Opinion Magazine
Number of visits: 9482756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુઝન અને વિવેક

પન્ના નાયક|Opinion - Short Stories|14 August 2018

એમીનું પ્લેઇન રાતના સૅન ડિયેગોના ઍરપૉર્ટ પર લૅન્ડ થયું અને એ બહાર આવી ત્યારે અરાઇવલ ગેઇટ પર સુધાને જોઈ એને આશ્ચર્ય થયું. સુધા બૅગેજ ક્લેઇમ્સ પાસે મળવાની હતી. સુધાના મોઢાના ભાવ પરથી એમીને લાગ્યું કે સુધા વ્યથિત હતી. એ પૂછે એ પહેલાં જ સુધાએ કહ્યું કે એના કુટુંબમાં મરણ થયું છે એટલે એને લૉસ ઍન્જલસ જવું પડશે. એમીની રહેવાની વ્યવસ્થા એણે એના મિત્રો વિવેક અને સુઝનને ત્યાં કરી છે. એમીને આ કાંઈ ઠીક ન લાગ્યું. પોતે ડૉક્ટર છે. મેડિકલ કોન્ફરન્સ માટે આવી છે. કોઈ અજાણ્યાને ત્યાં આઠ દિવસ ગાળવા કરતાં હોટેલમાં રહી શકે. સુધાનો આગ્રહ હતો કે વિવેક અને સુઝનને ત્યાં રહે. એણે કહ્યું કે એ લોકો ગાડીમાં બેઠાં છે. મળશે એટલે પરિચય થશે.

સામાન લઈને બહાર આવ્યાં ત્યાં ગાડીમાંથી વિવેક ઊતર્યો. સુધાએ ઓળખાણ કરાવી. સુઝને ‘હલો’ કહ્યું. સુધા એની ગાડીમાં ગઈ.

વિવેકે એની ઓળખાણ આપી. ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે. ઘેરથી બિઝનેસ કરે છે. સુઝન સારી કંપનીમાં કમ્પ્યુટર પ્રોગ્રામર છે. બે બાળકો છે. દીકરી અલ્પા અગિયાર વરસની અને દીકરો આશિષ ચાર વરસનો.

વિવેકને જોઈને એમીને મનોજ યાદ આવ્યો. હસમુખો. આઉટગોઇંગ.

સુઝને ગાડીમાં ટેઇપ ચાલુ કરવાનું કહ્યું.

વિવેકે ના પાડી. ‘આખી ટેઇપ ન સાંભળીએ તો એમાં કલાકારનું અપમાન કહેવાય.’ ઘેર આવી સુઝને એમીને એનો બેડરૂમ બતાવી દીધો. વહેલી ઊઠે ને ચા કૉફી પીવાં હોય તો એની સુવિધા બતાવી દીધી.

‘મને તમારે ત્યાં રાખવા માટે આભાર.’ એમીએ કહ્યું.

‘અમારે ત્યાં કોઈ આવે એ અમને ખૂબ ગમે છે.’

બીજે દિવસે સવારે એમી વહેલી ઊઠી. રસોડામાં બેસીને વાંચતી હતી. વિવેક નીચે આવ્યો. ‘ગુડમૉર્નિંગ’ કહીને ટેઇપરેકૉર્ડર પાસે ગયો. વેરવિખેર પડેલી ટેઇપોને સરખી કરી. એક ટેઇપ કાઢી. બાજુમાં પડેલા ક્લીનેક્સના ડબ્બામાંથી એક ટિશ્યુ ખેંચી ટેઇપ લૂછી. ટેઇપરેકૉર્ડર લૂછ્યું. ટેઇપ અંદર મૂકી. ભગવાન પાસે દીવો કરતો હોય એવી ભાવનાથી ટેઇપરેકૉર્ડર ચાલુ કર્યું. બાંસરીના આછા સૂર હતા.

‘શું પીશો? ચા, કૉફી?’

‘તમે જે બનાવશો તે.’

