોઃ "નો કોમેન્ટ."
૧૯૮૨માં એમણે ગુજરાતી કોર્પોરેટ મેનેજર અને સંગીતપ્રેમી ઋષિકુમાર પંડયા સાથે (જે તેમનાથી ૧૩ વર્ષ નાના છે) લગ્ન કર્યાં. અન્નપૂર્ણા કહે છે, "હું આજે જીવતી છું એનું શ્રેય પંડયાજીને જાય છે." બીજો સવાલઃ તમે ક્યારેક પરફોર્મ કરશો ખરાં? અન્નપૂર્ણાનો જવાબઃ "નો, નેવર. હું મારા વિદ્યાર્થીઓને શીખવું છું ત્યારે કે કબૂતરોને ચણ નાખું છું ત્યારે અત્યંત શાંતિ લાગે છે. હું ૩૬૫ દિવસ આ ઘરમાં જ રહું છું તે સાચું. બહાર બારણાં પર સૂચના લખી છે તે ય સાચું, પણ ઘરની અંદર હું એક આમ જીવન જીવું છું."
મુંબઈના વોર્ડન રોડ પરની આકાશગંગા ઇમારતના છઠ્ઠા માળે આવેલા ફલેટમાં આજે ય રાત્રે ૧૨ વાગ્યા પછી સૂરબહાર અને સિતારના સૂર ખામોશીને તોડે છે. પાડોશીઓને એટલી જ ખબર છેઃ કોઈક સંગીતકાર છે!
24 December 2012