Opinion Magazine
Number of visits: 9448713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ભારતની ભૂમિ અને આબોહવા વિદેશથી આયાત કરેલા બહુમતી રાષ્ટૃવાદના છોડને ઉછેરી શકે એવી અનુકૂળ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 August 2018

લોકમાન્ય ટિળક, મદનમોહન માલવિય, લાલા લાજપત રાય અને બીજા જે કેટલાક હિંદુપક્ષપાત ધરાવતા નેતાઓ હતા તેમને પણ નહોતું લાગતું કે ભારતની ભૂમિ અને આબોહવા હિંદુ બહુમતી રાષ્ટ્રવાદને અનુકૂળ છે. ગાંધીજીના આવ્યા પછી કૉંગ્રેસમાં પણ મોટી સંખ્યામાં હિંદુ પક્ષપાતી નેતાઓ હતા અને તેમને પણ નહોતું લાગ્યું કે ભારતની ભૂમિમાં હિંદુ રાષ્ટ્રવાદનો છોડ ઊછરી શકે.

આપણે અહીં રાજકીય પ્રભાવ/જગ્યા(પોલિટિકલ સ્પેસ)ની ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય સમાજમાં એવું શું છે જેને કારણે કૉંગ્રેસને પાંચ પાંચ દાયકા માટે ખાતરીપૂર્વકની રાજકીય જગ્યા મળે જેમાં ૪૦ ટકા જેટલા મત અને બે તૃતીયાંશ બહુમતી તો આસાનીથી મળી જતી હતી. બીજી બાજુ ભારતીય જન સઘ અને હવે બી.જે.પી.ને સત્તા સુધી પહોંચતા છ દાયકા લાગ્યા, સ્પષ્ટ બહુમતી મેળવતા સાત દાયકા લાગ્યા અને બીજી મુદ્દત મળશે કે કેમ એની ખાતરી નથી. આ એ લોકો છે જે શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દેશપ્રેમની અને રાષ્ટ્રવાદની દલીલ કરે છે. દેશની બહુમતી પ્રજા કરોડરજ્જુ છે, ભરોસાપાત્ર છે, દેશનું હિત જેટલું તેના હૈયે છે એટલું બીજી કોઈ પ્રજાના હૈયે ન હોઈ શકે, વગેરે. આવી દલીલ તેઓ આજકાલ કરતા થયા છે એવું નથી, સો વરસથી કરે છે. અહીં એ પણ નોંધી લેવું જોઈએ કે કૉંગ્રેસ આવી દલીલનો ખોંખારો ખાઈને વિરોધ કરતી હતી, બીજા શબ્દોમાં કહેવું હોય તો દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો વિરોધ કરતી હતી અને છતાં ભારતની બહુમતી હિન્દુ પ્રજા જન સંઘ/બી.જે.પી.ની જગ્યાએ કૉંગ્રેસને મત આપતી હતી. જરૂર ભારતીય સમાજના સ્વરૂપમાં આનો ઉત્તર હોવો જોઈએ.