‘જુઓ, હું કૉફી પીશ અને સુઝન ને મારાં મા મસાલાની ચા.’

‘હું પણ ચા પીશ.’

વિવેકે કૉફી-મેકર કપડાથી લૂછ્યું. ફિલ્ટરમાં કૉફી ગ્રૅન્યુઅલ્સ નાખતાં થોડા વેરાયા એ એક હાથેથી બીજા હાથમાં લઈ ગાર્બેજ બૅગમાં ફેંક્યા. હાથ ધોયા. પાણી માપી કૉફી-મેકરમાં રેડ્યું. કૉફી-મેકર ચાલુ કર્યું. અને પછી ચા, ચામાં દૂધ, પાણી, મસાલો, ખાંડ. સાણસીથી તપેલી પકડી બરાબર ઉકાળી. ત્રણ મગમાં ગાળીને મગ ટેબલ પર મૂક્યા. કૉફી પણ થઈ ગઈ હતી. મગમાં લઈ વિવેક ટેબલ પર બેઠો.

સુઝન નીચે આવી.

‘ગુડમૉર્નિંગ. ઊંઘ આવી?’ સુઝને એમીને પૂછ્યું.

‘હા.’

સુઝને એક ચમચી ખાંડ પોતાની ચામાં નાખી.

‘કેમ, આજે પણ ખાંડ ઓછી છે?’ વિવેકે પૂછ્યું.

‘હા.’

એમીને પણ ખાંડ ઓછી લાગી એટલે એણે ઉપરથી લીધી.

‘કેવી છે આ બાંસરીની ટેઇપ?’ વિવેકે પૂછ્યું.

‘રોજ સવારે હરિપ્રસાદ ચૌરસિયાની બાંસરી પર “આહીર ભૈરવ” રાગ સાંભળું છું.’ વિવેકે કહી દીધું.

‘તમને વોકલ મ્યુિઝક ગમે?’ સુઝને એમીને પૂછ્યું.

‘હા, શાસ્ત્રીય અને લાઇટ બન્ને.’

‘વિવેકને ન ગમે એટલે મારાથી કોઈ દિવસ વોકલ મ્યુિઝક ના વગાડાય, મને તો શબ્દો સાંભળવા ગમે.’

‘એમી, સુઝન હજી શબ્દો સાંભળતાં તો માંડ શીખી છે. શાસ્ત્રીય સંગીત સમજતાં લાઇફટાઇમ લાગશે.’

‘વિવેક, શાસ્ત્રીય સંગીત જાણે, એ જ જાણકાર કહેવાય એવું થોડું છે?’

વિવેકે વાત બદલી.

‘તમારા ઘરમાં કૉફી કોણ બનાવે?’

‘હું.’

‘તમારા હસબન્ડને તમારી કરેલી કૉફી ફાવે?’

‘હું એકલી જ રહું છું.’

‘તમને બાળકો છે?’ વિવેકે પૂછ્યું.

‘ના.’

‘તો તમને ખ્યાલ નહિ આવે બાળઉછેરનો.’

એમી સમસમી ઊઠી. એને એલેક્સ યાદ આવી ગયો. એનો ને મનોજનો. મનોજે એને છોડી દીધી પછી જન્મેલો. ચાર વરસની એની જિંદગી ભરી ભરી હતી. એક સવારે એલેક્સ ઘર આગળ સાઇકલ ફેરવતો હતો ત્યાં જ કોઈ ગાડી સ્પીડમાં ધસી આવી. એલેક્સ ફંગોળાઈ ગયો. એલેક્સને યાદ કરતાં હજી ય એમીને ધાવણ છૂટે છે.

બીજે દિવસે સાંજે આંતરરાષ્ટ્રીય સંગીતસંમેલન હતું. એમીની બહેનપણી બાર્બરા એમાં ચેલો વગાડવાની હતી. બધા સાંભળવા ગયાં. લગભગ પંદરેક સંગીતકારો હતા. એમાં માર્કેઝ ગાર્સિયા નામનો યુવાન હતો. એણે વાયોલિનના તાર છેડ્યા અને શ્રોતાઓના મોંમાંથી ‘વાહ, વાહ’ સંભળાવા માંડ્યા.

‘આ છોકરો કોણ છે?’ સુઝને એમીને પૂછ્યું.

‘એ તો મેક્સિકોનો સંગીતકાર છે.’

‘કેમ, મળવું છે તારે?’ વિવેકે પૂછ્યું.

‘ના રે, મને તો એનામાં તું જ દેખાય છે, વિવેક.’

‘બોલાવીએ સાંજે એને જમવા? તો તું એની સાથે આંખમાં આંખ મેળવી પેટ ભરીને વાત કરી શકે.’

સંમેલન પૂરું થયું પછી બધાં રેસ્ટોરંટમાં જમવા ગયાં. ઑર્ડર આપ્યો. વિવેક ઉશ્કેરાઈને બોલ્યે જતો હતો. રાજકારણમાં જે સડો પેસી ગયો છે એ કોઈએ તો દૂર કરવો જ જોઈએ. કોઈએ તો પહેલ કરવી જ પડશે વગેરે વગેરે. અચાનક એણે સુઝનને પૂછ્યું:

‘કેમ ચૂપ છે તું? પેલા વાયોલિનિસ્ટના વિચારોમાં ખોવાઈ ગઈ છે કે શું?’

‘જો એમી, વિવેક એની સ્ત્રી-મિત્રો સાથે ફોન પર વાત કરે, સૅન ડિયેગો આવે ત્યારે ઍરપૉર્ટ લેવામૂકવા જાય એ બધું બરાબર. મેં એક સંગીતકારમાં સહેજ રસ બતાવ્યો ત્યારથી આમ મહેણાં માર માર કરે છે.’

‘સુઝન, આ આંસુ લાવીને તું ત્રાગું કરે છે. તમે બેસો. મારે એક ફોન કરવાનો છે. અડધા કલાકમાં પાછો આવીશ.’ કહી વિવેક બહાર ગયો.

સુઝન વાત કરવાની તક જ શોધતી હતી.

‘તું કહે મને એમી, મારો વાંક હોય તો. હું તો બહુ જ ફફડતી રહું છું. વિવેક હોશિયાર છે પણ એની સાથે રહેવું એટલે તલવારની ધાર પર રહેવું. ક્યારે છંછેડાઈ જશે એની ખબર ન પડે. હું કાંઈ પણ કરું કે બોલું એ ખોટું જ હોય.’

‘ક્યાં મળ્યાં તમે?’

‘હું તો આયોવાના એક નાના ગામડામાં જન્મી ને ઊછરી છું. ગ્રેજ્યુએટ થઈ ને એક પાર્ટીમાં વિવેક મળી ગયો. આયોવા પાછા આવીને મેં કહ્યું કે પરણું તો વિવેકને જ. મમ્મીપપ્પા વિવેકને મળ્યાં. એમણે કચવાતે મને હા પાડી. પરણ્યા પછી વિવેકે ધંધો શરૂ કર્યો પણ એ જે શરૂ કરે છે એમાં નસીબ યારી નથી આપતું. દર થોડા દિવસે એનું ફટકે છે.’

‘તમે બન્ને સાથે મળીને વાત કરો કે એકબીજાને શું ગમે છે ને શું ખૂંચે છે.’

‘કેવી વાત કરે છે એમી તું? જેવી વાત શરૂ કરું એટલે ધ્રુવવાક્ય બોલે: પહેલાં બુદ્ધિનો છાંટો આવવા દે પછી વાત કર.’

એમીને એનાં મિત્રદંપતી મેરિયન અને જોસેફ યાદ આવ્યાં. એમના ત્રણ સંવાદ યાદ કરીને એ હસી.

•••

‘ખાનામાં ચપ્પુ હતો એ ક્યાં ગયો?’ જોસેફે પૂછ્યું.

‘ખાનામાં જ હતો. ત્યાં નથી?’ મેરિયને કહ્યું.

‘ખાનામાં હોય તો ય પૂછું એવો મૂરખ છું?’

‘મેં તમને મૂરખ કહ્યા? મૂરખ શબ્દ મારો નથી.’

‘ના, તેં કહ્યું નથી પણ મોઢાના ભાવ પરથી ખબર પડે છે.’

‘મોઢાના ભાવ પરથી ખબર પડે છે તો પચ્ચીસ પચ્ચીસ વરસ પરણ્યે થયાં તો મારા મનમાં શું ચાલે છે એ કેમ કળાતું નથી?’

•••

‘ટીવી ધીરું કર.’ જોસેફે કહ્યું.

‘ધીરું હોય તો મને સંભળાતું નથી.’ મેરિયન બોલી.

‘કહું છું ધીરું કર.’

‘લો, કર્યું.’

‘આટલું ધીરું? હવે કશું સંભળાતું નથી. સહેજ મોટું કર.’

‘લો, મોટું.’

‘આટલું મોટું? તારે મારા કાનના પડદા ફાડી નાખવા છે?’

•••

‘આજની સ્પેિશયલ ડિશ કેવી થઈ છે? ક્યારેક તો વખાણ કર.’

‘ખાઉં છું ને?’

‘કહ્યા વગર તો કૂતરાં ય ખાય. સારી થઈ છે કહેતાં જીભ તૂટી જાય છે?’

‘સારું, કહું. સાચું કહું ને?’

‘અફ કોર્સ.’

‘બહુ ખારી છે.’

‘મને તો કાંઈ ખારી ન લાગી. તને સ્વાદની ખબર પડે છે?’

‘તો પછી મને પૂછે છે શા માટે?’

‘ભૂલ થઈ બસ.’

•••

ત્રણ દિવસ એમી કોન્ફરન્સમાં ગઈ એટલે વિવેક અને સુઝનને ત્યાં તો સૂવા આવવાનું જ થયું. પછીના દિવસે વિવેકના કામ માટે સૅન ફ્રાન્સિસ્કો જવાનું હતું. એને થયું કે બધાં જઈએ તો મજા પડશે. એનો મિત્ર લૅરી પણ આવશે. મા ને છોકરાંઓ ઘેર રહેશે.

સવારે છ વાગ્યે નીકળી જવાનું હતું. બધાં તૈયાર થયાં. લૅરી આવી ગયો. વિવેકે ગાડી બહાર કાઢી. એમી પાછળની સીટ પર બેઠી. સુઝન એની સાથે બેસવા ગઈ ત્યાં વિવેકનો પિત્તો ઊછળ્યો:

‘તારે તારા વર સાથે આગળ બેસવું જોઈએ કે પાછળ? કેમ હું નથી ગમતો? કોઈ સંગીતકારને બેસાડવો છે?’

સુઝન ભોંઠી પડી ગઈ.

‘એમી સાથે અમે અમારી વાત કરી શકીએ …’

‘ના, લૅરી પાછળ બેસશે.’

સુઝન આગળ બેઠી.

રસ્તામાં બ્રેકફાસ્ટ માટે ઊભાં રહ્યાં. વિવેક, લૅરી અને એમીએ ટોસ્ટ અને કૉફી મંગાવ્યાં. સુઝને દૂધ.

‘બીજાંથી જુદું જ કરવાની તારી આ રીત છે સુઝન!’

‘પણ મને દૂધ ભાવે છે. એમીએ દૂધ મંગાવ્યું હોત તો?’

સૅન ફ્રાન્સિસ્કો પહોંચ્યા પછી સુઝન અને એમીને ખબર પડી કે વિવેકને નાની બોટ ખરીદવી હતી, જે શનિ-રવિ ભાડે આપી પૈસા બનાવી શકે. વિવેક એ બાબત વાત કરવા ગયો ત્યારે સુઝને કહ્યું કે આ પહેલાં વિવેકે છ જણ બેસી શકે એવું ઍરોપ્લેઇન ખરીદેલું, જે એનો ભાગીદાર જ રાતોરાત ચોરી ગયેલો. વિવેકે પાછા આવીને કહ્યું કે બધાંએ નાની બોટમાં ફરવા જવાનું છે. સુઝને એમીનો હાથ દબાવ્યો ને ધીરેથી કહ્યું કે બોટમાં એને સી-સિકનેસ થાય છે પણ જો એ વાત વિવેકને કરશે તો એનું આવી બનશે. જવાઆવવાનો સમય તો પોણા જ કલાકનો હતો પણ સુઝનને સતત ઊલટી થયા કરી.

‘આ તો સુઝનની ધ્યાન દોરવાની તરકીબ છે.’ વિવેકે કહ્યું.

પાછાં બધાં સૅન ડિયેગો આવવા નીકળ્યાં. લૅરી પોતાની રીતે આનંદ માણતો હતો. બારી ખોલીને માથું બહાર કાઢે પછી વિવેકને કહે કે સ્પીડથી એની હૅર સ્ટાઇલ ખરાબ થઈ જાય છે. લૅરીને માથે એકે વાળ નહોતો. વળી, વાળ સરખા કરતો હોય એમ ટાલ પર હાથ ફેરવે. થોડી વાર પછી પાછો કહે કે શિયાળામાં રસ્તા પરનાં ઝાડ એવાં બુઠ્ઠાં થઈ જાય છે જાણે કોઈએ એના હાથ જ કાપી નાખ્યા હોય. બોલીને પાછો ઊંડા વિચારમાં ડૂબી જાય.

કેટલા ય વખતથી મારા મનમાં એક સવાલ ઊઠે છે કે સ્ત્રી અને પુરુષની મૈત્રી — જસ્ટ પ્લૅટોનિક મૈત્રી સંભવે ખરી?’ લૅરી બોલ્યો.

‘મને તો લાગે છે કે સંભવે.’ એમીએ કહ્યું.

‘પણ કેટલીક વાર પતિ-પત્ની બન્નેને એક વ્યક્તિ સાથે ન ફાવે. મારો જ દાખલો આપું. શિકાગોથી એક બહેન આવેલાં. મારી પત્ની જોઆનાએ કહ્યું કે એ છોકરીનો પગ આપણા ઘરમાં ન જોઈએ. મને મિત્ર તરીકે એ બહેન ગમે છે.’ લૅરી બોલ્યો.

‘ઈર્ષ્યા હશે.’ વિવેકે કહ્યું.

‘ના રે, એ બહેનની વર્તણૂક એને માટે જવાબદાર છે. મને ખાતરી છે કે એમી માટે જોઆના કશો વાંધો ન લે.’

આટલો વખત ચૂપ બેઠેલી સુઝન એકાએક બોલી.

‘મને તો લાગે છે કે સ્ત્રીને પુરુષમિત્ર હોવો જોઈએ. હું સેક્સની વાત નથી કરતી. જસ્ટ ફ્રેન્ડશિપ. કદાચ વિવેકને હું વધારે સારી રીતે સમજી શકું.’

‘એમ, એમ, એટલે મને સમજવા પુરુષમિત્રની દોસ્તી જોઈએ? કરને પેલા વાયોલિનિસ્ટ સાથે દોસ્તી.’

‘વિવેક, આપણે જનરલ વાત કરીએ છીએ.’ એમીએ કહ્યું.

‘ના, ના, મને લાગે છે કે તું બીજા પુરુષની ભૂખી છે. આપવો છે તારે મને ડિવૉર્સ અને પરણવું છે પેલા મેક્સિકનને?’

સુઝને એમીની સામે જોયું.

‘વિવેક, હું સોગંદ ખાઈને કહું છું કે તારાથી વિશેષ મારે કોઈ નથી. પણ તું “વૅલરી, વૅલરી” કરે એનું મારે ખરાબ નહિ લગાડવાનું. તું એને ઍરપૉર્ટ પર લેવા-મૂકવા જાય અને શૉપિંગ કરવા લઈ જાય એ મારે હસીને સ્વીકારવાનું. અને આટલી નાની વાત પરથી તું ડિવૉર્સ સુધી પહોંચી જાય છે.’

કોઈ કશું બોલ્યું નહિ. વિવેકે ચુપચાપ ડ્રાઇવ કર્યું. બધાં ઘેર આવ્યાં. લૅરી એને ઘેર ગયો. સૌ જમ્યા વિના સૂઈ ગયાં.

બીજે દિવસે સવારે વિવેક નીચે આવ્યો ત્યારે એમી છાપું વાંચતી હતી. વિવેકે ટેઇપ મૂકી. કૉફી-મેકર ઑન કર્યું. ચા ઊકળવા મૂકી. એમી પાસે આવીને બેઠો.

‘તમને હું રાક્ષસ લાગતો હોઈશ.’

એમી કાંઈ બોલી નહિ.

‘મારો ધંધો સારો હતો. હમણાં તકલીફમાં છું. મને સ્ટ્રેસ લાગે છે. જે ખાઉં એનાથી ઍસિડિટી થઈ જાય છે. એમાં સુઝન રોજ કચકચ કરે છે. લગ્નને પંદર વરસ થયાં એની ઉજવણીમાં હીરાની બુટ્ટી ખરીદવી છે ને કેરેબિયન આઇલૅન્ડ્ઝની ક્રૂઝ લેવી છે. હું કહું છું કે થોડું ખમી જા. મને ખૂબ અકળાવે છે એ…’ વિવેક બોલ્યે જતો હતો. સુઝનને નીચે આવતી જોઈ એ અટક્યો.

‘ચા તૈયાર છે. હું થોડી વારમાં આવું છું.’ કહી બહાર ગયો.

સુઝન ટેબલ પર બેઠી અને રડવાનું શરૂ કર્યું.

‘એમી, મેં એટલું જ કહ્યું કે આપણે લગ્ન ટકાવવું હોય તો આપણા વારંવાર થતા ઝઘડા માટે કોઈ મિત્ર કે થેરપિસ્ટ કે મૅરેજ કાઉન્સેલરની સલાહ લઈએ. મને કહે કે, “હું તારી સાથે હવેથી પલંગ પર સૂવાનો નથી. નીચે પથારી પાથરી એકલો સૂવાનો છું.” એમી, મને તો આપઘાત કરવાનું મન થાય છે. તું કોઈને પણ પૂછી જો કે આ ઘર કોણ ચલાવે છે. મારા મોઢામાંથી એ વાત નીકળી નથી પણ લોકો મૂરખ થોડા છે! વિવેકને તો બસ મોટી મોટી ડીલ કરવી છે. કેટલાના પૈસા ડુબાડ્યા છે ને અમારા ય. અરે, આપણાથી ઍરોપ્લેઇન તે ખરીદાતું હશે? અને હવે બોટ ખરીદવી છે. કોઈ પ્રૅક્ટિકલ વિચાર જ નહિ …’

એમીને લાગ્યું કે એ થિયેટરમાં બેઠી છે. પડદા પર ફિલ્મ ચાલે છે. પહેલાંની ફિલ્મમાં કલાકાર એ હતી. હવે પ્રેક્ષક છે. અત્યારની ફિલ્મમાં એ ભાગ લઈ શકે એમ નથી ને એને લેવો પણ નથી. એને થયું કે એ પ્રેક્ષકાગાર છોડીને ચાલવા માંડે.

ઓગસ્ટ 12, 2018

https://davdanuangnu.wordpress.com/category/રવિપૂર્તિ/

Loading

14 August 2018 admin
← Claws !
It Was Not Nehru Who Cut Jinnah’s Chances Of Being PM →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved