Opinion Magazine
Number of visits: 9759924
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 April 2026

રમેશ ઓઝા

ઇરાનના શાસકો અને ધર્મગુરુઓ પોતાની પ્રજા સાથે જે કરી રહ્યા છે અને ઈરાન બીજા દેશો સાથે જે કરી રહ્યું છે એ ભારત કરી શકે અને ભારતની પ્રજા (ખાસ કરીને હિંદુ) સહન કરી શકે? ઇઝરાયેલ જે કરી રહ્યું છે અને પોતાની પ્રજાને જેવું જીવન આપ્યું છે એ ભારત કરી શકે અને ભારતની પ્રજા સહી શકે? અન્ય મુસ્લિમ દેશોમાં ધર્મના નામે જે બની રહ્યું છે અને પ્રજા સહી રહી છે એ ભારતમાં શક્ય છે? ઉત્તર કોરિયા દુનિયા સાથે અને પોતાની પ્રજા સાથે જે કરી રહ્યું છે એ ભારત સરકાર અને ભારતની પ્રજા કરી કે સહી શકે? દાખલા આપવા હોય તો બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મની, ઇટલી, જપાનના આપી શકાય, એ દરમ્યાન અને એ પછીનાં વર્ષોનાં સ્તાલીનકાલીન સોવિયેત રશિયાનું આપી શકાય, માઓકાલીન ચીનનું આપી શકાય, પૂર્વ યુરોપનાં સામ્યવાદી દેશોનું આપી શકાય, ઈદી અમીન અને તેના જેવા શાસકોનો શિકાર બનેલાં આફ્રિકા અને લેટિન અમેરિકાના બીજા દેશોનાં આપી શકાય. આ સિવાય સુદાન, સીરિયા, ચેકોસ્લોવેકિયા, મ્યાનમાર, હૈતી, ઈથિયોપિયા જેવા બીજા એક ડઝન દેશોમાં પ્રજાએ આપસી કત્લેઆમ કરી છે અને સહી છે એનાં આપી શકાય. વર્તમાન ચીન અને રશિયાનું આપી શકાય. શું ભારતીય પ્રજા આ કરી કે સહી શકે એમ છે?

આ બધા દેશો એવા છે જેમાં ત્યાનાં શાસકો બેફામ હિંસા કરે છે, જાણીબૂજીને આયોજનના ભાગરૂપે હિંસા કરે છે, પ્રજાએ સુદ્ધા હિંસામાં ભાગ લીધો છે અને હિંસા સહન પણ કરી છે. દૈનંદિન હિંસા ત્યાંના સમાજજીવનનું અંગ છે. શું ભારતની પ્રજા (ખાસ કરીને હિંદુઓ) આવું કરી કે સહી શકે? થોડુંક આત્મનિરીક્ષણ કરો. શું આવી જિંદગી આપણે જીવી શકીએ? સાચી વાત તો એ છે કે જગતના લોકતાંત્રિક વિકસિત દેશોમાં (જેમ કે કેનેડા, ફ્રાંસ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, જપાન વગેરે. અમેરિકાનો પણ આમાં સમાવેશ થાય છે, પણ આજકાલ એક પાગલ મનસ્વીપણે વર્તે છે એ એક અપવાદ છે) ત્યાંની પ્રજા ભેદભાવ વિના જેવી મોકળાશ અનુભવે છે એવી મોકળાશ આપણે આજ સુધી અનુભવતા આવ્યા છીએ અને તેમના જેટલું ભલે ન હોય, પણ એકંદરે રાજ્ય મર્યાદા જાળવનારુ જવાબદાર છે. ભારત વિકસિત દેશ નહીં હોવા છતાં એકંદરે વિકસિત દેશોની મૂલ્યવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ધરાવે છે. વિકાસશીલ દેશોમાં ભારત કદાચ એકમાત્ર દેશ છે જે અર્થતંત્રને મોરચે ભલે નહીં, પણ મૂલ્યવ્યવસ્થા અને જવાબદાર રાજ્યતંત્રના મોરચે વિકસિત દેશોની હરોળમાં બેસે છે. બાકી કહેવાતા સમૃદ્ધ દેશોમાં પણ હિંસાનું તાંડવ ચાલે છે. ઇઝરાયેલ અને તેલના કારણે સમૃદ્ધ થયેલા કેટલાક મુસ્લિમ દેશો આનું ઉદાહરણ છે.

જન્મ લીધા પછી ગમે ત્યારે મોત આવે એ હદે જિંદગી અસલામત હોય, માની નજર સામે બાળક મરતાં હોય, વીણીવીણીને સામૂહિક હત્યાઓ કરાતી હોય, વિકાસ કરતાં વધુ ખર્ચો રક્ષણ માટે કરવામાં આવતો હોય, એની પાછી આર્થિક કિંમત હોય અને બાળકો ભૂખે મરતાં હોય, શાસકોની ચોવીસે કલાક તમારા પર નજર હોય, ગમે ત્યારે તમને ગુનેગાર ઠરાવીને સજા કરાતી હોય, અશાંતિનો લાભ લઈને ચાલાક દેશો કુદરતી સંસાધનો લૂંટીને એ દેશને અંદરથી ફોલી નાખતા હોય વગેરે. ટૂંકમાં ગમે ત્યારે જેલમાં જવાનું અથવા ગોળીએ મરવાનું અને જો ગોળીથી બચો તો ભૂખે મરવાનું! આવી બર્બરતા આ બધા દેશોની વાસ્તવિકતા હતી કે છે. આપણે એ કરી કે સહી શકીએ ખરા? અને એનાથી પણ મહત્ત્વનો સવાલ એ માર્ગ અપનાવવો જોઈએ ખરો? સૌથી પહેલાં તો આપણે આ બધા દેશો પર એક સામટી નજર કરવી જોઈએ. શા માટે આ બધા દેશોને હિંસા કરવાનો કે ખમવાનો વખત આવ્યો? તેમના નસીબ ખરાબ હતા કે પછી કશાક બીજાં કારણો હતાં અને આજે પણ છે. આ બધા દેશો પર એક સામટી નજર કરશો તો ધ્યાનમાં આવશે કે આ બધા દેશોમાં ત્યાંના શાસકોને અથવા પ્રજાને અને કેટલીક જગ્યાએ બન્નેને ‘બીજા’નું કશુંક સ્વીકાર્ય નહોતું કે નથી અને ‘પોતા’નું સ્વીકાર્ય બને એવો આગ્રહ નજરે પડશે. ઘડીભર થોભો અને ઉપરના દરેકે દરેક હિંસાગ્રસ્ત દેશના ઇતિહાસ કે વર્તમાન પર નજર કરો અને તપાસો કે હું જે કહું છું એ વાત ખરી છે કે ખોટી? શિયાને સુન્ની સ્વીકાર્ય નથી, સુન્નીને શિયા સ્વીકાર્ય નથી, પરંપરાપૂજકોને પરિવર્તન સ્વીકાર્ય નથી, રૂઢિચુસ્તોને આધુનિકતા સ્વીકાર્ય નથી, પુરુષને સ્ત્રીની આઝાદી સ્વીકાર્ય નથી, મુસ્લિમને યહૂદી સ્વીકાર્ય નથી, યહૂદીને મુસ્લિમ સ્વીકાર્ય નથી, સમાજવાદી-સામ્યવાદીને મૂડીવાદી અર્થતંત્ર સ્વીકાર્ય નથી, તાનાશાહને લોકશાહી સ્વીકાર્ય નથી, શ્રીલંકામાં સિંહાલાને તમિલ સ્વીકાર્ય નથી, એક કબિલાઈ પ્રજાને બીજા કબીલાની પ્રજા સ્વીકાર્ય નથી, બાંગ્લાદેશમાં બંગાળીને ઉર્દૂ સ્વીકાર્ય નથી વગેરે વગેરે વગેરે. ૨૦મી સદી અને ૨૧મી સદીમાં જ્યાં જ્યાં લોહી રેડાયું છે અને આજ પણ લોહી રેડાઈ રહ્યું છે એ એકે એક દેશ પર નજર કરશો તો આ જ હકીકત જોવા મળશે. કોઈકને કશુંક સ્વીકાર્ય નથી અને પોતાનું કશુંક સ્વીકાર્ય બને એ માટેનો આગ્રહ છે. અમુક દેશમાં શાસકો આગ્રહી છે અને અમુક દેશમાં શાસકો અને પ્રજા બન્ને આગ્રહી છે. આમાં હિંસા થવી અનિવાર્ય છે. ક્યાંક આંતરિક અને ક્યાંક બહારના સાથે અને કેટલીક જગ્યાએ બન્ને પ્રકારની હિંસા.

ગમા-અણગમાનો, સ્વીકાર્ય અને અસ્વીકાર્યની પ્રજાકીય વૃત્તિનો રાજકારણીઓ લાભ લે છે, એની આસપાસ રાજકારણ વિકસે છે અને રાજ્ય એ રીતે આકાર પામે છે. એક દિવસ અસ્વીકૃત સાથે ભેદભાવ, અન્યાય, અસભ્યતા અને હિંસા વગેરે રાજ્યમાન્ય બને છે. એ પછી શું થાય છે ખબર છે? શાસકો બેફામ બનવા લાગે છે. બહુમતી પ્રજાને જેની સુગ છે એનાથી એ લોકો બહુમતી પ્રજાને બચાવવાનો દાવો કરે છે અને બહુમતી પ્રજા પોતાનું જે સ્વીકાર્ય બનાવવા માગે છે તેના તેઓ ઠેકેદાર બની જાય છે. પ્રારંભમાં શાસકો પ્રજાની મૂક કે સક્રિય સ્વીકૃતિ સાથે હિંસા કરે, અત્યાચાર કરે, દમન કરે અને જો પ્રજાકીય સક્રિયતા ઘટતી નજરે પડે તો શાસકો પ્રજાને આપસમાં લડાવે. પ્રજાકીય યુદ્ધ, આંતરવિગ્રહ, અન્ય દેશો સાથેનું યુદ્ધ એમ જ્યારે હિંસા ક્રૂર અને વ્યાપક બનવા લાગે ત્યારે બીજા દેશો તેનો લાભ લેવાનું શરૂ કરે અને એ હિંસાગ્રસ્ત દેશને અંદરથી ખોખલો કરે. ઘણીવાર દુષ્ટતાની ધરી પણ રચાય. ઉપર કહ્યા એ દેશો પર હજુ એકવાર નજર કરશો તો આ જ હકીકત જોવા મળશે.

ભારતીય પ્રજા (મુખ્યત્વે હિંદુઓ) આવી બર્બરતા આચરી શકે અને ખમી શકે? આ માર્ગ અપનાવવો જોઈએ ખરો? જેણે અપનાવ્યો છે એમાંથી કયો દેશ કે કઈ પ્રજા સુખી છે? ઇઝરાયેલ યહૂદીઓ ભૌતિક રીતે સુખી છે, પણ અદ્ધરજીવે જીવે છે. આવું જ ચીનાઓનું. ક્યારે તમને રાજ્યદ્રોહી જાહેર કરીને જેલમાં મોકલવામાં આવે એ કોઈ કહી શકે નહીં. હિંસા અને ચોવીસ કલાકની અસલામતી કરતાં સહિષ્ણુતા વધારે સારી એવું નથી લાગતું? તમને એવું નથી લાગતું કે યહૂદીઓએ આરબો ઉપર સરસાઈ મેળવવાની જગ્યાએ આરબો સાથે સહઅસ્તિત્વનો માર્ગ અપનાવ્યો હોત તો વધારે સુખી પણ હોત અને શાંતિથી જીવતી હોત? જે જે લોકોએ વિચારધારાની સરસાઈ, સંખ્યા આધારિત પ્રજાકીય સરસાઈ, ધર્મની સરસાઈ, સામાજિક પરંપરા-માન્યતાઓની સરસાઈ, સામાજિક સરસાઈ મેળવવાનો પ્રયાસ કર્યો છે તેમના હાથમાં હિંસા અને અસલામતી સિવાય કશું જ હાથમાં આવ્યું નથી. ઉપર બતાવ્યા એવા સોએક દેશનો સો વરસનો ઇતિહાસ તપાસી જુઓ. ખાસ કરીને હિંદુ રાષ્ટ્રના સમર્થકોને મારો સવાલ છે કે તમે શું સભ્ય દેશોની પંક્તિમાંથી બહાર નીકળીને ઉપર કહ્યા એવા દેશોની પંક્તિમાં બેસવા માંગો છો? પાછું એ દેશોની પ્રજા હિંસા, અસલામતી અને ખુવારી સિવાય કશું પામી નથી.

બીજું અહીં શૌર્યને પણ સમજી લેવું જોઈએ. મર્દાનગીને સમજી લેવી જોઈએ.   

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2026 

Loading

6 April 2026 Vipool Kalyani
← સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
ઈસ્માઈલ મીર (1918 – 2000) →

Search by

Opinion

  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved