Opinion Magazine
Number of visits: 9450220
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વરાજ પીઠ – અહિંસાના દીપની વાટ સંકોરવાનો સહિયારો પ્રયાસ

આશા બૂચ|Opinion - Opinion|6 May 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 07

સત્ય અને અહિંસાનું અનુસરણ કરીને કેટકેટલી વ્યક્તિઓ અને સંગઠનોએ ઘર આંગણાંને ઉજ્વળ રાખ્યું છે એ તો હાથમાં દીવો લઈને શોધવા જઈએ ત્યારે દેખાય. આજે અહિંસાના દીપની વાટ સંકોરવાનો સહિયારો પ્રયાસ કરનાર ‘સ્વરાજપીઠ’ નામક સંગઠનની કહાણી જોઈએ.

સ્વરાજ પીઠ ટ્રસ્ટ મહાત્મા ગાંધીની કલ્પનાના ‘સ્વરાજ’ને સાકાર કરવા અહિંસા અને શાંતિના સંદેશને સતત પ્રજ્વલિત રાખતું કેન્દ્ર છે જેનું મથક ગુરગાંવ છે. અહિંસક આચાર-વિચારોને સંસ્કૃતિના અંતરંગ ભાગ બનાવવા આ સંગઠને શાંતિસેના નામક એક અહિંસક સૈન્ય દળ ઊભું કર્યું છે કે જે સમાજના ભિન્ન ભિન્ન સમુદાયો સાથે ચર્ચા વિચારણાનું આયોજન કરે છે, અને જીવનના દરેક આયામમાં અહિંસક અભિગમ કઈ રીતે વ્યવહારમાં મૂકી શકાય, તેની તાલીમ અને પ્રશિક્ષણ આપીને લોકોને સ્વરાજના ખરા અર્થનું દર્શન કરાવે છે. ગાંધીની ઉક્તિ “એક ઔંસ જેટલા સત્ય આચરણ માટે એક ઢગલા જેટલા વિચારો”  –  “A mound of thought for an ounce of right action”-ને સાકાર કરવા સ્વરાજપીઠ પ્રતિબદ્ધ રહે છે.

At the centre of nonviolence stands the principle of love”, Martin Luther King, Jr. આ સત્યવચનને મધ્ય નજર રાખી સ્વરાજપીઠનું હેતુ દર્શક વિધાન આ મુજબનું છે: “હિંસામાં રહેલ દુર્ગુણો અને અહિંસામાં રહેલ ગુણો દર્શાવવા સહેલ છે, પરંતુ કઠિન સમસ્યા એ છે કે હિંસાનું સમાધાન અહિંસા દ્વારા કઈ રીતે શોધવું. માનવ જાતની મુક્તિ માટે અહિંસાના પ્રયોગ જ એક માત્ર આશા સમાન છે. આથી જ અહિંસામાં પણ મૂડી રોકાણ કરવું પડે. આપણે જેમ હિંસાનું વિજ્ઞાન વિકસાવવામાં, શસ્ત્રો અને યુદ્ધકળામાં પારંગત થવામાં મૂડી રોકાણ કર્યું તેમ જો અહિંસાના વાવેતર – ગાંધીજીના શબ્દોમાં આત્માના વિજ્ઞાનમાં મૂડી રોકાણ કર્યું હોત તો આપણે ન્યાયી અને સંતુલિત સમાજની દિશામાં આગળ વધ્યાં હોત. લોકશાહીની સંસ્કૃતિ સ્વરાજ અને અહિંસાના વિકાસના પ્રમાણમાં વિકસે છે. અહિંસાના વિકાસની સાબિતી લોકો મતભેદ અને સંઘર્ષો નિવારવા જે રીતે પ્રવૃત્ત થાય અને ન્યાય અને સ્વાધીનતા તથા સમાજની રચનાના પાયામાં રહેલ હિંસાનો એવી રીતે પ્રતિકાર કરે કે જેથી ન્યાય અને સ્વાધીનતા એકબીજાના પર્યાય બની રહે તેના પરથી મળે. સ્વરાજ એ ન્યાય અને સ્વાધીનતાના સંયુક્ત બીજમાંથી અંકુરિત થતું ફળ છે.”

