આદરણીય વિવેકવાદી શ્રી રમણભાઈ પાઠકની સ્મૃિતમાં યોજાતી વ્યાખ્યાનમાળામાં આપે મને વક્તા તરીકે પસંદ કર્યો હતો, એનું હું ગૌરવ અનુભવું છું. આપ સહુ મળીને બાળકોથી માંડી વયસ્ક નાગરિકોમાં વૈજ્ઞાનિક ચેતના બરકરાર રહે એવી વર્ષોથી પ્રવૃત્તિઓ કરો છો, એ બદલ ધન્યવાદને પાત્ર છો. એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં આવી પ્રવૃત્તિઓ રાજ્યપ્રેરિત, કલ્યાણરાજ્યપ્રેરિત હોવી જોઈએ તેના બદલે આવી સંસ્થાઓએ આવી પ્રવૃત્તિ નાગરિક ધર્મ સમજીને કરવી પડે છે, એ કરુણતા છેે. આઝાદી વખતે જવાહલાલ નેહરુએ લખેલ ગ્રંથ ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં પહેલી વાર ‘વૈજ્ઞાનિક દષ્ટિકોણ’ (Scientific Temper) શબ્દ વપરાયો હતો. એ શબ્દને એ પ્રતિબદ્ધતાથી અમલમાં પણ મૂકતા રહ્યા હતા. વળી, આ શબ્દ ‘ધાર્મિક રૂઢિવાદ’ની ટીકાના સંદર્ભે તેઓ વાપરતા હતા. આઝાદી પછી ચચ્ચાર આઈ.આઈ.ટી, પી.આર.એલ. જેવી સંસ્થાઓ એની સાહેદી છે. વિજ્ઞાન સાથે ન સંકળાયેલા પણ વિજ્ઞાનમાં રસ લેતા થાય એ માટે એસોસિયેશન ઑફ સાયન્સ વર્કર્સ ઑફ ઇન્ડિયા(A.S.W.I.)ની સ્થાપના કરી, સોસાયટી ફૉર ધ પ્રમોશન ઑફ સાયન્ટિફિક ટેમ્પરની પ્રવૃત્તિને વેગ આપ્યો, પરિણામે ભારતભરમાં આવાં સંગઠનોનો ઉત્સાહ વધ્યો. આજે અવળી ગંગા ચાલે છે. તે વિવિધ પ્રસંગોએ સ્પષ્ટ થયું છે. એ વખતે જનવિજ્ઞાન વેદિકા, બૅંગાલુરુ સાયન્સ ફોરમ, મરાઠી વિજ્ઞાનપરિષદ, કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી. મદ્રાસની સંસ્થા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિકસ્ ફંડના અભાવે નહોતી ચાલતી, તો જવાહરલાલે વિશેષ મદદ કરી સંસ્થાને પગભર કરી. મૂળ વાત તો એ છે કે ભારતના કરોડો અભણ લોકોમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ન હોય એ સ્વાભાવિક છે, પણ સમાજના બુદ્ધિસંપન્ન લોકો પણ એમાં વ્યાપ્ત હોય એ કરુણ ઘટના છે. રાજ્ય પણ લોકોમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ ખીલે એ સંદર્ભે ઉદાસીન છે. શિક્ષણનો આખો ઢાંચો જ વિજ્ઞાનમૂલક હોવો જોઈએ. એમાં પણ ગાબડાં છે. તેથી ત્યાર બાદ પ્રો. નુરુલ હસને ભારતના બંધારણમાં ૪૨મુ સંશોધન કરતી વેળાએ ઉમેરણ સૂચવ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકનું એ કર્તવ્ય હશે કે તે પોતાની અંદર વૈજ્ઞાનિક દષ્ટિકોણનો ભાવવિકસિત કરે. આવા સંજોગોમાં માધ્યમોની ભૂમિકા કેવી રહી છે તે તપાસવા મેં ‘તાર્કિકતાના ત્રાજવે મીડિયા, સરકાર અને શિક્ષણ’ એવો વિષય પસંદ કર્યો છે અને યથાશક્તિ હું એને ન્યાય આપવા પ્રયાસ કરીશ.
