મૂડીવાદી જમણેરી રાજકારણીઓને ખબર છે કે ઇમિગ્રન્ટ્સ અર્થતંત્ર માટે જરૂરી છે પણ તેમનો વિરોધ આ રાજકારણીઓને નેરેટિવ ઘડવા માટે જરૂરી છે

ચિરંતના ભટ્ટ
એક વખત હતો જ્યારે અંગ્રેજોને હકાલી કાઢવા માટે આપણે એટલે કે આપણા સ્વાતંત્ર સંગ્રામીઓએ સાઇમન ગો બૅકના નારા બોલાવ્યા હતા અને હવે માળું ત્યાં આપણને – સીધી રીતે તો નહીં પણ આડકતરી રીતે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. અત્યારે લંડન, બર્લિન કે ડબલિનની શેરીઓમાં જનારા કોઈને પણ એક પરિવર્તનનો અહેસાસ થશે. ઇમિગ્રેશન – જે એક સમયે અર્થશાસ્ત્ર અને માનવતાવાદી ફરજના માળખામાં ચર્ચાનો વિષય હતો – તે હવે પશ્ચિમના રાજકારણનો મુખ્ય મુદ્દો બની ગયો છે. યુરોપના અંતિમવાદી જમણેરી પક્ષોએ ભલે સરકારો પર સંપૂર્ણપણે કબ્જો ન કર્યો હોય, પણ તેમણે નેરેટિવ પર તો પર કબ્જો કરી લીધો છે. હવે તો મધ્યમમાર્ગી – કેન્દ્રવાદી નેતાઓ પણ અવરોધ, દેશનિકાલ અને “કડક કાર્યવાહી”ની ભાષા બોલી રહ્યા છે.
વિદેશમાં વસતા ભારતીયો માટે આ પરિવર્તન માત્ર એક અમૂર્ત ખ્યાલ નથી. અહીં બે પ્રશ્નો ઊભા થાય છે જે સીધા ભૂ-રાજકારણ એટલે કે જિઓ-પૉલિટીક્સને સ્પર્શે છે : ભારતીયો આ પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે? અને જો યજમાન દેશો ઇમિગ્રન્ટ્સ પ્રત્યે પ્રતિકૂળ બને તો શું તેઓ પોતાની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડશે?
યુરોપનો કઠોર વળાંક
2024ની યુરોપિયન સંસદની ચૂંટણીઓ અંતિમવાદી-જમણેરી પક્ષો માટે ભલે જંગી જીત ન હતી, પણ આ રણે એક બારીક ફેરફાર તો વર્તાયો: કડક ઇમિગ્રેશન નીતિઓનું મુખ્ય પ્રવાહમાં લાગુ થઇ. જર્મનીના AfD પક્ષે તાજેતરમાં સ્થાનિક ચૂંટણીઓમાં જોરદાર ઉછાળો જોયો, જ્યારે ઇટાલી આશ્રય શોધનારાઓને ઑફશોર પ્રોસેસિંગ માટે દબાણ કરે છે. યુ.કે. – લેબર પાર્ટી હેઠળ પણ – અવરોધક નીતિને જીવંત રાખી છે, અને ફ્રાન્સ સાથે “વન-ઇન, વન-આઉટ” દેશનિકાલ કરાર શરૂ કર્યો છે. રિમૂવલની પહેલી ફ્લાઇટમાં, એક ભારતીય નાગરિક હતો.
સમગ્ર કોન્ટિનેન્ટમાં, ઇમિગ્રેશનની નીતિનું નવું વ્યાકરણ અટકાવવાની નીતિને આસાપસ ઘડાઇ રહ્યું છે તેમ લાગે છે. યુરોપમાં ઇમિગ્રન્ટ્સ માટેની કરુણા જરા બાજુમાં મુકવામાં આવી છે અને ઝ઼ડપી વાપસી, આશ્રય આપતા પહેલાં કડક ચકાસણી, વધુ ઑફશોર ડીલ્સ એ 2025નું યુરોપ છે.
અમેરિકાની બેવડી ફ્રેમ
એટલાન્ટિકની પેલે પાર, પરિસ્થિતિ વધુ વિવાદાસ્પદ છે. એક તરફ, યુ.એસ.ને હજી પણ ઇમિગ્રન્ટ્સની જરૂર છે – અને ભારતીયો તે યાદીમાં ટોચ પર છે. ત્યાં 2.7 મિલિયનથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે, જેઓ ટૅક, મેડિસીન અને આંત્રપ્રિન્યોરશીપમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય અમેરિકનો યુ.એસ.માં સૌથી ધનિક ઇમિગ્રન્ટ સમૂહ છે. ત્યાંની કંપનીઝમાં સી.ઈ.ઓ. અને ફાઉન્ડર્સની યાદીમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ વધુ છે. એક અબજ ડોલરથી વધુના કિંમતના લગભગ ચારમાંથી એક અમેરિકન સ્ટાર્ટ-અપમાં ભારતીય સ્થાપક છે. ભારતીયો વિના, સિલિકોન વેલી આજે જે છે તે સિલિકોન વેલી ન હોત એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
અને છતાં, શંકા યથાવત છે. તાજેતરના વર્ષોમાં દક્ષિણ એશિયાઈ અને હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઇમ્સ વધ્યા છે. FBI ડેટા અનુસાર એશિયન વિરોધી નફરત હજી પણ કોવિડ કોરોનાવાઇરસના પહેલાના સમયથી ઘણું ઊંચા સ્તરે છે. દરમિયાન, યુ.એસ.નું રાજકારણ ઇમિગ્રેશનને સરહદી કાફલાઓ અને “આક્રમણ” સુધી ઘટાડી દે છે. રિપબ્લિકન દીવાલોની માંગ કરે છે, ડેમોક્રેટ્સ કરુણા અને નિયંત્રણ વચ્ચે ઝોલા ખાય છે, પરંતુ બંને પક્ષોએ ઇમિગ્રન્ટ્સને અનિશ્ચિતતાના વાતાવરણમાં છોડી દીધાં છે.
ભારતીયની કેવી છાપ?
જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છીએ, ત્યારે આ તણાવ વાહિયાત લાગે છે. ભારતીયો હંમેશાં જે દેશમાં ગયા છે તે તમામે દેશોને તેમણે સમૃદ્ધ બનાવ્યા છે. પૂર્વ આફ્રિકામાં, ભારતીયોએ રેલવે અને વાણિજ્યનું નિર્માણ કર્યું. ગલ્ફમાં, ભારતીયોએ લેબર પર ચાલતી અર્થવ્યવસ્થાઓને ટકાવી રાખી છે. બ્રિટનમાં, ભારતીયોએ નાકે કે ચાર રસ્તે દુકાનો શરૂથી માંડીને અબજ પાઉન્ડના વ્યવસાયો સુધી બધું જ બનાવ્યું. અમેરિકામાં, ભારતીયો માત્ર હેલ્થકેર સિસ્ટમને શક્તિ પૂરી પાડે છે તેમ નથી પણ આવતીકાલને આકાર આપતી ટૅક કંપનીઓ પણ ચલાવે છે.
ટોની રોબિન્સન જેવા બ્રિટિશ રાજકારણીઓ જ્યારે પણ ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરે છે ત્યારે શીખો અને ભારતીયોની અનિવાર્યતા પર ભાર મૂકે છે – તેમના મતે આ અગત્યની લઘુમતીઓ છે જે શાંતિથી પોતાનું કામ કરે રાખે છે. આ રાજકારણીઓને ખબર છે કે આ ભારતીયો ત્યાં જે રીતે કામ કરે છે તેમાં અર્થતંત્રને ટેકો મળે છે, તેમાં ગુણાકાર થાય છે (ડ્રેન ઑફ વેલ્થ વાળું તો અંગ્રેજો કરતા હતા – આપણી એવી ફિતરત નથી)– તેઓ કોઇ નુકસાન નથી કરતા. ત્યાંના લીડર્સ આ આખી વાત સ્વીકારે છે પણ તેમના સ્વીકારનો અવાજ કાને પડે એવો નથી, જાહેરમાં તો તેઓ ઇમિગ્રન્ટ્સને મેનેજ કરવું પડે એવા જોખમમાં ખપાવે છે.
આ રોષ કેમ?
જો અર્થતંત્રમાં ઇમિગ્રન્ટ્સ નડતાં નથી તો પછી આ રોષ શા માટે? સીધો જવાબ છે રાજકારણ. અત્યારના જમણેરી પક્ષો અજ્ઞાની નથી. તેઓ મૂડીવાદી છે, તેઓ જાણે છે કે ઇમિગ્રન્ટ્સ અર્થંતંત્રની વૃદ્ધિમાં ફાળો આપે છે. પરંતુ રાજકારણીઓને પોતાનું નેરેટિવ ચલાવવા કંઇક તો જોઇએ. આ કિસ્સામાં તેમને માટે લટકવાનું આ દોરડું ઇમિગ્રન્ટ્સ બની જાય છે. તેઓ પોતાના મુદ્દાઓમાં મતદારોની નોકરીઓ, ફુગાવો અને સાંસ્કૃતિક પરિવર્તન અંગેની ચિંતાઓ માટે એક લાગણીશીલ શૉર્ટહેન્ડ તરીકે ઇમિગ્રેશનના નેરેટિવનો ઉપયોગ કરે છે.
ઇંગ્લિશ ચેનલમાં મુઠ્ઠીભર હોડકાં, અથવા ઓવરસ્ટેયર્સનો વધારો જેવી બાબતોને એક એક “રાષ્ટ્રીય કટોકટી” તરીકે તેનું કદ વધારીને મતદારો સામે રજુ કરાય છે. રાજકારણને આંકડાઓ સાથે કંઇ લેવાદેવા નથી – રાજકારણ પ્રતીકોનો ખેલ છે. અને આ પ્રતીકાત્મક યુદ્ધમાં, કામઢા, કૌશલ્ય ધરાવતા એવા ભારતીયો પણ, જેઓ ભાગ્યે જ ગેરકાયદેસર ક્રોસિંગમાં જોવા મળે છે, તેઓ કોલેટરલ બની શકે છે. જો કે ગમે કે ન ગમે આપણે એ યાદ રાખવું જોઇએ કે આપણે ત્યાંથી ખોટા કાગળિયા કરી ત્યાં પહોંચી જનારા અથવા તો ત્યાં જવા માટે છેતરાઇ જનારા ભારતીયો પણ છે. સમસ્યા છે ખરી પણ જોખમ કહી શકાય એવી નથી. તમે જાણો જ છો ખોટી રીતે વિદેશ પહોંચી ગયેલા ભારતીયો ત્યાં કેવી જિંદગી જીવતા હોય છે? તેમને ચૂપચાપ કામ કરી – જે મજૂરી પ્રકારનુ હોય છે – પૈસા ભેગાં કરીને પોતાને ગામ મોકલવામાં જ વ્યસ્ત હોય છે.
પશ્ચિમ માટે જોખમો
અહીં વાસ્તવિક વિરોધાભાસ છે: જો પશ્ચિમ શત્રુતામાં વધુ ઝુકે, તો આ દેશો પોતાની સમૃદ્ધિને નબળી પાડવાનું જોખમ ઉઠાવે છે. વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂકવાથી સંસદમાં તાળીઓ પડી શકે છે, પરંતુ તે યુનિવર્સિટીઓને અબજોની ફીસથી વંચિત રાખે છે. હાઇલી પ્રોફેશનલ કામદારોને દૂર કરવાથી એવાં ક્ષેત્રો નબળા પડે છે જેમાં પહેલેથી જ શ્રમની અછત છે. ઇમિગ્રન્ટ સમુદાયોને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહેવાથી બ્રેઇન ડ્રેઇન થાય છે, કારણ કે પછી આ લોકો કેનેડા, ઑસ્ટ્રેલિયા અથવા સિંગાપોર જેવા દેશો તરફ નજર કરવાનું શરૂ કરે છે.
ટ્રમ્પ-યુગના H-1B વિઝા પરના કડક નિયંત્રણો દરમિયાન આપણે જોયું કે ભારતીય ઇજનેરોએ કેનેડાની વધુ મૈત્રીપૂર્ણ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ પસંદ કરવાનું શરૂ કર્યું. બ્રિટને પણ શોધી કાઢ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે આશ્રિતો પર અંકુશ મૂકશે તો તેઓ એવી પ્રતિભા ગુમાવશે જેને જેની તેમને કદર છે તેવું તેઓ કહી ચૂક્યાં છે. જે અર્થવ્યવસ્થાઓ ઇમિગ્રન્ટ્સ માટે દરવાજા બંધ કરશે તેઓ પોતાના ભવિષ્યના દરવાજા પણ બંધ કરી રહી છે એ સ્પષ્ટ છે.
ભારતનો હિસ્સો
નવી દિલ્હી માટે, આ હવે માત્ર કોન્સ્યુલર કાર્યવાહી નથી – આ એક વ્યૂહરચના છે. જ્યારે ભારતીય ડાયસ્પોરાને મંદિરની તોડફોડ, હેટ ક્રાઇમ્સ, અથવા વિઝા માટેની પ્રતિકૂળતાનો સામનો કરવો પડે ત્યારે ભારત સરકાર મૌન ન સેવી શકે. કોન્સ્યુલેટો ઇનિશ્યલ વૉર્નિંગ સિસ્ટમ તરીકે સેવા આપવી જોઈએ, ફક્ત ઔપચારિક ચોકીઓ તરીકે નહીં. હોટલાઇન, મંદિરની સુરક્ષા, અને પ્રી-ડિપાર્ચર બ્રિફિંગ્સ ઘટનાઓ ઘટી જાય તે પછી વિચારવાની બાબતો ન હોઇ શકે; આ તમામ માધ્યમો ઢાલ છે.
કારણ કે જ્યારે વિદેશમાં વસતા ભારતીયો અસુરક્ષિત અનુભવે છે, ત્યારે એ સ્થિતિ માત્ર તેમની સમસ્યા નથી – તે ભારતની સૉફ્ટ પાવરની સમસ્યા છે. જ્યારે ડાયસ્પોરા અસુરક્ષાનો અનુભવ થાય છે ત્યારે તે ભારત અને બાકીના વિશ્વ વચ્ચેના સેતુની ભૂમિકામાં વિશ્વાસ ખોઇ બેસે છે.
આગળનો રસ્તો
ઇમિગ્રન્ટ વિરોધી ભાવના અચાનક નથી ઊભી થઇ અને તે અચાનક અદૃશ્ય થઇ જશે એવું પણ નથી થવાનું. ઇમિગ્રન્ટ વિરોધી નેરેટિવ્ઝ આગામી વર્ષોમાં સમગ્ર યુરોપ અને અમેરિકામાં ચૂંટણીઓ, શેરી વિરોધ અને નીતિના યુ-ટર્ન્સને બળ આપશે. આ વિરોધોમાં ભારતીયો ટાર્ગેટ નથી, પરંતુ તેઓ આ વિરોધી વલણથી મુક્ત પણ નથી.
આ સ્થિતિમાં કોણે શું કરવું?
યજમાન દેશો એ આ બાબતોની કાળજી લેવી જોઇએ: બોર્ડર કન્ટ્રોલને એકીકરણ સાથે જોડો. લઘુમતીઓને સુરક્ષિત કરો, હેટ ક્રાઇમ્સ પર કાર્યવાહી કરો, અને તેમણે એ યાદ રાખવાની જરૂર છે કે ઇમિગ્રન્ટ્સ વિના તેમની અર્થવ્યવસ્થાઓ નબળી પડી શકે છે. ભારત વિદેશ નીતિના ભાગ રૂપે ડાયસ્પોરાની સલામતીમાં રોકાણ કરીને યોગ્ય નિર્ણય લઇ શકે છે. વિદેશમાં વસતા ભારતીયોએ સતર્ક રહેવું, ઘટનાઓ નોંધવી અને ત્યાંના સ્થાનિક સમુદાયોમાં સારી રીતે જોડાયેલા રહેવું.
બાય ધી વેઃ
અત્યારે પશ્ચિમી રાષ્ટ્રો સામે પસંદગીનો પ્રશ્ન છે. તેઓ ધારે તો ચૂંટણી જીતવા માટે ઇમિગ્રન્ટ્સને હથિયાર બનાવી શકે છે – અથવા ભવિષ્યને હાથવગું રાખવા જીતવા માટે ઇમિગ્રન્ટ્સને કારી શકે છે. જમણેરી નેતાઓ પ્રતિકૂળતાના આર્થિક જોખમો જાણે છે, છતાં મતદારોને આંકડાઓમાં નહીં પણ નેરેટિવમાં રસ પડે છે – એ જ રીતે તેમના ઝુકવાને બદલી શકાય છે તેવું આ રાજકારણીઓ જાણે છે. વિદેશમાં વસતા ભારતીયોએ પણ એ સંદેશ સ્પષ્ટ કરવો જોઇએ કે તેઓ જ્યાં રહ્યા છે એ દેશને તેમણે સમૃદ્ધ બનાવ્યો છે.: આફ્રિકામાં રેલવેથી માંડીને સિલિકોન વેલીના ઇનોવેશન કોરિડોર સુધી ભારતીયોએ ઘણું કર્યું છે અને એ નક્કર પુરાવાઓની વિરુદ્ધ જવું એ ટૂંકી દૃષ્ટિનો દ્રોહ સાબિત થશે અને અન્ય રાષ્ટ્રો માટે આત્મ વિનાશક સાબિત થશે ઇમિગ્રેશન કટોકટી નથી. વાસ્તવિક કટોકટી ત્યારે આવશે જ્યારે રાષ્ટ્રો ભૂલી જશે કે ઇમિગ્રન્ટ્સને કાઢી મૂકવા એમના પોતાના દેશની વૃદ્ધિ અટકાવવાનો માર્ગ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 સપ્ટેમ્બર 2025