સ્વરાજપીઠની ભૂમિકા અને હિંસાની અહિંસક માર્ગે સમાધાન કરવાની શોધની દિશામાં કરેલ  પ્રદાનની વાત કરતાં પહેલાં તેના સ્થાપકો અને કર્મશીલો વિષે થોડું જાણીએ. સ્વરાજપીઠની સ્થાપના શ્રી રાજીવ વોરા અને ડો. નીરુ વોરાએ 1992માં કરી. સ્વરાજપીઠના સ્થાપકોમાંના એક અને પ્રમુખ શ્રી રાજીવ વોરા સ્વ. જયપ્રકાશ નારાયણના 1974-75ના આંદોલનમાં જોડાયેલા. તે ઉપરાંત ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં કાર્યરત રહ્યા તે દરમ્યાન ‘ગાંધી માર્ગ’(હિન્દી)ના એડિટર, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સીઝના સલાહકાર અને સત્યાગ્રહ સંચાલન સમિતિના સંયોજક તરીકે કાર્ય કરી ચુક્યા છે. તાજેતરમાં તેમને ગુરુ ગોવિંદસિંઘ ત્રિ શતાબ્દી યુનિવર્સિટી દ્વારા સંઘર્ષમય વિસ્તારોમાં અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા બદલ અને તેનો અસરકારક અમલ કરવા બદલ DLitની ઉપાધિ એનાયત થઇ. ડોક્ટરેટની પદવી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનારાઓને આપવામાં આવે છે જેમાં શાંતિ પુરસ્કારનો સમાવેશ થાય છે, પરંતુ અહિંસક સાધનો દ્વારા સંઘર્ષ નિવારણ કરનાર વ્યક્તિ કે સંગઠનને ઉચ્ચ સન્માનથી નવજવાનું જવલ્લે જ બનતું હોય છે. અહિંસાનું સંઘર્ષ નિવારણ કરનાર એક અસરકારક સાધન તરીકે સ્વીકારાઈને બહુમાન થયું એ સત્ય-અહિંસામાં શ્રદ્ધા ધરાવનારાઓ માટે ગૌરવનો વિષય છે; સાથે સાથે સત્ય-અહિંસા કાળબાહ્ય થઇ ગયાં છે એમ વિચારનારાઓ માટે એક સબક શીખવનાર ઘટના પણ બની રહી છે.

સ્વરાજપીઠના પાયામાં રહેલ બીજી હસ્તી તે ડો. નીરુ વોરા. તેઓ અમેરિકામાં પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ સમાજવાદી નેતા સૂચેતા કૃપલાની સાથે જોડાયાં. કટોકટી કાળ દરમ્યાન જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ તેમણે છાત્ર યુવા સંઘર્ષ વાહિનીનું નેતૃત્વ સંભાળ્યું. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં શ્રી રાજીવ વોરા સાથે કામ કરવાનો મોકો મળ્યો, જે જીવનસાથીના રૂપમાં કાયમ રહ્યો અને આજે પણ સ્વરાજપીઠ દ્વારા આ યુગલ સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત સ્વરાજપીઠને  માનનીય આચાર્ય સામદોંગ રિનપોચેનું સતત નિદર્શન અને માર્ગદર્શન મળતું રહ્યું છે.

સ્વરાજપીઠ ટ્રસ્ટ(ગુરગાંવ – ભારત)નો પ્રથમ તબક્કો (2001-2008) સંઘર્ષોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલીમ પામેલા શાંતિ સૈનિકોને અહિંસક સાધનો દ્વારા દરમ્યાનગીરી કરવા માટે તૈયાર કરવાનો હતો. શાંતિસેનાના તાલીમાર્થીઓ બાંકા જિલ્લા-બિહારમાં હિંસાને તડીપાર કરવા સક્રિય થયા તેની આ તસવીર.

બીજા તબક્કામાં (2009-10) હિન્દ સ્વરાજ શતાબ્દી – આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ડો. નીરુ વોરાની આગેવાની હેઠળ થયું  જેમાં 17 દેશોના 110થી ય વધુ વિચારકો, વિદ્વાનો અને અહિંસાના પ્રયોગ કરનારાઓ શ્રદ્ધેય આચાર્ય સામદોંગ રીનપોચે અને પરમ પાવન દલાઈ લામાની નિશ્રામાં એક મજબૂત સંગઠનની રચના કરવા એકઠા મળ્યા.

2010 પછીના તબક્કાની શરૂઆત જમ્મુ અને કાશ્મીર તથા બિહારના આદિવાસીઓમાં માઓઇસ્ટ બળવાખોરોમાં થતા યુવાનોના ઉદ્દામ વલણો અને તેને પરિણામે પેદા થતા સંઘર્ષો વચ્ચે જઈને એ વિકટ પરિસ્થિતિઓનો શાંતિમય ઉકેલ લાવવાની મથામણથી થઇ છે. બાંકા જંગલમાં નક્સલ વિસ્તારમાં સ્વરાજપીઠના પ્રમુખ અને યુવા કાર્યકરોની આ તસવીર કર્મશીલોની અહિંસાની તાલીમની સફળતાની દ્યોતક છે.

જયારે વિશ્વ આખામાં ઉદ્દામવાદ દાવાનળની માફક પ્રસરી રહ્યો છે ત્યારે સ્વરાજપીઠ ગાંધીજીના ‘હિંદસ્વરાજ’માંના સ્વતંત્રતા અને અહિંસા વિશેના બીજરૂપ વાર્તાલાપ પર ઊંડી વિચારણા કરીને અંતિમવાદી બળો સામે અહિંસક બળ ઊભું કરવાની ભલામણ કરે છે. ઘર આંગણે અહિંસક પ્રતિકારક શક્તિ ઊભી કરતી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસક માર્ગો વિશે ચર્ચા વિચારણા કરીને તેના આધારિત લોકશાહી, સ્વતંત્રતા અને ન્યાય માટે મથતી ચળવળોને પણ સક્રિય ટેકો આપે છે. માનવીની ગરિમા જાળવવા, પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા અને પૃથ્વીના પર્યાવરણને જાળવવા પ્રયત્નશીલ રહેતાં જૂથોને પોતાનો નૈતિક અને સક્રિય સાથ પણ પૂરો પાડે છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય તખ્તા પર કોઈ એક દેશમાં દુર્ઘટના બને ત્યારે તેના છાંટા બીજા દેશોને પણ ઊડતા હોય છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હલ્લો લોકોને મુસ્લિમો અને ઇસ્લામ પ્રત્યે ભય, શંકા અને નફરતની નજરે જોતાં કરી મુકવા માટે પૂરતો હતો. 9/11ની એ ગોઝારી દુર્ઘટનાને અનુલક્ષીને સ્વરાજપીઠે બીજી 9/11ના દિને બનેલ ઘટનાના મહત્ત્વને ઉજાગર કરવા પ્રયાસ કર્યા. 11 સપ્ટેમ્બર 1906 – દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો જન્મ. જ્યારે વિશ્વ આખામાં મુસ્લિમ પ્રજા અને ઇસ્લામ ધર્મ માટે નફરતની લાગણી ફેલાયેલી ત્યારે રાજીવ વોરાએ મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તર પ્રદેશના છ શહેરોમાં સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે વાર્તાલાપોનું આયોજન કર્યું. હેતુ હતો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં મુસ્લિમ કોમનો સક્રિય ફાળો અને તેની મહત્તા સમજવાનો. 2002-08 દરમ્યાન હિન્દ સ્વરાજની ઓળખ આપીને અહિંસા વિષે જાગૃતિ આણવા ચળવળ ચલાવી અને મુસ્લિમ કોમમાંથી શાંતિ દૂતોને તાલીમ આપી એટલું જ નહીં, ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકનું ઉર્દૂ ભાષાંતર બહાર પાડ્યું જે ઉર્દૂભાષી આગેવાનોની પ્રશંસા પામ્યું.

આઝાદી મળ્યાને સાત સાત દાયકાઓ વિત્યા છતાં કાશ્મીરનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે એ કેવી કમનસીબી? સ્વરાજ પીઠ જમ્મુ અને કાશ્મીરના સંઘર્ષ વિસ્તારમાં અહિંસાનો પ્રયોગ કરવા સક્રિય ભાગ ભજવે છે. એ જ રીતે બિહાર અને ઝારખંડમાં વ્યાપી રહેલ પ્રવૃત્તિઓનો હલ સંઘર્ષને કારણે અસર પામેલ દરેક પક્ષ અને જૂથ વચ્ચે વાટાઘાટ કરીને લાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવે છે. નક્સલવાદીઓ હિંસા દ્વારા કાળો કેર વર્તાવે છે એ વાત સમાચાર માધ્યમો ફેલાવે છે, પરંતુ ત્યાં શું પરિવર્તન આવી રહ્યાં છે એ કોણ કહે? આજે એવી સ્થિતિ છે કે શંકા થાય કે ગાંધી હજુ જીવિત છે? આ એક પ્રશ્ન છે. તેઓ સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાં મૂલ્યો અને વિચારો હજુ કાળબાહ્ય નથી થયા તેની સાક્ષી અનેક રીતે મળતી રહે છે. પોલીસ અને લશ્કરની સહાયથી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા ટેવાયેલા પૂછી શકે, કોઈનું હૃદય પરિવર્તન ગાંધી વિચારો દ્વારા કરવું સંભવ છે ખરું? તેનું એક ઉદાહરણ જોઈએ. નક્સલાઈટ – માઓઇસ્ટ બંડખોર લોકો હિંસાત્મક આક્રમણોનો ત્યાગ કરવા લાગ્યા છે. માન્યામાં ન આવે તેવી આ હકીકત છે. તેઓમાંના કેટલાક ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છે. તેઓ સ્વરાજપીઠ દ્વારા આયોજિત અહિંસાની અભ્યાસ શિબિરોમાં જાય છે અને ગાંધીજીનું મહત્ત્વનું પુસ્તક ‘હિન્દસ્વરાજ’ વાંચે છે. ભોલા યાદવ પર બે વર્ષ પહેલાં ડાબેરી વિચારધારાની સખત પકડ હતી. લોકો તેને માઓઇસ્ટ બંડખોરોના નાયક તરીકે ઓળખે. પણ તેણે ‘હિન્દ સ્વરાજ’ આખું વાંચ્યું, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તેમની અહિંસક રીતે પોતાની સમસ્યાઓનો હલ શોધી તેને અમલમાં મુકવા કટિબદ્ધ થયો. આ તસ્વીરમાં ભૂતપૂર્વ નક્સલ કમાન્ડર ભોળાનાથ યાદવ સાથે અન્ય યુવકોની શાંતિયાત્રા સ્વરાજપીઠની ભૂમિકાની સફળતાનું પ્રમાણ પૂરું પાડે છે.

અહીં એ નોંધવું અગત્યનું છે કે સ્વરાજપીઠના કાર્યકર્તાઓને હિંસા આગળ ઉમેરતાં ખાસ્સો સમય લાગ્યો. પાંચ વર્ષ સુધી લગાતાર અંતરિયાળ ગામોમાં ફર્યા, જ્યાં કોઈ જઈ ન શકે અને કોઈએ જવાનું સાહસ કરેલું પણ નહીં તેવા ડરામણા ગણાતા વિસ્તારોમાં જઈને ઘેરે ઘેર ફરીને વ્યક્તિઓ સાથે વાત કરી; એટલું જ નહીં એક-બે-ત્રણ દિવસીય કેમ્પ કરીને અને તેમાંના કેટલાકને દિલ્હી લાવી હિન્દ સ્વરાજ અને અહિંસા વિષે અવગત કર્યા, ત્યારે તેનાં પરિણામ મળવાની સંભાવના નજરે પડી. યુ.એન. આંતર વિગ્રહ કે યુદ્ધ ખેલાઈ ચૂક્યા હોય તેવા વિસ્તારોમાં ‘પીસ કીપિંગ ફોર્સ’ મોકલે છે જે ટેન્કો પર સવાર થયેલ અને વિનાશકારી શસ્ત્રોધારી સૈનિકોનું બનેલ દળ હોય છે. જ્યારે સ્વરાજપીઠે એક ‘શાંતિસેના’નું નિર્માણ કર્યું છે; જેના ચાર તબક્કાઓ છે:

લોક સમિતિઓ દ્વારા સ્વરાજની વિભાવનાની ચર્ચા.

‘હિન્દ સ્વરાજ’ વિષે અભ્યાસ કરીને અહિંસાનાં મૂલ્યો પર ભાર મુકવો.

સત્યાગ્રહની જન્મતારીખ 11મી સપ્ટેમ્બરને દિવસે શાંતિસેનાની સ્થાપના કરવી અને તેના ઉદ્દેશ્યો હાંસલ કરવાની પ્રતિજ્ઞા લેવી.

હિંસાત્મક આક્રમણોને ખાળવા, સંઘર્ષોનો ઉકેલ લાવવા અને માનવીય સેવાઓ આપવા માટે અહિંસા આધારિત પગલાંઓ ભરવા તાલીમ આપવી.

કાશ્મીર અને ઝારખંડ જેવા પ્રદેશોની પ્રજાની યાતનાઓ અને કઠણાઈઓમાં ભાગ પડાવતા જતાં સ્વરાજપીઠના કર્મશીલોને અહેસાસ થયો કે માઓઇસ્ટ ચળવળ કરનારાઓ એ અવગણના પામેલા લોકો સુધી પહોંચ્યા અને તેમની રાજકીય તેમ જ બૌદ્ધિક ભૂખ પણ સંતોષી. તેઓ આ સ્થિતિમાં શા માટે છે અને તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો છે તે સમજાવ્યું; અલબત્ત એ માર્ગ હિંસાનો છે. એ આદિવાસી અને અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને માત્ર આર્થિક જરૂરિયાતો જ હોય છે એ આપણી માન્યતા ભૂલભરેલી છે. ગરીબ પ્રજાને પણ એ જાણવું છે કે તેઓની આ અવદશા શા કારણે છે અને બીજા સાધન સંપન્ન લોકો અને સત્તાધારી લોકો શા માટે અનેક ગણી સારી દશામાં જીવે છે. જોવાનું એ છે કે જે લોકોએ બંદૂક પકડી છે અને વર્ગ વિખવાદમાં સંડોવાયેલા છે તેઓ પણ આ ‘અન્ય’ લોક સાથે સહાનુભૂતિ કેળવીને તાદાત્મ્ય સાધવા ઈચ્છે છે. ગાંધીજીની ઉક્તિ ‘દરેક માનવીમાં મૂળે તો સારપ ભરી પડી છે’ એ આ પ્રકૃતિના સંતાનો અને કહેવાતા અશિક્ષિત લોકોના દિલમાં ખૂબ ઊંડી ઊતરી ગયેલ છે. આથી જ તો કદાચ તેમને સ્વરાજ અને અહિંસાની વાત સમજવી મુશ્કેલ નથી લાગતી; એને તેઓ સ્વધર્મ માને છે.

ગાંધીજીના સ્વરાજ વિશેનાં દર્શનની પ્રસ્તુતતા પરની આત્મશ્રદ્ધાને ઝોળીમાં ભરીને શ્રી રાજીવ વોરા અને તેમના પત્ની ડો. નીરુ વોરા ગાંધીજીના અહિંસા વિશેના દર્શન અને અહિંસક લડતોની પદ્ધતિ વિષે અભ્યાસ, સંશોધન અને પ્રયોગો કરી રહ્યાં છે. તેની ફલશ્રુતિ જોઈએ. કાશ્મીર વિસ્તારમાં જે  યુવાનો બંદૂકથી વાત કરતા હતા તેઓ અહિંસાના હિમાયતી બની રહ્યા છે. બિહારના બાંકા જિલ્લામાં 150થી ય વધુ નક્સલાઈટ કમાન્ડો હિંસા ત્યજીને શાંતિના માર્ગે પડ્યા. 22માંથી 18 પંચાયતોમાં અહિંસામાં માનનારા મુખિયાઓને ચૂંટવામાં આવ્યા જેમાંની છ મહિલાઓ હતી. આ બધું જ ગાંધીજીનો સંદેશ નફરત અને હિંસાની આગથી તપ્ત હૃદયો સુધી પહોંચાડીને તેમને બીજા માર્ગનો વિકલ્પ આપવાને કારણે જ શક્ય બન્યું.

લોકહિતનાં કાર્યો જોખમો અને પડકારોથી મુક્ત નથી હોતાં. કેટલાક સ્થાપિત હિત ધરાવનારાઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારાઓને નિરુત્સાહ કરતા હોય છે. આવા કર્મશીલોને બે બાજુથી ભય હોય છે; પોલીસ અને કેટલાંક સંગઠનો તરફથી. વહીવટી તંત્ર અને રાજકારણીઓ તરફથી પોલીસને માઓઇસ્ટ વિરુદ્ધ લડાઈ જાહેર કરીને પોતાની સફળતા દર્શાવવાનું દબાણ થતું હોય છે. આ બેધારી વિટમ્બણાઓને ધૈર્ય અને હિંમતથી સહન કરતાં કરતાં સ્વરાજપીઠ સતત આગળ ધપતી રહી છે. નોંધનીય બાબત એ છે કે તેનો કાર્યભાર મિત્રો અને શુભેચ્છકોની પીઠ પર છે. તેઓ સરકારની મદદ કે બહુરાષ્ટ્રીય કંપનીની સહાય નથી લેતા, જેથી જેમને માટે તેઓ આ ઉમદા કાર્ય કરે છે તેવા લોકો પ્રત્યેની તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા જળવાઈ રહે. આ એક સરાહનીય નિર્ણય છે જે નિભાવવો મુશ્કેલ પણ છે. સ્વરાજપીઠે એવા જોખમકારક વિસ્તારોમાં કામ કરવાનું બીડું ઝડપ્યું છે, જ્યાં હિંસાની ચિનગારી ભાગ્યે જ ઓલવાતી જોવા મળે, એટલે  ભારતની કોઈ સંસ્થા કે કોર્પોરેટ જગતની દાન ગંગા તેમને તરતી રાખે એ સંભવ નથી. અહીં આપણને ગાંધીજીનો એક બીજો સિદ્ધાંત અમલમાં મુકાતો જોવા મળે છે. ગાંધીજી માનતા કે પ્રજા માટેનાં કાર્યો પ્રજાની જ આર્થિક સહાયથી થવા જોઈએ, તેનો પાઇ પાઈનો હિસાબ લોકોને આપવો જોઈએ, જેથી એ કાર્ય કે પરિકલ્પનાના માલિક પ્રજા પોતે રહે, તેની દિશા નક્કી કરવામાં, તેનાં ફળો ભોગવવામાં તેઓ જ મહદ્દ અંશે ભાગીદાર બને અને સહુથી મોટી વાત તો એ કે એમ કરવાથી કોઈ ઉદ્યોગપતિ, શેઠ-શાહુકાર કે સરકારી તંત્રની જોહુકમી નીચે દબાઈ જવું ન પડે. અલબત્ત ગાંધીજીને અનેક ઉદ્યોગ સાહસિકોએ છુટ્ટે હાથે દાન કરેલું, પરંતુ આજે એવા વીરલાઓ ભાગ્યે જ મળશે જેઓ સ્વહિતને એક બાજુ મૂકીને અહિંસક ચળવળ જેવી ‘સાધારણ’ મનાતી પ્રવૃત્તિઓને સાથ આપે કેમ કે તેમને શસ્ત્રોની બનાવટ અને લે-વેચમાં ધનનો બેહિસાબ ફાયદો થાય ને? અહિંસાની આતશને જલતી રાખવા જાતે એ વિસ્તારોમાં જઈને કાર્ય કરી ન શકતા હોય તેવા વાચકો સ્વરાજપીઠની વેબસાઈટ પર જઈને જરૂર એ યજ્ઞમાં યથાશક્તિ નાણાકીય સહાય રૂપી આહુતિ આપી શકે.

રાજીવ વોરા અને નીરુ વોરા લિખિત પુસ્તકો: Share Concerns અને Nonviolence and Peace Building in Jammu & Kashmir તથા રાજીવ વોરા લિખિત Disinherited Generation of J&K and Enigma of Kashmiri Pandit-Muslim Relationshipની નોંધ લેવી રહી. સ્વરાજપીઠનાં સ્તંભ સમાન આ યુગલ હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને કાર્ય તો કરે જ છે, સાથે સાથે તેને અક્ષર દેહ આપીને તે કાર્ય પાછળના ઉદ્દેશો, અનુભવો અને અર્જિત જ્ઞાન બહોળા સમુદાય માટે ઉપલબ્ધ પણ કરે છે. ગાંધી વિચાર માત્ર ગાંધીજીનો જ નહીં, પોતાનો બને, બીજા અપનાવે અને સમાજના બધા વર્ગો સુધી પહોંચે એ માટેના આ સહિયારા પ્રયાસને હજુ વધુ સફળતા મળે તેવી શુભેચ્છા.

e.mail : 71abuch@gmail.com

Loading

6 May 2019 admin
← હિમમાનવ ‘યેતિ’નું તૂત, વિજ્ઞાનની તાસીર
ઇલેક્ટોરલ બોન્ડ : રાજકીય ફંડફાળાની પારદર્શિતાનો સવાલ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved