
રવીન્દ્ર પારેખ
અનેક પેઢીઓ માબાપમાંથી ઊતરી આવી છે ને હજી ઘણી અવતરશે. એક સમય હતો જ્યારે સંતાનો માબાપનું જોઈ જોઈને શીખતાં. માબાપની વાતોની નકલ કરતાં. તેમનાં કામની નકલ કરતાં. તેમનાં જેવાં થવાનું તેમને ગમતું. એ પછી શિક્ષણનો પ્રભાવ વધ્યો ને એક એવો તબક્કો આવ્યો, જેમાં માબાપ અભણ હતાં ને બાળકો શીખવા લાગેલાં. એ પછી એ સંતાનોનાં સંતાનો પણ શીખ્યાં. કોઈ વેપારી થયું. કોઈ શિક્ષણમાં ગયું. કોઈ વૈજ્ઞાનિક થયું. એવું પણ થયું કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, ત્યાં સંતાનોએ પિતાનો વ્યવસાય અપનાવી લીધો. કોઈ ખેડૂત થયું. કોઈ દુકાન ખોલી ધંધામાં પડ્યું, કોઈ મિલમાં, કોઈ ફેક્ટરીમાં લાગ્યું. જ્યાં વારસાગત ધંધો હતો ત્યાં મોટે ભાગે સંતાનો એ જ ધંધે બેઠાં ને એનાં વિસ્તરણમાં જ આયખું ખુટાડતાં રહ્યાં, પણ જ્યાં શિક્ષણ વધ્યું, ત્યાં પિતાની જ નોકરી સંતાન કરે એવું જરૂરી રહ્યું નહીં. પિતા શિક્ષક હોય તો સંતાન પણ શિક્ષક જ બને એવું ઓછું બન્યું. તે એટલે પણ કે નોકરીમાં, નોકરીએ રાખનારને અને નોકરીએ રહેનારને પસંદગીની તકો હતી, એટલે યોગ્યની પસંદગી તરફનો ઝોક વિશેષ રહ્યો. પિતા પ્રિન્સિપાલ હોય ને પુત્ર બેંકમાં પટાવાળો હોય એમ થયું તો પિતા પટાવાળા હોય ને પુત્ર કલેકટર હોય એમ પણ થયું. પિતા ક્લાર્ક હોય ને પુત્ર કે પુત્રી ડૉક્ટર કે એન્જિનિયર હોય એવું પણ બન્યું ને એક તબક્કે આ બધું યોગ્ય પસંદગીને ધોરણે થયું.
એ પછી રાજકારણીઓનું વર્ચસ્વ વધ્યું. એમણે જે દાખલાઓ ગણ્યા એનો જવાબ ભ્રષ્ટાચારમાં આવવા લાગ્યો, એટલે યોગ્યને પાછળ ને અયોગ્યને આગળ કરવાનું પણ ચાલ્યું. આજે પણ મોટે ભાગે યોગ્ય, અયોગ્ય જગ્યાએ અને અયોગ્ય, યોગ્ય જગ્યાએ વર્ચસ્વ ભોગવે છે. એનું એક પરિણામ એવું પણ આવ્યું કે હરામની કમાણી વધી ને એના જોર પર સંતાનોને ઠેકાણે પાડવા માબાપોએ પણ કમર કસી. એમ કરીને એમણે ઘણાંને તમ્મર આણ્યાં.
એમાં વળાંક એવો પણ આવ્યો કે કેટલાંક સંતાનો માબાપની ઇચ્છાથી અલગ પડ્યાં. આમાંના ઘણાં માબાપ શિક્ષિત અને એકંદરે સારી આર્થિક સ્થિતિ ધરાવનારાં હતાં. એ સાથે જ સંતાનો પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખનારાં પણ હતાં. પોતે ભણતાં હતાં ત્યારે એમણે કૈં બહુ ઉકાળ્યું ન હતું. ભણવામાં માબાપ સાધારણ જ હતાં, પણ તેમનું સંતાન અભૂતપૂર્વ બુદ્ધિપ્રતિભા ધરાવતું હોવાનું તેમને લાગતું હતું. બધાં જ માબાપો કદાચ એવી માન્યતા ધરાવતાં હતાં. પોતે જાણે ચાકડો ચલાવતા હતા ને બાળક માટીનો કોઈ પિંડ હોય તેમ તેનો કોઈ ઘાટ ઉતારવા માંગતા હતા. એ વખતે એ ભુલાઈ જતું હતું કે એ માટી નથી, ઉછરતો, પોતાની રીતે ઉછરવા માંગતો જીવ છે. લગભગ બધાં જ સંતાનો પાસેથી ઉત્તમ દેખાવની અપેક્ષા ભણવા બાબતે રખાતી હતી. સંતાને દરેક વખતે બધાંમાં ફર્સ્ટ જ આવવાનું હતું. ફર્સ્ટથી ઓછું તો માબાપને કૈં ખપતું જ ન હતું. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં આ અપેક્ષા ટોચ પર પહોંચતી હતી. લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસતા હતા, તેમાંથી ઘણાં નાપાસ પણ થતા જ હતા, પણ માબાપોને લાગતું હતું કે તેમનું સંતાન તો પ્રથમ જ આવવાનું છે. લાખો વિદ્યાર્થીઓ પાસ થતા પણ હતા, પણ બધા જ તો પહેલે નંબરે ન આવે – હા, માબાપોને તો એમ જ હતું કે તેમનું સંતાન પહેલું જ આવશે, જ્યારે વાસ્તવિકતા એ હતી કે પહેલે નંબરે તો કોઈ એક જ આવવાનું હતું. પરીક્ષાનું ધાર્યું પરિણામ ન આવતું તો આખા કુટુંબને માથે આભ તૂટી પડતું હતું. માબાપની ભરપૂર કાળજી છતાં, ઢગલો ટ્યૂશન છતાં, સંતાનો જોડે પોતે ઉજાગરાઓ કર્યા હોવાં છતાં, તેમનું પોતે વાંચ્યું હોવા છતાં, ટી.વી.-ફિલ્મ-મનોરંજન આખું વર્ષ જતું કરવા છતાં, સંતાન ધાર્યું પરિણામ લાવી શક્યું ન હતું. આમ તો 90 ટકા આવ્યા હતા, છતાં મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન નહીં મળે એ ભયે આખું કુટુંબ કોઈ અપરાધભાવથી પીડાતું હતું. આવું કોઈ એક જ કુટુંબ ન હતું, ઘણાં હતાં. ઘણાં છે. માબાપ પોતાનું રિઝલ્ટ આવે વખતે ભૂલી જતાં હોય છે. તેમનો સેકન્ડ ક્લાસ માંડ આવ્યો હશે, પણ સંતાને તો અગ્રેસર જ રહેવાનું છે એવું તીવ્રતાથી માનતાં હતાં.
એ બાળક છે, મશીન નથી કે એકસરખી રીતે જ ચાલે. દરેકની કોઈ વસ્તુ કે વિષયને ગ્રહણ કરવાની ચોક્કસ ક્ષમતા કે મર્યાદા હોય છે. એ વાત સંતાનને પણ લાગુ પડે છે. બધાં જ હોંશિયાર હોય તો પણ, કે બધાંએ જ સખત મહેનત કરી હોય તો પણ, બધાંને સરખું જ પરિણામ મળે એવું જીવ સૃષ્ટિમાં શક્ય જ નથી. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ કોઈ એકને જ મળે છે. એનો અર્થ એવો નથી કે બીજા ખેલાડીઓએ ઓછી મહેનત કરી છે. પૂરતી મહેનત ને ક્ષમતા છતાં કોઈ ચોક્કસ ઘડીએ તે આગળ નીકળે છે ને કોઈ જરાક જ પાછળ રહે છે, પણ આપણે એ તરફ ઓછું જ ધ્યાન આપીએ છીએ. આપણી માનસિકતા બીજા નંબર માટે કદાચ સમભાવની નથી જ ! ભલે અંગત ક્ષમતા હજારથીએ વધુના નંબરની હોય, પણ નજર પહેલાં નંબર પર જ રહે છે. આવું જ શિક્ષણને મામલે આપણે સંતાનો માટે ઈચ્છીએ છીએ. સંતાને કોઈ કચાશ રાખી ન હોય, છતાં તે જરાક માટે ચૂકે છે. એ વખતે માબાપો માથે હાથ ફેરવીને આશ્વસ્ત કરવાને બદલે સંતાન પર પસ્તાળ પાડે છે. આનાથી સંતાન આઘાત અને નિરાશાથી બેવડ વળી જાય છે ને વધુ હતાશ થાય છે તો આત્મહત્યા કરવા તરફ વળે છે. બાળક ગુમાવ્યા પછી માબાપ રડતાં કકળતાં હોય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
આજે પણ ઘણાં માબાપ સંતાનો પર કેરિયર થોપતાં હોય છે. એવું એમના માબાપે પણ કર્યું હશે, પણ તેમાંથી પાઠ એ જ ભણાય કે ભણાવાય છે કે જે પોતાને વીત્યું છે તે સંતાન પર વિતાડવું. બહુ ઓછા માબાપ સંતાનોને એમની રીતે વર્તવા દેતાં હોય છે. સંતાનોની જોહુકમી પણ હશે જ, પણ લગ્ન કે શિક્ષણ, વ્યવસાય કે નોકરીની બાબતે માબાપે તેમના આગ્રહો જતાં કરવાં જોઈએ. સંતાનોને તેમનાં સ્વપ્નો હોય છે, તેમની પસંદગી હોય છે, એમાં માબાપ સૂચનો કરી શકે, ક્યારેક માર્ગદર્શન આપી શકે, પણ અંતિમ નિર્ણય તો સંતાનો પર જ છોડવો જોઈએ. પિતા કે માતા ડૉક્ટર હોય ને સંતાન તે ક્ષેત્ર અપનાવવા રાજી હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સંતાને સિતાર શીખીને તેમાં કેરિયર કરવી હોય, કે શિક્ષક થવું હોય તો તેને પરાણે મેડિકલમાં ન ધકેલવો જોઈએ. સંતાન કૈં માબાપની ઝેરોક્સ નથી. તેને તેનાં વિચારો છે, સમજ છે, નિર્ણય લેવાની ક્ષમતા છે, પછી પોતાનું ડહાપણ વઘારીને માબાપે સંતાનની કારકિર્દી અવરોધવી ન જોઈએ. ઘણાં માબાપ આર્થિક ક્ષમતા હોવા છતાં સંતાનોને એટલે મદદ કરતાં નથી, કારણ તેમણે કારકિર્દી માબાપની ઈચ્છા મુજબની સ્વીકારી નથી. જે માબાપ, પોતાની ઈચ્છાઓ સંતાનો પર થોપીને પોતાનો કક્કો ખરો કરાવે છે એ સંતાનોના અપરાધી છે. પૈસા અને પ્રતિષ્ઠાને જોરે માબાપ ઘણાં સંતાનોને તેમની ઈચ્છા વિરુદ્ધ પોતાનું ધારેલું કરવા ફરજ પાડતાં હોય છે. આ વલણ બદલાવું જોઈએ. સંતાનો પર વિશ્વાસ મૂકવો જોઈએ અને તેમને વિશ્વાસમાં લઈને યોગ્ય નિર્ણયો સંતાનો પાસે જ લેવડાવવા જોઈએ. આત્મનિરીક્ષણ અને નિર્ણયાત્મકતા સંતાનમાં પડેલાં હશે તો સંતાનો ખોટો નિર્ણય ભાગ્યે જ લેશે. માબાપ સંતાનોનું અહિત કદી ઇચ્છતાં નથી, પણ સંતાનોને કેટલાંક માબાપ પોતાની ઇચ્છાપૂર્તિનું સાધન માનતાં હોય છે. સંતાનો માબાપનું એક્સટેન્શન નથી તે કમ સે કમ માબાપે તો સમજવાનું રહે જ છે. જ્યાં માબાપની જોહુકમી ચાલતી હશે, ત્યાં વાતાવરણ સાત્ત્વિક ઓછું જ હશે. સંતાનોને પોતાની રીતે વર્તવાની મોકળાશ પણ માબાપો જ આપતાં હોય છે. એવું વાતાવરણ માબાપ સર્જે તો સંતાનો માબાપ સિવાય બીજા કોઈને ભાગ્યે જ પ્રાયોરિટી આપશે. સંતાનો ભવિષ્ય છે ને તેને પરાણે ભૂતકાળ તરફ ખેંચવાનું તો ભવિષ્ય જ બગાડશે. વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 05 માર્ચ 2023