
હિમાંશુ કુમાર
મારો જન્મ થતાં જ મને હિન્દુ, મુસ્લિમ કે ફલાણાો-ઢીંકણો બનાવી દેવામાં આવ્યો. મારા જન્મ પહેલાં જ મારા દુ:શ્મનો નક્કી થઈ ગયા હતા. મારા જન્મ પહેલાં જ મારી જાતિ નક્કી થઈ ગઈ હતી.
મારા જન્મ પહેલાં જ આ નક્કી થઈ ગયું હતું કે મારે કઈ બાબતો પર ગર્વ અને શેના પર શરમ મહેસૂસ કરવી !
હવે, એક સારા નાગરિક થવા માટે, મારે કેટલાકને દુ:શ્મનો માનવા અને ભ્રામક ગર્વથી ભરેલા હોવું જરૂરી છે !
આ નફરત અને આ ગર્વ મારા પૂર્વજોએ એકત્રિત કર્યું છે, છેલ્લાં દસ હજાર વર્ષોમાં. અને હું અભાગી છું, આ દસ હજાર વર્ષનો બોજ મારા માથા પર ઊંચકવા માટે.
અને હવે હું આ ભાર મારાં માસૂમ, ભોળા બાળકોને સોંપીશ !
હું મારાં બાળકોને ભણાવીશ. નકલી નફરત, નકલી ગર્વ, હું તેમને ઝંડો પકડાવી દઈશ. હું તેમને બીજાના ઝંડાઓથી નફરત કરતા શીખવીશ.
હું મારાં બાળકોની પસંદગીઓ પણ નક્કી કરીશ. જેમ મારી પસંદગીઓ નક્કી થઈ ગઈ હતી ! મારા જન્મ પહેલાં પણ, હું કયા મહાન પુરુષોને મારા આદર્શ માની શકું અને કોને નહીં !
ક્યા પ્રકારનું સંગીત પસંદ કરવાનું છે આપણા ધર્મને માનનારાઓએ. અને કયો રંગ શુભ છે? અને કયો રંગ ખરેખર વિધર્મીઓનો છે?
એવું લાગે છે હું હજુ પણ એક કબીલામાં રહું છું, હરીફ કબીલાઓ સામે લડવું પરંપરાગત રીતે નક્કી છે; શિકારનો ઈલાકો અને ભોજન એકત્ર કરવાનો ઇલાકો, હવે રાષ્ટ્રમાં ફેરવાઈ ગયો છે !
બીજા કબીલા સાથે આ ઇલાકાના કબજા માટે લડવા માટે બનાવેલ છે લડાયક સૈનિકો, તે હવે મારી રાષ્ટ્રીય સેના કહેવાય છે ! મારે આ સેના પર ગર્વ કરવાનો છે. જેથી આપણા શિકાર ઈલાકાને બચાવી શકાય. પડોસના ભૂખ્યાંઓ સાથે લડવું આપણા શિકાર ઇલાકા માટે તે હવે રાષ્ટ્રરક્ષા કહેવાય છે.
લડાઈના બહાના પહેલાથી જ નક્કી થઈ ગયા છે; પાડોશીનો ધર્મ, તેનો અલગ ઝંડો, તેમની અલગ ભાષા, બધું ઘૃણાસ્પદ છે.
આપણા પડોશીઓ ક્રૂર અને દુષ્ટ છે. એટલા માટે આપણી સેનાને તેમનો વધ કરવાનો પૂરો અધિકાર છે.
દસ હજાર વર્ષની બધી ધૃણા, બધી પીડા હું તમને આપતો જઈશ, મારાં બાળકો !
પણ હું અંદરથી ઈચ્છું છું કે તમે મારી અવગણના કરો, મારાં બાળકો ! મારા કોઈ ઉપદેશ સાંભળશો નહીં. એ પણ માનશો નહીં જે હું તમને ધર્મ અને સંસ્કૃતિના નામે સડેલાં મૂલ્ય તમને આપવા ઈચ્છું !
તમે તેને ઠોકર મારો. હું ઈચ્છું, મારાં બાળકો, તમે પોતાની તાજી અને ચોખ્ખી આંખોથી આ દુનિયા જૂઓ ! તમે જોઈ શકશો કે કોઈને અલગ માનવાનું કોઈ કારણ નથી. લડવાનું કોઈ કારણ નથી. કદાચ તમે એવી દુનિયા બનાવી શકો, જેમાં કોઈ સેના, શસ્ત્રો, યુદ્ધ અને જેલ ન હોય !
જેમાં માણસો દ્વારા ઊભી કરેલ ભૂખ, ગરીબી અને નફરત ન હોય. જેમાં માણસ ભૂતકાળમાં નહીં, પણ વર્તમાનમાં જીવતો હોય !
[સૌજન્ય : હિમાંશુ કુમાર, 30 એપ્રિલ 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર