મારું નામ પૂછો છો?
જસવંત જગા મકવાણા
સરનામું પૂછો છો?
જીવણલાલની ચાલી, સાહેબ
મારું ઘર?
તમે જુઓ છો ને સાહેબ,
આ મારી માની ખોલકીની બાજુમાં.
થોડીક ખુલ્લી જગામાં.
ઊભું ખોલકું કે ઘોલકું, જે ગણો તે સાહેબ
કુટુંબના સભ્યો?
સાત પાતાળો છે.
સાત રંગો છે
સાત સૂરો છે
એમ અમે પણ સાત, સાહેબ.
“ટી.વી. પર કોરોનાને લગતી
સૂચનાઓ જોતા તો હશો જ, નહીં?"
હા સાહેબ.
મોદીસાહેબ, બચ્ચનસાહેબ
જાતજાતના સાહેબો
ભાતભાતની સૂચનાઓ આપતા જાય છે
મારા ભાઈનો ફોન હતો
કહેતો હતો
આ અક્કલબુઠ્ઠાઓને એ પણ ખબર નથી
કે આને સોશિયલ કે પર્સનલ
પેલું શું કહે છે, તે ના કહેવાય
ખબર નથી મને પણ,
ફિઝિકલ કહેવાય
એવું મારો ભાઈ કહેતો હતો
એ જે કહેવાતું હોય એ
પણ મને ક્યોને સાહેબ
આઠ બાય બારના આ ઘોલકામાં
મારે કઈ સૂચનાનું પાલન કઈ રીતે કરવું.
માથુ ના ખંજવાળો સાહેબ
હું પણ માણસ છું
જવાબ આપો સાહેબ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020