જ્યારે ભવિષ્યમાં હોર્મુઝમાં વિક્ષેપ ઊભો થશે, ત્યારે ભારત પાસે પોતાના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે એવા સંબંધો છે ખરા કે પછી ભારતને ભાગે વેઠવાનું જ આવશેનો સવાલ માત્ર સૈદ્ધાંતિક બનીને નહીં રહી જાય.

ચિરંતના ભટ્ટ
પશ્ચિમ એશિયામાં સંજોગો તંગ બની રહ્યા છે ત્યારે પાણીનાં વહેણનો એક સાંકડો પટ્ટો જે માંડ 30–35 કિલોમીટર પહોળો છે તે સતત ચર્ચાઈ રહ્યો છે. લોકોને તેને વિશે કદાચ બહુ ખબર હોય એ જરૂરી નથી, પણ એનું નામ ચોક્કસ ખબર પડી ગઈ છે. હોર્મુઝની જળસંધિ (Strait of Hormuz) ભારતમાં ભાગ્યે જ હેડલાઇન્સમાં રહે છે. રાજકીય ભાષણોમાં પણ તેનો ઉલ્લેખ ઓછો થાય છે. છતાં, હકીકત એ છે કે આ જળમાર્ગ ભારતની આર્થિક સ્થિરતાને સીધો અસર કરે છે. ભારત તેના ક્રૂડ ઓઇલનો લગભગ 85% આયાત કરે છે. તેમાંના 55–60% ગલ્ફ દેશોમાંથી આવે છે. આ નિર્ભરતા નવી નથી, વર્ષોથી PPACના ડેટામાં સ્પષ્ટ દેખાય છે. ઇરાક અને સાઉદી અરેબિયા હંમેશાં ટોચ પર રહે છે. અને આ બધું ઓઇલ એક જ રસ્તેથી પસાર થાય છે, હોર્મુઝ. વિશ્વના કુલ ઓઇલ વેપારનો લગભગ પાંચમો ભાગ અહીંથી જાય છે. આ ભારત માટે માત્ર ભૌગોલિક બાબત નથી. આ એક સીધી નિર્ભરતા છે. જે શાંતિથી ચાલે છે, જ્યાં સુધી કંઈ ખલેલ ન આવે.
કિતને દૂર કિતને પાસ?
આપણને એમ માનવું ગમે તે સ્વાભાવિક છે કે આપણા દેશની સરહદોથી જોજનો દૂર થતા સંઘર્ષોની અસર આપણને નથી થતી, પણ આ કોઈ પારસી બાવા જેવું નામ ધરાવતી હોર્મુઝ જળસંઘી આ જ માન્યતાને ખોટી સાબિત કરે છે.
અહીં વિક્ષેપ માટે નાકાબંધી જેવી મોટી ઘટના જરૂરી નથી. થોડો તણાવ વધે, શિપિંગને ધમકીઓ મળે, ટેન્કર સાથે નાની ઘટનાઓ બને કે નૌકાદળની હાજરી વધી જાય, અને તરત જ વૈશ્વિક પ્રતિક્રિયા શરૂ થાય છે. ઓઇલ માર્કેટ બહુ સંવેદનશીલ હોય છે. ઘણીવાર વાસ્તવિકતા કરતાં ધારણાઓ જ ભાવ વધારવા માટે પૂરતી હોય છે. અને તેની અસર ભારત પર ઝડપથી દેખાય છે.

ઈંધણના ભાવ વધે છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ મોંઘું થાય છે. હવાઈ ભાડાં વધી જાય છે. શિપિંગમાં વિલંબ થાય એટલે સપ્લાય ચેન ધીમી પડે છે. આયાત બિલ વધે છે અને રૂપિયા પર દબાણ આવે છે. પછી ધીમે ધીમે મોંઘવારી વધે છે.
આ બધું સમાચારોમાં નથી ઝળકતું પણ સામાન્ય માણસને રોજેરોજ કોઈને કોઈ રીતે તેના ભોગ બનવું પડે છે. ક્યારેક પેટ્રોલ પંપ પર વધુ પૈસા ચૂકવીને, ઘરખર્ચમાં ફેરફાર કરીને, અથવા વેપારમાં વધેલા ખર્ચનો સામનો કરીને. યુદ્ધની અસરો વેઠવા માટે આપણે આપણા દેશ પર કોઈ મિસાઈલ પડે તેની રાહ જોવાની જરૂર નથી.
વિક્ષેપનું અર્થશાસ્ત્ર
આ નવી પરિસ્થિતિ નથી. ગલ્ફમાં તણાવ વધે ત્યારે આપણે આ બધું અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. એરલાઇન્સને ફ્લાઇટ રૂટ બદલવા પડે છે, જેના કારણે મુસાફરીનો સમય અને ઇંધણ બંને વધે છે. શિપિંગ સમયપત્રક ખોરવાય છે. એનર્જી માર્કેટ અસ્થિર બને છે.
ભારત જેવા દેશમાં, જ્યાં ઇંધણની કિંમત લગભગ દરેક ક્ષેત્રને અસર કરે છે, ત્યાં આ ડોમિનો ઇફેક્ટ ખૂબ વ્યાપક બને છે. ટ્રાન્સપોર્ટેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ, કૃષિથી લઈને ઘરખર્ચ વગેરે બધું તેની અસર હેઠળ આવે છે. પરંતુ અહીં એક વધુ અગત્યની વાત છે. આ સમસ્યાનું મૂળ ભારતની બહાર છે. એટલે આપણો પ્રતિભાવ મોટા ભાગે પ્રતિક્રિયાત્મક જ રહે છે. આંચકો આપણને લાગે છે, પરંતુ કારણ ક્યાંક બીજે હોય છે.
ઊર્જા સુરક્ષા, કે પછી વ્યૂહાત્મક ભ્રમ?
ભારતે આ પડકારને અવગણ્યો નથી. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ જે મેંગલુરુ અને પાડુરમાં છે તે આપણને ઊર્જાને મામલૈ આશરે 9–10 દિવસનો બફર આપે છે. સપ્લાયરોનું ડાયવર્સિફિકેશન કરવામાં આવ્યું છે. અને 2022 પછી રશિયન ક્રૂડ ઓઇલ મોટી માત્રામાં આવ્યું છે, જે હવે ભારતની કુલ આયાતમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. આ છેલ્લા ફેરફાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
રશિયન ઓઇલ તરફ ભારતનો વળાંક છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટો બદલાવ છે. એક રીતે જોઇએ તો લાગે છે કે ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટી છે. પરંતુ હકીકતમાં હોર્મુઝ પરની નિર્ભરતા હજી પણ યથાવત છે. કારણ કે રશિયન ઓઇલના ભાવ પણ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે, જે પર પશ્ચિમ એશિયાનો પ્રભાવ રહે છે. સાથે સાથે, રશિયન સપ્લાય પોતે પણ સ્થિર નથી કારણ કે તેની પર પ્રતિબંધો, રાજકીય દબાણ અને યુક્રેન યુદ્ધની અસર છે. એટલે જો ત્યાં કોઈ ખલેલ પડે, તો ભારત પાસે વિકલ્પો બહુ મર્યાદિત રહી જાય છે. ટૂંકમાં સપ્લાયર બદલાયો છે, જોખમ ઓછું નથી થયું.
ચાબહાર : વિકલ્પ કે મર્યાદા?
ચાબહાર પોર્ટ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલને ઘણીવાર કોરિડોરના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ આ તર્ક સાચો છે. આ એક એવો માર્ગ છે જે ગલ્ફને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી પહોંચે છે. પરંતુ હકીકતમાં, આ પ્રોજેક્ટ હજુ તેની સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યો નથી. ઈરાન પરના યુ.એસ. પ્રતિબંધોએ દરેક તબક્કે ભારતીય રોકાણ માટે મુશ્કેલી ખડી કરી છે. ચાબહારથી આગળ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીની કનેક્ટિવિટી હજુ પણ અધૂરી છે. ભારત પણ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે સંતુલન જાળવવામાં સાવચેત રહ્યો છે. ચાબહાર એક કાર્ચરત બાયપાસ ઓછો અને એક રાજદ્વારી મુદ્દો વધારે છે. નીતિઓની દૃષ્ટિએ ભારત ભલે ઊર્જા-સુરક્ષિત દેખાય, પરંતુ ભૌગોલિક રીતે તે હજુ પણ ઊર્જાની બાબતમાં આપણે એટલા મજબૂત નથી.
ડાયવર્સિફિકેશનની મર્યાદાઓ
ડાયવર્સિફિકેશને વારંવાર ઊર્જા અસુરક્ષાના મુખ્ય ઉકેલ તરીકે રજૂ કરાય છે. તમને ઊર્જા વેચતો વેપારી બદલો અને તમારું જોખમ ઘટાડો. આ જેટલું લાગે છે એટલું સરળ નથી. ઓઇલ માર્કેટ્સ ગ્લોબલ છે. ગલ્ફમાં થતો કોઈ પણ વિક્ષેપ દરેક જગ્યાએ અસર કરે છે, આમ બધા પ્રદેશોમાં ઓઈલનો ભાવ વધે છે.
જ્યારે ભારત ગલ્ફ સિવાયના સપ્લાયર્સ પાસેથી ઓઇલ આયાત કરે છે ત્યારે પણ, તે હોર્મુઝની ઘટનાઓને આધારે નક્કી થતા ભાવના ડાયનેમિક્સથી સંપૂર્ણપણે નથી બચી શકતો. બેન્ચમાર્ક બદલાય છે, અને અસર ભારત સુધી પહોંચે છે. લૉજિસ્ટિક્સ આ સમીકરણને વધુ જટિલ બનાવે છે. વૈશ્વિક શિપિંગ માર્ગો ચેકપોઇન્ટ્સ પર એકબીજાને છેદે છે. એટલે સપ્લાયર બદલવાથી વેપારની ભૂગોળ બદલાતી નથી.
આ સમીકરણમાં ચીન માત્ર એક મૂક પ્રેક્ષક નથી હિંદ મહાસાગરમાં તેની નૌકાદળની હાજરી સતત વધી રહી છે. ગ્વાદરથી લઈને જીબુટી સુધી તેનું પોર્ટ નેટવર્ક વિસ્તરી રહ્યું છે. ગલ્ફ દેશો સાથે તેની સુરક્ષા ભાગીદારી પણ ગાઢ બની રહી છે. બેઇજિંગ જાણીજોઈને એ જ કોરિડોર પર પોતાનો પ્રભાવ વધારે છે, જેની પર ભારતનો આધાર છે. એ સ્વીકારવું પડશે કે ભારતની આ નબળાઈ માત્ર માળખાગત નથી સ્પર્ધાત્મક પણ છે.
એક વ્યૂહાત્મક પ્રશ્ન જેને ભારત ટાળી શકે તેમ નથી
ભારતની અર્થવ્યવસ્થાને સતત અને સસ્તી ઊર્જાની જરૂર છે. પરંતુ એ ઊર્જા એક એવા માર્ગ પર આધારિત છે, જેનું સુકાન કોઈપણ રીતે, જરાક જેટલું પણ ભારત પાસે નથી. આ સ્વીકારી શકાય તેવી બાબત છે પણ અવગણી ન શકાય. એટલે જ આપણી પકડ વધે, આપણી ક્ષમતા વધે તે જરૂરી છે. સ્પર્ધામાં પડવામાં સાર નથી તે આપણે જાણીએ છીએ પણ શક્તિ પ્રદર્શનમાં આપણે પાછા નથી પડતા. ભારતીય નૌકાદળ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં પહેલેથી જ કામ કરી રહ્યું છે. ચાંચિયાગીરી સામેની કામગીરીને કારણે ભારતને આ વિસ્તાર સારી પેઠે જાણે છે, એટલે તૈયારીમાં કોઈ ખામી નથી. અહીં પ્રશ્ન ક્ષમતાનો નહીં પ્રાથમિકતાનો છે, એનર્જી માર્ગોને સુરક્ષિત રાખવા એ ઇચ્છા નહીં, જવાબદારી બની જવી જોઇએ.
પ્રાદેશિક ભાગીદારીનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે છે. I2U2 ગ્રૂપ એટલે કે, ભારત, ઇઝરાયેલ, યુ.એઈ. અને યુનાઇટેડ સ્ટેટ્સનો ઉપયોગ હજી પૂરતી ક્ષમતામાં નથી કરાયો. ઓમાન સાથેના સંબંધો, ખાસ કરીને દુકમ પોર્ટ એક્સેસ, શાંતિથી અસરકારક સાબિત થયા છે. આ તમામ પ્રયાસોને એક સાથે જોવાની જરૂર છે, અલગ-અલગ પહેલ તરીકે નહીં.
આનાથી વધુ અઘરી બાબત છે વોશિંગ્ટન સાથે વાત કરવામાં છે, આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતાથી અમેરિકાને ફાયદો બહુ થયો છે પણ કટોકટીમાં સ્વાયત્તતાની કિંમત ચૂકવવી પડે છે. જ્યારે ભવિષ્યમાં હોર્મુઝમાં વિક્ષેપ ઊભો થશે, ત્યારે ભારત પાસે પોતાના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરે એવા સંબંધો છે ખરા કે પછી ભારતને ભાગે વેઠવાનું જ આવશેનો સવાલ માત્ર સૈદ્ધાંતિક બનીને નહીં રહી જાય.
બાય ધી વેઃ
વૈશ્વિક મહાસત્તાઓ પોતાના જરૂરી કોરિડોરને ગઠબંધન અને સતત હાજરીથી સુરક્ષિત રાખે છે. ભારત માટે હોર્મુઝ એવી નબળી કડી છે જેને અવગણવી હવે શક્ય નથી. કારણ કે ત્યાં થતો દરેક ફેરફાર સીધો આપણા ખિસ્સા સુધી પહોંચે છે, ઈંધણના ભાવથી લઈને મોંઘવારી સુધી. ભારતનો આર્થિક વ્યાપ મોટો છે, પરંતુ તેની સ્થિરતા હજી એક સાંકડા જળમાર્ગ પર આધારિત છે. મહત્ત્વાકાંક્ષા મોટી છે, પણ નિર્ભરતાનો પ્રશ્ન હજી અનઉત્તરિત છે. હવે સવાલ એક જ છે, હોર્મુઝ શાંત રહે ત્યાં સુધી રાહ જોવી કે સમય રહેતાં તૈયાર થવું?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2026
courtesy : Strait of Hormuz : “The New York Times”
![]()

