Opinion Magazine
Number of visits: 9449344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષી-લિખિત ‘વિદ્યાવિનાશને માર્ગે’ વિશે

સુમન શાહ|Opinion - Literature|22 December 2020

ઘણા લોકો ‘વિદ્યા, વિનાશને માર્ગે’ બોલે છે – એમ કે વિદ્યા વિનાશ પામી રહી છે. શીર્ષકને બરાબર સમજનાર કહેશે કે ભઈલા, વિદ્યા નહીં, આપણે વિદ્યાવિનાશને માર્ગે જઈ રહ્યા છીએ.

સુરેશભાઈ તત્સમ વૃત્તિના માણસ નહીં, સ્થિતસ્ય સમર્થન ન કરે, સ્થિત અને સ્થગિતની ભરપૂર સમીક્ષા કરે ને તેમાં જે કંઈ ખોટું કે નકામું દેખાયું હોય તેને વિશે ઊહાપોહ કરે ને એમ સાત્ત્વિક વિદ્રોહની રચના-સંરચના કરે. એમના વિદ્રોહ આત્મલક્ષી નથી હોતા પરન્તુ વસ્તુલક્ષી ભૂમિકા પર ઊભા હોય છે. પરિણામે, સાત્ત્વિક વિદ્રોહ એટલા જ તાત્ત્વિક હોય છે. આ વાતનું એક વધારાનું દૃષ્ટાન્ત છે, આ ‘વિદ્યાવિનાશને માર્ગે’ પુસ્તિકા. ઇસવી સન ૨૦૦૩માં પુનર્મુદ્રિત આ પુસ્તિકામાં સુરેશ જોષીનો એક જુદો જ ચ્હૅરો જોવા મળે છે – એવો કે જેની આપણને થવી જોઈતી ઝાંખી નથી થઈ. વિદ્રોહનો એ ચ્હૅરો પણ જોવા-સમજવાલાયક છે.

૧૫ નાના નાના ખણ્ડની આ પુસ્તિકાનું અન્તિમ વાક્ય નૉંધપાત્ર છે :

મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચંડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઈ છે :

મને એમ સમજાયું છે કે એવા પુરુષાર્થને પ્રેરે અને બળ આપે એવું આ પુસ્તિકામાં સામર્થ્ય છે.

પુસ્તિકામાં એમણે વિદ્યાની વર્તમાન અવસ્થાની, ખાસ તો દુર્દશાની, માંડીને વાત કરી છે. એને માટે એમણે આપણી યુનિવર્સિટીઓને જવાબદાર ગણી છે. ‘યુનિવર્સિટી’ માટે એમણે ‘વિદ્યાપીઠ’ સંજ્ઞાનો વિનિયોગ કર્યો છે.

વિદ્યાપીઠોના કર્તવ્ય અંગેની એમની વિચારધારાનાં મને બે કેન્દ્ર ભળાયાં છે : એક કેન્દ્ર ભૂતકાળ સાથે જોડાયેલું છે -એ રીતે કે અત્યાર સુધીમાં ઉપલબ્ધ જ્ઞાનની વિદ્યાપીઠોમાં ચકાસણી થવી જોઈએ. બીજું કેન્દ્ર વર્તમાન અને ભવિષ્ય સાથે જોડાયેલું છે – એ રીતે કે વર્તમાનમાં ઊભા થતા નવા સંદર્ભોને કારણે જે વૈચારિક સંઘર્ષો જન્મે છે તેનો મુકાબલો કરવો જોઈએ, જેથી ભવિષ્યને ભાળી શકાય. વિદ્યાપીઠોએ એ સંઘર્ષ આવકારવા જોઈશે, કરવા જોઈશે.

પુસ્તિકામાં પરિસ્થિતિની ભરપૂર ટીકાટિપ્પણી છે. સમગ્ર નિરૂપણ એક નિદાન છે, એમાં ઉપચારો પણ સૂચવાયા છે.

