
રાજ ગોસ્વામી
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચન્દ્રચૂડે ભારતની એક ગંભીર વર્તમાન બીમારી તરફ ધ્યાન દોર્યું છે. આમ તો આપણને સૌને એ ખબર છે કે કારણ કે આપણે જ તેના સક્રીય હિસ્સેદાર છીએ, પરંતુ દેશની તંદુરસ્તીની ચિંતા કરવાનું અને તેના ઈલાજ અંગે વિચારવાનું જેમની ફરજમાં આવે છે તેવા દેશનાં બંધારણીય-બિનબંધારણીય ટોચનાં તંત્રોમાંથી એક ન્યાયતંત્રના વડા જ્યારે તેની નોંધ લે, ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે તે દેશ માટે તે કેટલું અહિતકારી હશે કે તેમણે ખોંખારીને બોલવું પડ્યું.
જસ્ટિસ ચન્દ્રચૂડે, 3જી માર્ચે, દિલ્હીમાં અમેરિકન બાર એસોસિયેશનની ઇન્ડિયા કોન્ફરન્સ-2023ને સંબોધતાં કહ્યું હતું કે, “ભારતના લોકોમાં ધૈર્ય અને સહનશીલતા ઓછી થઇ ગઈ છે. આપણાથી ભિન્ન હોય તેવા દૃષ્ટિકોણને સ્વીકરવા આપણે તૈયાર નથી. સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને તમારી વાત પસંદ ન આવે તો તેઓ તમને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. અમે કશું પણ કરીએ – અને મારો વિશ્વાસ કરજો, જજ તરીકે અમે પણ એમાં બાકાત નથી – તમે કશું પણ કરો, તમારી સાથે સહમત ન હોય તેવા લોકો તમને ટ્રોલ કરે તેનું જોખમ હોય છે.”
તેમણે ટેકનોલોજીની નકારાત્મકતાને ઉજાગર કરતાં કહ્યું હતું કે ફેક ન્યૂઝના યુગમાં સત્ય શિકાર થઇ ગયું છે અને આપણી અંદર ઈન્સાનિયત પણ પાછળ રહી ગઈ છે. જ્યારે ભારતનું બંધારણ તૈયાર થતું હતું, ત્યારે કોઈને ખબર નહોતી કે માનવ સમાજ કેવી રીતે વિકસિત થશે. એક જૂઠી વાતને બીજના રૂપમાં જમીનમાં વાવવામાં આવે છે અને પછી તે એક એવી મોટી થિયરીમાં બદલાઈ જાય છે, જેને તર્કના આધારે તોળી ન શકાય. એટલા માટે કાનૂનને વિશ્વાસની ગ્લોબલ કરન્સી કહે છે.

ડી.વાય. ચન્દ્રચૂડ
લોકોમાં સહનશીલતાની કમી અને ફેક ન્યૂઝનું પ્રચલન એક જ સિક્કાની બે બાજુ છે. લોકો બીજાના દૃષ્ટિકોણ અથવા વાતને સમજવાને બદલે અસહમત થવા માટે વધુ આકરા એટલા માટે થાય છે કારણ તેમની પાસે ‘વૈકલ્પિક સત્ય’ મોજુદ છે. ટેકનોલોજીના કારણે આજે જેટલી તેજ ગતિએ સમાચારો દરેકના મોબાઈલ ફોનમાં પહોંચી જાય છે એટલી ઝડપથી આજે લોકોના મોબાઈલમાં ફેક ન્યૂઝ પણ આવી જાય છે. પરિણામે, આપણા સાર્વજનિક સંવાદમાં બે નેરેટિવ્સ ઊભાં થાય છે; એક જે અસલી ન્યૂઝ છે તે અને બીજું, જે અસલી ન્યૂઝને ફેક સાબિત કરવાનું કાઉન્ટર-નેરેટિવ છે તે. સત્યને આજે ખુદને સાબિત કરવા માટે મહેનત કરવી પડે છે કારણ કે ‘અસત્ય’ સત્યને ફેક સાબિત કરવા મથામણ કરી રહ્યું છે.
મજાની (?) વાત એ છે કે સાહેબ જ્યારે આ ભાષણ આપતા હતા ત્યારે જ બિહારના કામદારોને તમિલનાડુમાં હુમલા થઇ રહ્યા હોવાના ‘સમાચાર’ સોશિયલ મીડિયા પર (અને પછી મુખ્યધારાના અમુક મીડિયામાં) એટલા વાઈરલ થયા કે તમિલનાડુ પોલીસે વીડિયો જારી કરીને અપીલ કરવી પડી કે આ ફેક ન્યૂઝ છે અને જાણી જોઇને તેને ફેલાવામાં આવી રહ્યા છે. પોલીસે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ફરિયાદ પણ દાખલ કરી છે. બીજી બાજુ, બિહાર સરકાર પણ સચ્ચાઈ જાણવા મથી રહી હતી.
1932માં કાલજયી નવલકથા ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ના પ્રકાશનના 26 વર્ષ પછી, આલ્ડસ હક્સલેએ ‘બ્રેવ ન્યુ વર્લ્ડ રીવિઝિટેડ’ નામની નોન-ફિક્શન નવલકથા લખી હતી. તેની પ્રસ્તાવનામાં તેમણે એક સરાસરી પણ ગહન નિરીક્ષણ કર્યું હતું, “જીવન મર્યાદિત છે અને માહિતીઓ અપરંપાર છે. કોઈની પાસે એટલો બધો સમય નથી.” આજે આપણે હક્સલેએ કલ્પેલા ઇન્ફોર્મેશન ઓવરલોડમાં જીવીએ છીએ. આજે, સરેરાશ વ્યક્તિ રોજ તેના ફોનને અંદાજે 2,600 વખત ચેક કરે છે, 20 ટેક્સ્ટ મેસેસિઝ મેળવે છે અને 183 મિનિટ ટી.વી. જુએ છે. દર મિનિટે 45,500 ટ્વિટસ થાય છે, 36,07,080 વખત ગૂગલ સર્ચ થાય છે, 46,740 ઇન્સ્ટગ્રામ પોસ્ટ થાય છે, રોજ 150 કરોડથી વધુ લોકો ફેસબુક પર કશુકને કશુક લખતા રહે છે.
પરિણામ? આપણું અજ્ઞાન વધ્યું છે. જેટલો વધુ ડેટા આપણે ‘આરોગીએ’ છીએ, આપણા મગજ માટે તેને પ્રોસેસ કરવાનું એટલું જટિલ થતું જાય છે. જેટલી માહિતી વધે છે, તેમાંથી સાચી માહિતી છૂટી પાડવાનું અઘરું થતું જાય છે. આપણે જેટલું સાધારણત: દરેક બાબતો વિશે જાણીએ છીએ, વિશેષત: એ બાબતો વિશે કશું પણ સમજવાની બેન્ડવિથ મગજમાં ઓછી થતી જાય છે.
વધુ પડતી માહિતી જોખમી છે, કારણ કે તે અંતત: વ્યર્થ સાબિત થાય છે. આપણી પાસે એ ક્ષમતા નથી કે ઉચિત અને અનુચિત, ઉપયોગી અને બિનઉપયોગી, સાચી અને ખોટી માહિતીને પારખી શકીએ. ફેક ન્યુઝ અને પૂર્વગ્રહિત વ્યૂઝનો ખડકલો થઈ રહ્યો છે, તેનું મૂળ કારણ ઈન્ફોર્મેશન ઓવરલોડ છે. તેની અસર આપણી માનસિક તંદુરસ્તી પર પડી રહી છે.
જૂઠને સત્યથી છૂટું નહીં પાડી શકવાની આ મજબૂરીના કારણે જ લોકો તેમની ખોટી અથવા મર્યાદિત સમજણને અંતિમ સત્ય માનીને તેનો પ્રચાર કરે છે. જૂઠ અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું છે તે જૂઠ નજર આવે છે. જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે.
પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈ પણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.
જે દેશમાં સ્યૂડો-સાયન્સ, ફેક ન્યૂઝ અને અંદરોઅંદરની નફરત રાષ્ટ્રીય નીતિ બની રહી હોય, તે દેશમાં ગમે તેટલું અને ગમે તેવું શિક્ષણ લઈને ઉછેરલી વ્યક્તિ સમાજને બહેતર બનાવવામાં શું યોગદાન આપવાની હતી! જીવનની વ્યવહારિકતાથી વધીને શિક્ષણની ઉપયોગિતા શું હોય! તમે ગણિત, મિકેનિક્સ કે મેડિકલની ટેકનિક ભણાવી શકો, પણ પ્રમાણિકતા કેવી રીતે ભણાવી શકો? તમે લોકોને ક્લાસરૂમમાં નૈતિકતા કેવી રીતે શીખવાડી શકો? લોભી, સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી સમાજમાં તમે એક વિધાર્થીને ઉદારતા, નિઃસ્વાર્થ અને સંતોષના ગુણ કેવી રીતે ભણાવી શકો? આ બધું તો સમાજના ક્લાસરૂમમાં શીખવા મળે છે. એટલા માટે થિયરીઓ ભણીને બહાર પડેલા લોકો સમાજના પ્રેક્ટિકલ પાઠ ભણીને ન્યુરોટિક બની જાય છે.
આ જ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચન્દ્રચૂડે ગયા વર્ષે પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જસ્ટિસ એમ.સી. ચાગલા સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં કહ્યું હતું કે, “આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જીવીએ છીએ. ફેક ન્યૂઝ વધી રહ્યા છે. રાજકીય કે આર્થિક પ્રભાવોથી મુક્ત પ્રેસની જરૂર છે, જે આપણને તટસ્થ માહિતી આપે. સચ્ચાઈ માટે આપણે સ્ટેટ પર નિર્ભર રહેવું ન જોઈએ. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જે ઉત્તરોત્તર સામાજિક, આર્થિક અને ધાર્મિક સીમાઓમાં વિભાજીત થઈ રહી છે. સત્યનું ધ્રુવીકરણ ‘તમારા સત્ય વિરુદ્ધ મારું સત્ય’ તરફ લઇ જઈ રહ્યું છે. આપણે એ જ અખબારો વાંચીએ છીએ જે આપણી માન્યતાઓને મળતાં આવતાં હોય. આપણાથી જુદો અભિપ્રાય સાંભળીને આપણે ટી.વી.ને મ્યૂટ કરી દઈએ છીએ. આપણે સાચા હોવા પર જેટલો ભાર મૂકીએ છીએ તેટલો ભાર સત્ય જાણવા પર નથી મુકતા.”
અગાઉ ગૂગલમાં કામ કરી ચુકેલા અને સિલિકોન વેલીનો ડાહ્યો અવાજ કહેવાતા ટ્રીસ્ટાન હેરીસ કહે છે, “ટેકનોલોજીએ આપણા પર મૂઠ મારી છે. સોશ્યલ મીડિયા એપ્સ લોકોની અંદરનું સારાપણું અને વિકૃતિ બંને બહાર લાવે છે. એપ્સ ફ્રી પ્રોડક્ટ છે તેનો અર્થ એ થયો કે તમે જ પ્રોડક્ટ બની ગયા છો અને અલગોરિધમ તમને વાપરી રહ્યું છે. આપણું એટેન્શન એક પ્રોડક્ટ છે અને વિજ્ઞાપનદાતાઓને તે વેચવામાં આવી રહ્યું છે. આપણે કોણ છીએ, શું કરીએ છીએ અને શું વિચારીએ છીએ તેને ટેકનોલોજી સતત નિયંત્રિત કરી રહી છે.”
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 12 માર્ચ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર