કહે છે કે
બોલે એનાં બોર વેચાય !
પણ
બોર તો બધાં વેચાઈ ગયાં !
શું બોલે?
બોરની સાથે સ્કૂલ-નિશાળ, મેદાન-ફેદાન,
કૉલેજ-બૉલેજ, મૅડિકલ-ફૅડિકલ, હૉસ્પિટલ-બૉસ્પિટલ,
ફાજલ-બાજલ, જમીન-બમીન, ગૌચર-ફૌચર,
એરપોર્ટ-બેરપોર્ટ ને ટ્રેનો-બ્રેનોય વેચાઈ ગયાં!
બાકી રહ્યા પાટા !
પાટેપાટે ખાલીખમ પેટ ચાલે હારબંધ …
ડંડામુક્ત
પોલીસમુક્ત
ભયમુક્ત પાટેપાટે
ઘર ભણી બે ટંક રોટલાની આશે દોડે …
હવે શું બોલે?
બોલ, બોલ ને બોલ
બહુ કર્યું.
હવે શું બોલે?
જો કે
ભારતીય સંસ્કૃતિમાં
મૌનનો મોટો મહિમા છે.
મૌન
સૌથી ઊંચા આસને બિરાજે.
મૌન એટલે મૌન.
ગોવાળિયાનું ઢોર ખોવાઈ ગયું
ને બચારો માલિકના ડંડાના ભયે
કાનમાં પૂછપૂછ કરે,
બૂમોની સળીઓ કાનમાં ઘોંચે
તો ય ના બોલે, ના ચાલે !
મૌન એટલે મૌન !
સમાધિ ના તૂટે !
અને આ મૌનની સામે પણ મૌન?
બોર વેચનારા જ બોલ્યા કરશે?
ચીસ-રાડ-બૂમ-અવાજ વેચાયા નથી ….
કોરોનામય મૌનના કાનમાં
બૂમોની સળીઓ કોણ ખોસશે ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020
![]()