સુરેશભાઈના સાહિત્યચિન્તનમાં આ પુસ્તિકા એક ઉમેરણ છે. કેમ કે સાહિત્ય અને વિદ્યા એકબીજાં સાથે જોડાયેલાં છે, એટલું જ નહીં, સાહિત્યકલા પોતે એક વિદ્યા છે. આમ છે, પણ આમ હોવું જોઈએ-ના સૂરમાં અહીં આપણને એક સમુપકારક ચિન્તન સાંપડ્યું છે.

પરિસ્થિતિનું નિદાન મને અહીં એનાં પાંચ પરિમાણ પરત્વે જોવા મળ્યું છે : વિદ્યાપીઠ-તન્ત્ર, વિદ્યાર્થી, અધ્યાપક, સમાજ, અને સંસ્કૃતિ.

મને વરતાયું છે કે તોફાનો વગેરે સ્વરૂપનો વિદ્યાર્થી-વિદ્રોહ ૬-ઠ્ઠું પરિમાણ છે. અભ્યાસક્રમ ૭-મું પરિમાણ છે. સાંસ્કૃતિક મૂલ્યોના નિર્માણની પ્રક્રિયાનો અભાવ ૮-મું પરિમાણ છે.

***

વિદ્યાપીઠોએ વિદ્યાર્થી અને અધ્યાપક માટે કેવુંક તન્ત્ર ગોઠવ્યું છે? એ જે વહીવટ કરે છે તેનું સ્વરૂપ શું છે, કાર્ય શું છે? પરિણામ શું છે? વિદ્યાપીઠો પાસે સમાજ શું ઇચ્છે છે અને શું મેળવે છે? વિદ્યાપીઠોનું સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં કશું યોગદાન છે કે કેમ?

વિદ્યા મેળવવા આવેલો વિદ્યાર્થી કેવો છે, વિદ્યાને નામે એને શું જોઈએ છે.

અધ્યાપક વિદ્યા આપે છે પણ કેવી ને કેટલી?

સમાજ વિદ્યા માગે તેવી લાયકાત ધરાવે છે કે કેમ? સંસ્કૃતિ સાથેનો સમાજનો પોતાનો સમ્બન્ધ શો છે?

આ પ્રશ્નોના ઉત્તર આપણને અહીં શિક્ષણશાસ્ત્રની રીતેભાતે નહીં મળે. એમણે પોતે જણાવ્યું છે : હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હોવાનો દાવો કરતો નથી. શિક્ષણ, મારી દૃષ્ટિએ, એક કળા છે : (નિવેદન : વદામિ).

સુરેશભાઈની સમગ્ર નિરૂપણરીતિ, હું જોઈ શક્યો છું કે એક પ્રગલ્ભ સાહિત્યકારની રીતિ છે. એમાં એમના સાહિત્યિક વાચન અને અધ્યયનના સંદર્ભો ભળ્યા છે. પોતાની વિચારયાત્રામાં અવારનવાર એમને ઑર્તેગા, દૉસ્તોએવસ્કી, કામૂ, બૅકેટ, વિટ્ગેનસ્ટાઇન, વૉલ્ટેર, રૂસો, રવીન્દ્રનાથ કે આનન્દકુમારસ્વામીનાં વચનો સાંભરી આવે છે.

પણ આ વિચારધારા પાછળનો એક સવિશેષે નૉંધપાત્ર ધક્કો છે, એક અધ્યાપક તરીકેનો સુરેશભાઈનો સ્વાનુભવ. એમણે લખ્યું છે : વિદ્યાપીઠોના તન્ત્રમાં પ્રવર્તતી ગેરરીતિનો ભોગ બનનાર તરીકે પણ મને આ લખવાનો અધિકાર છે : એમણે જણાવ્યું છે : પ્રત્યક્ષ અનુભવ જો કોઈ પ્રામાણ્ય હોય તો તે આ લખાણની પાછળ છે : (નિવેદન : વદામિ).

તેઓને જે જે બાબતે ભોગવવું પડ્યું તે વીગતોમાં જવાનું અહીં કોઈ કારણ નથી. પણ કહું કે હું એમના સ્વાનુભવને પ્રમાણ જરૂર ગણું છું પણ એથી કરીને એમ નથી કહી શકતો કે આ પુસ્તિકા અંગત દુખાવાનું કશું ભીનું-પોચું ગાણું છે. ખરેખર તો વિદ્યાના સત્ત્વને વિશેનું એ એક લઘુ પણ બલિષ્ઠ દર્શન છે.

વિદ્યાની હાલતને વિશેનો બળાપો કહો તો બળાપો જરૂર છે, પણ એ માટે ય હું એમ કહીશ કે બળાપો રૂપાન્તરિત થઈને અહીં કરુણરસ રૂપે રસાયો છે. વાત દુ:ખની છે પણ વાણી રસપ્રદ છે. અહીં વિશદ વિચારની ધાર અને સ્મિત ફેલાઇ જાય એવા સૂક્ષ્મ વ્યંગ છે પણ એ સ્વરૂપની એ એક આશ્વાસના પણ છે.

એમણે કહ્યું છે : જો વિદ્યાપીઠોને હજી બચાવી લેવી હોય તો પ્રામાણિકપણે આત્મશોધન કરવું પડશે : હું કહીશ કે ‘વિદ્યાવિનાશને માર્ગે’ એમના આત્મની સત્તાએ પ્રગટ્યું છે અને એ એક બળુકું શોધન છે.

એમણે કહ્યું : ક્રાન્તિકારી પરિ વર્તનો કરવાં પડશે : મને લાગ્યું છે કે ‘વિદ્યાવિનાશને માર્ગે’ અનેક પરિવર્તનો સૂચવનારી મૂલ્યવાન પુસ્તિકા છે, વિદ્યાજગતમાં આમૂલ ક્રાન્તિને લક્ષ્ય કરે છે.

તો કરવું શું? એમ પૂછીને એમણે જે ઉપચારો કે પરિવર્તનો સૂચવ્યાં છે તેની નૉંધ લીધા વિના આ લેખને છોડી ન દેવાય. મને એમ છે કે હું એને એક બે કરીને ગણાવું :

૧ : સૌ પ્રથમ તો વિદ્યાપીઠોમાં વિકેન્દ્રીકરણ થવું ઘટે. નાનાં નાનાં વિદ્યાસંકુલો હોય તે વધારે હિતાવહ છે. હવે ‘ઍફિલિયેટિંગ’ યુનિવર્સિટીને સ્થાને ‘રેસિડેન્શિયલ’ યુનિવર્સિટીની સંખ્યા વધારવી જોઈએ.

૨ : આવું દરેક વિદ્યાસંકુલ એની આગવી વિશિષ્ટતા ધરાવતું અને બીજાં વિદ્યાસંકુલોનું પૂરક બની રહેવું જોઈએ. દેશના શ્રેષ્ઠ તજ્જ્ઞોનો લાભ આ વિદ્યાસંકુલોને, અધ્યાપકોના આદાન-પ્રદાનની વ્યવસ્થા દ્વારા, મળતો રહે તેવી યોજના થવી જોઈએ.

૩ : અભ્યાસક્રમના વિષયોની પસંદગી આડે જે જડ નિયમો છે તે ફેરવવા જોઈએ. કેમ કે સાચો રસ ધરાવનારા વિદ્યાર્થીઓને, એ ધારાધોરણને કારણે, અન્ય વિષયમાં પ્રવેશ મેળવવાનું અશક્ય બની રહે છે. વળી ફિલસૂફી ભણતો વિદ્યાર્થી વિજ્ઞાન ભણે તો એને લાભ થાય એ દેખીતું છે.

૪ : સેમિનારનો સાચો અર્થ સમજાયો નથી. આથી સેમિનારોથી થતો લાભ આપણે મેળવી શકતા નથી.

૫ : કશું પારિશ્રમિક સ્વીકાર્યા વિના સ્વેચ્છાએ પોતાના જ્ઞાનનો લાભ વિદ્યાપીઠોને આપનારા નિવૃત્ત અધ્યાપકોનો વર્ગ ઊભો થવો જોઈએ.  

૬ : વિદ્યાપીઠોમાં અપાતા શિક્ષણને પૂરક એવી પ્રવૃત્તિ હવે તો લગભગ થતી જ નથી. અભ્યાસવર્તુળો ચાલતાં હોતાં નથી. સુરેશભાઈએ કહ્યું છે – હું તો આ સમ્બન્ધમાં કશુંક સક્રિય કરવાને ઉત્સાહી છું. વિદ્યાપીઠો ભલે ચાલે, એને સમાન્તર બીજી વિદ્યાકીય પ્રવૃત્તિ શરૂ થવી જોઈએ. શેઠાશ્રય કે રાજ્યાશ્રય વિના, કેવળ વિદ્યાના ઉત્કર્ષ માટે, આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ. ફંડફાળાની અને પૈસાના વહીવટની વાત પેચીદી હોય છે. એમાંથી ઘણાં અનિષ્ટો પ્રવેશે છે.

૭ : વિદ્યાપીઠો જે જ્ઞાનની શાખાઓને જોડી આપતી નથી તેમ છતાં જેમની વચ્ચેનો પારસ્પરિક સમ્બન્ધ જ્ઞાનપ્રાપ્તિની ગુણવત્તા વધારવામાં ઉપકારક નીવડે તેમ છે તેવા વિષયોના એકમો નક્કી કરીને એને માટેના ક્રમિક અભ્યાસક્રમને ત્રીસ વ્યાખ્યાનોમાં આવરી લઈ શકાય, એવા ‘કેપ્સ્યુલ’ અભ્યાસક્રમની વ્યવસ્થા કરી શકાય.

૮ : આવા ક્રમિક અભ્યાસક્રમ માટેનાં સત્ર દશથી પંદર દિવસના હોય, એમાં તે તે વિષયના વિદ્વાનો નિ:શુલ્ક શિક્ષણ આપે, એમનું આતિથ્ય મિત્રો કે પરિચિતો દ્વારા થાય.

રજાઓના ગાળામાં આ સત્રો ચાલે તો ઘણી શિક્ષણસંસ્થાઓનો આ સત્ર ચલાવવા માટે ઉપયોગ થઈ શકે. આવાં સમાન્તર કેન્દ્ર જે સ્થળોને વિદ્યાપીઠનો લાભ નહિ મળ્યો હોય ત્યાં ખાસ શરૂ કરવાં જોઈએ.

૯ : વિદ્વાનોનું સમાજ પ્રત્યે ઋણ છે જ, એ ઋણ ચૂકવવા માટે, વિદ્યાવ્યાસંગ વધારવા માટે, કેવળ પરમાર્થવૃત્તિથી એમણે આ પ્રવૃત્તિનું સક્રિયપણે સંચાલન કરવું જોઈએ.

કહ્યું છે – આવાં ક્રમિક વ્યાખ્યાનોની શ્રેણીનું હું આયોજન કરી રહ્યો છું. મને આશા છે કે મારા વિદ્વાન અધ્યાપકમિત્રો આમાં સક્રિય સહકાર આપશે જ.

સુરેશભાઈએ આપણી આજ જોઈ હોત તો? સુરેશભાઈના એક વિવેચનસંગ્રહનું શીર્ષક છે, ‘અરણ્યરુદન’. આજે જે હાલત છે તે જોતાં આ મહામૂલું ચિન્તન પણ અરણ્યરુદન દીસે છે.

મને કિશોરલાલ મશરૂવાળાની ‘સમૂળી ક્રાન્તિ’ અને ગાંધીજીલિખિત ‘નીતિનાશને માર્ગે’ પુસ્તિકાઓ યાદ આવી ગઈ. એમાં પણ આવી જ સાફ અને પૂરી દાઝથી છતાં વસ્તુલક્ષી ધોરણે વાતો થઈ છે.

અહીં પણ સુરેશભાઈનો આશય ઊહાપોહનો રહ્યો છે.

ઊહાપોહ તો બહુ દૂરની વાત; આ ગ્રન્થનો સઘન અભ્યાસ કેટલાક સાહિત્યકારોએ કર્યો હશે કદાચ, પણ કેળવણીકારોએ? શિક્ષણ વિભાગે? યુવા અને સાંસ્કૃતિક વિભાગના વડાએ? શિક્ષણપ્રધાને? સમાજના ધનપતિઓને કે સામાન્ય શિક્ષિત સજ્જનોને પણ આમાંના બે વિચાર પ્હૉંચ્યા હોય તો ધનભાગ્ય.

નવા સંદર્ભોમાં ઊભા થતા વૈચારિક સંઘર્ષને એમણે વિદ્યાપીઠો માટે અનિવાર્ય ગણ્યો છે. આજે કયા નવા સંદર્ભો ઊભા થયા છે? ને તેથી કેવા પ્રકારના વૈચારિક સંઘર્ષની આવશ્યકતા છે? એ બધું કોણ વિચારે છે? આપણે ત્યાં આટલી બધી યુનિવર્સિટીઓ છે, બુદ્ધિમત્તા છે, અધ્યાપનનું શિક્ષણ આપતી બી.ઍડ. કૉલેજો છે, કોણ વિચારે છે? કેળવણીમીમાંસા જેવી પાયાની જરૂરિયાત બાબતે આપણે સુસ્ત બલકે મન્દપ્રાણ છીએ. ગુજરાત શિક્ષણ પરિષદ શિક્ષણ-પર્વો યોજીને તેમજ બીજી કેટલીક સંસ્થાઓ યથાશક્ય જરૂર કરે છે.

‘પાયાની કેળવણી’-ના કર્તા ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ, એ પૂર્વસૂરીઓ પછી સરસ્વતી વિશેની ચિન્તા અને ચિન્તન સાવ વીસારે પડી ગયાં છે જાણે. દુર્દશાને સ્વીકારી લઈને આપણે કેળવણી જેવા મહા પુરુષાર્થમાં માત્ર જોડાયેલા છીએ.

૧૫ ખણ્ડની આ પુસ્તિકા ઘણી ભારે છે. એમાં વિચારદ્રવ્યને જાણે ઇન્ચ ઇન્ચમાં ભર્યું છે. એક અધ્યાપક પોતાના જ ક્ષેત્રની આવી ખાંખતભરી નિરીક્ષા કરે, કડક પરીક્ષા કરે, મારે મન એ જ બહુ મોટી ઘટના છે. એક અધ્યાપક પોતાની જ વિદ્યાપીઠમાં બેસીને આવી કડક સમીક્ષા કરે, નિર્ભીકપણે ઇલાજો સૂચવે એ જ વિદ્યાનો વિજય છે. એમાં રહેલી દાઝ આપણા વિચારોને ઉત્તેજિત કરનારી છે. આપણે એમણે રજૂ કરેલા વિચારો વિશે વિચારતા થઈ જઈએ છીએ ને સ્વીકારતા સ્વીકારતા એમની સાથે ને સાથે ચાલીએ છીએ. ૧૫ ખણ્ડને લીધે ઉપલક નજરે આછુંપાછું દીસતું આ ચિન્તન હકીકતે ઘણું ગહન છે. એનું જેટલું વિવરણ કરીએ અને એને પ્રસરાવીએ એટલું ઓછું પડવાનું છે.

***

એ આઠેય પરિમાણમાં થયેલું પરિસ્થિતિનું નિદાન સમજી શકાય એ માટેનું સારદોહન હવે પછી રજૂ કરીશ.

= = = =

(December 21, 2020: USA)

Loading

22 December 2020 admin
← હાલની રાજનીતિમાં નીતિ સિવાય બધું જ છે …
મુશ્કેલ સમયમાં (46) →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved