૨૬મી ડિસેમ્બરે દુનિયા ક્રિસમસ ઉજવી રહી હતી ત્યારે, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સંઘર્ષના પ્રતીક અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂનું, ૯૦ વર્ષની ઉંમરે, કેપટાઉનમાં અવસાન થઇ ગયું. દેશ અને દુનિયામાં માનવાધિકારો સંકટમાં છે, ત્યારે દક્ષિણ આક્રિકાને નસ્લીય ભેદભાવની ખાઈમાંથી બહાર કાઢીને સમાનતાના પથ પર મુકનાર ટૂટૂનું જવું સમગ્ર માનવજાત માટે નિરાશાના સમાચાર છે.
દુનિયાને બહેતર બનાવનારાઓ એક પછી એક અલીવિદા ફરમાવે, ત્યારે દુનિયાના ભવિષ્યને લઈને ચિંતા થવી સહજ છે. ટૂટૂ માત્ર દક્ષિણ આફ્રિકા જ નહીં, દુનિયાના એ તમામ સમાજો માટે સક્રિય હતા, જ્યાં સામાજિક અન્યાય અને અશાંતિનું સંકટ તેમના વિકાસમાં અવરોધરૂપ હતું. એટલા માટે તેમને મોરલ કમ્પાસ (નૈતિક દીવાદાંડી) કહેવામાં આવતા હતા. ભારતના લોકોને ટૂટૂ માટે અને ટૂટૂને ભારત માટે વિશેષ પ્રેમ હતો, કારણ કે ટૂટૂ એ જ રંગભેદમાંથી જન્મ્યા હતા, જેમાંથી મહાત્મા ઊભા થયા હતા.
ટૂટૂને અને તેમના અભિગમને સમજવો હોય તો, આફ્રિકાની બન્ટુ ભાષાના પ્રાચીન ‘ઉબન્ટુ’ શબ્દને સમજવો પડે. માનવતાના અર્થમાં આ શબ્દ વપરાય છે. તેનો શબ્દશ: અર્થ થાય છે; ‘તું છે એટલે હું છું.’ માનવતાનો અર્થ થાય છે એકબીજા સાથે જોડાયેલા રહેવું. આપણે અલગાવમાં એક મનુષ્ય રહી શકતા નથી. એકલતામાં આપણે બધા વ્યક્તિ છીએ, પણ આપણે જ્યારે એક થઇએ છીએ, ત્યારે આપણે મનુષ્ય થઇએ છીએ. વ્યક્તિ તરીકે આપણે માત્ર આપણા વિશે જ વિચારીએ છીએ, પરંતુ મનુષ્ય તરીકે આપણે બીજા લોકો વિશે વિચારીએ છીએ. આને ઉબન્ટુ કહે છે.
ડેસમન્ડ ટૂટૂનું માનવતાવાદી ચિંતન આ એક શબ્દની આસપાસ ઘડાયું હતું. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ સ્થિત નૈતિક ધર્મશાસ્ત્રી માઈકલ બાટલેએ ટૂટૂના દર્શનને સમજાવવા માટે ૧૯૯૭માં એક પુસ્તક લખ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રેકન્સિલીએશન : ધ ઉબન્ટુ થિયોલોજી ઓફ ડેસમન્ડ ટૂટૂ.’ તેમાં તે લખે છે કે જેમ આખી જિંદગી પાણીમાં રહેતી માછલીને ભીના થવું કોને કહેવાય તે સમજમાં ન આવે, તે રીતે વ્યક્તિવાદી વિચારોથી ઘડાયેલા પશ્ચિમના લોકોને ઉબન્ટુ શબ્દનો સામુદાયિક અને આધ્યાત્મિક ભાવ વિચિત્ર લાગી શકે.
ટૂટૂના સમકાલીન અને સહયોગી નેલ્સન મંડેલાએ આ શબ્દને સમજાવતાં કહ્યું હતું, “એક દેશમાંથી પસાર થતો મુસાફર એક ગામમાં રોકાય, તો તેણે ખાવા-પીવા માટે પૂછવું ન પડે. એ રોકાઈ જાય, તો લોકો તેને ખાવાનું આપે છે, તેનું મનોરંજન કરે છે. ઉબન્ટુનું આ એક પાસું છે, પરંતુ તેનાં ઘણાં પાસાં છે.
ઉબન્ટુનો અર્થ એવો નથી કે લોકોએ ખુદને સમૃદ્ધ ન કરવા જોઈએ. સવાલ એ છે કે તમે એવું શું કરી શકો જેનાથી આસપાસના સમુદાયમાં પ્રગતિ થાય?”
ઉબન્ટુ માટે નજીકનો પર્યાય સહઅસ્તિત્વ છે. બ્રાઝિલમાં મહાત્મા ગાંધીના આદર્શોને પ્રચલિત કરવાનું કામ કરતાં અને એક એન.જી.ઓ.ના સંચાલક પ્રોફેસર લિયા ડિસ્કને, બ્રાઝિલમાં યોજાયેલા એક શાંતિ મહોત્સવમાં, ઉબન્ટુ શબ્દને સમજાવવા માટે એક માનવવંશશાસ્ત્રીના અનુભવની સુંદર વાર્તા કહી હતી.
આ સંશોધક આફ્રિકાની બન્ટુ જાતિના રીત-રિવાજો અને પરંપરાઓનો અભ્યાસ કરવા ગયો હતો. તેનું કામ પતી ગયું, તે પછી તે વતન પાછા આવવા માટે તૈયારી કરતો હતો. અભ્યાસ દરમિયાન તે બન્ટુ જાતિનાં બાળકોમાં પ્રિય બની ગયો હતો. તેની હવાઈયાત્રા શરૂ થવામાં વાર હતી અને સમય પસાર કરવા માટે તે બાળકો સાથે રમત રમતો હતો.
તે તેની સાથે ખૂબ બધી કેન્ડી અને મીઠાઈઓ લાવ્યો હતો. તેણે એ બધું એક બાસ્કેટમાં મૂકીને ઉપર સુંદર મજાની રિબીન બાંધી અને બાસ્કેટને એક ઝાડ નીચે મૂકી. એ પછી તેણે બધાં બાળકોને બોલાવ્યાં. બાળકોને દૂર ઊભાં રાખીને તેમની સામે જમીન પર તેણે એક રેખા દોરી, અને સમજાવ્યું કે બધાએ એ રેખાની અંદર રહેવાનું અને ઈશારાની રાહ જોવાની. એ જેવો ઈશારો કરે તે સાથે બાળકોએ દોડવાનું અને જે બાળક સૌથી પહેલાં બાસ્કેટ પાસે જાય એ તમામ કેન્ડી લઇ જાય.
તેણે જેવો ‘દોડો’ એવો ઈશારો કર્યો, તો તેના આશ્ચર્ય વચ્ચે તમામ બાળકોએ એકબીજાના હાથ પકડી લીધા અને બધાં એક સાથે દોડ્યાં. ઝાડ નીચે પહોંચીને તેમણે બાસ્કેટ ખોલીને બધી કેન્ડી એકબીજા સાથે વહેંચી લીધી.
સંશોધકને બાળકોના વ્યવહાર અંગે જિજ્ઞાસા થઇ. તેણે પૂછ્યું કે મેં તો તમને એમ કહ્યું હતું કે જે સૌથી પહેલાં પહોંચશે, તેને તમામ કેન્ડી મળશે, તો પછી તેમેં સૌ સાથે કેમ દોડ્યાં?
તેમાંથી એક નાની છોકરીએ જવાબ આપ્યો, “બીજા બધા નિરાશ હોય, તો પછી અમારામાંથી કોઈ એક કેવી રીતે ખુશ થઇ શકે?”
વ્યક્તિવાદી સમાજમાંથી આવતો સંશોધક અવાચક રહી ગયો! એ મહિનાઓથી બન્ટુ જાતિનો અભ્યાસ કરતો હતો, પણ તેને છેલ્લા દિવસે એ સમાજનું મૂળ સત્વ સમજમાં આવ્યું હતું. વર્ષો પછી, ડેસમન્ડ ટૂટૂએ એ નાની છોકરીના વિચારને ઉબન્ટુ શબ્દથી સમજાવ્યો હતો :
“આફ્રિકન સંસ્કૃતિમાં ઉબન્ટુ નામનો એક વિચાર છે. મનુષ્ય હોવાનું એ સત્વ છે અને વિશ્વને આફ્રિકાની એ ભેટ છે. એમાં યજમાનવૃતિ, બીજા માટેની દરકાર અને કોઈના માટે બે ડગલાં વધુ ચાલવાનો ભાવ સમાયેલો છે. અમે માનીએ છીએ કે એક માણસ બીજા માણસોના માધ્યમથી જ માણસ બને છે, મારી માનવતા તમારી માનવતા સાથે અટપટી રીતે બંધાયેલી છે. હું જ્યારે તમને અમાનવીય બનાવું, ત્યારે હું મને પણ અમાનવીય બનાવું છું. સોબત વગરનો મનુષ્ય વિરોધાભાસી શબ્દ છે. એટલા માટે તમારે સર્વહિતમાં કામ કરવું જોઈએ કારણ કે માનવતા તમારા સામુદાયિક લગાવમાં પેદા થાય છે.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 જાન્યુઆરી 2022