જ્યાં દુર્ગારામ મહેતા ભૂવાઓનાં મંડળોને પડકારતાં ચોપાનિયાં છાપતાં એટલું જ નહીં સુરતના ચોકમાં ખુલ્લેઆમ મૂઠ મારી બતાવવા પડકાર ફેંકેલો! આ ક્ષણે દલિતનેતા આત્મારામ પરમાર એટલા માટે યાદ આવ્યા કે એ દલિત અત્યાચાર થાનગઢનો હોય કે ઉનાનો, એને તડકે મૂકીને તેમણે ગુજરાતના સિત્તેર ભૂવાઓનું શિક્ષણમંત્રીની સાક્ષીએ સન્માન કર્યું! આજે સુરત શહેર હીરાઉદ્યોગનું, સાડીઓનું શહેર છે, એવી એની ઓળખ છે. દોઢસો વર્ષ પહેલાં એ નવજાગૃતિનું શહેર હતું કે જ્યાં દુર્ગારામ મહેતા, નર્મદ હતા, આજે ગુજરાતમાં આત્મારામ પરમાર છે. કહેવું હોય તો એને ભા.જ.પી. વિકાસ ચોક્કસ કહી શકાય!
વિવેકવાદ રેશનાલિઝમનો માધ્યમો સાથેનો સંબંધ એટલા માટે બહુ ચોંકાવનનારો નથી કે માધ્યમો બજારનો એક ભાગ હોઈને એ સહુ કોઈને વેચી શકે! જેમાંથી હરિ પણ બાકી શા માટે? એ ઈશ્વર, અલ્લા, ઈસુ કોઈને પણ વેચી શકે. અંધશ્રદ્ધા વેચવામાં એને બહુ છોછ નથી. સમૂહ માધ્યમોના ભાગ રૂપે વર્તમાનપત્ર શરૂ થયાં, ત્યારથી આ વહેવાર શરૂ થયો હતો અને આજે જ્યારે ડિજિટલ નવસંચાર માધ્યમો-વૉટ્સએપ, ફેસબૂક, યુ-ટ્યૂબ અસ્તિત્વમાં આવ્યાં છે, ત્યારે એમાં પણ આ ધંધો ધમધોકાર ચાલે છે. કમ્પ્યૂટરનો એક વિશેષ ઉપયોગ ભારતમાં થાય છે, અને એ જન્મકુંડળીઓ બનાવવામાં! આમ, વૈજ્ઞાનિક સંશોધનના ફળ સ્વરૂપે મળેલાં સંસાધનોનો પણ આપણે અંધશ્રદ્ધાના કારોબારમાં ઉપયોગ કરી લઈએ છીએ! માનવસંસાધન-મંત્રાલય દ્વારા સંસ્કૃતમાં શરૂ કરાયેલ ટી.વી. કાર્યક્રમ ‘ભાષામંદાકિની’અને ‘જ્ઞાનદર્શન’માં જ્યોતિષ અને વૈદિક ગણિતની વારંવાર રજૂઆત થાય છે. હોરર ફિલ્મશ્રેણીઓ આવી અંધશ્રદ્ધાને બળ દેનારી હોય છે!
આધુનિક ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક ચેતનાવંતો સમાજ નિર્માણ કરવાની જવાબદારી માધ્યમોની છે, એના સ્થાને માધ્યમોમાં બિલકુલ અવળી ગંગા વહે છે! બધી જ ચૅનલો પર ગણેશજીએ દૂધ પીધું હતું, એ આપણને સહુને યાદ હશે! આવાં આવા બ્રેકિંગ ન્યૂઝ વિકસિત સમાજની નિશાની ગણાય?
ભારતમાં જ્યાં ધર્મના નામે, જ્ઞાતિના નામે મત માગવાની જ કાયદેસર મનાઈ છે, ત્યાં સીધેસીધાં ધાર્મિક સંગઠનો ચૂંટણી લડે છે! ધર્મનિરપેક્ષતાનો અર્થ આપણે સમજ્યા જ નહીં. રાજ્ય અને શિક્ષણ આ બે ક્ષેત્રોમાં ધર્મની દખલગીરી ન ચાલી શકે. આજે અનેક ધાર્મિક સંગઠનો શિક્ષણસંસ્થા ચલાવે છે! અમદાવાદમાં નવી હાઈકોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું! વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, ધારાસભા લશ્કર મળીને રાજ્ય થાય. આમાં ધર્મની કેટલી દખલ છે?
માધ્યમો વિશે વિચારતાં સહુથી પહેલાં એ કોની માલિકીનાં છે તે વિચારવું જોઈએ. માધ્યમો આજે કાં તો રાજ્ય દ્વારા સંચાલિત છે કાં તો મોટા ઉદ્યોગપતિઓ દ્વારા, પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક ચેતનાના પ્રસાર-પ્રચારની ધગશવાળાં માધ્યમો વૈકલ્પિક બની શકે, પરન્તુ માધ્યમોની કરોડો રૂપિયાની સરજત છે અને જેમાંથી કરોડો ઊભા કરવાના છે! તેથી વૈકલ્પિક માધ્યમ લોઢાના ચણા ચાવવા જેવું છે.
