
રવીન્દ્ર પારેખ
7 ફેબ્રુઆરી, 2025ને રોજ સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ પર રખાતા કર્મચારીઓ સંદર્ભે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક તરફ સરકાર ખાનગીકરણને ઉત્તેજન આપતી રહે છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટ પર કામચલાઉ રીતે જરૂરતમંદોને નોકરીએ રાખીને કામ કાઢી લે છે. આ રીતે વર્ષો સુધી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે ને જરૂર પૂરી થતાં તેમને તગેડી મૂકવામાં આવે છે. આવું ખાનગી સંસ્થાઓમાં તો ચાલે જ છે, પણ સરકાર પોતે પણ કોન્ટ્રાક્ટ પર માણસો રાખે છે. કામ ઓછું હોય ને ઓછા સમયનું હોય, ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખવાનું વાજબી ગણાય, પણ કામ વધારે અને લાંબો સમય ચાલવાનું હોય, ત્યારે કર્મચારીઓને હંગામી ધોરણે રાખવાનું કોઈ રીતે યોગ્ય નથી, પણ વધારે લાભો આપવા ન પડે એટલે માણસોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે.
આ વાત ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. જેમ કે, સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતને અવગણી શકાય નહીં. સુપ્રીમે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે અમારા ચુકાદાની આડ લઈને, પોતાના હેતુઓ પાર ન પાડો. કેટલા ય શ્રમિકો લાભ વગર વર્ષો સુધી કામ કરે છે, પણ તેમના કામની યોગ્ય કદર થતી નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ શ્રમિક કે કર્મચારીનાં શોષણ માટે કે આર્થિક અને અન્ય લાભોથી વંચિત રાખવા ન થઈ શકે. ભારતીય શ્રમ કાયદો કાયમી કાર્યો જણાય તેવાં કામ માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિની તરફેણ નથી કરતો. શ્રમિકો વર્ષો સુધી કાયમી કર્મચારીઓ જેવું જ કામ વર્ષો સુધી કરતાં હોય તો તેમને કામચલાઉ કેવી રીતે ગણાય – જ્યાં તેમનું યોગદાન કાયમીથી જરા ય ઓછું નથી? સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ શ્રમિક કે કર્મચારીને કામચલાઉ રીતે જ કામ પર ભલે રખાયા હોય, પણ તેમણે કામ વર્ષો સુધી કર્યું હોય, તો તેઓ કાયમી કર્મચારીને મળતા લાભના હકદાર છે.
ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ નગરપાલિકામાં સેવા આપનાર શ્રમિકોએ 25 વર્ષ સુધી લડત આપી. લેબર કોર્ટથી લઈને હાઇકોર્ટ સુધી ગયા, પણ ન્યાય તેમને સુપ્રીમ કોર્ટમાં મળ્યો. આ શ્રમિકો બગીચાઓની દેખરેખથી લઈને અન્ય કામો 1999 સુધી કરતા હતા. વર્ષ 2004માં કામદારોએ કાઉન્સિલિએશન સમક્ષ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ દાખલ કર્યો ને નોકરીમાં તેમને કાયમી કરવાની અને કાયમીને મળતા લાભો આપવાની માંગ કરી. એનું પરિણામ એ આવ્યું કે જુલાઈ, 2005માં નગરપાલિકાએ કોઈ પણ નોટિસ અને વળતર વગર મૌખિક જાહેરાતથી જ એ સૌને નોકરીમાંથી કાઢી મૂક્યા. લેબર કોર્ટે એનો ચુકાદો વિરોધાભાષી આપ્યો. કર્મચારીઓને 30 ટકા પાછલાં ભથ્થાંથી નોકરીમાં પાછા લેવાનો આદેશ આપ્યો અને પછી શ્રમિકો પાલિકાનાં પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ કામ કરતાં ન હોવાનું જણાવીને નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો. આની સામે અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરાતાં કોર્ટે, શ્રમિકોને દૈનિક ભથ્થાં પર ફરી નોકરીએ રાખવાનો અને કાયમીને ચૂકવાતા પગારની સમકક્ષ પગાર આપવાનો, તેમ જ ભવિષ્યમાં કાયમી નિમણૂકની શક્યતા તપાસવાનો આદેશ આપ્યો. જો કે, સુપ્રીમે એ સ્પષ્ટ કરી દીધું કે કોઈ કર્મચારી લાંબા સમય સુધી કાયમી જેવું જ કામ કરતો હોય તો તે કાયમીને મળતા લાભો મેળવવાને હકદાર છે. આ ચુકાદાને સુપ્રીમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જોડતાં એ પણ સ્પષ્ટ કર્યું કે કોન્ટ્રાક્ટ કરારોના દસ્તાવેજ હોય કે ન હોય, તો પણ શ્રમિકો કે કર્મચારીઓને તેમના અધિકારોથી વંચિત કરી શકાય નહીં. તેમને પણ કાયમીને મળતા હક-પેન્શન, પી.એફ., હેલ્થ ઈન્સ્યોરન્સ, હક રજાઓ વગેરે – મળવા જોઈએ.
આમ તો આ ચુકાદો સુપ્રીમની વિક્રમનાથ અને પ્રસન્ના બી.વરાલેની બેન્ચે આપ્યો છે, પણ તેનું કેટલું ઊપજે છે તે ખબર નથી. કદાચ નહીં જ ઉપજતું હોય, કારણ આવો જ ચુકાદો માર્ચ, 2024માં સુપ્રીમની જ જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને સંદીપ મહેતાની ખંડપીઠે આપેલો ને એ વાતને હજી વરસ પણ થયું નથી ને સુપ્રીમનો આ બીજો ચુકાદો આવ્યો છે. એ ચુકાદામાં પણ એમ કહેવાયું હતું કે જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ પદ પર કાયમી કર્મચારી જેવું જ કામ કરે છે તો તેને કોન્ટ્રાક્ટ પર રખાયેલ કર્મચારીની જેમ ટ્રીટ કરી શકાય નહીં ને તેને કાયમી કરવાથી પણ દૂર રાખી શકાય નહીં.
મહાનદી કોલફિલ્ડમાં કામ કરતાં સફાઇ કામદારોના મામલામાં સુનાવણી કરતાં સુપ્રીમે કહ્યું કે બારમાસી કામ કરતાં સફાઇ કામદારોને નોકરીના લાભોથી વંચિત રાખવા કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલિશન) એક્ટ, 1970 હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીમાં ખપાવી શકાય નહીં. જસ્ટિસ નરસિમ્હાએ ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખીને રેલવે લાઇનની સફાઇ કરતાં કામદારોને કોન્ટ્રાક્ટ કામદારોમાંથી કાયમી કામદારોનો દરજ્જો અને પગાર તથા ભથ્થાંનો લાભ આપ્યો હતો. કેસની હકીકત એવી હતી કે મહાનદી કોલફિલ્ડ્સે 32માંથી 19 કર્મચારીઓને કાયમી કર્યા હતા અને 13ને કાયમી જેવું અને જેટલું જ કામ કરવાં છતાં કાયમી કરાયા ન હતા. એની સામે યુનિયને કેન્દ્ર સરકાર અને મહાનદી કોલફિલ્ડને મેમોરન્ડમ આપ્યું, પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. એ પછી કેસ ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં અને હાઇકોર્ટમાં પહોંચ્યો. હાઇકોર્ટે પણ ટ્રિબ્યુનલનો 13 કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય માન્ય રાખ્યો. તેની સામે મહાનદી કોલ ફિલ્ડ્સ સુપ્રીમમાં ગઈ અને સુપ્રીમે પણ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખીને કર્મચારીઓને પક્ષે ચુકાદો આપ્યો. સુપ્રીમનું કહેવું હતું કે રેલવે લાઇન પરની ગંદકી દૂર કરવાનું કામ હંગામી નહીં, પણ બારમાસી છે અને એટલે જ એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવે.
અહીં સવાલ એ થાય કે એક જ વર્ષમાં, સર્વોચ્ચ અદાલતના, કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓને, બારમાસી કામને લઈને, કાયમી કરવાના બબ્બે ચુકાદા આવે છે ને છતાં તેના અમલમાં અખાડા થાય છે, એટલું જ નહીં, કાયમી કરતાં હોય તેવું જ કામ કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓ કરતાં હોવા છતાં, તેમને કાયમી કરાતા નથી, તો સુપ્રીમના બબ્બે વખત આવેલા ચુકાદાઓનો કોઈ અર્થ ખરો કે કેમ કે જે તે ચુકાદાને પણ હંગામી જ ગણવાના છે?
એ તો ઠીક, પણ ખુદ ગુજરાત સરકાર હજારો શિક્ષકોની કાયમી જગ્યાઓ ભરવાને બદલે જ્ઞાન સહાયકની અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે ને તેને પડકારનારું કોઈ નથી. સરકાર જ જ્યારે સુપ્રીમના ચુકાદાની અવહેલના કરીને હંગામી ધોરણે શિક્ષકોની નિમણૂક કરતી હોય તો ખાનગી સંસ્થાઓ કાયમી કામ, હંગામી ધોરણે કરાવીને શોષણ કરે તેમાં નવાઈ નથી. સરકાર ભલે શિક્ષણને કામચલાઉ ગણીને હંગામી ધોરણે શિક્ષકો રાખે, પણ શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, તો તેને માટે હંગામી ધોરણે શિક્ષકો અપવાદરૂપે હોય તો હોય, બાકી, તેને કોન્ટ્રાક્ટ પર રાખી શકાય નહીં. કર્મચારીઓ કામચલાઉ ધોરણે સરકાર અને સંસ્થાઓ એટલે રાખે છે કે કાયમીને મળતાં પેન્શન અને અન્ય લાભો આપવા ન પડે. કોર્પોરેટર, વિધાનસભ્ય, સાંસદ પાંચ વર્ષની ટર્મ પૂરી થતામાં પોતાનું પેન્શન સુરક્ષિત કરાવી લે છે, પણ વર્ષો સુધી કાયમી જેટલું જ કામ કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓ કરે છે, છતાં તેમને કાયમી જેવા હકો અને લાભો મળતા નથી, બલકે, હવે સરકારની દાનત તો એવી જ છે કે બને ત્યાં સુધી કોઈને કાયમી કરવા જ નહીં, જેથી કાયમીને મળતા લાભો આપવાનો પ્રશ્ન ઊઠે.
તો, આ સ્થિતિ છે. એક તરફ સુપ્રીમ કોર્ટ બબ્બે વખત ચુકાદાઓ આપે છે કે કાયમી જેવું કામ કરતાં કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓને કાયમી કરવા, જ્યારે સરકાર એવી વેતરણમાં છે કે કોઈને કાયમી કરવા જ નહીં કે કાયમીને અપાતા લાભ આપવાનો સવાલ ઊઠે અને એ કમ સે કમ ગુજરાત સરકારે તો કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખીને સિદ્ધ કરી જ દીધું છે.
સરકાર અને સુપ્રીમના સંબંધો કેટલા ‘મજબૂત’ છે તે જાણવા હવે દૂર જવાની જરૂર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ફેબ્રુઆરી 2025