ભારત હજુયે ગાયનું પૂંછડું પકડીને જલ્લીકટ્ટુના આખલાની જેમ વિકાસદોડ લગાવવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે ચીન બે હજાર વર્ષ જૂનો સિલ્ક રૂટ સજીવન કરીને સુપરપાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
વિવાદો અને મુશ્કેલીઓ તો દરેક દેશમાં હતી અને છે, પરંતુ તેનો ઉકેલ તેઓ કેવી રીતે લાવે છે એના આધારે દેશ-સમાજ મહાન બનતા હોય છે. ચીન ૫૦૦ અબજ ડૉલરના ખર્ચે 'વન બેલ્ટ, વન રોડ' નામની યોજના હેઠળ 'ધ સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ એન્ડ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મેરીટાઈમ સિલ્ક રોડ' તૈયાર કરી રહ્યું છે. આશરે બે હજાર વર્ષ જૂનો જમીન અને દરિયાઈ સિલ્ક રૂટ પુનઃજીવિત કરીને તગડો અને ઝડપી નફો કરવાનું સપનું સાહસિક પ્રજાના વારસદારો જ જોઈ શકે! ઈ.સ. પૂર્વે ૨૦૬થી આશરે ૪૦૦ વર્ષ સુધી ચીનમાં શાસન કરનારા હાન વંશના રાજાઓએ વેપાર કરવા અરેબિયા, આફ્રિકા, યુરોપ સુધી જમીન અને દરિયાઈ માર્ગો શોધવાનું સપનું જોયું હતું. આ સપનું તેમણે શૂરવીર સેનાપતિઓ અને છપ્પનની છાતી ધરાવતા પ્રવાસીઓની મદદથી હકીકતમાં પલટ્યું હતું.
ઈ.સ. પૂર્વે ૧૫૬માં થઈ ગયેલા હાન વંશના રાજા વુએ ચાઈનીઝ પ્રદેશની બહારના સામ્રાજ્યોની માહિતી મેળવવાની અને તેમની સાથે ધંધો-વેપારની તકો શોધવાની જવાબદારી ઝાન કિઆંગ નામના અધિકારીને સોંપી હતી. આ આદેશ મળતા જ હાન સામ્રાજ્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવતા ઝાન કિઆંગ બીજા અધિકારીઓને હુકમ કરવાના બદલે પોતે જ બહાદુર સૈનિકોની ટુકડી તૈયાર કરીને દરિયો, જંગલો અને ડુંગરો ખૂંદીને નવા રસ્તા શોધવા નીકળી પડ્યો. આ મિશન હેઠળ તેણે સળંગ ૨૫ વર્ષ જમીન અને દરિયાઇ માર્ગે રઝળપાટ કરીને આજના કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, આફ્રિકા અને યુરોપિયન વિસ્તારોની માહિતી ભેગી કરી. ઝાન કિઆંગે આ તમામ દેશોની માહિતી આપતા વિસ્તૃત અહેવાલો રાજા વુને મોકલ્યા. આ અહેવાલમાં તેણે કયા વિસ્તારમાં કોનું રાજ છે?, તેમની સેના અને શસ્ત્રો કેવા છે?, જે તે દેશના લોકોનો શારીરિક દેખાવ કેવો છે?, તેઓ ખેતી કેવી રીતે કરે છે? તેમ જ તેઓ કેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે? વગેરે સવાલોના જવાબ આપ્યા હતા.
બે હજાર વર્ષ પહેલાં ઝાન કિઆને શોધેલો પ્રાચીન સિલ્ક રૂટ
આ તમામ દેશોમાં લઈ જતા રસ્તા શોધવામાં ઝાન કિઆંગે લૂંટફાટ કરતી જાતિઓ, કુદરતી આફતો, ભૌગોલિક સ્થિતિ અને અને મનોબળ તોડી નાંખતા વિપરિત હવામાનનો સામનો પણ કરવો પડ્યો. જો કે, આ તમામ મુશ્કેલીઓનો ઝાન કિઆંગે હોંશિયારીથી માર્ગ કાઢ્યો કારણ કે, તે વિચક્ષણ બુદ્ધિમતા, ઠંડી તાકાત અને બાવડામાં અખૂટ તાકાત ધરાવતો યોદ્ધો તેમ જ મગજ ચકારાવે ચડાવી દે એવા વ્યૂહ ઘડી શકનારો સેનાપતિ પણ હતો. તેણે કેટલાક વિસ્તારોની જાતમુલાકાત લીધી, તો કેટલાક સ્થળે વફાદાર અને આજ્ઞાંકિત સાથીદારોને મોકલીને સચોટ માહિતી ભેગી કરી. રસપ્રદ વાત એ છે કે, ઝાન કિઆંગના મૃત્યુના આશરે ૧૦૦ વર્ષ પછી થઈ ગયેલા ચાઇનીઝ ઇતિહાસકાર સીમા કિઆંગે 'રેકોર્ડ્સ ઓફ ધ ગ્રાન્ડ હિસ્ટોરિયન' નામના ગ્રંથમાં આ પ્રવાસની રજેરજની વિગતો નોંધી છે. આ ગ્રંથ પ્રમાણે, ઝાન કિઆંગે તેના સાથીદારોની મદદથી ભારતની માહિતી આપતા અહેવાલમાં લખ્યું છે કે, ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્યની દક્ષિણ પૂર્વે શેંડુ સામ્રાજ્ય આવેલું હોવાનું મને જાણવા મળ્યું છે. આ લોકો પણ ખેતી કરે છે. ત્યાંનું વાતાવરણ ગરમ અને ભેજવાળું છે. આ લોકો યુદ્ધમાં જાય ત્યારે હાથીઓનો ઉપયોગ કરે છે. આ સામ્રાજ્ય શેંડુ નદીના કિનારે આવેલું છે…
તમને ખ્યાલ આવી ગયો હશે કે, ઝાંગ કિઆંગ 'શેંડુ' એટલે કે સિંધુ સંસ્કૃિતની વાત કરી રહ્યો છે. ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્ય એટલે આજનું ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. અહીં ગ્રેકો એટલે ગ્રીકો અને બેક્ટ્રિયન એટલે ઈરાનના લોકોનું સામ્રાજ્ય હતું. ઝાન કિઆંગના મિશન થકી જ ચીનને ઘોડાને ખવડાવવાના રજકોના બીજ, મજબૂત ખરી ધરાવતા ઘોડા, ભારતીય સંગીત અને જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદિક દવાઓ, જાતભાતના રોગોમાં અકસીર વનસ્પતિઓ, મસાલા, બૌદ્ધ જ્ઞાન, ઇસ્લામિક વિચાર તેમ જ માર્શલ આર્ટ જેવી વિદ્યાનો પરિચય થયો. એવી જ રીતે, ચીને ભારત, આફ્રિકા અને યુરોપને કાગળ, ચાઈનીઝ ચા, ગન પાવડર, હોકા યંત્ર, ચિનાઇ માટીનાં વાસણો તેમ જ તાઓ અને કોન્ફ્યુશિયસના વિચારોની ભેટ આપી. કેરળમાં સદીઓથી એક બાજુ લાકડાનો સીધો અને બીજી બાજુ ગોળાકાર મૂઠ ધરાવતા તાંસળા આકારના વાસણનો ઉપયોગ થાય છે, જે ચીનની દેન છે. ચીનમાં 'વૉક' નામે ઓળખાતા આ વાસણથી નુડલ્સ, સૂપ સહિતની કોઈ પણ વાનગી બનાવી શકાય છે. દક્ષિણ ભારતના દરિયા કિનારે આજે ય માછલી પકડવાની ચાઇનીઝ નેટ અને પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ વિદ્યા પણ ત્યાં સુધી સિલ્ક રૂટ થકી જ આવી હતી. ઝાંગ કિઆંગની આ સાહસિક યાત્રા પછી જ એશિયા અને યુરોપ એકબીજાની વધુ નજીક આવ્યા અને વેપારની સાથે પ્રચંડ સાંસ્કૃિતક આદાનપ્રદાન પણ થયું. વિશ્વને ચીનનો પરિચય કરાવવા બદલ અને ચીનને વિશ્વથી પરિચિત કરાવવા બદલ ઝાંગ કિઆંગ આજે ય ચીનના 'નેશનલ હીરો' ગણાય છે.
અનેક દેશોમાં વપરાતું ચાઈનીઝ વૉક નામનું આ વાસણ દુનિયાભરમાં સિલ્ક રૂટ થકી પહોંચ્યું હતું
ઝાન કિઆન અને તેણે શોધેલા રસ્તાને ‘સિલ્ક રૂટ’ નામ આપનારા જર્મન વિજ્ઞાની ફર્ડિનાન્ડ વોન રિક્થોફેન
ઝાંગ કિઆંગે શોધેલા રૂટ થકી ચાઈનીઝ, આરબો, ભારતીયો, સોમાલિયનો, સીરિયનો, ઈરાનિયનો, તૂર્કો, પર્શિયનો, જ્યોર્જિયનો (આજના રશિયન, યુક્રેનિયન), સોગેડિયનો (આજના ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન), ગ્રીકો અને રોમનો (ગ્રીકો-રોમનો જુદા છે) સંપર્કમાં આવ્યા અને પરસ્પર વેપાર કરતા થયા. આ જ રસ્તે ચીનના વેપારીઓએ સદીઓ સુધી સિલ્ક એટલે કે રેશમનો ધીકતો ધંધો કર્યો . ઇ.સ. ૧૮૬૮થી ૧૮૭૨ વચ્ચે જર્મન પ્રવાસી, વિજ્ઞાની અને ભૂગોળવેત્તા ફર્ડિનાન્ડ વોન રિક્થોફેને ચીનની સાત વાર મુલાકાત લઈને સિલ્કના વેપારની ખાસ નોંધ લીધી હતી. આ રસ્તાને તેમણે જ સૌથી પહેલાં ‘સિલ્ક રૂટ’ નામ આપ્યું હતું. ચીનના લોકો સુરક્ષિત વેપાર માટે અત્યંત સભાન હતા અને એટલે જ વેપાર માટે સારા માર્ગો શોધવા સાહસયાત્રાઓ કરતા કે ધનદોલત ખર્ચતા ખચકાયા ન હતા. ચીનની દીવાલ બાંધવાનો એક હેતુ સિલ્ક રૂટનું રક્ષણ કરવાનો પણ હતો. જૂન ૨૦૧૪માં યુનેસ્કોએ મધ્ય ચીનથી મધ્ય એશિયા સુધી જતા પાંચ હજાર કિલોમીટર લાંબા પ્રાચીન સિલ્ક રૂટને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' જાહેર કરી હતી.
પ્રાચીન સિલ્ક રૂટ શોધાયાની સદીઓ પછી, આશરે ૧૫મી સદીની શરૂઆતમાં, મિંગ વંશના નૌકા કાફલાના કપ્તાન ઝેંગ હેએ સાત વાર હિંદ મહાસાગરના રસ્તે જુદા જુદા દેશોની મુલાકાત લીધી. ઝેંગ હેએ શ્રીલંકાના ગેલ શહેરની મુલાકાત લીધી. ત્યાં તેણે ચાઈનીઝ, પર્શિયન અને તમિળ ભાષામાં હિંદુ દેવીદેવતાઓને વિનંતી કરતો એક શિલાલેખ કોતરાવીને લખાવ્યું કે, હે ઇશ્વર હું વેપાર-ધંધા થકી એક શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માંગું છું. મારા આ પ્રયત્નોમાં મને સાથ આપો … આશરે છ સદી પહેલાં લખાવેલા આ શબ્દો આજે ય કોલંબો નેશનલ મ્યુિઝયમના અડીખમ શિલાલેખમાં વાંચવા મળે છે.
નાઉ કટ ટુ, ૨૦૧૭.
ઝેંગ હેની સાહસયાત્રાની છ સદી પછી ચાઈનીઝ પ્રમુખ શી જિનપિંગ પણ 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ વેપાર-ધંધા વધારીને શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માગે છે. જિનપિંગની આ સ્વપ્નિલ યોજના હેઠળ બીજી પણ અનેક વિશાળ યોજનાઓ આકાર લઈ રહી છે. પ્રાચીન સિલ્ક રૂટને પુનઃજીવિત કરવો એ ચીનની વિદેશ નીતિનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. આ જ યોજના હેઠળ ચીન બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાંમાર ઇકોનોમિક કોરિડોર, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, ચોંગકિઆંગ-શિનજિયાંગ-જર્મની રેલવે તેમ જ યિવૂ-લંડન રેલવે લાઈન જેવી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. ચીન મેરીટાઇમ સિલ્ક રોડ એટલે કે ચોક્કસ દરિયાઇ રૂટનો અમલ કરવા પણ પ્રયત્નશીલ છે. આ યોજના માટે ચીન વિશ્વના લગભગ બધા જ દેશોને મનાવવામાં સફળ રહ્યું છે.
મલેશિયાના મલાકા શહેરમાં ઊભેલું ઝેંગ હેનું પૂતળું અને બાજુમાં શ્રીલંકાના ગેલ શહેરમાં તેણે તૈયાર કરાવેલો શાંતિનો શિલાલેખ
ચીનનું કહેવું છે કે, આ યોજનાથી યુરેઝિયા(યુરોપ-એશિયા)નો સંયુક્ત વિકાસ થશે, આર્થિક સહકાર વધુ મજબૂત અને ઊંડા બનશે, યોગ્ય રસ્તા બનાવવાથી સમય અને પૈસા બચશે, વેપાર ઝડપી બનશે તો રોકાણો પણ ઝડપથી આવશે તેમ જ સાંસ્કૃિતક આદાનપ્રદાન વધશે. ચીને બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા) દેશો સાથે મળીને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પણ રચના કરી છે, જેના થકી સિલ્ક રોડની યોજનાઓમાં રોકાણની તકો અનેક ગણી વધી જશે.
જેબ્બાત. ૨૧મી સદીમાં ફક્ત બંદૂકની ગોળીથી રાજ નહીં થઈ શકે એ વાત ચીનના મોડર્ન ઝાન કિઆંગ ઉર્ફે શી જિનપિંગ જાણે છે. ચીને સિલ્ક રૂટ ટુરિઝમની દિશામાં વિચારવાનું પણ ચાલુ કરી દીધું છે. ચીને ૧૪-૧૫ મેના રોજ સિલ્ક રૂટ મુદ્દે ચર્ચા કરવા બેજિંગમાં ૨૮ દેશના વડાની બેઠક યોજીને જિનપિંગનું વિઝન સ્પષ્ટ કરી દીધું છે. અત્યારે તો ડ્રેગન ડાહી ડાહી વાત કરી રહ્યો છે, પરંતુ વર્ષો પહેલાં ચીને વેપાર માર્ગની સુરક્ષા માટે ચીનની દીવાલ બાંધી હતી. હવે ચીન શું કરશે એ કળી શકાય એમ નથી પણ ઇતિહાસ પર નજર કરવી જરૂરી છે. શ્રીલંકામાં શાંતિનો સંદેશ કોતરાવનારા ઝેંગ હેએ આજના શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલા સામ્રાજ્યોમાં કઠપૂતળી સરકાર બેસાડવા વંશપરંપરાગત શાસનમાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો હતો. ઝેંગ હે 'શાંતિદૂત' હતો પણ તેને ‘ચીનના શાસન હેઠળ જ શાંતિપૂર્ણ શાસન’ ખપતું હતું! શ્રીલંકાના સાર્વભૌમત્વના પ્રતીકસમા ભગવાન બુદ્ધનો એક દાંત હાલ ચીન પાસે છે, જે ઝેંગ હે લઈ ગયો હતો. આજના સિલ્ક રૂટથી ચીન સહિત બધા દેશને ફાયદો થવાનો છે એ વાત ખરી, પરંતુ ચીન સિલ્ક રૂટ થકી કોઈ દેશમાં સીધી લશ્કરી દખલગીરી નહીં કરે એવું ખાતરીથી કોઈ કહી શકે એમ નથી!
હવે આપણે શું કરવું જોઈએ? ઇતિહાસ વિજેતાઓ લખતા હોય છે અને તક દરેકને મળતી જ હોય છે. આપણે નકલી રાષ્ટ્રવાદ, દંભી સર્વધર્મ સમભાવ અને પાયાથી જ ખોખલા સમાનતાના અવગુણોને છુપાવવા ડાલ ડાલ પે સોને કી ચીડિયા, મહાન સંસ્કૃિત, પ્રાચીન જ્ઞાન અને મેરા ભારત મહાનની પિપૂડી વગાડ્યા કરવી છે કે પછી દુનિયા જોતી રહી જાય એવી રીતે ૨૧મી સદી તરફ નજર રાખીને આગળ વધવાનું શૌર્ય બતાવવું છે?
જવાબ ફક્ત રાજકારણીઓએ નહીં, આપણે બધાએ આપવાનો છે!
સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk