૧૯૭૫ના જૂનની પહેલી કે બીજી તારીખ હશે. જયપ્રકાશજી સાથે હું ગુજરાતના પ્રવાસમાં હતો. વિધાનસભાના વિસર્જન પછી નવી ચૂંટણી અંગેની ટાળંટાળીનું રાજકારણ ખેલતાં ઇંદિરાજીએ, છેવટે બુઝુર્ગ મોરારજી દેસાઈએ આમરણ અનશનનો રાહ લીધો ત્યારે કરેલી જાહેરાત મુજબ, ન છૂટકે ચૂંટણી આપી હતી. તે સાથે, તે વખતના તેમના કૅબિનેટ સાથી ઉમાશંકર દીક્ષિત મારફતે વચન પણ આપ્યું હતું કે ‘મિસા’નો રાજકીય ઉપયોગ નહીં કરવામાં આવે. (એપ્રિલમાં અપાયેલું આ વચન જૂનની ૨૫મીએ બાષ્પીભૂત થવાનું હતું.)
નડિયાદમાં સવારની સભા ઉકેલી બપોરે આરામ લઈ પરવાર્યા પછી વડોદરા માટે નીકળતાં પૂર્વે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયના અતિથિ ગૃહમાં સ્થાનિક છાત્ર યુવા કાર્યકરો સાથે એમનો અનૌપચારિક વાર્તાલાપ ચાલતો હતો. જેપી આરામમાંથી ઊઠીને આવ્યા તે પૂર્વે મેં આ છાત્ર યુવા મંડળીને એમના પૂર્વજીવનની થોડી વાતો કરી હતી. જેપીને જોઈએ તો હાઇજેક કરી લઈ આવો, એવું નવનિર્માણી ઉદ્રેકમાં યુવા મુખે ઉમંગીપણે કહેવાતું જરૂર હતું. પણ એમને સન બયાલીસના યુવા હૃદયસમ્રાટનો પરિચય સ્વાભાવિક જ નહોતો. સર્વોદય આંદોલનની થોડી ખબર, ખાસ તો ચંબલના બાગીઓની શરણાગતિની દંતકથા એમના પૈકી કેટલાકે આછીપાતળી સાંભળી હશે, એવું સ્મરણ છે. પણ એ નમતે પહોરે યુવા મિત્રો સાથે વાત કરતા જેપી ખીલ્યા ને ખૂલ્યા : બોલી ગયા કે ડાકુઓ સાથે કામ પાડવું સહેલું હતું, પણ— જો કે, એમણે એ વાક્ય, એમની કુલીન પ્રકૃતિ પ્રમાણે અધવચ છોડી દીધું હતું.
વાર્તાલાપ સમેટતાં એમણે કહ્યું કે પાંચમી જૂન ઢૂંકડી છે. મારું ચિત્ત બિહારની જનતામાં ખેંચાયેલું છે. કેમ કે, હું ત્યાં હોવાનો નથી. ૧૯૭૪ના માર્ચના ત્રીજા અઠવાડિયામાં જેપીએ બિહારના છાત્રયુવા ઉદ્રેકનું નેતૃત્વ સંભાળ્યું. જોતજોતાંમાં તે બિહારવ્યાપી થઈ ગયું અને રાષ્ટ્રીય તખતે તેની નોંધ લેવાવા લાગી. પાંચમી જૂને પટણાના ગાંધી મેદાનમાં મળેલી વિરાટ સભામાં તેમણે કહ્યું કે આ માત્ર શાસનપલટાની, નાગનાથ ગયા ને સાપનાથ આવ્યા એની, લડાઈ નથી. આ તો સંપૂર્ણ ક્રાન્તિ માટેનો સંઘર્ષ છે. ત્યારથી પાંચમી જૂન સંપૂર્ણ ક્રાન્તિ દિવસ રૂપે દેશભરમાં ઉજવાવા લાગી હતી. જેપીએ એક દીર્ઘ નિઃશ્વાસ સાથે લગભગ સ્વગતોક્તિ પેઠે ઉમેર્યું : ઇન્દુને કહાં મુઝે ચુનાવી ઝંઝટમેં ડાલ દિયા !
સન સિત્તોતેરના જનતા રાજ્યારોહણ પછી વર્ષાનુવર્ષ જાહેર જીવનમાં જેપી કંઈક વિસરાતા માલૂમ પડ્યા હોય તો પણ પાંચમી જૂને જાણે છતે ટેભે અંદરના જખમને લગરીક ફેરદૂઝતો કરી મેલે છે. ૧૯૭૭ના માર્ચમાં જે બન્યું, ઠીક જ બન્યું. લોકશાહી રાજકારણની પુનઃપ્રતિષ્ઠા જરૂર થઈ. લોકશાહીની ગાડી પાટે પણ ચડી. સત્તાકારણના રણમાં તે પછીના દસકાઓમાં ટૂંકા વીરડીગાળાયે આવતા રહ્યા છે … પણ નાગનાથ ને સાપનાથની વારાફરતી ચાલતી સત્તાબદલીનો એ ખેલ, કેમ જાણે આપણી નિયતિ ન હોય.
કટોકટી નિરસ્ત કરી ધોરણસરની લોકશાહી રાજવટ જેપીને ઇષ્ટ હતી. પણ એ એક માંચીમુકામથી વિશેષ નહોતી. આમૂલ પરિવર્તન વાસ્તે ધ્રોપટ રન વે અને ટેક ઑફની એક પૂર્વશરતથી એ વિશેષ નહોતી ને નથી. ન રન વે, ન ટેક ઑફ. જુઓ સન ૨૦૨૦. ટ્વેન્ટી ટ્વેન્ટીની પડકારપળે લોકશાહી સંસ્થાઓ ક્યાં છે, કેવી છે … જરી તો જુઓ.
જતું અઠવાડિયું જ લઈએ તો ગુજરાત હાઇકોર્ટ અજબ જેવો પલટીદાવ રમી ગઈ ! આગલે અઠવાડિયે એણે ટિપ્પણી કરેલી કે ગુજરાત સરકાર અને એનો આરોગ્ય વહીવટ ડૂબતા જહાજ ટાઇટેનિકની યાદ અપાવે છે અને અહીં એકે કોરોનાગ્રસ્તને જાહેર હૉસ્પિટલના ભરોસે છોડી શકાય તેમ નથી. તરતના જ કલાકોમાં બૅન્ચ-બદલ જેવી છાપ ઊભી થઈ અને કંઈક અંશે નહીં બદલાયેલી છતાં બદલાઈ ગયેલી બૅન્ચે ટિપ્પણી કરી કે લોકો સમજતા કેમ નથી. સરકારને બરાબર સહકાર આપો. પરિસ્થિતિ સકારાત્મક રીતે જોતાં શીખો. જેમાં ને તેમાં સરકારનો વાંક? હા, ધિક્ !
ભાઈ, ઉપર સર્વોચ્ચ અદાલતમાં જે બન્યું—સોલિસિટર જનરલ તુષાર મહેતાએ લોકને અને હાઇકોર્ટોને જે રીતે લબડધક લીધા કે તમે કોરોના કામગીરી અંગે જાણે સમાંતર સરકાર હો એમ વરતો છો. ફ્રેન્ચ ક્રાન્તિ પૂર્વે રાજા લુઇના સત્તામાનસ પ્રગટ કરતા એ ઉદ્ગારો કે રાજ રાજ શું કૂટો છો, એ તો હું પોતે જ છું. (‘આઇ એમ ધ સ્ટેટ’) સોલિસિટર જનરલની વાગ્છટામાંથી સોડાતા હતા. સ્વનામધન્ય સોલિસિટર સાહેબે પૂછ્યું ને પછી જજમેન્ટ ઝોંકાવ્યું કે આ શું નેગેટિવિટી, નેગેટિવિટી ને નેગેટિવિટી ! છાપાંછપલાં ને નાગરિક સમાજના બોલંદાઓનો કસૂર માત્ર એટલો જ હતો કે એમણે મજદૂરોની જીવલેણ હાલાકીનું વાસ્તવચિત્ર બહાર પાડ્યું અને સર્વોચ્ચ અદાલત સ્વમેળે (સુઓ મોટો) પડમાં પધારી. એણે સરકારને ઘઘલાવી (ખરું જોતાં, પ્રજામતે પૂછવા જેવું તો એ પણ છે કે સર્વોચ્ચ અદાલતને સુઓ મોટો દરમિયાનગીરી છેક છેલ્લે, રહી રહીને જ સૂઝી એવું કેમ?
કટોકટીકાળે તત્કાલીન એટર્ની જનરલ નીરેન ડેએ સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું કે અત્યારે મૂળભૂત અધિકારો સ્થગિત છે એટલે સરકારો માનો કે કોઈની હત્યામાં નિમિત્ત બને તો પણ એને તમે પડકારી ન શકો. એટર્ની જનરલ આમ તો બંધારણીય હોદ્દે છે તો પણ આ ઉદ્ગારની ટીકા થતી રહી છે, તો બંધારણીય નહીં પણ નકરી સ્ટેચ્યુટરી પાયરીએ બેઠેલ કાનૂની અફસર આમ પોલીસના પટ્ટાની ભાષામાં બોલે — તો નાગરિકનું રખવાળું કોની કને.
રેલવે મંત્રી પીયૂષ ગોયેલે ટાઢે કોઠે કહ્યું છે કે દેશમાં આ દિવસોમાં ભૂખથી કોઈ મૃત્યુ થયાં નથી. આડે દહાડે પણ ક્ષુધામૃત્યુની આપણે ત્યાં નવાઈ નથી અને કોરોના કટોકટીમાં ઉપર આભ-નીચે ધરતીની સ્થિતિમાં મુકાઈ ગયેલા સ્થળાંતરકારી મજદૂરો વગર કોરોનાએ મરતા, રેલવે મંત્રીને દેખાતા જ નથી. જેમ ‘રાજાનાં દિવ્ય વસ્ત્રો’, તેમ ‘રાજાનાં દિવ્ય ચક્ષુ’, બીજું શું.
આ લખી રહ્યો છું ને સમાચાર જોઉં છું કે ડૉ. શ્રીનિવાસ રાજકુમારે એન-૯૫ માસ્ક કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સૂચવેલાં ધોરણો મુજબ નથી તે બાબતે ગાઈવજાડીને કહ્યું તો હાલ તે સસ્પેન્શનમાં તપાસ હેઠળ છે—મીડિયામાં ગયા કેમ. ભાઈ, શ્રીનિવાસ કહે છે, ઉપરાછાપરી લખાપટ્ટી કરી ને તમે ધ્યાન ન આપો, એનું શું. પણ હાલ તો, વ્હિસલ બ્લોઅર, તું લેતો જા.
આપણે લડ્યાં. ઝૂઝ્યાં. કટોકટી ન નાખી શકાય એવા સુધારા કર્યા. પણ સાપનાથ-નાગનાથનું દુષ્ચક્ર એનું એ જ. શું જવાબ આપીશું જૂનની પાંચમીને—અને જેપીને, પેલા દીર્ઘ નિઃશ્વાસની સાખે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 જૂન 2020