Opinion Magazine
Number of visits: 9510250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષી હતા, વરેશ્યસ રીડર. મેધાવી ચિન્તક. કલ્પનનિષ્ઠ સર્જક. ઉત્તમ અધ્યાપક. પ્રખર વક્તા. સાત્ત્વિક વિદ્રોહના માણસ. અને, અતિ સંવેદનશીલ હ્યુમન બીઇન્ગ.

સુમન શાહ|Opinion - Literature|8 September 2018

સંવેદનાસમૃદ્ધ શબ્દસૃષ્ટિના સર્જક સુરેશ જોષીને આજેે એમની પુણ્યતિથિએ આપણા સૌની સ્મરણાંજલિ …

બે દિવસ પર સુરેશ જોષીની પુણ્યતિથિ ગઈ. અવસાન તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૮૬. હયાત હોત તો ૯૭ વર્ષના હોત. અસ્થમાથી પીડાતા હતા, પણ મનોસ્વાસ્થ્ય સારું હતું. તબિયત લથડેલી. વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરેલા. અમે લોકો મળવા જતા. ત્યારે, 'મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?' જેવો પ્રશ્ન પૂછતા… મને પૂછેલું : ડભોઇ હતો? ક્યારે આવ્યો, બોલ, શું થશે? એમને વિશેની ચિન્તાથી ગ્રસ્ત મને શું સૂઝે? મૂંગા મોઢે જોઇ રહેલો. પછી નડિયાદની હૉસ્પિટલમાં ખસેડાયેલા. ત્યાં એમનું અવસાન થયેલું.

સૉક્રેટિસનું મૃત્યુ ઍથેન્સવાસીઓએ ફરમાવેલા મૃત્યદણ્ડથી થયેલું. એમને હૅમલોક પીવું પડેલું. સૉક્રેટિસે 'ડેફિનેશન્સ'-માં, પ્લેટોએ 'ફૉર્મ્સ'-માં તેમ ઍરિસ્ટોટલે 'મૅટર ઍન્ડ ફૉર્મ'-માં જીવનભર પોતાની ચિત્તશક્તિઓ ખરચેલી. કામૂનું મૃત્યુ કાર-અકસ્માતથી થયેલું. ફુલ્લ સ્પીડમાં દોડતી કાર ઝાડ સાથે અથડાયેલી. જીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – વિશે એમણે લાક્ષણિક ચિન્તન કરેલું. ચાબૂકથી ફટકારાતા એક અશ્વની વેદના જોઇને નિત્શે એને બચાવવા દોડી ગયેલા. અશ્વને બાથમાં લઇ રડી પડેલા, પાગલ થઇ ગયેલા. હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. નિત્શેએ 'ઈશ્વરના મૃત્યુ'-ની વાત કરેલી, એમ કે એ મનોભાવના હવે મરી પરવારી છે. અને એટલે, ઓવરમૅનની -કશા પરમ પુરુષની – શોધમાં જીવ્યા હતા.

જ્ઞાનમાત્ર અનુભવથી રચાય છે એ વાતને આગ્રહથી આગળ કરનારા ફિલસૂફ ડેવિડ હ્યુમને ઍબ્ડોમિનલ કૅન્સર થયેલું. મરણપથારીએ હતા. ડૉક્ટરને કહ્યું : મારા શત્રુઓ ઇચ્છે – જો હોય તો – જલ્દીમાં જલ્દી પતી જઉં; મારા મિત્રો ઇચ્છે તો સરળતાથી ચાલ્યો જઉં. ત્રણ દિવસ પછી હ્યુમનું અવસાન થાય છે. ડૉક્ટરે કહેલું કે હ્યુમના ચહેરા પર કશી ચિન્તા કે નિરાશા ન્હૉતી. બધાં જોડે હેતભરી નરમાશથી વાત કરતા'તા. અને, જેવા એકલા પડતા'તા, મનગમતાં પુસ્તકોમાં ખોવાઇ જતા'તા. વિશિષ્ટ વિશ્વસાહિત્યકાર હોર્હે લુઇસ બોર્હેસ છેલ્લે તો સમ્પૂર્ણ અન્ધ થઇ ગયેલા. લીવરના કૅન્સરને કારણે મૃત્યુ થયેલું. જીનીવામાં અન્ત્યેિષ્ઠ વખતે વડા પાદરીએ કહેલું : બોર્હેસે નિરન્તર સમુચિત પદની શોધ કરી છે. એવું પદ, જે વસ્તુજગતનો અન્તિમ સાર આપતું હોય. ઉપસંહારમાં કહેલું, એ પદને માણસ નથી શોધતો, પદ પોતે જ માણસને શોધી લે છે.

ગાંધીજીનાં બન્ને શસ્ત્ર, સત્ય-અહિંસા, જેનાથી ઉત્તમ એકેય શસ્ત્ર હોઇ શકે નહીં એવાં, અનુત્તમ હતાં. એમની કરુણતમ હત્યા થઇ હતી. કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટે 'આત્માની આરઝૂ સદા ઝૂરવાની' કહીને ઝૂરણને 'જીવનનું અખૂટ પાથેય' ગણેલું. એમણે આત્મહત્યા કરેલી. ક્ષયગ્રસ્ત કવિ રાવજી પટેલે 'અલકાતાં રાજ'-ને અને 'મલકાતાં કાજ'-ને 'ડૂબતાં' જોયેલાં પણ એને વાગેલી તો 'સજીવી હળવાશ'. અકાળે અવસાન થયેલું.

આ સૌનાં શક્તિ-સામર્થ્યની તુલના તો શક્ય જ નથી, જરૂરી પણ નથી. છતાં સૌમાં મને સામ્ય એ દેખાયું છે કે સૌ મનોમન્થનને વરેલા હૃદયવાન મનુષ્યો હતા. મારે ખાસ તો એ કહેવું છે કે સૌની ચેતના 'અતિ' હતી. સુરેશ જોષીની વ્યક્તિમત્તાની મને સપ્તવિધ ઓળખ મળેલી છે : વરેશ્યસ રીડર. મેધાવી ચિન્તક. કલ્પનનિષ્ઠ સર્જક. ઉત્તમ અધ્યાપક. પ્રખર વક્તા. સાત્ત્વિક વિદ્રોહના માણસ. અને, અતિ સંવેદનશીલ હ્યુમન બીઇન્ગ. આમ, એમનામાં સંવેદન, ચિન્તન અને કર્મ ત્રણેય હતાં ને ખાસ એ કે એ સર્વની એમનામાં સંવાદિતા હતી, હાર્મનિ હતી. એમણે 'ભોંતળિયાનો આદમી' શીર્ષકથી દોસ્તોએવસ્કીની 'મૅન ફ્રૉમ ધ અન્ડરગ્રાઉન્ડ'-નો અનુવાદ કરેલો છે. એમાં નાયક પોતાની વેદનાનું કારણ દર્શાવે છે. કહે છે – સંવિત્તિની અતિમાત્રા એ જ મારો અપરાધ છે. સુરેશભાઇ પર એનો પ્રભાવ કેટલો, એની પંચાતમાં ન પડીએ. પણ એમની ખુદની સંવેદનશીલતા એવી જરૂર હતી. 'છિન્નપત્ર' કૃતિ એમણે મિત્રદમ્પતી જયન્ત પારેખ અને સુધાબહેનને અર્પણ કરી છે. લખ્યું છે કે 'ચેતનાની અતિમાત્રા એક આમરણ માંદગી જ છે'. સુરેશભાઇએ અસ્થમાભેગી એ માંદગીને પણ ભોગવેલી એમ કહેવામાં કશી ભૂલ નથી થતી. ઉમેર્યું છે કે 'એમાંથી છટકી નથી શકાતું, કારણ કે આપણે સંવેદનશીલ છીએ.' ચેતનાની એ અતિમાત્રાની ઝાંખી, ખાસ તો, સુરેશભાઇની સાહિત્યસૃષ્ટિમાં થાય છે.

જુઓ, મનુષ્યજીવનનાં બે મહાન પરિબળો છે : પ્રેમ અને મૃત્યુ. બન્ને એમની સૃષ્ટિમાં રસાયાં છે. મુસદ્દારૂપ નવલકથા 'છિન્નપત્ર' પ્રેમવિષયક છે અને 'મરણોત્તર' મૃત્યુિવષયક. કોઇ પણ વાચક / ભાવક બન્નેને વાંચે. મારી સાગ્રહ વિનન્તી છે. બન્નેમાંથી ક્યાંક કિંચિત્ છોડી દઇને એક એક અંશ રજૂ કરું છું :

'છિન્નપત્ર'-માં અજય માલાને કહે છે : 'ગઈ કાલની જ વાત; આપણને ખબર નહોતી ને છતાં આપણી જ પાછળ આપણા આગામી વિરહનો પડછાયો નહોતો ઊભો? જે અશરીરી છે તેના પર આપણું નિયન્ત્રણ નથી. આથી જ તો વિરહ ગમે તેટલે દૂરથી દોડીને આપણી વચ્ચે આવીને ઊભો રહી જાય છે; આંગળીઓમાં ગૂંથેલી આંગળીઓ વચ્ચે આવીને એ સહેજ સરખા ખાલી અવકાશના આશ્રયે વિસ્તરવા માંડે છે. હું વાંચતો હતો, પણ … ક્યારે મારા શબ્દો કેવળ આછા શા ઉદ્ગારની બાષ્પ બનીને વિખેરાઈ ગયા, ક્યારે તારી નિષ્પલક આંખોમાં ઘેરી ઉદાસી ઘેરાઈ આવી ને કશુંક બોલવા મથતા તારા હોઠને મેં ચૂમી લીધા … પછી બધું જ ભારે ભારે લાગવા માંડ્યું …કદાચ એ ભારને ઉપાડવો ન પડે એટલા ખાતર જ આપણે શૂન્યને ઝંખીએ છીએ … શૂન્યમાં આપણે તરી શકતા હોત પણ શૂન્યમાં તરવાનું શક્ય નથી, ડૂબવાનું જ શક્ય છે. આથી નાના સરખા કાર્યનો આધાર લઈને આપણે તરવા મથીએ છીએ; એકાદ કવિતાની પંક્તિ, થોડીક રેખાઓ. પણ એ મને તારાથી દૂર ને દૂર વહાવી નહીં લઈ જાય ને? આથી ઘણી વાર કલમ થંભી જાય છે, ધીમે ધીમે મૌન ઝમે છે, હું ડૂબું છું.' (ખણ્ડ : ૨૩).

'મરણોત્તર'માં નાયકને સાંભળો, કહે છે : 'હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો પડ્યો છે. આદિ કાળના કોઈ વિરાટ સરિસૃપની જેમ પેટે ચાલતું ધુમ્મસ ધીમે ધીમે આગળ વધે છે … રમતા બાળકના હાથમાંથી લસરી પડીને લખોટી ક્યાંક જઈને અદૃશ્ય થઈ જાય તેમ ચન્દ્ર ક્યાંક દડી ગયો છે … ધુમ્મસના ચાલવાના અવાજ સિવાય ક્યાં ય કશું સંભળાતું નથી. તેથી જ મરણ જાણે હાંફતું બેઠું હોય એવી એના શ્વાસોચ્છ્વાસની અતિશયોક્તિ થઈ જાય છે … ઘરની બંધિયાર હવાને ધુમ્મસ એના બોદા ટકોરાથી જગાડે છે … મને આશા બંધાય છે : આ ધુમ્મસ જ કદાચ મારામાં વસતા મરણને ગૂંગળાવશે : હું મરણની પ્રવૃત્તિ જોયા કરું છું. એ એના ખભા હલાવે છે. ઘડીક એના પીળા દાંત દેખાડે છે. એની આંખો હવે તગતગતી નથી. પશુના જેવો એનો ઘૂરકાટ પણ આછો થઈ ગયો છે. એ પોતાના વજનને વીંટળાઈ વળ્યું છે … આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું … ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ, વળીને, જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા, માથું ઊંચકે છે ને પૂછે છે: 'ક્યાં છે મૃણાલ?' (ખણ્ડ : ૧૬).

ચેતનાની અતિમાત્રાએ સંવેદનાસમૃદ્ધ અને રસપ્રદ ગદ્યમાં આલેખાયેલી આ શબ્દસૃષ્ટિ ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. એના સર્જક સુરેશ જોષીને આજેે એમની પુણ્યતિથિએ આપણા સૌની સ્મરણાંજલિ …

= = =

[શનિવાર, તારીખ ૮ / ૯ / ૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત આ લેખ અહીં મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2104023639628538?__tn__=K-R  

Loading

8 September 2018 admin
← સરકારો કર્મશીલોને જુલમી કાયદા વાપરીને પકડે, અદાલતો બંધારણને ટાંકીને તેમને રાહત આપે
દલિત આંદોલનોથી ધમધમતું ગુજરાત →

Search by

Opinion

  • નેહરુ વિશે જૂઠાણાં શા માટે ફેલાવવામાં આવે છે? 
  • સોમનાથનો સ્વીકાર ને અયોધ્યાનો અસ્વીકાર: આ કેવી સરદારી?
  • આરંભે ડો. આંબેડકર અલગ મતાધિકારના વિરોધી હતા!
  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved