
પ્રવીણભાઈ જે. પટેલ
સોક્રેટિસ અને એક ભારતીય દેશભક્ત વચ્ચેની થોડા સમય પહેલાં એક વાતચીત થઈ હતી. આ ચર્ચા દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ઓળખના સંદર્ભે હતી. તેમાં ભારતીય દેશભક્ત જુસ્સાથી ભારતની પ્રાચીન પરંપરાઓ, તેના અદ્ભુત ધાર્મિક વારસા અને ગૌરવપૂર્ણ ઇતિહાસને આધારે ભારતની મહાનતાનો દાવો કરે છે. સોક્રેટિસ, પ્રશ્ન કરવાની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરીને, રાષ્ટ્રીય એકતાના અર્થ, વિવિધતાની ભૂમિકા અને પરંપરાના આંધળા પાલનનાં જોખમોની તપાસ કરીને આ દાવાઓ પાછળ રહેલી માન્યતાઓને પડકારે છે. આખરે, ભારતીય રાષ્ટ્રવાદી સાચી દેશભક્તિ વિષે ચિંતન કરવાનું શરૂ કરે છે.
ત્યાર બાદ, હવે તે ભારતીય દેશભક્ત સોક્રેટિસ સાથેના આ બીજા સંવાદમાં ભારતની આઝાદીની લડાઈ સમયના આદર્શોના સંદર્ભે ભારતને મહાન બનાવવા વિષે ચર્ચા કરવા આવે છે. સોક્રેટિસ ભારતની આઝાદીની લડાઈ સમયના આદર્શો અને વર્તમાન રાજકીય-સામાજિક પરિસ્થિતિ વચ્ચેના તફાવત વિષે તેનું ધ્યાન દોરીને સમજાવે છે કે માત્ર આદર્શો પૂરતા નથી. તેમનો વ્યવહારમાં અમલ કરવો પણ અત્યંત આવશ્યક છે.
— પ્રવીણ પટેલ
પાર્શ્વ ભૂમિ : અદ્ભુત આનંદ આપતાં લીલાં છમ્મ વૃક્ષોનું સ્વર્ગીય વન. સોક્રેટિસ એક વૃક્ષ નીચે આરામથી બેઠા છે. અને તેમનો પૂર્વ પરિચિત ભારતીય દેશભક્ત તેની પીઠ પાછળ હાથ જોડીને, વિશાળ આકાશ તરફ જોતો જોતો આવે છે.
ભારતીય દેશભક્ત : કેમ છો, સોક્રેટિસ!
સોક્રેટિસ : આવો, આવો, મિત્ર ! બહુ વખતે ભૂલા પડ્યા?
ભારતીય દેશભક્ત : હા, સોક્રેટિસ! ગઈ વખતે આપણે મળ્યા ત્યારે હું ભારતની પ્રાચીન પરંપરાઓ, તેના અદ્ભુત ધાર્મિક વારસા અને તેના ગૌરવપૂર્ણ ઇતિહાસને કારણે ભારતની મહાનતા વિષે અતિ ઉત્સાહી હતો. પણ તમે મને સારી રીતે સમજાવ્યું હતું કે એક સાચા દેશભક્તે વિચારશીલ બનવું જોઈએ. આંધળી ભક્તિ કે અવિચારી આજ્ઞાપાલન નહીં પણ સાચા-ખોટાનો વિવેકપૂર્ણ વિચાર કરવો તે જ સાચો રાષ્ટ્રપ્રેમ છે. તે અંગે મેં ખૂબ વિચાર્યું. અને મને લાગે છે કે તમે સાચા હતા. હવે હું એક પ્રશ્ન લઈને આવ્યો છું. તમે તો જાણો છો કે અમે અમારી આઝાદીની લડાઈ ખુમારી-પૂર્વક લડ્યા અને જીત્યા. અમારી આઝદીના લડવૈયાઓ ઘણા આદર્શવાદી હતા. અને હવે આઝાદીના અમૃત કાળમાં અમે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યા છીએ. કેવું લાગે છે તમને?
સોક્રેટિસ : મારા મિત્ર, તમારા રાષ્ટ્રના સ્વતંત્રતા-સંગ્રામના આદર્શો પ્રત્યેનો તમારો આદર મને પ્રેરણા આપે છે. અને હવે તમારી આઝાદીના અમૃત કાળમાં તમે વિશ્વ ગુરુ બનવાની તમન્ના રાખો છો તે તો ખરેખર આનંદની વાત કહેવાય. પણ, મને કહો, આઝાદીની તમારી ઉમદા લડાઈ દરમિયાન તમારા મહાન નેતાઓને માર્ગદર્શન આપનાર મૂલ્યો કયાં હતાં?
ભારતીય દેશભક્ત : (ગર્વ સાથે) હિંમત, નિ:સ્વાર્થતા, સત્ય, અહિંસા, સર્વ સમાવેશી સામાજિક ઉત્થાન, અને શોષણ તથા અન્યાયના વિરોધ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા. એમણે એક એવા રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું જેમાં અમારા દેશની દરેક વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવે અને વિકાસ કરે. તેઓએ અમારા રાષ્ટ્રની આઝાદી માટે પોતાનાં જીવન, સંપત્તિ, અને એશો-આરામનું બલિદાન આપ્યું, અમારા દેશની ભલાઈને જ એ બધાંથી ઉપર રાખ્યું.
સોક્રેટિસ : આવા ગુણો ખરેખર તમારા સ્વાતંત્ર્ય-સેનાનીઓની મહાનતાની નિશાની છે. પણ, શું તમે માનો છો કે ભારતના વર્તમાન નેતાઓ આ જ મૂલ્યોને મૂર્તિમંત કરે છે?
ભારતીય દેશભક્ત : (દૃઢતાથી) સોક્રેટિસ! અમારા કેટલાક નેતાઓ અમારા પૂર્વજોના વારસાને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. ભારત એક જીવંત લોકશાહી છે તે જ તેનો પુરાવો છે.
સોક્રેટિસ : તમે કહો છો કે ભારત એક જીવંત લોકશાહી છે. શું તમારી આ લોકશાહીમાં, બધા નેતાઓ નિ:સ્વાર્થપણે, ન્યાયપૂર્વક, અને પૂરે પૂરી પ્રમાણિકતાથી તમારા દેશની ભલાઈ માટે કામ કરે છે?
ભારતીય દેશભક્ત : હું માનું છું કે અમારા બધા જ નેતાઓ આવા સમર્પિત નથી. કેટલાક સેવા કરતાં સત્તાને વધારે મહત્ત્વ આપે છે. અને બીજા કેટલાક પ્રજાના હિત કરતાં પોતાના કે તેમના સમર્થકોના વ્યક્તિગત લાભને પ્રાથમિકતા આપતા હોય છે. પણ અમારી સ્વતંત્રતાસંગ્રામની ભાવના થોડેઘણે અંશે ટકી રહી છે. અમારી લોકશાહી મજબૂત છે. અને અમે અમારી જનતાને પ્રચાર, ભાષણો, રેલીઓ, કે રોડ શો જેવા કાર્યક્રમો વડે સતત જાગૃત રાખીએ છીએ. અમારા નેતાઓ વારંવાર પરદેશોમાં જઈને ત્યાંના લોકોને અમારી વસુધૈવ કુટુંબકમમાં માનતી મહાન સંસ્કૃતિનો સંદેશ આપે છે.
સોક્રેટિસ : હું સમજું છું. પણ, જ્યારે કેટલાક નેતાઓ તમારી આઝાદીની ચળવળ સમયનાં મૂલ્યોની વિરુદ્ધ કામ કરતા હોય ત્યારે તેનો તમારા લોકો પર શું પ્રભાવ પડે છે?
ભારતીય દેશભક્ત : (વિચારમાં પડી જાય છે) તેથી અસંતોષ ફેલાય છે અને અવિશ્વાસ ઊભો થાય છે. પરંતુ, હું તમને યાદ અપાવી દઉં, સોક્રેટિસ, આવા નેતાઓને અમારા લોકો અને અમારી લોકશાહી સંસ્થાઓ દ્વારા જવાબદાર ઠેરવવામાં આવે છે.
સોક્રેટિસ : લોકશાહીમાં જવાબદારી ખરેખર મહત્ત્વપૂર્ણ છે. પરંતુ મને કહો, શું જ્યારે તમારા નેતાઓ દેશ-સેવાનાં ઉમદા મૂલ્યોથી ભટકી જઈને સ્વાર્થ માટે, સસ્તી પ્રસિદ્ધિ માટે, કે સત્તાલોલુપ થઈને માત્ર લોકરંજક ભાષણો, રેલીઓ, કે રોડ શો જેવા તમાશા કરીને; દેશહિત માટે નહીં પણ પોતાની છાપ પાડવા બિનજરૂરી અને અતિશય ખર્ચાળ વિદેશ પ્રવાસો કરીને; ધર્મ, જાતિ, અને પ્રાદેશિક ઓળખના રાજકારણને પોષીને; તથા સમાજમાં વિભાજન અને સંઘર્ષો પેદા કરીને, પોતાની નિષ્ફળતા છુપાવે છે ત્યારે શું ભારતના લોકો હંમેશાં તેમની શાન ઠેકાણે લાવે છે ?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) લોકો ભોળા નથી, સોક્રેટિસ. તેઓ શબ્દોની માયાજાળ અને અર્થપૂર્ણ કાર્યવાહી વચ્ચેનો તફાવત સમજે છે. સમય જતાં, સત્ય પ્રકાશમાં આવે છે.
સોક્રેટિસ : હા. સમય જતાં પોત તો પ્રકાશે છે. પરંતુ તે દરમ્યાન શું? શું તમારા નેતાઓની આવી બિનજવાબદાર પ્રવૃત્તિઓ તમારી આઝાદી માટે લડનારા નેતાઓના પ્રિય આદર્શોને નુકસાન પહોંચાડતી નથી? જો તમારા વર્તમાન નેતાઓ સ્વતંત્રતાસંગ્રામનાં મૂલ્યો પ્રમાણે વર્તવામાં નિષ્ફળ જાય તો શું તે લોકોને નિરાશ નથી કરતા?
ભારતીય દેશભક્ત : (અચકાતાં) તે એક પડકાર છે, હું સ્વીકારું છું. છતાં, આપણે શ્રદ્ધા ગુમાવવી ન જોઈએ. અમારી આઝાદીના સંઘર્ષના આદર્શો અમારી સામૂહિક ચેતનામાં ઊંડે સુધી જડાયેલા છે.
સોક્રેટિસ : અને મને કહો, મારા મિત્ર, જો આદર્શોનો અમલ જ ન કરવામાં આવે તો શું ફક્ત તે આદર્શોનું રટણ પૂરતું છે? શું સદ્ગુણી નેતાઓનાં જીવંત ઉદાહરણો વિના તમારા સ્વાતંત્ર્યસંગ્રામનો વારસો ફક્ત નામ પૂરતો ટકી રહે છે એમ ન કહી શકાય? મને કહો, તમારા પ્રિય ભારતમાં, શાસનનો સૌથી મૂલ્યવાન ગુણ શું હોવો જોઈએ?
ભારતીય દેશભક્ત : સૌથી મૂલ્યવાન ગુણ તો લોકોની સેવા છે – ન્યાય, સમાનતા, અને બધાંના કલ્યાણની ખાતરી કરવી.
સોક્રેટિસ : સાચી વાત. અને શું વર્તમાન ભારતમાં શાસન કરનારાઓ મન-વચન-કર્મથી આ ગુણો પ્રમાણે વર્તે છે?
ભારતીય દેશભક્ત : જો કે, હું સ્વીકારું છું કે કેટલાક નેતાઓ સત્તાના શોખીન હોય છે અને કેટલાક ભ્રષ્ટ પણ હોય છે. છતાં, આ તો લોકશાહીની લાક્ષણિકતા છે – તે અપૂર્ણ છે, પણ વિકાસશીલ.
સોક્રેટિસ : પરંતુ, કોણ પ્રમાણિકતાથી સેવા કરે છે અને કોણ સત્તા-લોલુપ કે ભ્રષ્ટ છે તે વચ્ચે તફાવત કેવી રીતે કરવો? તમારે ત્યાં આવા કોઈ માપદંડ છે?
ભારતીય દેશભક્ત : લોકશાહીમાં લોકોનો અવાજ જ માપદંડ હોય છે. ચૂંટણીઓ દ્વારા લોકો બિનજવાબદાર નેતાઓની શાન ઠેકાણે લાવે છે, તેમને હરાવે છે. તેમને તેમની જવાબદારીનું ભાન કરાવે છે. તે જ અમારી સિસ્ટમની ખૂબી છે.
સોક્રેટિસ : પણ મને કહો, શું લોકો હંમેશાં તેમના નેતાઓની કામગીરી વિશે સારી રીતે માહિતગાર હોય છે? કે પછી ભ્રામક અને છળકપટભર્યા પ્રચારથી છેતરાય છે?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) સોક્રેટિસ, જનતા તમે ધારો છો તે કરતાં વધુ સમજદાર છે. તેઓ આખરે જૂઠાણાં પારખી લે છે, અને અંતે સત્યનો વિજય થાય છે.
સોક્રેટિસ : હા. આખરે તો સત્યનો વિજય થાય છે. પરંતુ વચ્ચેના સમયમાં શું? શું તે દરમ્યાન અપ્રમાણિક નેતાઓ દેશને અને લોકોને નુકસાન નથી પહોંચાડતા? શું તેઓ લોકોના વિશ્વાસને નબળો નથી પાડતા?
ભારતીય દેશભક્ત : (દૃઢતાથી) અમે અમારી સ્વતંત્રતા બલિદાનો આપીને મહેનતથી મેળવી છે. અમારી સ્વતંત્રતાની લડાઈ લડનારા નેતાઓ બહાદુર અને આદર્શવાદી હતા. અમે તેમના આદર્શોને એળે નહીં જવા દઈએ.
સોક્રેટિસ : હું તમારી સ્વતંત્રતાની લડાઈ જીતનાર નેતાઓની બહાદુરી પર સવાલ ઉઠાવતો નથી, મારા મિત્ર. પણ મને કહો જો તમારા હાલના નેતાઓમાંથી થોડાક નેતાઓ પણ તમારા આઝાદીના આદર્શોનો દ્રોહ કરે – ભ્રષ્ટાચાર કરે, સત્તાલોલુપ થઈને ધાર્મિક ઉન્માદ ફેલાવે, સમાજમાં અસમાનતા વધારે – તો શું તેથી તેઓ તમારા દેશને નુકસાન નથી પહોંચાડતા?
ભારતીય દેશભક્ત : (ખચકાતાં) કદાચ. પણ અમારી સંસ્થાઓ મજબૂત છે. તેઓ સમય જતાં આવી ભૂલોને સુધારશે.
સોક્રેટિસ : હા. સમય જતાં સુધારો થઈ શકે છે. પણ તે દરમ્યાન આવા અપ્રમાણિક નેતાઓનાં કરતૂતોનો ભોગ તમારા લોકો અને તમારો દેશ નહીં બને?
ભારતીય દેશભક્ત : (નિસાસો નાખતાં) તમે કઠોર વાત કરો છો, સોક્રેટિસ. પણ તમે જે કહો છો તેમાં સત્ય છે. પણ આનો ઉકેલ શું છે? લોકશાહીની નિંદા?
સોક્રેટિસ : ના, હું એમ નથી કહેતો. હું ફક્ત પૂછું છું – આપણે જે સમાજમાં રહીએ છીએ તેના વિષે નિષ્ઠુર થઈને વિચારવું ન જોઈએ?
ભારતીય દેશભક્ત : (લાંબા વિરામ પછી) કદાચ તમે સાચા છો, સોક્રેટિસ. આપણે આપણી કમીઓ અંગે જાગૃત થવું જોઈએ.
સોક્રેટિસ : તો શું આપણે આ ચર્ચા આગળ વધારીશું?
ભારતીય દેશભક્ત : તમે જે કહો છો તે ક્યારેક કડવું હોય છે, સોક્રેટિસ, પણ વિચારવા જેવું તો હોય છે જ.
સોક્રેટિસ : તો મારા આદરણીય મિત્ર, મને કહો, આજે તમારા રાષ્ટ્ર સામેનો સૌથી મોટો પડકાર કયો છે?
ભારતીય દેશભક્ત : (થોભો) ભ્રષ્ટાચાર. સોક્રેટિસ, ભ્રષ્ટાચાર એક એવો મહા રોગ છે જે અમારા મહાન દેશના પાયાને જ ઊધઈની જેમ ખાઈ જાય છે. પરંતુ હું તમને કહી શકું કે અમે તે અંગે સજાગ છીએ. અમારામાંના ઘણા લોકો તેની સામે ઊહાપોહ કરે છે.
સોક્રેટિસ : ઊહાપોહ કરવો એ તો ખરેખર એક ઉમદા ગુણ છે. છતાં, જ્યારે તમે ભ્રષ્ટાચાર વિશે વાત કરો છો ત્યારે તમે તેનો અર્થ શું કરો છે? શું કોઈ કામ કે સેવાના બદલામાં અપાતાં નાણાંનો જ ભ્રષ્ટાચારમાં સમાવેશ થાય છે? કે સત્તામાં ટકી રહેવા વાસ્તે થતાં કાવતરાંનો પણ તમે તેમાં સમાવેશ કરો છો? શું ભ્રષ્ટાચાર એ કોઈ પણ વ્યક્તિનું પોતાના વ્યક્તિગત લાભ – પછી તે ધન હોય કે સત્તા – માટે થતું કાર્ય નથી?
ભારતીય દેશભક્ત : ચોક્કસ. ભ્રષ્ટાચાર એટલે કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ કે હિત માટે પોતાના સ્થાનનો દુરુપયોગ. પછી તે પૈસા માટે હોય કે સત્તા માટે હોય. તે એક પ્રકારનો વિશ્વાસઘાત છે. તે એક અભિશાપ છે. અને અમારે તેને નાબૂદ કરવો જોઈએ.
સોક્રેટિસ : તમે કહો છો કે ભ્રષ્ટાચાર એ વિશ્વાસઘાત છે, અભિશાપ છે. પણ મને કહો, મારા મિત્ર, શું તમે માનો છો કે ભ્રષ્ટાચાર માટે ફક્ત વ્યક્તિ જ જવાબદાર છે? કે તે સિસ્ટમમાંથી ઉદ્ભવે છે?
ભારતીય દેશભક્ત : (મક્કમતાથી) તે વ્યક્તિથી શરૂ થાય છે. મજબૂત ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ લાલચનો પ્રતિકાર કરશે, ભલે સિસ્ટમ કોઈ પણ હોય.
સોક્રેટિસ : અને આવી વ્યક્તિનું ઘડતર કોણ કરે છે? શું સમાજ અને શાસન દ્વારા પ્રસ્થાપિત મૂલ્યો તે માટે જવાબદાર નથી?
ભારતીય દેશભક્ત : હા, સમાજ ભૂમિકા ભજવે છે. તેથી જ અમારે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં નૈતિક શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવ પર ભાર મૂકવો જોઈએ.
સોક્રેટિસ : પરંતુ, મને કહો, જો સમાજ નાની નાની બાબતોમાં ભ્રષ્ટાચારને સહન કરે – જેમ કે ઝડપથી કામ કઢાવવા માટે અપાતી લાંચ અથવા નોકરી કે બઢતી મેળવવા માટે થતી કોઈ પણ પ્રકારની અનૈતિક લેણ-દેણ કે સત્તા મેળવવા માટે થતી વિવિધ પ્રકારની ઘાલમેલ – તો શું આ બધા માટે સમાજના ચારિત્ર્યનો નબળો પાયો જવાબદાર નથી?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) આવી પ્રથાઓ જરૂરિયાતમાંથી જન્મે છે, સોક્રેટિસ. શું તમે કોઈ માણસને ટકી રહેવા માટે દોષી ઠેરવી શકો છો?
સોક્રેટિસ : હું માણસને દોષ નથી આપતો, મારા મિત્ર. હું સિસ્ટમની વાત કરું છું. જો કોઈ સમાજ અને તેના નેતાઓ કોઈ પણ કારણસર ભ્રષ્ટાચારને સહન કરી લે તો બધા લોકો આમ કરવા નહીં પ્રેરાય? જો સમાજના નેતાઓ જ તેને મૌન મંજૂરી આપે અને પોતે પણ ભ્રષ્ટ બને તો તે આવા ભ્રષ્ટાચારની નિંદા કેવી રીતે કરી શકે? અને કદાચ નિંદા કરે તો પણ જો તેઓ જ પોતે ભ્રષ્ટાચાર કરતા હોય તો લોકો તેમનો કેટલો વિશ્વાસ કરશે?
ભારતીય દેશભક્ત : (ખચકાટ સાથે) સોક્રેટિસ, હું માનું છું કે ભ્રષ્ટાચાર અમારા સમાજનાં ઘણાં સ્તરોમાં ઊંડે સુધી ઘૂસી ગયો છે. અને માનું છું કે તે માટે મહદંશે અમારા ઘણા નેતાઓને જ જવાબદાર ગણવા જોઈએ. તેઓએ પોતે આદર્શ વ્યવહાર દ્વારા ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ. જેમ કે અમારી આઝાદી અપાવનાર મોટા ભાગના નેતાઓ સો ટચના સોના જેવું ચારિત્ર્ય ધારાવતા હતા.
સોક્રેટિસ : બરાબર. સમાજના રક્ષકો તરીકે નેતાઓએ જ દાખલો બેસાડવો જોઈએ, તેમણે સદ્ગુણો અપનાવવા જોઈએ. પણ મને કહો – જો લોકો જ ભ્રષ્ટ નેતાઓને ચૂંટે તો પછી જવાબદારી કોની ?
ભારતીય દેશભક્ત : (નિરાશ થઈને) આ એક દુશ્ચક્ર છે! ભ્રષ્ટ નેતાઓ ભ્રષ્ટાચારને પોષે છે, અને બદલામાં લોકોને હતાશ કરે છે. અને તેથી આવા હતાશ લોકો પણ ભ્રષ્ટાચાર કરવા પ્રેરાય છે. આવા દુશ્ચક્રથી મુક્ત થવું સરળ નથી.
સોક્રેટિસ : ખરેખર તે એક દુશ્ચક્ર છે. તમે કહો છો તેમ લોકોએ ભ્રષ્ટાચારનો પ્રતિકાર કરવો જોઈએ, છતાં તમે સ્વીકારો છો કે સિસ્ટમ વ્યક્તિ પર પ્રભાવ પાડે છે. બીજી બાજુ તમે દાવો કરો છો કે નેતાઓએ એક ઉદાહરણ બેસાડવું જોઈએ, છતાં લોકો પોતે જ ભ્રષ્ટ નેતાઓને પસંદ કરે છે. તો પછી, આવી ભુલભુલામણીમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
ભારતીય દેશભક્ત : (લાંબા વિરામ પછી) મને ખબર નથી, સોક્રેટિસ. કદાચ દોષ અમારા બધાનો છે.
સોક્રેટિસ : (હળવાશથી હસતાં) નિરાશ ન થાઓ, મારા મિત્ર. સમસ્યાની જટિલતાને ઓળખવી એ શાણપણ તરફનું પ્રથમ પગલું છે. આવી દુવિધાભરી સ્થિતિમાં પણ આપણે નવો માર્ગ શોધવા માટે જરૂરી સમજણ વિકસાવી શકીએ છીએ. તમે મને કહો, મહાન નેતાની નિશાની શું છે?
ભારતીય દેશભક્ત : એક મહાન નેતા તે છે જે પોતાના રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરે અને લોકોને પ્રેરણા આપે.
સોક્રેટિસ : પરંતુ ચાલો આનો વિચાર કરીએ – જો કોઈ નેતા લોકોનો ઉત્સાહ વધારવા અને લોકોમાં પ્રિય થવા માટે મોટાં મોટાં વચનો આપે પણ તેમનો અમલ ન કરે તો શું તેને મહાન કહી શકાય?
ભારતીય દેશભક્ત : (થોભો) ના, સોક્રેટિસ. નેતાએ તેનાં વચનો પૂરાં કરવા માટે અથાક મહેનત કરવી જોઈએ. ફક્ત લોક-લુભાવન શબ્દો પૂરતા નથી.
સોક્રેટિસ : ઉત્તમ. અને મને કહો, શું તમારા ભારતમાં બધા નેતાઓ તેમનાં વચનો પૂરાં કરે છે?
ભારતીય દેશભક્ત : (અચકાતાં) બધા નહીં, હું કબૂલ કરું છું. કેટલાક એવા છે જે લોકોને છેતરતા હોય છે.
સોક્રેટિસ : હું સમજી શકું છું. અને જ્યારે કેટલાક નેતાઓ તેમનાં વચનો પૂરાં કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે જે લોકો તેમના પર વિશ્વાસ મૂકતા હોય તેમનું શું થાય છે? શું તેઓ બધા નેતાઓને શંકાની નજરે નહીં જુવે? શું દૂધમાં ઝેરનું એક ટીપું પડ્યું હોય તો તે તમે પીશો?
ભારતીય દેશભક્ત : (નિસાસો નાખતાં) લોકો નિરાશ થાય, હતાશ થાય. પોતાની સાથે દગો થયો હોય એમ અનુભવે. અને કદાચ બધા જ નેતાઓ પરથી તેમનો વિશ્વાસ ઊઠી જાય. છતાં, અમારા લોકો ઉદાર છે, સહનશીલ છે. અને આશા છોડતા નથી.
સોક્રેટિસ : ઉદારતા ખરેખર એક ગુણ છે. પણ મને કહો – શું તૂટેલાં વચનોને કારણે નિરાશ થયેલ લોકોનો સિસ્ટમમાં વિશ્વાસ ઘટતો નથી?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) કદાચ એમ થાય છે. પરંતુ, લોકો શાસનની જટિલતાઓને સમજે છે. તેઓ જાણે છે કે દરેક વચન તરત જ પૂર્ણ થઈ શકતું નથી.
સોક્રેટિસ : સાચું. કેટલાંક વચનોના પાલનમાં સમય લાગી શકે છે. પરંતુ જે વચનો પૂરાં કરવાનો ઇરાદો જ ન હોય કે ક્ષમતા જ ન હોય તો શું આવાં વચનોની લહાણી કરવી એ વિશ્વાસઘાત નથી?
ભારતીય દેશભક્ત : (મક્કમતાથી) સોક્રેટિસ, ભારત એક લોકશાહી છે. લોકો પાસે નેતાઓને જવાબદાર ઠેરવવાની શક્તિ છે. જો કોઈ નેતા વારંવાર નિષ્ફળ જાય તો તેને આગામી ચૂંટણીમાં બાજુ પર ફેંકી દેવામાં આવે છે.
સોક્રેટિસ : લોકશાહીમાં ચૂંટણી ખરેખર ઉમદા પ્રક્રિયા છે, મારા મિત્ર. પણ મને કહો, શું તોડેલાં કે ખોટાં વચનોને કારણે લોકોમાં હતાશાની મનોવૃત્તિ બનતી નથી?
ભારતીય દેશભક્ત : તે શક્ય છે. તો, શું અમારા નેતાઓએ પોતાનાં વચનોનું પાલન કરવામાં નિષ્ફળ જવાના ડરથી વચનો આપવાનું છોડી દેવાનું ?
સોક્રેટિસ : બિલકુલ નહીં. હું ફક્ત પૂછું છું – શું વચનો વાસ્તવિકતાને ખ્યાલમાં રાખીને ન આપવાં જોઈએ? તેમને અમલમાં મૂકી શકાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આવાં વચનો ન આપવાં જોઈએ? શું મોહક વચનોની આડમાં પોતાના સમર્થકોનું જ હિત સાધવું અને પોતાની સત્તા- લાલસા પોષવી એ પ્રમાણિકતા કહેવાય?
ભારતીય દેશભક્ત : (વિચારમાં પડી જાય છે) સિદ્ધાંતમાં તે સાચું છે, સોક્રેટિસ. પરંતુ મોટાં વચનો લોકોમાં આશા જગાડે છે, તેમને પ્રેરણા આપે છે. આશા વિના, રાષ્ટ્ર કેવી રીતે આગળ વધી શકે?
સોક્રેટિસ : આશા ખરેખર એક કિંમતી વસ્તુ છે. પરંતુ મને કહો – જો આશા ખાલી કે ખોટાં વચનો પર બાંધવામાં આવે તો શું તે તૂટી પડતી નથી?
ભારતીય દેશભક્ત : (લાંબા મૌન પછી) તમે મને એક મુશ્કેલ સત્ય તરફ દોરી જાવ છો, સોક્રેટિસ. વચનો અને તેમના અમલ વચ્ચેનું અંતર નેતાઓ અને લોકો બંનેને નબળા પાડે છે. છતાં, મને ખબર નથી કે તેને કેવી રીતે રોકવું.
સોક્રેટિસ : (હળવાશથી હસતાં) આહ, મારા મિત્ર, તમે સમસ્યાના મૂળ સુધી પહોંચ્યા છો. સમસ્યાને ઓળખીને જ આપણે તેના ઉકેલ તરફ પહેલું પગલું ભરી શકીએ છીએ. ચાલો આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. શું તમારી શાસનવ્યવસ્થા ખામીઓથી મુક્ત છે?
ભારતીય દેશભક્ત : (મક્કમતાથી) કોઈ પણ વ્યવસ્થા સંપૂર્ણ નથી હોતી, સોક્રેટિસ. પણ અપૂર્ણતાનો અર્થ નિષ્ફળતા નથી. પૂર્ણતા માટે પ્રયત્ન કરવાથી જ પ્રગતિ થાય છે.
સોક્રેટિસ : મારા મિત્ર, તમારી વાત શાણપણભરી છે. પણ, મને કહો, શું તમારા દેશમાં એવા કિસ્સાઓ જોવા મળે છે જ્યાં શાસનવ્યવસ્થા સામાન્ય માણસ કરતાં ધનવાનો અને લાગવગ ધરાવતા લોકોને વધુ મહત્ત્વ આપે છે, અથવા જ્યાં ન્યાયમાં વિલંબ થાય છે, જેનાથી પીડિતોને દુ :ખી થવું પડે છે?
ભારતીય દેશભક્ત : (ખચકાતાં) હા, આવા કિસ્સાઓ જોવા મળે છે. ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમતા, વિલંબિત અને ખર્ચાળ ન્યાય, તથા અમલદારોની ઉદાસીનતાથી અમારી સિસ્ટમ પીડાય છે..
સોક્રેટિસ : અને, જો તમારા દેશમાં સામાજિક અને આર્થિક અસમાનતા ચાલુ રહી હોય તો શું સિસ્ટમ તમારા આઝાદીના સંઘર્ષના આદર્શોને મૂર્તિમંત કરે છે તેમ કહી શકાય?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) સોક્રેટિસ, તમે ખૂબ કઠોર છો. શાસન-વ્યવસ્થા જટિલ છે, અને તે જે પડકારોનો સામનો કરે છે તે વિશાળ છે. આદર્શો જીવંત રહે છે, ભલે તેમને અમે પૂરેપૂરા મૂર્તિમંત ન કરી શક્યા હોઈએ.
સોક્રેટિસ : મારા મિત્ર, જો તમારા આદર્શોથી તમે સતત ભટકતા રહો, તો શું સમય જતાં તેમનાથી કાયમ માટે દૂર થઈ જવાનું જોખમ નથી રહેતું? શું કોઈ શાસનવ્યવસ્થા ખરેખર ન્યાય અને સમાનતાનું રક્ષણ કરતી હોય તો તે પોતાની ખામીઓને સતત અવગણે કે સહન કરે?
ભારતીય દેશભક્ત : (થોડા વિરામ પછી) આ એક મુશ્કેલ પ્રશ્ન છે. અમે જે આદર્શો માટે લડ્યા હતા તે શાશ્વત છે, પરંતુ વ્યવસ્થાઓ માનવી ચલાવે છે. અને માનવીઓને તેમની મર્યાદાઓ હોય છે. તેથી ક્યારેક વ્યવસ્થા ડગમગી શકે છે, પરંતુ અમારી મૂલ્યનિષ્ઠા અડગ છે.
સોક્રેટિસ : બંધુ, તમારી મૂલ્યનિષ્ઠા ખરેખર પ્રેરણાદાયક છે. પણ, મને કહો, તમારા પ્રિય ભારતમાં, શું દરેક નાગરિક સમાનતા અને ગૌરવનો અનુભવ કરે છે જે મેળવવા માટે તમે લડ્યા હતા?
ભારતીય દેશભક્ત : (ગર્વ સાથે) સોક્રેટિસ, અમારું બંધારણ સમાનતાના આદર્શને વરેલું છે. અને અમે સમાજના દરેક વર્ગનું ઉત્થાન કરવા પ્રતિબદ્ધ છીએ. અમે આ દિશામાં અનેક પગલાં લીધાં છે.
સોક્રેટિસ : તો, તે એક પ્રશંસનીય સિદ્ધિ કહેવાય. પરંતુ મને કહો, શું વાસ્તવમાં સામાજિક વ્યવહારો આવી સમાનતા અને ગૌરવને પ્રતિબિંબિત કરે છે, કે હજુ પણ તમારા સમાજમાં ભેદભાવ ચાલુ છે?
ભારતીય દેશભક્ત : (ખચકાતાં) કેટલાક જટિલ પ્રશ્નો છે, હું સ્વીકારું છું. જાતિ ભેદભાવ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. પરંતુ અમારા નેતાઓ કાયદા અને નીતિઓ દ્વારા તેમને હલ કરવા પ્રયત્ન-મહેનત કરે છે.
સોક્રેટિસ : આ તો એક ઉમદા પ્રયાસ કહેવાય. પણ શું આ કાયદાઓ લોકોનાં હૃદય અને મનને બદલવામાં સફળ થાય છે, કે તેઓ ફક્ત નામ પૂરતા છે?
ભારતીય દેશભક્ત : (દૃઢતાથી) પરિવર્તનમાં સમય લાગે છે, સોક્રેટિસ. પરંતુ પ્રગતિ નિર્વિવાદ છે. શિક્ષણ અને જાગૃતિમાં વધારો થઈ રહ્યો છે.
સોક્રેટિસ : શિક્ષણ ખરેખર એક શક્તિશાળી સાધન છે. પણ મને કહો, જો અમુક વ્યક્તિઓ હજુ પણ તેમની જાતિના આધારે પૂર્વગ્રહનો સામનો કરે છે, તો શું સમાજ ખરેખર સમાવેશી છે, કે પછી સમાનતા ફક્ત સપાટી પર દેખાય છે?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) સોક્રેટિસ, આવા પૂર્વગ્રહો થોડા લોકોમાં જોવા મળે છે. મોટાભાગના ભારતીયો આવી જૂની પ્રથાઓને નકારે છે અને સમાનતાને સ્વીકારે છે.
સોક્રેટિસ : હું સમજું છું. પણ જ્યારે સમાજના થોડા લોકો પણ તેમના પૂર્વગ્રહો પ્રમાણે વર્તતા હોય તો તેનો ભોગ બનેલા લોકો પર શું પ્રભાવ પડે છે?
ભારતીય દેશભક્ત : (નિસાસો નાખતાં) હું કબૂલ કરું છું કે તે નુકસાન પહોંચાડે છે. પરંતુ અમારી લોકશાહી વ્યવસ્થા દરેક નાગરિકને આવા પડકારોથી ઉપર ઊઠવાની શક્તિ આપે છે.
સોક્રેટિસ : મારા મિત્ર, તમારા દેશ પ્રત્યેનો તમારો પ્રેમ પ્રેરણાદાયક છે. મને કહો, તમારા પ્રિય ભારતમાં, શું દરેક મહિલા સમાનતા અને ગૌરવનો અનુભવ કરે છે?
ભારતીય દેશભક્ત : (વિશ્વાસ સાથે) અલબત્ત, સોક્રેટિસ. અમારો આઝાદીનો સંઘર્ષ બધા ભારતીયો માટે હતો, પુરુષો અને સ્ત્રીઓ બંને માટે. આજે ભારતમાં મહિલાઓ અવરોધો તોડી રહી છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
સોક્રેટિસ : પરંતુ મને કહો, શું તમારા સમાજમાં બધી મહિલાઓ પુરુષો જેટલી જ તકો અને સ્વતંત્રતા ભોગવે છે?
ભારતીય દેશભક્ત : (થોભીને) કેટલાક પડકારો છે, હું કબૂલ કરું છું. પરંતુ અમે તેમને દૂર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. આજે ઘણા પરિવારો તેમની પુત્રીઓના શિક્ષણને મહત્ત્વ આપે છે અને સ્વતંત્રતા પણ આપે છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ એ અમારું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે.
સોક્રેટિસ : શું મનમોહક સૂત્રો બનાવવાથી જ પરિવર્તન આવે છે? શું તમારે ત્યાં સ્ત્રીઓ સાથે છેડતી થતી હોય, બળાત્કાર થતો હોય, હિંસા થતી હોય તો શું તે અસમાનતાનો સંકેત નથી?
ભારતીય દેશભક્ત : (બચાવમાં) હા, આવા કિસ્સાઓ જોવા મળે છે.
સોક્રેટિસ : જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે શું શાસનવ્યવસ્થા તેમને ઝડપથી અને અસરકારક રીતે દબાવી દે છે?
ભારતીય દેશભક્ત : (ખચકાટ અનુભવે છે) હું કબૂલ કરું છું કે હંમેશાં નહીં. પરંતુ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કાયદાઓ અસ્તિત્વમાં છે, અને જાગૃતિ વધી રહી છે.
સોક્રેટિસ : પરંતુ મને કહો, જો સ્ત્રીઓની રક્ષા માટે ફક્ત કાયદાઓ પૂરતા છે? શું ફક્ત કાયદાઓ ઊંડાં મૂળ ધરાવતા પૂર્વગ્રહોને જડમૂળથી ઉખેડી શકે છે?
ભારતીય દેશભક્ત : (લાંબા વિરામ પછી) તમે એક મુશ્કેલ પ્રશ્ન પૂછો છો, સોક્રેટિસ. કદાચ અમારી આઝાદી માટે લડનાર નેતાઓએ જે સમાનતાનું સ્વપ્ન જોયું હતું તે હજી સુધી અમે સંપૂર્ણ રીતે સાકાર કરી શક્યા નથી. પણ શું કરી શકાય?
સોક્રેટિસ : અને મને કહો, તમારા પ્રિય ભારતમાં, શું દરેક નાગરિક સ્વતંત્ર અને ન્યાયી સમાજને અનુકૂળ સમૃદ્ધિ ભોગવે છે?
ભારતીય દેશભક્ત : (ગર્વથી) સોક્રેટિસ, સ્વતંત્રતા પછી અમે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, અને અમારી અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
સોક્રેટિસ : ખરેખર તે એક નોંધપાત્ર સિદ્ધિ કહેવાય. પરંતુ મને કહો, શું આ સમૃદ્ધિની વહેંચણી બધા નાગરિકોમાં સમાન રીતે થાય છે, કે કેટલાક લોકો વધુ ને વધુ સમૃદ્ધ થાય છે અને તમારા સમાજનો મોટો ભાગ ગરીબીમાં જીવે છે?
ભારતીય દેશભક્ત : (ખચકાતાં) એ સાચું છે કે અસમાનતાઓ છે, સોક્રેટિસ. આજે પણ અમારે અમારા દેશની લગભગ અડધી વસ્તીને મફત કે સસ્તું અનાજ આપવું પડે છે અને વિવિધ પ્રકારની સબસિડી આપવી પડે છે. પરંતુ આવી અસમાનતાઓ કોઈ પણ વિકસતી અર્થવ્યવસ્થામાં સ્વાભાવિક છે. સમય જતાં, લાભ બધાને મળશે. અમારી સરકારો ગરીબી નાબૂદ કરવા માટે અથાક મહેનત કરે છે. ગરીબી દૂર કરવા માટે શિક્ષણ અને રોજગાર કાર્યક્રમો જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાય છે.
સોક્રેટિસ : આવા પ્રયત્નો પ્રશંસનીય છે. પણ, શું આ કાર્યક્રમો ગરીબી નાબૂદ કરવામાં સફળ થાય છે, કે પછી ગરીબી વધતી જ જાય છે?
ભારતીય દેશભક્ત : (થોભીને) ગરીબી ચાલુ રહે છે, હું કબૂલ કરું છું. પરંતુ તમે સમજી શકો છો, સોક્રેટિસ, કે પ્રગતિમાં સમય લાગે છે. આપણે ધીરજ રાખવી જોઈએ.
સોક્રેટિસ : ધીરજ એક મોટો ગુણ છે, મારા મિત્ર. પણ મને કહો, જેઓ ભૂખ અને અપૂરતી આરોગ્ય સંભાળથી પીડાય છે તેમના માનવીય ગૌરવનું શું ? અને જે દલિત અને પીડિત લોકો માત્ર પોતાના માનવીય અસ્તિત્વને ટકાવી રાખવા માટે દિવસ રાત ઝઝૂમતા હોય છે તેઓ પોતાની પીડા સત્તાધીશો સમક્ષ રજૂ કરી શકે છે? શું સત્તાધીશો તેમની દુર્દશાને અવગણતા નથી ?
ભારતીય દેશભક્ત : (વિચાર કરીને) તમે એક મુશ્કેલ મુદ્દો ઉઠાવો છો, સોક્રેટિસ. ગરીબો હંમેશાં તેમની ચિંતાઓને સરકાર સમક્ષ રજૂ કરી શકતા નથી.
સોક્રેટિસ : અને જો ગરીબોની ચિંતાઓને સંબોધવામાં ન આવે તો શું તેથી અસમાનતાઓની ખાઈ વધુ ઊંડી બનતી નથી? અને શું તેથી ન્યાય અને સમાનતાના તમારા આઝાદીના લડવૈયાઓના આદર્શો નબળા પડતા નથી? અને શું તમારી આઝાદીના અમૃત કાળમાં જ્યારે તમે વિશ્વગુરુ બનવાનાં સપનાં જુઓ છો ત્યારે હિંમત, નિ:સ્વાર્થતા, સત્ય, અહિંસા, સર્વ- સમાવેશી સામાજિક ઉત્થાન, અને શોષણ તથા અન્યાયના વિરોધ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા જેવા તમારા પૂર્વજોના આદર્શો પ્રત્યેની નિસ્બત વધુ દૃઢ ન હોવી જોઈએ ?
ભારતીય દેશભક્ત : (થોડા વિરામ પછી) એ સ્વીકારવું દુ:ખદાયક છે, પણ કદાચ તમે સાચા છો. આવી અસમાનતાઓ અમારી પ્રગતિ પર એક કાળો ધબ્બો છે, અને તેનો ઉકેલ હાલમાં તો દેખાતો નથી. કદાચ સત્તાની ચમક-દમકમાં અમે અમારા પૂર્વજોના આદર્શોથી ચલિત થઈ ગયા છીએ તે જ અમારી દુર્દશાનું મૂળ કારણ હોઈ શકે છે.
સોક્રેટિસ : મારા મિત્ર, એનો અર્થ એ થયો કે તમે આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેના અંતરથી વાકેફ છો, છતાં તેના ઉકેલ અંગે તમે અનિશ્ચિત છો. પરંતુ દુવિધાની આવી સ્થિતિમાંથી જ શાણપણ અને પ્રગતિનો ઉદ્ભવ થઈ શકે છે.
ભારતીય દેશભક્ત થોડી વાર ચૂપ થઈ જાય છે.
001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 મે 2025; પૃ. 04-07 તેમ જ 22