બીવી નંબર વન એ જ છે કે જે કરવાચૌથ રાખે છે! આવી માનસિકતા સિરિયલો દ્વારા દઢ કરવામાં આવી છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની નાયિકા પાશ્ચાત્ય વસ્ત્રોમાં સજ્જ છે, છતાં ‘જય જગદીશ હરે’ આરતી ગાય છે, એટલે ગુણવાન છે! સિરિયલોમાં મંગળસૂત્રો વધતાં જ ગયાં છે! ચપટીભર સિંદૂરની કિંમત તુમ ક્યા જાનો, બાબુ – કહીને પિત્તૃસત્તાને વળ ચઢાવાતો રહે છે.
‘રોઝા’ જેવી ફિલ્મમાં ત્રિરંગાની સામે નમાજ મૂકવામાં આવી છે! ધાર્મિક ઓળખોને રાષ્ટ્રીય ઓળખમાં પરિવર્તિત કરાય છે. તેથી અમુક પ્રકારની દાઢી, લુંગી અને ટોપી આવે, એટલે એ આતંકવાદી જ હોય! આધુનિક રાષ્ટ્રમાં ધર્મનું સ્થાન વિજ્ઞાને, શ્રદ્ધાનું સ્થાન તર્કે અને ઈશ્વરનું સ્થાન મનુષ્યે લીધું હતું, એ પ્રક્રિયાને ધર્મકેન્દ્રી કાર્યક્રમો પાછળ ધકેલે છે. ફરી એક વાર દેશ સામંતવાદ તરફ પાછો ફરે છે જ્યાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ધર્મ, વંશની ઓળખો મજબૂત થાય છે. પરિણામ એટલું ઘાતક આવ્યું કે મુખ્ય રાજકીય પક્ષો જ્ઞાતિકેન્દ્રી ઉમેદવારો જ પસંદ કરે છે! આવા સંજોગોમાં માધ્યમોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ પ્રગતિશીલ છે કે પ્રતિક્રિયાશીલ એ એના ઉપરથી જ નક્કી થાય છે. એમના દ્વારા જ માનસિકતા(Minset)નું ઘડતર થાય છે. આખો સમાજ આજે માધ્યમકેન્દ્રી થઈ ગયો છે, ત્યારે માધ્યમો જો કેવળ નફાકેન્દ્રી જ રહીને પુરાતનપંથી વાતોને જ પ્રોત્સાહન આપે, તો ભારતીય સમાજને એ પુનઃ સામંતી બનાવશે. હવે જો ઓરિસ્સામાં પાદરી સ્ટેઇનની બાળકો સમેતની હત્યા કરનાર દારાસિંહ, કોમી તોફાનોના ઘડવૈયાઓ જ જો ધારાસભ્યો કે સાંસદો બને એને રોકવાની કોઈ જ પ્રક્રિયા માધ્યમો કરે છે ખરાં? એ વખતે પ્રધાનમંત્રીશ્રી અટલબિહારીએ કહ્યું કે ચર્ચા ધર્માંતરણ પર થવી જોઈએ!
માધ્યમોએ એવી ભૂમિકા અદા કરી છે કે જાણે ધર્મ જ ભારતીયની મુખ્ય સાંસ્કૃિતક ઓળખ છે! એના કારણે આજે સમાજનો મધ્યમવર્ગ અને નિમ્નવર્ગ પુનઃ બમણા જોરે પુનરુત્થાનવાદી વિચારધારાઓની પકડમાં આવી ચૂક્યો છે. ઈ.સ. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી, બધા જ ધર્મોનાં વિધિવિધાનથી એમના આત્માની શાંતિ અર્થે થયેલા કાર્યક્રમો નવા-નવા શરૂ થયેલાં દૂરદર્શન પર એટલા છવાયા અને બીજી તરફ શીખોની હત્યાથી ઊભી થયેલી હિંદુચેતનાએ ચૂંટણીમાં મબલક બેઠકો આપી! રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે ભા.જ.પ.ની માત્ર ત્રણ જ બેઠકો હતી! કોમવાદ અને માધ્યમોએ સર્જેલી માનસિકતાનો આ અભૂતપૂર્વ વિજય હતો, જે સમજતાં સંઘપ્રેરિત ભા.જ.પ.ને વાર ન લાગી. એમને સમજાઈ ગયું કે હિંદુચેતના અને માધ્યમો આ બેનો સરવાળો હાથ લાગી જાય, તો સિંહાસન કે દિલ્હી દૂર નથી. રાજીવ ગાંધીએ યુ.જી.સી.ના અભ્યાસક્રમમાં જ્યોતિષ દાખલ કર્યું, રામમંદિરનાં તાળાં જે એક (દુઃ) સ્વપ્નને નહીં સ્વીકારીનેે નેહરુએ માર્યાં હતાં તે ખોલ્યાં, તો બીજી તરફ આ જ ગાળામાં રજૂ થયેલી ‘રામાયણ’, ‘મહાભારત’ સિરિયલોએ મધ્યમવર્ગીય હિંદુચેતનાને તૈયાર કરી નાંખી હતી. તાળાં ખોલી હિંદુ વોટબૅંકને અને શાહબાનુ કેસથી મુસ્લિમ વોટબૅંકને બેઉ હાથે ઝાલવા જતાં રાજીવ ગાંધીએ નેહરુની ધર્મનિરપેક્ષ નીતિનો ખાતમો બોલાવ્યો, જેની સૌથી મોટી અસર મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ ઉપર એવી પડી કે એનામાં રહેલી ધાર્મિક ઓળખ વધુ દઢ થઈ. માધ્યમોમાં કામ કરનારા પત્રકારો, કલાકારો, ટૅક્નિશિયનોનો મોટો ભાગ સમાજના આ વર્ગોમાંથી આવે છે તેથી માધ્યમોમાં ધાર્મિક પકડ મજબૂત બની. બાકી હતું એ ‘રાજીવ ગાંધી હટાવો આંદોલન’ પછી, રાજીવની હત્યા પછી વી.પી. સિંહની સરકાર આવી તેણે મંડલ કમિશનની ભલામણો લાગુ કરવાનો નિર્ણય લીધો, તેથી ધાર્મિક ઓળખોવાળા સવર્ણ સમુદાયને આઘાત લાગ્યો! હવે એમને લાગવા માંડ્યું કે ભા.જ.પ. જેવી દક્ષિણપંથી પાર્ટી જ એમનું રક્ષણ કરી શકશે. એના કારણે મંડલ સામે કમંડળ લઇને ’૯૦માં ટોયોટો વાનમાં સોમનાથથી બાબરીયાત્રા શરૂ થઈ! માધ્યમોમાં ધર્મઓળખની ભરમાર વધી. જેની પરાકાષ્ટા ’૯૨ના બાબરીધ્વંસમાં આવી ત્યાર બાદ એક દાયકે ૨૦૦૨માં ગોધરાકાંડ અનુગોધરાકાંડે એવી મજબૂત બનાવી કે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના તાણાવાણા વીંખાઈ ગયા.
ભા.જ.પે. પોતાના પક્ષીય કાર્યકર્તાઓને ‘રામભક્ત’ કે ‘કારસેવકો’ કહેવા માંડ્યા. જેમ હાલમાં જ (સપ્ટે-૨૦૧૮) ભોપાલના પક્ષસંમેલનને ‘મહાકુંભ-સંમેલન’ નામ અપાયું. ભા.જ.પ.ના કાર્યકરો ‘રામજાદે’ બીજા બધાં ‘હરામજાદે’! અયોધ્યા આંદોલનને જબરદસ્ત જનસમર્થન છે, એવી હવા ઊભી કરવામાં માધ્યમોની ભૂમિકા મોટી રહી હતી. એના કારણે ભય અને આતંકનું જે વાતાવરણ ફેલાયું, તે હાંસિયામાં ધકેલાઈ ગયું. ‘હિંદુ-હિંદુ ભાઈ-ભાઈ’ બીચ મેં વર્દી કહાઁ સે આઈ? જેવાં સૂત્રોચ્ચારથી પોલીસ/તંત્રને પણ પોતાનામાં સમાવી લેવાનો પ્રયાસ થયો. આ આખી ઘટનામાં માધ્યમો કેવળ રથયાત્રા પર કેન્દ્રિત થયાં હતાં. ઘટનાની બીજી બાજુએ કૅમેરા કે કલમની ગેરહાજરી હતી. આ રીતે માધ્યમોની સાંપ્રદાયિક છબીના સંદર્ભે રથયાત્રા ઐતિહાસિક સીમાસ્તંભરૂપ ઘટના ગણી શકાય.
રથયાત્રાને ધાર્મિક અને રાષ્ટ્રીય જનજાગરણ ગણાવીને સાંપ્રદાયિક બનેલાં માધ્યમોને આજે આ ફાસિવાદી માનસિકતા એમનાં પણ ગળાં ઘૂંટવા માંડી, ત્યારે ખટકે છે! રથયાત્રાનો ઉન્માદ કેવળ કારસેવકો પૂરતો નહોતો રહ્યો. પત્રકારો પણ એના રંગે રંગાયા હતા! આજે મારા ઘણા પત્રકારમિત્રો ‘આ બુદ્ધિજીવીઓ …’ કહીને ગાળ બોલે છે. મને થાય છે કે પત્રકાર ખુદ બુદ્ધિજીવી નથી? ધર્મ કે ધર્મના રાજકારણ સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ કે સંગઠનોની પાછળ સરકારો તો પડી પણ માધ્યમોએ પણ કસર ન છોડી. અરુંધતી રૉય, કર્નલ સાવે, સોની સુરિ, તીસ્તા સેતલવાડ વગેરે એનાં ઉદાહરણ છે.
કોઈ પણ વ્યક્તિ કે સંગઠન દલિત, મુસ્લિમ, આદિવાસી, ઈસાઈ જૂથો માટે કે કાશ્મીર સંદર્ભે કામ કરતાં હોય તે બધાં જ દેશદ્રોહી! આ વાતાવરણ સર્જવામાં માધ્યમોનું બહુ મોટું પ્રદાન છે. તમે જો લગીરેક પણ ડાબેરી વિચારસરણીમાં માનતા હો તો તમારી સાથે પણ એવો જ વ્યવહાર થાય એનો પણ મને જાતઅનુભવ છે. દાભોલકર, કુલબર્ગી, પાનસરે, ગૌરી લંકેશની હત્યા પછી માધ્યમોએ સરકારની ખબર લઈ નાખવી જોઈતી હતી, પણ એવી હિંમતનો સર્વથા અભાવ છે જેને કારણે ગિરીશ કર્નાડ, જેવા અનેક લેખકોને ધમકીઓ પણ મળવા માંડી.
ભા.જ.પ.ના ચૂંટણીપ્રતીક કમળ પર સુશોભિત ટોયોટો વાનવાળી રથયાત્રાનો ઉદ્દેશ ધાર્મિક હતો કે રાજનૈતિક એવો સવાલ ઉઠાવ્યા વિના માધ્યમોએ એને રાષ્ટ્રીય નવજાગરણ ગણાવ્યું. એનાં કડવાં ફળો આજે અડવાણી સમેત સહુ ભોગવે છે! સ્થાનિક કે રાજ્યકક્ષાનાં માધ્યમો તો આ સંઘોલ્લાસમાં હઇસો-હઇસો કરી રહ્યાં હતાં પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ પણ બાકાત ન હતાં!
એનું પરિણામ એ આવ્યું કે આજે આપણા રાજનૈતિક વિમર્શના કેન્દ્રમાં સાંપ્રદાયિક સંંગઠનો આવી ગયાં. સવાર પડે ને એવા જ મુદ્દાઓ ચોમેર ઊડતા હોય! બરાડા પાડીને યુદ્ધભૂમિમાં પત્રકારો ટંકાર કરવા માંડ્યા. દીપિકાનું નાક વાઢવાનું, પદ્માવતીનું પદ્માવત કરવાનું આવું બધું બ્રેકિંગ- ન્યૂઝ બનવા માંડ્યું. પ્રિન્ટ મીડિયા કે દશ્યમાધ્યમ કે જ્યાં RSS, બજરંગદળ, VHPનું નામોનિશાન નહોતું, એ હવે પ્રતિક્ષણ હાજરાહજૂર છે! ભાગવત, તોગડિયા, ગિરિરાજકિશોર, ઔવેસીનાં નિવેદનોથી સવારસાંજ મીડિયામાં પડે છે!
આ ઉત્ક્રાંતિની પરાકાષ્ઠાનાં મૂળિયાં ક્યાં છે? આજે મીડિયામાં ધર્મનો જોરદાર ધસારો છે. એકાએક જાતભાતના બાબાઓની ભીડ વધી છે. એનું બજાર ઊભું થયું છેે. જ્યારે માત્ર સરકારી દૂરદર્શન હતું, ત્યારે શું હતું? આજે ચૅનલોના ઘૂઘવતા સમંદરવચાળે ધર્મના હોડકાની ગતિ વેગીલી છે. એનાં મૂળિયાં માટે ’૭૫માં જવું પડશે. એક ફિલ્મ આવી જેનું નામ હતું ‘જય સંતોષી મા’. એ ફિલ્મે ‘શોલે’ કે ‘દિવાર’નો રેકોર્ડ તોડી નાંખેલો. લોકોમાં ત્યારે શુક્રવારનું ચલણ વધી ગયેલું. થિયેટર મંદિર બની ગયેલાં. ઘણાં તો થિયેટરમાં જૂતાં બહાર કાઢીને જતાં! આજે મીડિયામાં ધાર્મિક ચૅનલોની ટકાવારી વધી છે. જ્યારે સંતોષીમા ફિલ્મમાં દર્શન દેતાં, ત્યારે ફૂલો અને પૈસાનો વરસાદ વરસતો હતો! સંતોષીમાને સહુ વારેવાર વંદન કરતા. નવમા દાયકામાં બીજો ધડાકો થયો. સરકારી દૂરદર્શન પર ૨૫ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ રામાયણ સિરિયલનો પહેલો હપ્તો રજૂ થયો, ત્યારે કોઈને ય કલ્પના નહોતી કે ૩૧/૭/૧૯૯૮ જ્યારે સિરિયલ પૂરી થશે, ત્યાં સુધી ગલીમહોલ્લા રસ્તા, બજાર સૂમસામ બની જશે! સિરિયલ પતશે કે બધે આરતી ઊતરશે! પછીથી રામાનંદ સાગર ચાણક્ય, ચંદ્રગુપ્ત, કૃષ્ણ જેવી સિરિયલના પ્રેરણાપુુરુષ બન્યા. સીતામાતા બનેલા દીપિકા ચીખલિયા ભા.જ.પ.માં ચાલ્યાં ગયાં. રાજકારણના કોઈ પણ અનુભવ વિના વડોદરાથી ચૂંટાયાં અને રામભગવાન બનેલા અરુણ ગોવિલ કૉંગ્રેસમાં ગયા!
જેવી રામાયણ પૂરી થઈ કે બી.આર. ચોપરાએ મહાભારત માંડી. ૧૯૮૮થી૧૯૯૦ સુધી ૯૪ એપિસોડ આવ્યા! ત્યાર પછી તો સાચેસાચું રામજન્મભૂમિ મંદિર જ આવી ગયું! સોનેરી ભૂતકાળમાં આ સિરિયલો લઈ ગઈ. બી.બી.સી.એ અંગ્રેજી સબટાઇટલ સાથે આ શ્રેણી બતાવી. દર્શકોની સંખ્યાનો ગીનિઝ બુક વર્લ્ડરેકૉર્ડ નોંધાયો. આ સિરિયલોએ બજારને પ્રભાવિત કર્યું. દ્રૌપદીના વસ્ત્રાહરણ પછી આ જ સુરત શહેરમાં દ્રૌપદી સાડીનું વેચાણ પણ વધેલું જાણેલું, એમાં નીતિશ ભારદ્વાજ(કૃષ્ણ)ના આશીર્વાદ હોય!
આ સિરિયલોને કારણે જે ટી.વી. લોકોને સંસ્કૃિતવિરોધી છે, તેવું લાગતું તે એકાએક સંસ્કૃિતનું સંવાહક લાગવા માંડ્યું. ટી.વી.નું આ ધર્મકરણ કે ધર્મનું ટી.વી.કરણ મીડિયા-માર્કેટને નફો રળી આપવા માટે કારગર સાબિત થયું. કેટલાંક વર્તમાનપત્રોને આ ઘટના ટી.વી. સેટ સામે આટઆટલા નાગરિકોનું ગોઠવાઈ જવું રાષ્ટ્રીય એકતાના પ્રતીક જેવું લાગેલું. આમ, જમીન તૈયાર થઈ હતી. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના સરકારી દૂરદર્શન દ્વારા રાવણ પણ સીતાની સાથે ભા.જ.પ.માં જોડાઈ ગયો. પછી તો વિવિધ ચૅનલો આવી અને દે ધનાધન અંધશ્રદ્ધાને મોકળું મેદાન પૂરું પાડતા કાર્યક્રમો આવવા માંડ્યા. માત્ર રાશિફળ જ નહીં પણ રાશિફળ સાંભળતાં-સાંભળતાં શાયરી પણ સાંભળો, એવી રોચક વ્યવસ્થાઓ થઇ. એન.ડી.ટી.વી.ના આવા કાર્યક્રમમાં શમશેર લૂથરા કવિતા સાથે રાશિફળ સંભળાવતા હતા! છેક સપ્ટેમ્બર-ઑક્ટોબર-૧૯૭૫ના ‘ધ હ્યુમેનિસ્ટ’- સામયિકમાં ૧૯૨ વૈજ્ઞાનિકોએ હસ્તાક્ષર કરેલા અને જ્યોતિષશાસ્ત્રને નકામું સાબિત કરેલું, જેમાં ૧૯ નોબેલ વિજેતાની સહી હતી. છતાં આજે ય મંગળ/ગુરુ શનિ ચાલ્યા કરે છે.
૨૦૦૦માં, એકવીસમી સદીની પૂર્વસંધ્યાએ ‘આસ્થા’ ચેનલનું આગમન થયું. ભારતની સંપૂર્ણ ધાર્મિક ચૅનલોને હવે વિવિધ બાબાઓની જરૂરત ઊભી થઈ. ભાવનાઓ અને લાગણીઓના દેશમાં એનું બજાર શરૂ થયું! સૂફીસંગીત પણ મઝારથી બજાર લગી પહોંચ્યું. ૧૯૯૦થી ૨૦૦૦ સુધી સાસુ-વહુની સિરિયલોનો દબદબો હતો. હવે એકદમ જ ‘આસ્થા’ પછી ભારતમાં આધ્યાત્મિકતાનું પૂર ઊમટ્યું. ‘આસ્થા’ના દર્શકવર્ગમાં એન.આર.આઈ.ની સંખ્યા પણ ઓછી ન હતી. વતનઝુરાપો, સંસ્કૃિત માટેની ભૂખ એમનામાંથી ઊમટી, તેથી એ પણ ગ્રાહકોમાં સારી પેઠે વટલાયા.
ત્યાર બાદ સંસ્કાર, સાધના, પ્રજ્ઞા, ધર્મ, અમૃતા જેવી ડઝનેક ચૅનલો ઊભી થઈ. આમાં ભજન, આરતી, કીર્તન ચાલ્યાં જ કરે છે. આસ્થાનો દાવો ૨૦ કરોડ દર્શકોનો છે. અમૃતા ચૅનલનું ઉદ્ઘાટન તત્કાલીન સૂચના – પ્રસારમંત્રી રવિશંકર પ્રસાદે મા અમૃતાનંદમયીના ૫૦મા જન્મદિવસે કર્યું હતું! આમ, શરૂઆતથી જ રાજનીતિ અને ધર્મના તાણાવાણા વણાઇ રહ્યા છે મીડિયા દ્વારા જેની પરાકાષ્ઠામાં બાબા રામદેવ, આસારામજી કે રામરહીમ આવે છે. અડવાણીની આત્મકથાનું વિમોચન શ્રી શ્રી રવિશંકર કરે છે!
આ ચૅનલો પર ભજનસ્પર્ધાના કાર્યક્રમ ચાલે છે. ધાર્મિક સંગીતનું ટેલેન્ટ હન્ટ પણ ચાલે છે. ઉત્સવો, તહેવારો, જાગરણ ને ગુરુમિલનનું આકર્ષક ટકાઉ પૅકેજ તૈયાર થવા માંડ્યું. મીડિયાને કોઈ પણ ભોગે નફો જોઈએ. જાહેરાતખોરોને ગ્રાહકો જોઈએ. આ બેઉની મિલીભગતે દેશમાં વૈજ્ઞાનિક ચેતનાનું દેવાળું કાઢી નાખ્યું. જાહેરાતખોરોને આમાં બજારની અનંત સંભાવના નજરે પડી, તેથી જે ધાર્મિક ચૅનલો માળા-અગરબત્તી નંગની જાહેરાત બતાવતી હતી, તે હવે ઍરલાઇન, ટાયર, બૅંકની જાહેરાતો પણ બતાવવા માંડી! ચૅનલો પર રંગીન, ફાસ્ટ અને સ્માર્ટ ગુરુઓની ફોજ ઊતરવા માંડી. આસ્થાનો દાવો છે કે, ૧૬૦ દેશમાં પ્રદર્શિત થાય છે! કુંભભેળો, ગણેશચતુર્થી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી, નવરાત્રીનું લાઇવ ટેલિકાસ્ટ દેખાડવા માંડ્યું. ગુજરાત સરકારે પરશુરામ જયંતીની જાહેર રજા પછી નવરાત્રીનું યુનિવર્સિટીઓમાં વૅકેશન જાહેર કર્યું. સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ – એ દિવસે શું ખાવું, શું ન ખાવું, કઈ દિશામાં સૂવું શું, શું પહેરવું, શું ન પહેરવું અને ગ્રહણની અસરો નિવારવા બીજા કયા ઉપાયો કરવા, એની આખો દિવસ ચર્ચાઓ આવવા માંડી.
ન્યૂઝ-સ્ટોરીના વિષયો રસપ્રદ બન્યા છે. અનિલ અંબાણીએ પોતાના જન્મદિવસે ઉજ્જૈનના મહાકાલમાં કરાવેલી પૂજા! સચિન તેંડુલકરે સત્ય સાંઈબાબાના લીધેલા આશીર્વાદ કે અભિતાભ બચ્ચન તિરુપતિની મુલાકાતે! ઐશ્વર્યા રાયને લગ્નમાં દોષ હતો, જેના કારણે પતિને મુશ્કેલી થાય, તેથી અભિષેક બચ્ચન સાથે લગ્નના ફેરાં ફર્યા પહેલાં એને એક વૃક્ષ સાથે પરણાવવાની વિધિ થયેલી. આ ઘટનાઓ બ્રેકિંગ ન્યૂઝ બની. મંદિરોની પ્રસિદ્ધિ વધી. મંદિરોમાં આવા કાર્યક્રમની તસ્વીરો મઢાવીને મુકાવવામાં આવી! અષ્ટવિનાયક મંદિરની સામે જ ઓબીવૅનમાં કૅમેરા લઈને ઊભેલા પત્રકારો ગણેશદર્શન માટે તલપાપડ લાંબી લાઇનનું લાઇવ ટેલિકાસ્ટ કરે છે. ભકતોના ઈન્ટરવ્યુ લે છે! સંતોષીમા કે સાંઈબાબા પર સિરિયલો બનવા માંડી છે. મીડિયાસેવી આવો દર્શક લોકતાંત્રિક થાય? વૈજ્ઞાનિક ચેતનાવાળો થાય? આવા દર્શકોને સ્વાભાવિકપણે ધર્મકેન્દ્રી રાજનીતિના ભાગીદાર પણ બનાવી શકાય?
મોંઘવારી, બેકારીથી ત્રસ્ત પ્રજાને આવી સામગ્રી કોઈક અવતાર આવી ઉગારી લેશે એવી ધારણામાં ખપ લાગી. બીજું ૯૦ ચૅનલોમાં પીરસાતી ફુવ સામગ્રી સામે આ સલામત લાગે છે. ત્રીજું, એક સાંસ્કૃિતક ઓળખાણ ઊભી કરે છે, જેનું આજે કોઈ વજૂદ નથી! બાબાઓ બજાર છે. બાબાઓ ફેસબુક પર છે, ટિ્વટર પર છે, લિંક પર છે, એમની વેબસાઇટ્સ છે. એમના પી.આર.ઓ. છે. પૂરું મૅનેજમેન્ટ ધારાસભ્યથી માંડી વડાપ્રધાનને ચપેટમાં લે છે. મફતની સરકારી જમીનો પડાવવામાં આ દોસ્તી ખપ લાગે છે, તેથી જ બાબા અને બોલીવૂડિયા હીરો વચ્ચે ફરક રહ્યો નહીં. દો રોટી, એક લંગોટીવાળો બાબો હવે દેખાતો નથી. હવે રામરહીમની નાનીમોટી આવૃત્તિ છે. ચૅનલો પર તંબૂ તાણીને બેઠેલા બાબાઓ ડર અને અંધશ્રદ્ધાના જથ્થાબંધ વેપારી છે. શું આ ચૅનલોનું લાઇસન્સ રદ્દ કરવાની ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની જવાબદારી નથી?
આના કારણે રચાતી માનસિકતા માઈન્ડસેટથી પ્રજા ફસાય છે. સરકાર પણ ઘણી વાર આવા જ અવસરોમાં સક્રિય ભાગ લે છે. ગુજરાત હાઈકોર્ટની ખાતમુહૂર્ત કરવાની વિધિ સામે અવાજ ઉઠાવનારને જ દંડ થયો! દુષ્કાળ વખતે રાજ્ય સરકારે યજ્ઞો કરાવ્યા છે! ઇસરોએ ઉપગ્રહને અવકાશમાં મોકલતા પહેલાં એનું પૂતળું બનાવી તિરુપતિ બાલાજીના મંદિરમાં આશીર્વાદ માટે મોકલેલું. જગન્નાથ ભગવાનની મૂર્તિ બિમાર પડી જતાં એને વિધિવત્ ડૉક્ટર્સ ટીમે તપાસી અને અપાતા પ્રસાદમાં કેળા ન આપવાનું સૂચવ્યું, કારણ કે ભગવાનને શરદી થઈ હતી! તેલંગણાથી ૪૫ કિલોમીટર દૂર ભૂવકલ ગામમાં ‘વિઝા મંદિર’ છે, જેમાં વિધિ કરવાથી વિઝા મેળવવા માટે તમે ભાગ્યશાળી બની જાઓ! આ બધું પરિવેશ ઉપરાંત ફિલ્મો કે સિરિયલો દ્વારા પણ સર્જાતું રહે છે.
(સત્યશોધક સભા, સુરત દ્વારા યોજાયેલ શ્રી રમણલાલ પાઠક વ્યાખ્યાનમાળામાં આપેલ વક્તવ્ય તા.૩૧/૮/૨૦૧૮)
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 05-08