ઉત્તર એ છે કે ભારતીય સમાજનું, ખાસ કરીને હિંદુ સમાજનું જે સ્વરૂપ છે એ પશ્ચિમમાં વિકસિત થયેલા રાષ્ટ્રવાદને અનુકૂળ નથી. પશ્ચિમના દેશો એક ધર્મ, મોટાભાગે એક ભાષા અને બે-ત્રણ વંશિકતાઓના બનેલા છે; જ્યારે ભારતમાં તો બહુવિધતાઓનો કોઈ પાર નથી. વિવિધતા એટલી બધી કે ભારતમાં દરેક પ્રજા પોતાને લઘુમતી તરીકે ઓળખાવી શકે. હિંદુઓ પણ પોતાને લઘુમતી તરીકે ઓળખાવી શકે તે ત્યાં સુધી કે ભારતમાં હિંદુ જાગરણનો પાયો નાખનાર આર્ય સમાજે અને રામકૃષ્ણ મિશને પણ પોતાને માટે ગેરહિંદુ લઘુમતી કોમનો દરજ્જો માંગ્યો હતો. ભારતમાં દરેક પ્રજા લઘુમતીમાં છે, દરેક પ્રજા પરસ્પરાવલંબી છે અને દરેક પ્રજા એકબીજાનું સંતુલન કરે છે. એટલે તો અંગ્રેજોને પહેલાં એમ લાગ્યું હતું કે ભારતમાં સેંકડો વરસ સુધી રાજ કરી શકાશે. એ પછી જ્યારે પરસ્પરાવલંબન અને સંતુલન જોયું ત્યારે તેમને એમ લાગ્યું હતું કે સેંકડો તો નહીં, પણ ભારતીય પ્રજામાં વેરઝેરના ભાગલા પાડો તો સો-બસો વરસ રાજ કરી શકાશે. આપણે અંગ્રેજોની એ નીતિને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાવીએ છીએ. અહીં નોંધી લેવું જોઈએ કે અંગ્રેજોની એ ધારણા પણ ખોટી પડી હતી અને તેમની ગણતરી કરતાં ઘણું વહેલું ભારત છોડીને જવું પડ્યું હતું.

હવે કલ્પના કરો કે આવી સ્થિતિમાં ૧૯મી સદીમાં ભારતમાં અસ્તિત્વમાં આવેલી પહેલી શિક્ષિત પેઢીએ શું કરવું જોઈતું હતું? તમે હો તો શું કરો? આગળ વધતા પહેલાં અહીં થોભીને તમે તમારા માટેનો જવાબ શોધી લેશો તો અહીં જે પોલિટિકલ સ્પેસની શાશ્વતીનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એનો જવાબ મળી જશે. કેટલાક લોકોને એમ લાગ્યું હતું કે આપણે પશ્ચિમ જેવી રાષ્ટ્રીયતા વિકસાવવી જોઈએ. એ જ એકમાત્ર માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. પરંતુ એમાં બહુમતી પ્રજાની જરૂર પડે અને એને ક્યાંથી લાવવી? હિંદુઓ એક રીતે બહુમતીમાં ખરા, પણ હિંદુ ધર્મ ક્યાં રૂઢ અર્થમાં ધર્મ છે, એ તો શ્રદ્ધાઓનો સમૂહ છે. અંગ્રેજીમાં તેને કોમનવેલ્થ ઓફ ફેઈથ્સ તરીકે ઓળખવામાં આવે છે.

તો ચાલો આપણે હિન્દુ ધર્મનો ચહેરો અને સ્વરૂપ બદલી નાખીએ. દયાનંદ સરસ્વતીને આવું લાગ્યું હતું અને આર્ય સમાજ એનું પરિણામ છે. પશ્ચિમના ધર્મો મૂર્તિપૂજામાં નથી માનતા તો આપણે પણ મૂર્તિને તજીને ઓમકારની આરાધના કરીશું, એ લોકો એક જ ધર્મગ્રન્થમાં માને છે તો આપણે પણ એક વેદ ને ધ બુક તરીકે પ્રસ્થાપિત કરીશું. એ લોકો ટીલાં ટપકાં અને કર્મકાંડના પાખંડ ઓછા કરે છે તો ચાલો આપણે પણ કર્મકાંડને નિશિદ્ધ કરીશું વગેરે. ટૂંકમાં હિંદુ ધર્મનું પાશ્ચાત્યકરણ અથવા આખેઆખી નકલ. દયાનંદ સરસ્વતીના આ પ્રયોગને સફળતા મળી નહીં. શૈવ, વૈષ્ણવ અને બીજા અનેક પેટા સંપ્રદાયોમાં વહેંચાયેલા સનાતની હિંદુઓએ તેનો વિરોધ કર્યો. ઉપરાંત જેઓ કર્મકાંડના પાંખંડ કરીને પેટ ભરતા હતા એ બ્રાહ્મણોએ આર્ય સમાજનો વિરોધ કર્યો અને બ્રાહ્મણો તો સનાતની હિંદુ સમાજમાં વર્ચસ્વ ધરાવતા હતા. કહો કે સંખ્યા નહીં હોવા છતાં બ્રાહ્મણો હિંદુ સમાજના કરોડરજ્જુ જેવા હતા.

હિંદુઓના એકમાત્ર રાજકીય પક્ષ હિંદુ મહાસભા ક્યારે ય બે પગે ઊભો નહોતો રહ્યો કારણ કે આર્ય સમાજીઓ, અન્ય સુધારકો અને સનાતનીઓ હિંદુ હોવા છતાં એકબીજાની સાથે ચાલવા તૈયાર નહોતા. એક જ ઉદાહરણ બસ થશે. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ હતાશા સાથે ગાંધીજીને પત્ર લખ્યો હતો કે ‘હું માલવીયજી અને લાલાજી વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસમાં નિષફળ નીવડ્યો છું અને હવે તો થાકી ગયો છું.’ લાલા લાજપત રાય આર્ય સમાજી હતા, મદન મોહન માલવિય સનાતની હતા, બિરલા દરેકને આર્થિક સહાય કરનારા હિન્દુવાદી ઉદ્યોગપતિ હતા અને ગાંધીજી હિંદુ એકતાના પ્રયાસને તટસ્થતાપૂર્વક નિહાળતા હતા.

ખેર, વિરોધ કરનારાઓને જવાબ આપવામાં દયાનંદ સરસ્વતીએ જે ભાષા વાપરી હતી એ આજના આર.એસ.એસ./બી.જે.પી.ના નેતાઓ જેવી જ હતી. બધું જ સમાંતરે ચાલી રહ્યું છે એ નોંધતા જજો. આંતરિક રીતે વિભાજીત પણ પરસ્પરાવલંબી ભારતીય સમાજમાં રાજ કરવું હોય તો સમાજમાં ભાગલા પાડીને, એકબીજા સામે ઝેર રેડીને કરી શકાય છે એ જે માર્ગ અંગ્રેજોએ અપનાવ્યો હતો એ જ માર્ગ અત્યારે બી.જે.પી. અને સંઘપરિવાર અપનાવી રહ્યા છે. આર્ય સમાજને પંજાબની બહાર કોઈ સફળતા મળી નહોતી અને પંજાબમાં જે સફળતા મળી એનું કારણ પંજાબમાં મુસલમાનોની થોડીક બહુમતી હતી. આર્ય સમાજના આંદોલનને પરિણામે હિંદુ એકતા તો સધાઈ નહીં, પરંતુ શીખો જે પોતાને હિંદુ તરીકે ઓળખાવતા હતા એ હવે દૂર ગયા. સતત લકારવાની ભાષા, દાદાગીરી અને સમાજમાં તિરાડો પાડીને જગ્યા શોધવાનું વલણ અત્યારે જે જોવા મળી રહી છે એના મૂળ આર્ય સમાજી આંદોલનમાં અને અંગ્રેજોની નીતિમાં છે.

આમ હિંદુ ધર્મનું સ્વરૂપ બદલવામાં અને એ રીતે હિંદુ સમાજનો ચહેરો બદલવામાં સફળતા મળી નહીં. તો પછી ભરોસાપાત્ર રાષ્ટ્રીયતા વિકસાવવા માટે બહુમતી પ્રજા તરીકે કોનો ઉપયોગ કરવો? રાષ્ટ્રવાદની પાશ્ચાત્ય અવધારણા મુજબ ભરોસાપાત્ર બહુમતી કોમ જરૂરી છે.

તો ચાલો ઇટાલી અને જર્મનીમાં વિકસેલા કોમી બહુમતી રાષ્ટ્રવાદને બેઠો આયાત કરીએ. શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેનો આ બીજો પ્રયાસ હતો. વિનાયક દામોદર સાવરકર આના પુરસ્કર્તા હતા. હિંદુઓ પરંપરાગત રીતે સંગઠિત નથી, હિંદુ ધર્મનું સ્વરૂપ બદલીને હિંદુનો એક સરખો ચહેરો કંડારવામાં આર્ય સમાજને સફળતા મળી નહીં તો ચાલો વિધર્મી સમાજને ધકેલીને બહુમતી હિંદુઓની એકતા વિકસાવીએ. તેમને મન આનું નામ રાષ્ટ્રીય એકતા હતું. આવો રાષ્ટ્રવાદ વિકસાવવા માટેના પદાર્થો છે; અન્ય ધર્મની નિંદા, વિધર્મીના દેશપ્રેમ વિશે શંકા, ઇતિહાસનો અનુકૂળ આવે એવો હવાલો આપીને વિધર્મીઓની ગદ્દારીઓ શોધી કાઢવી, જુઠાણાં અને કૂપ્રચાર, ઉદારમતવાદીઓનું ચારિત્ર્ય હનન કે શારીરિક હનન વગેરે. આગળ કહ્યું એમ બધું જ સમાંતરે ચાલી રહ્યું છે. અંગ્રેજોએ ભાગલા પાડીને રાજ કરવા માટે ઇતિહાસનાં પુસ્તકો એ રીતે લખ્યા હતા કે જેથી  હિંદુઓ, મુસલમાનો અને બીજા દરેકને એકબીજા સામે દારૂગોળો તાકવા માટે મસાલો મળી રહે. હિંદુઓની અંદર પેટા-સંપ્રદાયો અને બહુજન સમાજ માટે પણ અનુકૂળ ઇતિહાસ ઉપલબ્ધ કરી આપ્યો હતો.

બધું જ આયાતી. આર્ય સમાજનો પહેલો પ્રયોગ આયાતી. બહુમતી રાષ્ટ્રવાદનો બીજો પ્રયોગ આયાતી. ભાષા અને સાધનો આયાતી. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આયાતી. કશું કરતાં કશું ભારતીય નહોતું અને આજે પણ નથી. ટૂંકમાં હિન્દુ બહુમતી રાષ્ટ્રવાદ અથવા હિંદુ રાષ્ટ્ર એ ભારતની ભૂમિમાં, ભારતની આબોહવામાં વિકસેલો છોડ નથી.

સવાલ એ છે કે શુ ભારતની ભૂમિ અને આબોહવા વિદેશથી આયાત કરેલા બહુમતી રાષ્ટ્રવાદના છોડને ઉછેરી શકે એવી અનુકૂળ છે? લોકમાન્ય ટિળક, મદન મોહન માલવિય, લાલા લાજપત રાય અને બીજા જે કેટલાક હિંદુપક્ષપાત ધરાવતા નેતાઓ હતા તેમને પણ નહોતું લાગતું કે ભારતની ભૂમિ અને આબોહવા હિંદુ બહુમતી રાષ્ટ્રવાદને અનુકૂળ છે. ગાંધીજીના આવ્યા પછી કૉંગ્રેસમાં પણ મોટી સંખ્યામાં હિંદુ પક્ષપાતી નેતાઓ હતા અને તેમને પણ નહોતું લાગ્યું કે ભારતની ભૂમિમાં હિંદુ રાષ્ટ્રવાદનો છોડ ઊછરી શકે. જો તેમને એવી શકયતા દેખાઈ હોત તો કદાચ તેમણે એ માર્ગ અપનાવી પણ જોયો હોત એટલી હદે તેઓ હિંદુપક્ષપાતી હતા. કૉંગ્રેસના બહુ ઓછા હિંદુ નેતાઓએ ગાંધીજીના અનાગ્રહી રાષ્ટ્રવાદને દિલથી સ્વીકાર્યો હતો, પરંતુ તેઓ લાચાર હતા.

આમ એ સમયે કૉંગ્રેસમાં જે હિંદુ નેતાઓ હતા તેમને સાવરકર જેવાઓનો માર્ગ વ્યવહારુ નહોતો લાગતો. આજે રાષ્ટ્રવાદીઓ અને દેશભક્તોની જે દલીલો તમને શીરાની જેમ ગળે ઊતરી જાય છે એ ત્યારે મોટા ગજાના હિંદુ નેતાઓને ગળે ઊતરી નહોતી. એવું બને એ નેતાઓ આજના ભક્તો જેટલા બુદ્ધિમાન નહીં હોય અથવા તેમનો દેશપ્રેમ ટકોરાબંધ નહીં હોય. આજકાલના ભક્તો તો બત્રીસલક્ષણા છે અને તેમની સામે ગીતા રહસ્ય લખનારા લોકમાન્ય ટિળકનું શુ ગજું?

તો પછી એ સમયના કોંગ્રેસના હિંદુ નેતાઓ પાસે વિકલ્પ શું હતા? એક વિકલ્પ સાવરકરનો દાદાગીરીનો હતો, જે તેમને વ્યવહારુ નહોતો લાગતો. બીજો વિકલ્પ અનુનયનો હતો, પણ કેટલાનો અનુનય કરવો અને ક્યાં સુધી? મુસલમાનોનો કરો, અન્ય વિધર્મીઓનો કરો, દલિતોનો કરો, બહુજન સમાજનો કરો, દક્ષિણ ભારતીયોનો કરો, ઈશાન ભારતના વાંશિક અસ્મિતાઓ ધરાવતા લોકોની કરો, આધુનિકોની કરો, સનાતનીઓનો કરો, શીખોની કરો, હિંદુ પેટા-સંપ્રદાયવાળાઓની કરો એમ કેટલા લોકોને રાજી કરતા રહેવાનું અને ક્યાં સુધી? આનો તો ક્યારે ય અંત જ નહીં આવે.

ત્રીજો વિકલ્પ રાજકીય સમજૂતીનો હતો. એવો કોઈક ઢાંચો વિકસાવીએ કે આપસમાં સમજૂતી કરીને સાથે જીવીએ. સંખ્યા મુજબ ભાગીદારી. વ્યાપકપણે ભાગીદારી હિંદુ અને મુસલમાન વચ્ચે. એ પછી હિંદુ અને મુસલમાનો પોતાને મળેલા હિસ્સામાંથી દલિતો, બહુજન સમાજ, શિયાઓ કે જેને ભાગ આપવો હોય એને આપે. ટૂંકમાં ભારતમાં હિંદુઓનું સામાજિક સ્વરૂપ એવું છે જેને બદલી શકાય એમ નથી અને પશ્ચિમના દેશો જેવી રાષ્ટ્રીયતાના અભાવમાં દાદાગીરી થઈ શકે એમ નથી. જો દાદાગીરી કરવા જાઓ તો લાભ કરતાં નુકસાન વધારે છે જે રીતે પંજાબમાં શીખોએ પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું બંધ કર્યું. જો પંજાબમાં આર્ય સમાજીઓએ દાદાગીરીવાળું આક્રમક રાજકારણ ન કર્યું હોત તો ખાલીસ્તાનનું આંદોલન ન થયું હોત.

તો સતામાં ભાગીદારીની સમજૂતી એ એક માત્ર વ્યવહારુ માર્ગ છે એમ એ સમયના કૉંગ્રેસના હિંદુ નેતાઓને લાગ્યું હતું. ૧૯૧૬માં લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ભાગીદારીની સમજૂતી થઈ હતી. એ સમજૂતીના આર્કિટેક્ટ હતા કૉંગ્રેસ અર્થાત્‌ હિંદુઓ તરફે લોકમાન્ય ટિળક અને મુસલમાન તરફે મહમ્મદ અલી જિન્નાહ. 

હવે આવે છે મોહનદાસ ગાંધી જે જુદો જ રસ્તો અપનાવે છે જેની વાત આવતા અઠવાડિયે.

સૌજન્ય : ‘નો-નૉનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૉગસ્ટ 2018

Loading

12 August 2018 admin
← 
મોબ લિન્ચિંગના જમાનામાં ‘કાબુલીવાલા’ની પ્રસ્તુતતા
આને કહેવાય દેશપ્રેમ. રાફેલ સોદામાં રાતોરાત ગેમ થઈ ગઈ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved