દેશને આત્મનિર્ભર કરવાના પ્રયાસોમાં શ્રીલંકાની સરકાર પાછી પડી છે. દેવાનો બોજ, ખેતીવાડીમાં યોજના વિનાનું પરિવર્તન, મર્યાદિત વિદેશી હુંડિયામણ જેવી સમસ્યાઓ શ્રીલંકાને ડુબાડી રહી છે
પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે. મૂળ આ દિવસ સુધી પહોંચવા માટે દુનિયાનો સર્વનાશ થવો જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે જોતાં આ દિવસ ભણી માણસ જાત ધીમા (ક્યાંક ઝડપી) પણ મક્કમ પગલાં ભરી રહી છે. વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ, રશિયા યુક્રેન, પાકિસ્તાન અને હવે એમાં શ્રીલંકાનો ઉમેરો થયો છે. ૫ એપ્રિલે, મધરાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં કટોકટી જાહરે કરી. આર્થિક સંકટના બોજમાં પડી ભાંગેલા શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી વિરોધની પકડ મજબૂત બની છે. ૧૯૪૮માં શ્રીલંકાના આઝાદી મળી, પછી પહેલીવાર આ રાષ્ટ્રએ આટલા ખરાબ દા’ડા જોયા છે. ૧૩ કલાક સુધી વીજળી ન હોય, ખાવા-પીવાનાં સાંસાં હોય, આવામાં આકળી થયેલી પ્રજા કંઇ પણ કરી બેસે અને એવું જ થઇ રહ્યું છે.
શ્રીલંકાની આ હાલત આખરે કેવી રીતે થઇ? શ્રીલંકામાં બેવડી અછત છે. બેવડી અછત એટલે કે જેટલી રાષ્ટ્રીય આવક છે તેના કરતા કંઇ ગણો વધારે રાષ્ટ્રીય ખર્ચ છે. આ સાબિત કરે છે કે એવી માલ-મત્તા અને ઉત્પાદનો જેની પર વ્યાપાર થઇ શકે તથા સેવાઓ જે રાષ્ટ્રની કમાણીમાં ઉમેરો કરે તેવી સેવાઓની શ્રીલંકામાં ભારે અછત છે. જો કે હાલમાં જે સંજોગો ખડા થયા છે તેનું સીધું કારણ છે ૨૦૧૯ની ચૂંટણીમાં મોટી કર છૂટના કરાયેલાં ઠાલાં વચનો. આ પછી ૨૦૨૦માં કોરોનાવાઇરસ રોગચાળાએ શ્રીલંકાના પગ નીચેથી ચાદર ખેંચી લીધી. આ દેશના અર્થતંત્ર પર પાણી ફરી વળ્યું. રોગચાળાને કારણે સહેલાણીઓ આવવાના બંધ થઇ ગયા અને ટુરિઝમ જેની જીવા દોરી હતી તેવા દેશને ક્રેડિટ એજન્સીઝે તળિયો મુક્યો. આખરે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટની સર્કિટમાંથી બહાર ફેંકાઇ ગયો. છેલ્લાં બે વર્ષમાં શ્રીલંકાનાં વિદેશી નાણાં ભંડોળનું પણ તળિયું દેખાવા માંડ્યું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કટોકટી સર્જાઇ તેની પાછળ ૨૦૨૧માં કૃત્રિમ – રાસાયણિક ખાતરના ઉપયોગ પર મુકાયેલા પ્રતિબંધને પણ કારણભૂત ઠેરવી શકાય. જો કે આ પ્રતિબંધ પછી હટાવી લેવાયો હતો, પણ ત્યાં સુધીમાં તો શ્રીલંકા માટે અગત્યના ગણાતા ચોખાના પાકમાં નોંધાપાત્ર ઘટાડો થઇ ચુક્યો હતો.
શ્રીલંકાની સરકારનું કહેવું છે કે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાંના (IMF) કરજામાંથી છૂટવાનો તરફડાટ કરે છે અને સાથે ચીન અને ભારત પાસેથી નવેસરથી લોન લેવાની ભાંજગડમાં છે. કટોકટી રાતોરાત નથી ખડી થતી, આ સમસ્યાના એંધાણ તો શ્રીલંકાની સરકારને મળી રહ્યા હતા. મહિનાઓ સુધી સરકારી વહીવટી તંત્ર અને સેન્ટ્રલ બેંક ઑફ શ્રીલંકાએ IMFમાંથી મદદ લેવાનાં સૂચનોને ગણતરીમાં ન લીધા. આ તરફ રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી અને ઓઇલના ભાવ આસામાને પહોંચ્યા ત્યારે ફેબ્રુઆરી મહિનાનો અંત નજીક હતો. આ બધું માથે તોળાતું હોવા છતાં છેક એપ્રિલમાં શ્રીલંકાની સરકારે IMF સાથે વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો. હવે IMFની મદદ માંગતા પહેલાં શ્રીલંકાએ પોતાનાં નાણાંની કિંમત કોડીની કરી નાખી જેને કારણે ફુગાવામાં ધરખમ વધારો થયો. શ્રીલંકાને ભારત પાસેથી ઇંધણની મદદ જોઇતી હતી. ફેબ્રુઆરીમાં ભારત સાથે આ માટે ૫૦૦ મિલિયન ડૉલરના ક્રેડિટ પર ડીઝલ શીપમેન્ટ મંગાવવા અંગે કાર્યવાહી પણ થઇ, જે હવે શનિવારે શ્રીલંકા પહોંચે તેમ છે. ભારત પાસેથી શ્રીલંકાએ તોતિંગ રકમની મદદ ઉછીની લીધી છે. ચીન પણ શ્રીલંકાને ૧.૫ બિલિયન ડૉલર્સની ઉધારી અને ૧ બિલિયન ડૉલર્સની લોન આપવાની વિચારણા કરી રહ્યું છે. એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે શ્રીલંકાને તેનું પરાવલંબીપણું જ નડી ગયું. ત્યાંની સરકાર તો સતત પોતાનો બચાવ કરવામાં પડી છે. તેમના મતે વિદેશી ભંડોળની કટોકટી તેમના કારણે નથી સર્જાઇ અને આર્થિક મંદીનું કારણ માત્રને માત્ર રોગચાળો છે, જેને કારણે સહેલાણીઓ પર નભતા આ દેશની દશા બેઠી. શ્રીલંકા માટે એક સાંધો અને તેર તૂટેની હાલત થઇ છે.
શ્રીલંકામાં જે ફુડ ક્રાઇસિસ છે તેમાં અચાનક જ ઓર્ગેનિક ફાર્મિંગ પર મુકાયેલું જોર પણ જવાબદાર છે. શું શ્રીલંકાના ખેડૂતો આ પ્રકારના ધરમૂળથી કરાયેલા પરિવર્તન માટે તૈયાર હતા? ઓર્ગેનિક ફાર્મિંગનો અર્થ માત્ર રસાયણોની ગેરહાજરી નથી. તેનો અર્થ એમ પણ થાય કે પાકનુ્ં પ્રમાણ વધારવું પડે કારણકે કુદરતી રીતે ઊગાડાયેલો પાક નિષ્ફળ જાય તો પુરવઠાનો વાંધો પડે. ઓર્ગેનિક ફાર્મિંગથી જમીનને ફાયદો થાય અને ખેડૂતનો પણ ફાયદો થાય તેની ના નહીં, પણ આ પરિવર્તન રાતોરાત લાગુ પડે તો શું હાલત થાય? ઓર્ગેનિક ફાર્મિંગ લાગુ કરવા માટેની પૂર્વ તૈયારીઓ શ્રીલંકામાં કરાઇ હતી ખરી? ભારતમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં સફળ રહ્યું છે કારણ કે તે તબક્કા વાર, યોગ્ય તાલીમ અને તૈયારી સાથે શરૂ કરાયું હતું. શ્રીલંકાની સરકારનો હેતુ યોગ્ય હતો, પણ તે લાગુ કરવામાં આંધળુકિયા કરાયા અને એક પદ્ધતિ પરથી બીજી પદ્ધતિ પર જવાની કાર્યવાહી કોઇ પણ પ્રકારના પ્લાનિંગ વગર થઇ. રાતોરાત કરાયેલી જાહેરાતને પગલે લોકોએ પોતે સ્ટોક ભેગો કરી રાખ્યો, કાળા બજાર પણ થયા અને ખેડૂતોમાં સખત તાણ પેદા થઇ. બદલાઇ રહેલા સમયમાં લોકો અશ્મિગત ઇંધણ પરનું પોતાનું પરાવલંબન ઘટાડવા માગે છે પણ તે કરવા માટે જે પરિવર્તનો કરવા પડે છે તે ઉપરછલ્લાં ન હોઇ શકે. યોજના વગરનું પરિવર્તન માથે પસ્તાળ બનીને જ પડશે એ ચોક્કસ.
શ્રીલંકામાં જે થઇ રહ્યું છે તેમાંથી ઘણું શીખવા જેવું છે. મર્યાદિત ચીજોની નિકાસ કરનારા શ્રીલંકાનું આયાતનું લિસ્ટ બહુ લાંબું છે. દેશને આત્મનિર્ભર કરવાના પ્રયાસોમાં શ્રીલંકાની સરકાર પાછી પડી છે. દેવાનો બોજ, ખેતીવાડીમાં યોજના વિનાનું પરિવર્તન, મર્યાદિત વિદેશી હુંડિયામણ જેવી સમસ્યાઓ શ્રીલંકાને ડુબાડી રહી છે.
બાય ધી વેઃ
શ્રીલંકાની સરકારનું તંત્ર રેઢિયાળ છે. દેશને મદદ મળી જ રહે છે એમ માનીને વહીવટ ચલાવ્યા કર્યો હોવાનું આ પરિણામ છે. મદદ પર રાષ્ટ્રો ન ચલાવી શકાય, આશ્રમ ચલાવાય. લોન પાછી ભરવાની ત્રેવડ ન હોય પણ લોન લીધા કરીએ ત્યારે માણસ અંતે તો ડિફોલ્ટર જ બને, શ્રીલંકાના મામલામાં આવું જ થયું છે. કમાણીથી ભંડોળ ભરવાને બદલે ઉછીને પૈસે ભંડોળ ભરેલા રાખવાની દાનત, વિદેશી હુંડિયામણથી દેવું ભરવાની યોજનાએ રાષ્ટ્રની હાલત કથળાવી દીધી છે. જો શ્રીલંકાએ મદદ પર જીવવાને બદલે પોતાના અર્થતંત્રને મજબૂત કરવા પર ધ્યાન આપ્યું હોત તો આટલા ખરાબ દિવસ ન આવત.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઍપ્રિલ 2022